ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી, 15 ગીતો, 2 ચૌબોલા અને 5 છંદ સાથે નૃત્યનો સમાવેશ થયેલો. ગદ્યસંવાદો માત્ર બે જ હતા. નાટકમાં નાયક ઇન્દ્રરાજાના દરબારમાં ઉત્સવ માણવા ઝંખે છે. તે પછી અનેક સંઘર્ષોનો સામનો કરે છે.
ભારતના વિવિધ પ્રદેશોમાં આ નાટકે નવી પરંપરા વિકસાવી એમ કહેવાય છે. અમાનતના આ નાટકનું વસ્તુ લઈને થોડા ફેરફાર સાથે મદારીલાલે એ જ નામનું નાટક રચ્યું હતું. પછી ઇબ્રાહીમ યૂસુફે ‘ઇન્દરસભામેં’ રચ્યું. ભૈરોસિંઘનું ‘ઇન્દરસભા’ આ પરંપરામાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં સાહિત્ય અને રંગભૂમિનાં તત્વોનો રોચક મેળ છે.
આ નાટકનો હેતુ હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિની એકતા દર્શાવવાનો હતો. રાજા ઇન્દર લખનૌના મુસ્લિમ નવાબનો મુગટ ધારણ કરે છે અને અખ્તરનગરમાં વસે છે. મુસ્લિમ રાજકન્યા જોગણનો વેશ ધારણ કરે છે અને ભૈરવી રાગમાં ગીત ગાઈને ઇન્દરરાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે.
વળી, તેની રજૂઆત કેટલેક અંશે સંસ્કૃત પરંપરાને અનુસરતી જણાય છે. તેનો આરંભ નટો અને સંગીતકારોના સમૂહગાનથી થાય છે અને અંતે ‘મુબારકબાદ’ ગીત ગવાય છે. એમાં વિવિધ ર્દશ્યો માટે જુદા પડદા નહોતા. નટો મહોરાં પહેરતા અને સફેદ રંગ તથા અબરખ વડે મુખ શણગારતા.
અમાનતના આ નાટકનો ફિડરિશ રોશને જર્મન ભાષામાં અનુવાદ કરેલો. તેનાથી યુરોપમાં તેના વિશે રસ જાગેલો.
કૃષ્ણવદન જેટલી
હસમુખ બારાડી