ઇન્ડિયાનાપોલિસ : અમેરિકાના સમવાયતંત્રના ઘટક રાજ્ય ઇન્ડિયાનાની મધ્યમાં આવેલું પાટનગર તથા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 46´ ઉ. અ. અને 86o 09´ પ. રે. 1816માં ઇન્ડિયાનાને અમેરિકાના સમવાયતંત્રમાં સમાવી લેવાયું. તેના પાટનગરના સ્થળની પસંદગી માટે નિમાયેલી ખાસ સમિતિએ આ સ્થળને 1821માં મહોર મારી અને 1825માં તે પાટનગર બન્યું. 1836માં નગર (town) તરીકે અને 1847માં શહેર તરીકે તેને સામેલ (incorporate) કરવામાં આવ્યું હતું. શિકાગોની દક્ષિણ પૂર્વમાં 300 કિમી. અંતરે આવેલું આ શહેર 7 આંતરરાજ્ય-માર્ગો તથા 9 રાષ્ટ્રીય માર્ગોનું મિલનસ્થાન હોવાથી તે ‘Crossroads of America’ તરીકે ઓળખાય છે. તેની વસ્તી આશરે 8.64 લાખ (2019) છે.
દેશનાં મહત્વનાં ઔદ્યોગિક, વ્યાપારી તથા નાણાકીય કેન્દ્રોમાં તેની ગણના થાય છે. અનાજ તથા પશુધનના મોટા પાયા પર થતા જથ્થાબંધ વ્યાપાર ઉપરાંત ત્યાં યંત્રો, દવાઓ, વાહનવ્યવહારનાં સાધનો, વીજળીનાં ઉપકરણો અને ટેલિફોન જેવાં દૂરસંચારનાં સાધનોનું ઉત્પાદન કરતાં અનેક કારખાનાં આવેલાં છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રાકૃતિક વાયુના વિશાળ ભંડાર પ્રાપ્ત થતાં ત્યાં ઘણા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ. મોટરકારના ઉત્પાદનનો પણ એમાં સમાવેશ થયો હતો.
શિક્ષણ, સાહિત્ય, કળા તથા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ તે જાણીતું છે. બટલર યુનિવર્સિટી (1855), ઇન્ડિયાના સેન્ટ્રલ યુનિવર્સિટી (1902) તથા ઇન્ડિયાના યુનિવર્સિટી (1902) ઉપરાંત ત્યાં ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ પણ છે.
પર્યટકો માટેનાં આકર્ષક સ્થળોમાં નીચેનાં ઉલ્લેખનીય છે : મૉન્યુમેન્ટ સર્કલ (1901), 87 મીટર ઊંચું સોલ્જર્સ ઍન્ડ સેઇલર્સ મૉન્યુમેન્ટ, રાજ્યનું ધારાસભા-ભવન (1878–88), અમેરિકન લીજિયનના વડા મથકની ભવ્ય ઇમારત જ્યાં આવેલી છે તે વર્લ્ડ વૉર મેમોરિયલ પ્લાઝા (1927), ફ્લોવ્ઝ મેમોરિયલ હૉલ (1963) તરીકે ઓળખાતું મંચન કળાકેન્દ્ર (centre for performing arts), કલાસંગ્રહાલય, પ્રાણીસંગ્રહાલય, અંતર્ગૃહ રમતો (indoor games) માટેનું ગુંબજાકાર સ્ટેડિયમ તથા 190 જેટલાં ઉદ્યાનો.
1911થી ત્યાં દર વર્ષે મે મહિનામાં મોટરોની સ્પર્ધા(automobile race)નું આયોજન થાય છે. એમાં મોટી સંખ્યાના સ્પર્ધકો ઉપરાંત 3 લાખ જેટલા દર્શકો સામેલ થાય છે. આ સ્પર્ધામાં શરૂઆતથી અત્યાર સુધી જે વાહનોએ ભાગ લીધેલો તે દરેકના નમૂનાઓનો સંગ્રહ ‘સ્પીડ-વે હૉલ ઑવ્ ફેમ મ્યુઝિયમ’માં રાખવામાં આવ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે