ઇન્ડોચાઇના (હિંદી ચીન) : અગ્નિએશિયામાં આવેલો દ્વીપકલ્પીય પ્રદેશ. ભૌગોલિક માહિતી : આ પ્રદેશ આશરે 8o 0´ ઉ. અ.થી 23o 0´ઉ. અ. અને 101o 0´ પૂ. રે.થી 109o 0´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ પ્રદેશની પૂર્વે દક્ષિણ ચીનનો સમુદ્ર, ઈશાને અને ઉત્તરે ચીન, વાયવ્યે મ્યાનમાર, પશ્ચિમે અને નૈર્ઋત્ય દિશાએ થાઇલૅન્ડ દેશ આવેલો છે. ઇન્ડોચાઇના તરીકે ઓળખાતા આ પ્રદેશમાં ત્રણ રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે : (1) વિયેટનામ, (2) લાઓસ, (3) કમ્બોડિયા (કમ્પુચિયા). તેમનું કુલ ક્ષેત્રફળ 7,47,401 ચોકિમી. થાય છે. (વિયેટનામ 3,29,566 ચોકિમી., લાઓસનું 23,688 ચોકિમી. અને કમ્બોડિયાનું 1,81.035 ચોકિમી.).
ભૂપૃષ્ઠ : ઇન્ડોચાઇના તરીકે ઓળખાતા પ્રદેશના ઉત્તરમાં પર્વતમાળા આવેલી છે. જે દક્ષિણ ચીનની પર્વતમાળાના ભાગ રૂપે ઓળખાય છે. તેની ઊંચાઈ 2400 મીટર જેટલી છે. ઇન્ડોચાઇનાના કુલ ભૂમિવિસ્તારના 85 ટકા ભાગ ઉપર પહાડો કે ઉચ્ચપ્રદેશ જ્યારે 15 ટકા ભાગ ઉપર સપાટ મેદાનો આવેલાં છે. આ મેદાનો નિર્માણ કરવામાં રેડ નદી અને મેકોંગ નદીનો ફાળો મહત્વનો ગણાય છે. મેકોંગ નદીનો દક્ષિણ એશિયાની મોટી નદીઓમાં સમાવેશ થાય છે. આ નદી લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચે સીમા તરીકેનું કાર્ય કરે છે. આ નદીના મધ્ય ભાગમાં અનેક જળધોધ અને જળપ્રપાત આવેલા છે. તેમાં ખોનનો જળધોધ પ્રસિદ્ધ છે. આ પ્રદેશમાં વાંસ, તજ, સિંકોના, સાગનાં વૃક્ષો આવેલાં છે. ઉપરાંત રબર, ઇલાયચી વગેરેના બગીચા આવેલા છે.
ખેતી : આ પ્રદેશમાં ધાન્ય પાક તરીકે ડાંગર અને મકાઈ જ્યારે રોકડિયા પાકમાં શેરડી, તમાકુ, કપાસ, કૉફી, ચા અને શણની ખેતી મુખ્ય છે. આ સિવાય વિવિધ શાકભાજી શક્કરિયાં, કઠોળ અને ફળોમાં નારંગી, કેળાં અને પાઇનેપલની ખેતી થાય છે. ખેતી સાથે માછીમારી, ઢોર-ઉછેર, મરઘાં-બતકાં ઉછેરની પ્રવૃત્તિનો વિકાસ થયેલો છે.
ખનિજસંપત્તિ : આ વિસ્તારમાંની કોલસો, જસત, સીસું, કલાઈ, ફૉસ્ફેટ, બૉક્સાઇટ વગેરે ખનિજો મેળવાય છે.
ઉદ્યોગો : અહીં સુતરાઉ અને રેશમી કાપડની મિલો, શણ, ચામડાં, કાગળ અને જહાજ બનાવવાના ઉદ્યોગ, તેમજ સિમેન્ટ, રબર, બટન, કાચ, સાબુ, ટાયર, સીવવાના સંચા, સિગારેટ, સ્કૂટર બનાવવાનાં કારખાનાં અને વીજાણુ-સાધનો બનાવવાના એકમોનો વિકાસ થયેલો જોવા મળે છે.
પરિવહન અને વેપાર : આ પ્રદેશમાં પહાડો, જંગલો અને નદીનાળાં વધુ આવેલાં હોવાથી પરિવહનનો વિકાસ બહુ ઓછો થયો છે. આશરે 45,000 કિમી.ના રસ્તા આવેલા છે. રેલવેલાઇનો બહુ ઓછી છે. નદીઓના આંતરિક જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. આર્થિક રીતે સુખી-સમૃદ્ધ લોકો અને રાજકીય નેતાઓ હવાઈ માર્ગોનો ઉપયોગ કરે છે. હાઇફોંગ, સાયગોન, દાનાંગ અને નોમપેન્હ અહીંનાં મુખ્ય બંદરો છે. હેનોઈ, સાયગોન, હલ્યુ, દાનાંગ, દલાત, નોમપેન્હ, સિએમરીપ તથા વિએનટીએન અહીંનાં મુખ્ય હવાઈ મથકો છે.
આ પ્રદેશમાં આવેલા દેશો મોટે ભાગે રશિયા, ચીન, ફ્રાંસ, જાપાન, હૉંગકૉંગ, સિંગાપુર, મ્યાનમાર અને ભારત સાથે આયાત-નિકાસ વેપાર દ્વારા સંકળાયેલા હતા. વિયેટનામનું મુખ્ય ચલણ દોંગ, કંબોડિયાનું રીએલ અને લાઓસનું કિપ છે.
વસ્તી : આ પ્રદેશમાં વિયેટનામી (વિયેટનામ), ખમેરા (કમ્બોડિયા) અને થાઇ (લાઓસ) પ્રજા વસે છે. ઉપરાંત ટે, નુંગ, મુઓગ ચમ, મેન, મે ઓ, મોઈ, ખા અને મી નામની સ્થાનિક જાતિઓ વસે છે. ચીની, ફ્રેંચ અને માન્ય લઘુમતીઓ પણ વસે છે. અહીંની પ્રજાનો ખોરાક ચોખા અને મત્સ્ય છે. આ પ્રદેશની કુલ વસ્તી છે 165.5 લાખ (2010).
ઐતિહાસિક માહિતી : પ્રાચીન સમયથી આ પ્રદેશ ઉપર હિંદ અને ચીનની સંયુક્ત અસર હતી. આથી આ પ્રદેશને ‘વિશાળ ભારત’ કે ‘લઘુ ચીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે પ્રદેશ ભારત અને ચીન જેવી બે મહાન પ્રાચીન સંસ્કૃતિવાળા દેશોની વચ્ચે આવેલો છે.
યુરોપનાં અન્ય રાજ્યોની સામ્રાજ્ય-વિસ્તારોની પ્રવૃત્તિના પગલે ફ્રાન્સે પોતાની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ માટે એશિયામાં ઇન્ડોચાઇના પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. ઈ. સ. 1787થી ફ્રાન્સે ઇન્ડોચાઇનામાં પ્રાદેશિક પગપેસારાની શરૂઆત કરી હતી. ઈ. સ. 1887માં ફ્રાન્સે પોતાના સંસ્થાન કોચીન-ચીન અને સંરક્ષિત રાજ્યો કંબોડિયા, અનામ અને ટોનકિન ભેળવીને ઇન્ડોચાઇનાનો સંઘ રચ્યો. ઈ. સ. 1907 સુધીમાં કોચીન-ચીન, અનામ, ટોન્કીન, લાઓસ અને કમ્બોડિયાના પ્રદેશો અર્થાત્, સંપૂર્ણ ઇન્ડોચાઇના ઉપર ફ્રાન્સનું પ્રભુત્વ સ્થપાયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈ. સ. 1940ના જૂન માસમાં ફ્રાન્સનું પતન થયું. 7મી માર્ચ, 1945ના રોજ જાપાને ફ્રાન્સ સરકારને ઉથલાવીને ‘એશિયા એશિયાવાસીઓ માટે’નું સૂત્ર અમલમાં મૂક્યું. 2 સપ્ટેમ્બર, 1945ના રોજ વિયેટનામના પ્રજાસત્તાક ગણરાજ્યની જાહેરાત થઈ. ઈ. સ. 1954ના જુલાઈ માસની 7મી તારીખે જિનીવા કરાર દ્વારા ઇન્ડોચાઇનાનું યુદ્ધ બંધ કરવામાં આવ્યું અને 17o ઉ. અ. ને સીમારેખા ગણી વિયેટનામને ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેટનામ એવા બે ભાગમાં વહેંચવામાં આવ્યું. આ પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે ભારત, કૅનેડા અને પોલૅન્ડનું બનેલું આંતરરાષ્ટ્રીય નિયંત્રણ-પંચ ભારતના અધ્યક્ષપદે સ્થપાયું. આ કરારથી લાઓસ અને કમ્બોડિયાને પણ સ્વતંત્ર કરવામાં આવ્યાં. (વધુ વિગત માટે કમ્બોડિયા, લાઓસ અને વિયેટનામ જોવાં.)
શશિકાન્ત વિશ્વનાથ જાની
નીતિન કોઠારી