ઇન્ડિયાના : યુ.એસ.નું આડત્રીસમા ક્રમનું રાજ્ય. પ્રેરીના મેદાનપ્રદેશમાં 37o 40´ થી 41o 45´ ઉત્તર અક્ષાંશ અને 84o 45´ પ. રે. આજુબાજુ ઇન્ડિયાના રાજ્ય આવેલું છે. તે મકાઈ પકવતા વિસ્તાર(corn belt)નું એક મહત્વનું રાજ્ય છે. અહીં શરૂઆતમાં રેડ ઇન્ડિયન લોકોની વધુ વસ્તી હતી, તેના કારણે આજે પણ આ રાજ્યને ‘લૅન્ડ ઑવ્ ઇન્ડિયન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યનું ક્ષેત્રફળ 93,719 ચોકિમી. છે. તેની ઉત્તર-દક્ષિણ 424 કિમી.લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ 256 કિમી. પહોળાઈ છે. મેદાનપ્રદેશની પ્રાકૃતિક રચના ધરાવતા આ રાજ્યમાં વ્હાઇટ, વાબશ, ઓહાયો વગેરે મુખ્ય નદીઓ છે. અહીં વાર્ષિક કુલ વરસાદ 1000 મિમી. થાય છે. જાન્યુઆરી મહિનામાં તાપમાન 0o સે. અને જુલાઈમાં 26o સે. રહે છે. રાજ્યની વસ્તી 2010ના અંદાજ મુજબ 64,83,802 જેટલી છે.
પ્રેરીના મેદાનપ્રદેશની ફળદ્રૂપ જમીન, અનુકૂળ આબોહવા અને વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીને કારણે વધુ પાકનું ઉત્પાદન થાય છે. મકાઈ આ રાજ્યનો મહત્વનો પાક છે. સોયાબીન, ઘઉં, ઓટ, રાઈ, ટામેટાં, ડુંગળી વગેરે બીજા મહત્વના પાક છે. ડેરી તેમજ મરઘાંપાલન ઉદ્યોગનો પણ સારો વિકાસ થયો છે. ઉત્તર ભાગમાં મિશિગન સરોવરનો 65 કિમી. લાંબો કિનારો છે. અહીં લોખંડ, પોલાદ, ખેતીનાં ઓજારો, ફર્નિચર, દવાઓ વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.
ઇન્ડિયાનાપોલિસ ઇન્ડિયાના રાજ્યનું પાટનગર છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ક્રોફર્ડ કાઉન્ટીમાં આવેલી ‘વેનડૉટ કેવ’ એ અમેરિકાની સૌથી મોટી ગુફા છે. ફૉર્ટવેન, ગેરી, ઇયાન્સવીલ, સાઉથબૅન્ડ, હેમન્ડ વગેરે રાજ્યનાં બીજાં મહત્વનાં શહેરો છે.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ