ઇન્ડોબ્રહ્મ નદી
January, 2002
ઇન્ડોબ્રહ્મ નદી (શિવાલિક નદી) : સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રની પ્રાચીન માતૃનદી. તૃતીય ભૂસ્તરયુગ(Tertiary Period)ના અંતિમ ચરણથી માંડીને આજ સુધીમાં ઉત્તર ભારતની મુખ્ય જળપરિવાહરચનામાં ઘણા અને મોટા પાયા પરના ફેરફારો થયેલા છે. આ ફેરફારોએ ઉત્તર ભારતની નદીઓનાં વહેણોને વિપરીત કરી મૂક્યાં છે.
આસામથી કુમાઉં અને પંજાબ થઈને સિંધ સુધીનો હિમાલયનો તળેટી વિભાગ શિવાલિક નિક્ષેપોના લાંબા પાતળા પટ્ટાથી રચાયેલો છે. પૂર્વથી પશ્ચિમ તરફ ધીમે ધીમે પહોળો બનતો જતો આ પટ્ટો આસામથી માંડીને ઘણે દૂર રહેલા પંજાબના વાયવ્ય ખૂણા સુધી વિસ્તરતી હિમાલયની હારમાળાને સમાંતર તેમજ તેની દક્ષિણે રહેલી વાયવ્યતરફી વહેણવાળી બહુ જ મોટી એક પ્રાચીન નદીના અસ્તિત્વનું સૂચન કરે છે, જે આ કાળના પશ્ર્ચાત્ સમયમાં વાયવ્યને બદલે દક્ષિણતરફી વહેણ બનાવીને સિંધ અને પંજાબના તે વખતના ક્રમશ: પાછા હઠતા જતા માયોસીન સમુદ્રને મળતી હતી. આ વિસ્તારમાં અત્યારે જોવા મળતી નિક્ષેપરચના તેનાં પૂર દ્વારા લવાયેલા કાંપને કારણે બનેલી હોવાનું માનવામાં આવે છે. બ્રહ્મપુત્ર, ગંગા અને સિંધુ એક કાળે ભેગી મળીને પ્રાચીન નદી રૂપે તેમનાં પાણી સંયુક્તપણે ઠાલવતી હોવાને કારણે તેને પિલ્ગ્રિમે ‘શિવાલિક’ નદી અને પાસ્કોએ ‘ઇન્ડોબ્રહ્મ’ નદી નામ આપેલ છે. આ નદીને હિમાલય પર્વતમાળાના મુખ્ય ઊર્ધ્વગમન (upheaval) બાદ રહી ગયેલા ટેથીઝના અવશેષરૂપ સમુદ્રની સાંકડી પટ્ટીની અનુગામી તરીકે ગણવામાં આવે છે. નૈનિતાલ, સોલોન, મુઝફ્ફરાબાદ અને અટકથી સિંધ સુધી એને સ્થાને આવતી નદીના ત્રિકોણપ્રદેશ આગળ વધવાથી, સમુદ્ર પાછળ હઠતો ગયો હતો. આ પ્રદેશોમાં મળી આવતા નુમ્યુલાઇટયુક્ત ચૂનાખડકના નિક્ષેપો ઇયોસીન-અખાતના વિસ્તારની અને સીમાની સાબિતી આપે છે. શિવાલિક ખડકરચનાનાં લક્ષણો જ ઉત્પત્તિ સૂચવી જાય છે. મધ્ય હિમાલયના મધ્ય ભાગમાં રહેલા ગ્રૅનાઇટ-ખડકોના મુખ્યત્વે જળપ્રેરિત કાર્યની અસર નીચે તૈયાર થયેલા શિલાચૂર્ણની બનેલી શિવાલિક રચના, તેની જગાએ એક વખતે ‘શિવાલિક’ નદી અસ્તિત્વ ધરાવતી હતી, તેની સાક્ષી પૂરે છે. ઇયોસીન અખાત કે જે આસામથી સિંધ સુધી વિસ્તરેલો હતો તે પુરાઈ જતાં તેનું પરિવર્તન નદીથાળા(river-basin) રૂપે થયું, જેમાં માયોસીનના પ્રારંભકાળ અને પ્લાયોસીનના અંતકાળ વચ્ચેના સમય દરમિયાન મરી અને શિવાલિક નિક્ષેપોની જાડી શ્રેણીની જમાવટ થઈ. વાયવ્ય પંજાબમાં થયેલા પશ્ચાત્-શિવાલિક હલનચલનને કારણે આ નદીરચનાનું વિભાજન થયું, જે અત્યાર સુધી આસામમાં તેનાં ઉપરવાસનાં પાણીમાંથી શરૂ થઈને ભારતમાં પૂર્વ-પશ્ચિમ વહીને પોટવાર સુધી અને ત્યાંથી સિંધના અખાતના પાછા હઠતા જતા શિખાગ્ર ભાગ (apex) સુધી વહેતી હતી, તેનું ત્રણ શાખા-નદીરચનાઓમાં વિભાજન થયું : (1) વાયવ્ય હઝારામાંથી વર્તમાન સિંધુ, (2) સિંધુની પંજાબમાંની પાંચ શાખાનદીઓ, (3) ગંગારચનાની નદીઓ, જેમણે છેવટ અગ્નિ તરફનો પ્રવહનમાર્ગ ગ્રહણ કર્યો. બ્રહ્મપુત્ર સ્વયં અલગ પડી ગઈ.
પોટવારનું ઉચ્ચપ્રદેશમાં ઊર્ધ્વગમન થવાથી મુખ્ય નદીના વાયવ્ય વિભાગનું તેની પૂર્વ તરફની છેલ્લામાં છેલ્લી સતલજ શાખાનદી સાથે અલગ, સ્વતંત્ર પરિવાહ-થાળું (basin) બન્યું. મુખ્ય નદી આટલે સુધી તેના સિંધુ સાથેના સંગમ સુધી જે માર્ગમાં થઈને વહેતી હતી તે જમનાના અત્યારના પ્રવહનમાર્ગનું વાયવ્યતરફી વિસ્તરણ હતું, ત્યાંથી તે સોનના વર્તમાન પટમાંથી સિંધુને મળતી હતી. ઊર્ધ્વગમનના હલનચલન અને વાયવ્ય વિભાગના અલગ થયા બાદ મુખ્ય પ્રવહનમાર્ગના બાકીના ઉપરના વિભાગથી વિરુદ્ધ દિશાના વહનની ક્રિયા બની, જેને કારણે હાલના લગભગ સમાંતર તેમજ પર્વતતળેટીમાં આવેલાં મેદાનોમાં થઈને બંગાળના ઉપસાગર તરફનો નિર્ગમમાર્ગ બનવા માટે તેનાં પાણી પંજાબ-ઊર્ધ્વગમન દ્વારા પાછાં હડસેલાયાં. પાસ્કોના મત પ્રમાણે આ જળપરિવાહની વિપરીતતા માટે શાખાનદીઓની શિરોઘર્ષણ(headward erosion)ને કારણે ઉદભવેલી સ્રોત-હરણ (river piracy) ક્રિયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
શિવાલિક નદીનો અલગ પડી ગયેલો ઉપલો ભાગ હાલની ગંગાનદી બન્યો અને કાળક્રમે અનુપ્રસ્થ (transverse) રીતે વહેતી જમના નદીની સ્રોતહરણક્રિયા બની, જે ગંગાની શાખામાં પરિણમી. હિમાલયની અનુપ્રસ્થ નદીઓ અલકનંદા, કરનાલી, ગંડક અને કોશીનાં પાણી તેમાં ઠલવાતાં રહ્યાં. જળવિભાજક(water-divider)નાં એક કે બીજી બાજુ પર થતાં જતાં ગૌણ સ્થળાંતરને કારણે પ્રાગ્-અર્વાચીન સમય દરમિયાન સિંધુમાં વહેતી પૂર્વ તરફની શાખાઓ તેમજ જમનામાં વહેતી પશ્ચિમ તરફની શાખાઓ વચ્ચે થોડોઘણો અરસપરસ ફેરફાર થયેલો છે. પ્રાગ્-ઐતિહાસિક સમયમાં તે સિંધુમાં વહેતી હતી તે માન્યતા માટે પ્રાકૃતિક અને ઐતિહાસિક પુરાવા છે. જમના નદી હિંદુ માન્યતાની સરસ્વતી નદીના અત્યારે ત્યજી દીધેલા પટ પરથી વહેતી હતી. હાલનો તેનો વહનમાર્ગ તો પાછળથી ઉદભવેલો છે.
અર્વાચીન જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના પંજાબ વિભાગો શિવાલિક રચનાની સૌથી ઉપરની કક્ષાના ઊર્ધ્વગમન બાદ તેમજ સિંધુના ગંગાથી અલગ થયા પછી તરત જ અસ્તિત્વમાં આવેલા છે. પોટવાર ઉચ્ચપ્રદેશના નિર્માણ માટે કારણભૂત હલનચલનને પરિણામે દક્ષિણ પંજાબની નાની નદીઓનો કાયાકલ્પ થયો તે વખત સુધી તે નદીઓનાં પાણી નીચલી સિંધુમાં ઠલવાતાં હતાં. ઉપર્યુક્ત ક્રિયાને પરિણામે શિરોઘર્ષણનું કાર્ય ઉગ્ર બન્યું અને શિવાલિક નદીના પોટવાર વિભાગમાંથી સિંધુ તરફના તેના પશ્ચિમ વહનમાંથી ક્રમશ: સ્રોતહરણની ક્રિયા બની; છેવટે તેમનાં ઉપરવાસનાં પાણી પર્વતોમાંથી નીકળતાં નવાં વેગવાળાં ઝરણાં સાથે મળવાથી આ નદીઓ કદમાં મોટી બનતી ગઈ અને આમ આ પ્રદેશની પાંચ અગત્યની નદીઓ અસ્તિત્વમાં આવી. ઉપર દર્શાવેલા ફેરફાર પછી આ મુખ્ય નદીના પહોળા પરંતુ હાલના સૂકા પશ્ચિમ ભાગમાંથી અત્યારે નાની સોન નદી વહે છે. આ નદીનું પહોળું પાત્ર તેમજ ઘણા મોટા વિસ્તારમાં મળી આવતાં નદીજન્ય નિક્ષેપોવાળાં લક્ષણો, આ નદી સાથે સુસંગત નથી.
હિમાલયના પર્વતો પાર્થિવ ઘસારા(subaerial erosion)ના ખૂબ જ ક્રિયાશીલ તબક્કાની અસર હેઠળ છે; પ્લાયોસીન કાળથી હિમાલયના વિભાગમાંથી ઘસારાને કારણે જે દ્રવ્યજથ્થો ખેંચાઈ રહ્યો છે તેનું પ્રમાણ ભારતનાં મેદાનો અને ગંગાના ત્રિકોણપ્રદેશ પરથી મળી રહે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા