ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી (1927-28) : બ્રિટિશ શાસન સમયમાં ભારતમાં ચલચિત્ર-નિયંત્રણ(censorship)નાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ નિર્ધારિત કરવા તથા તેના વ્યવસ્થાતંત્રની તપાસ કરવા, ચિત્રપટનિર્માણ-ઉદ્યોગ અને ચલચિત્ર-પ્રદર્શન-વ્યવસ્થાનું સર્વેક્ષણ કરવા અને બ્રિટિશ સામ્રાજ્યમાં બનતાં ચિત્રપટો અને ખાસ કરીને ભારતીય ચિત્રપટોના નિર્માણ અને પ્રોત્સાહન આપવાની દિશામાં જરૂરી પગલાં સૂચવવા નિમાયેલી કમિટી. કેન્દ્ર-સરકારના ગૃહ(રાજકીય)ખાતાના ઠરાવ દ્વારા ઑક્ટોબર, 1927માં આ સમિતિની નિયુક્તિ થઈ હતી અને ચેન્નાઈ વડી અદાલતના ધારાશાસ્ત્રી દીવાન બહાદુર ટી. રંગાચારિયર તેના અધ્યક્ષપદે નિમાયેલા હોવાથી આ સમિતિ રંગાચારિયર કમિટી તરીકે જાણીતી બની હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ના કારણે યુરોપમાં ફિલ્મ-નિર્માણ બંધ પડ્યું તથા ઇંગ્લૅન્ડમાં કાચા માલની અછત અને યુદ્ધકાળના પ્રતિબંધો જેવાં કારણોને લીધે આ પ્રવૃત્તિ રૂંધાઈ ગઈ. અમેરિકામાં આવી કોઈ તકલીફો નહિ હોવાથી ત્યાં ચલચિત્ર-ઉદ્યોગનું મોટા પાયે વિસ્તૃતીકરણ શરૂ થયું. તેની વધતી જતી લોકપ્રિયતાએ બ્રિટન અને વિશ્વના અન્ય દેશોના ચલચિત્ર-વ્યવસાય પર માઠી અસર પાડી. પરિણામે 1925 સુધીમાં બ્રિટનમાં પ્રદર્શિત થતી ફિલ્મોમાં 95 ટકા અમેરિકન ફિલ્મોનું વર્ચસ સ્થપાયું. તે સાથે બ્રિટિશ હિંદમાં સ્થાનિક ભારતીય ચલચિત્રનિર્માણપ્રવૃત્તિએ બ્રિટિશ ચલચિત્રો સાથે હરીફાઈ શરૂ કરી. 1926-27માં ભારત ખાતે રજૂઆત પામેલી ફિલ્મોની 15 ટકા ફિલ્મો સ્વદેશી અને બાકીની 85 ટકામાં મોટા ભાગની અમેરિકન ફિલ્મો હતી. બ્રિટિશ હિંદ સરકાર માટે આ પરિસ્થિતિ ચિંતાનું કારણ બની. તેનો ઉકેલ શોધવાના હેતુથી રંગાચારિયર કમિટીની નિયુક્તિ થઈ હતી.
કુલ છ સભ્યોની આ સમિતિમાં ત્રણ ભારતીય (રંગાચારિયર, ઇબ્રાહીમ હારૂન જાફર તથા કે. સી. નિયોગી) અને ત્રણ અંગ્રેજ (જે. ડી. ક્રોફૉર્ડ, એ. એમ. ગ્રીન અને જે. કૉટમૅન) હતા; પરંતુ ચલચિત્ર-ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પણ વ્યક્તિનો તેમાં સમાવેશ થયો ન હતો.
ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ચલચિત્ર-ઉદ્યોગ પર વિદેશી (મુખ્યત્વે અમેરિકન) ફિલ્મોની માઠી અસરને અંકુશિત કરવાના બહાના હેઠળ સ્થાનિક ચલચિત્ર-ઉદ્યોગને હતોત્સાહ કરવાના પ્રપંચ રૂપે નિમાયેલી આ સમિતિનો આવો નકારાત્મક ઉદ્દેશ અધ્યક્ષની કુનેહને લીધે ઊંધો વળ્યો હતો. સમિતિની રચના પાછળનો ખરો છતાં અવ્યક્ત હેતુ બ્રિટિશ ચલચિત્ર-ઉદ્યોગને ટેકો આપવાનો અને બ્રિટિશ ફિલ્મોને ભારતના પ્રેક્ષકો પર લાદવાનો હતો. આ બાબત પ્રત્યે રંગાચારિયરને કશી ભ્રાન્તિ રહેવા પામી ન હતી. તેથી સમિતિની પ્રથમ બેઠકમાં જ તેમણે પોતાના પ્રારંભિક વક્તવ્ય દ્વારા જાહેર કરેલું કે તેનું કાર્ય સિનેકૃતિઓ પરની નિયમનની સૂચિત શિથિલ પરિસ્થિતિને પૂર્વગ્રહ વિના તપાસવાનું અને ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના વિકાસ માટે પગલાં સૂચવવાનું છે.
સમિતિએ ઑક્ટોબર, 1927માં પોતાનું કાર્ય આરંભ્યું ત્યારે ભારતીય ચલચિત્ર-ઉદ્યોગની નિર્માણપ્રવૃત્તિ છૂટાંછવાયાં કેન્દ્રોમાં વહેંચાયેલી હતી. ભારતમાં આ ઉદ્યોગ માત્ર દસ વર્ષ જૂનો હતો. તેમાં માત્ર દાદાસાહેબ ફાળકે સવિશેષ સક્રિય પ્રતિભા રૂપે ઊપસી આવતા હતા. અહીં ચલચિત્રના નિર્માણ, વિતરણ અને પ્રદર્શન અંગેની નક્કર માહિતીનો અભાવ હતો; એટલું જ નહિ, પરંતુ સમિતિમાં આ અંગેની અધિકૃત જાણકારી ધરાવતા સભ્યો ન હતા. આવી પરિસ્થિતિ હોવા છતાં સમિતિના અધ્યક્ષ રંગાચારિયર વિષયની ઊંડી સમજ દાખવીને જે તારણો પર આવ્યા તે એક ખરેખર આશ્ચર્યજનક સિદ્ધિ હતી.
સમિતિએ આ કાર્ય માટે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રશ્નાવલીની 4325 નકલો મોકલી હતી, 353 સાક્ષીઓનાં મંતવ્યો એકત્ર કર્યાં હતાં, વિવિધ છબીઘરો તથા 19 જેટલાં ચિત્રપટનિર્માણ-કેન્દ્રો(studios)ની મુલાકાત લીધી હતી અને 57 સિનેકૃતિઓ નિહાળી હતી, જેમાંની 21 કૃતિઓ ભારતીય હતી; આના ફલસ્વરૂપે એપ્રિલ, 1928માં વિશદ આંકડાકીય માહિતીથી ભરપૂર એવો 3300 છાપેલાં પૃષ્ઠોમાં સંકલિત અહેવાલ તૈયાર કર્યો હતો. તત્કાલીન ભારતીય ચલચિત્ર-ઉદ્યોગ અને સિનેપ્રદર્શન વ્યવસાય પર પ્રકાશ ફેંકતો આ એકમાત્ર દસ્તાવેજ છે. અહેવાલમાં જણાવ્યું છે કે 1924-25ની તુલનામાં 1926-27માં ફિલ્મનિર્મિતિની સંખ્યા લગભગ દોઢી થયેલી હોવા છતાં મોટા ભાગનાં ચિત્રપટનિર્માણ-કેન્દ્રો અપૂરતી સાધન-સામગ્રી ધરાવતાં હતાં, બહુ જ ઓછાં ચિત્રપટ-નિર્માણકેન્દ્રોમાં આર્કલાઇટનો ઉપયોગ થતો હતો. સિનેરસાયણ શાળા પ્રાથમિક દશામાં હતી અને ગરમીને કારણે ફિલ્મનું ઇમલ્શન માવો બની જવાના કિસ્સા વારંવાર બનતા હતા. એક ચિત્ર પૂરું કરતાં કંપનીને 4-6 અઠવાડિયાં લાગતાં હતાં. દરેક કંપની વર્ષમાં સરેરાશ 10 ફિલ્મો બનાવતી અને પ્રત્યેકનું નિર્માણખર્ચ રૂ. 15,000થી 20,000 આવતું. મોટાં શહેરોમાં થયેલ પ્રદર્શન બાદ તે ભરપાઈ થઈ જતું હતું. મોટા ભાગનાં ચિત્રપટનિર્માણકેન્દ્રો ટૅકનિશિયનો તથા સિનેકલાકારોનો કાયમી સ્ટાફ નિભાવતાં હતાં. કલાકારોનું પગારધોરણ ઍક્સ્ટ્રાને રૂ. 30થી માંડી મોટી તારિકાઓનું માસિક રૂ. 700-800 સુધીનું રહેતું હતું.
ચલચિત્ર-ઉદ્યોગને મદદરૂપ થવા માટે અને તેને માર્ગદર્શન આપવા માટે સમિતિએ કેન્દ્ર-સરકારના વાણિજ્ય-ખાતાના ભાગરૂપ એક ચલચિત્ર-વિભાગ શરૂ કરવાની મુખ્ય ભલામણ કરી હતી. ઉપરાંત, એક સલાહકાર સમિતિ અને તેની કારોબારી રૂપે એક કેન્દ્રીય ચિત્રપટ મંડળના બનેલા આ ચલચિત્ર-વિભાગ દ્વારા ભારતમાં ચલચિત્રક્ષેત્રે પ્રોત્સાહક પગલાં ભરવાની પણ ભલામણ કરી હતી, જેમાં ચિત્રપટ-નિર્માતાઓને અનુકૂળ શરતે સરકારે ઋણ આપવા અંગેની વિવાદાસ્પદ ભલામણનો પણ સમાવેશ થયો હતો. આંતરિક ચલચિત્ર-ઉદ્યોગનો વિકાસ શક્ય બનાવવા સરકારે માત્ર કર વસૂલ કરી બેસી નહિ રહેતાં પ્રાપ્ત આવકના અમુક ટકા ચિત્રપટ-ઉદ્યોગના વિકાસ પાછળ ખર્ચવા જોઈએ તથા ફાળકેએ કરેલી રજૂઆત મુજબ ચિત્રપટનિર્માણ-વ્યવસાય અંગેની તાલીમ પણ સમિતિએ કરી હતી. પોતાના અહેવાલમાં સમિતિએ અમેરિકન ફિલ્મોની ભારતીય સમાજ પર માઠી અસર પડે છે તે મતલબનો હિંદ સરકારનો જાણીતો આક્ષેપ નકારી કાઢ્યો હતો, કારણ કે સમિતિના મંતવ્ય મુજબ બ્રિટિશ ફિલ્મો અમેરિકન ફિલ્મોથી ખાસ ભિન્ન નહોતી. ચલચિત્રનિયંત્રણના મુદ્દા પર સમિતિએ એક ઇન્ડિયન બોર્ડ ઑવ્ ફિલ્મ સેન્સર્સની રચનાની ભલામણ કરી હતી. સમિતિના બ્રિટિશ સભ્યોએ અહેવાલમાં અસંમતિની નોંધ મૂકી હતી.
ભારત સરકાર દ્વારા આ સમિતિની ભલામણોની અવગણના કરાઈ હતી અને ચલચિત્રને કેન્દ્રીય વિષય બનાવવાને બદલે પ્રાંતીય સરકારો પાસે રહેવા દેવામાં આવ્યો હતો; પણ સમિતિના અહેવાલની દૂરગામી અસરો ઘણી મહત્વપૂર્ણ બની રહી. સ્વતંત્રતા પછી ઇન્ડિયન બોર્ડ ઑવ્ ફિલ્મ સેન્સર્સની સ્થાપના, ચલચિત્રના તકનીકી શિક્ષણ અને ચલચિત્ર-સંગ્રહસ્થાનની શરૂઆત, પ્રૌઢશિક્ષણ માટે ચિત્રપટ-માધ્યમનો ઉપયોગ, કલાત્મક ચિત્રપટો માટે સરકારી ઋણ તથા ગુણવત્તા ધરાવતાં ચિત્રપટોને પુરસ્કૃત કરવાની યોજનાનાં બીજ આ સમિતિએ રોપ્યાં હતાં એમ કહી શકાય. તે રીતે આ અહેવાલ સમયથી ઘણો આગળ હતો તે વાત નિ:સંશય છે.
ઉષાકાન્ત મહેતા
મણિલાલ ગાલા