ઇન્ડેમ્નિટી બોન્ડ : નુકસાન ભરપાઈ ખત. વ્યક્તિ કે સંસ્થાને કોઈ કરારમાંથી સંભવિત નુકસાન ભરપાઈ કરી આપવા માટેનું કરારનામું કે ખતપત્ર. આવી બાંયધરી આપનાર પોતે બે પક્ષો વચ્ચે થતા વ્યવહારમાં પક્ષકાર ન હોવા છતાં આવા વ્યવહાર કે કરારમાંથી ઉદભવી શકે તેવા સંભવિત નુકસાન સામે, નુકસાન વેઠનાર પક્ષને નુકસાન પૂરતું વળતર જ ચૂકવી આપવાની બાંયધરી આપે ત્યારે જે કરારનામું થાય છે તેને ઇન્ડેમ્નિટી બૉન્ડ યાને નુકસાન ભરપાઈ ખત કહેવામાં આવે છે; દા.ત., ‘અ’ વ્યક્તિ ‘બ’ વ્યક્તિ પાસેથી શાખ પર માલ ખરીદે ત્યારે જો ‘ક’ વ્યક્તિ ‘અ’ વતી ‘બ’ને માલની પૂરેપૂરી કિંમત ‘અ’ દ્વારા ચૂકવવા અંગેની લેખિત બાંયધરી આપે ત્યારે ‘ક’ની આ બાંયધરીને ઇન્ડેમ્નિટી બૉન્ડ કહેવાય. માલના ખરીદવેચાણનો વ્યવહાર ‘અ’ અને ‘બ’ વચ્ચે થયેલો છે, છતાં નાણાંની ચુકવણી અંગેની પ્રાથમિક જવાબદારી ‘ક’ સ્વીકારે છે. સામાન્ય રીતે વીમા વ્યવસાયમાં આવાં કરારનામાં વધુ પ્રચલિત હોય છે.
ઇન્ડેમ્નિટી બૉન્ડનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : (1) સંભવિત નુકસાન-વળતરની બાંયધરી ત્રાહિત પક્ષ દ્વારા આપવામાં આવે છે. (2) નુકસાન-ભરપાઈનો હેતુ નુકસાન વેઠનાર પક્ષને તેની મૂળ સ્થિતિમાં, એટલે કે નુકસાન પહેલાંની સ્થિતિમાં મૂકવાનો હોય છે. (3) નુકસાન-વળતરનું નાણાકીય મૂલ્ય ખરેખર નુકસાનના મૂલ્ય જેટલું (અથવા કરારની જોગવાઈમાં ઓછું હોય તો ઓછું) હોઈ શકે, એટલે કે તે પ્રતિસ્થાપનખર્ચ(replacement cost)થી વધારે હોઈ શકે નહિ, જેથી તેનો અનુચિત લાભ લેવામાં ઉપયોગ થવા પામે નહિ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે