ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ

January, 2002

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ (IBM) : ભારત સરકારના પોલાદ અને ખાણખાતાના ખાણ અને ખનિજવિભાગની એક વૈજ્ઞાનિક અને ટૅકનિકલ સંસ્થા. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તેમજ અણુખનિજો અને કેટલાંક ગૌણ ખનિજો સિવાયની ભારતીય ખનિજ-સંપત્તિના આરક્ષણ તેમજ વૈજ્ઞાનિક વિકાસને વેગ આપવાની આ સંસ્થાની જવાબદારી છે. ખાણોની તપાસ રાખવી, ખાણકાર્યને લગતો અભ્યાસ કરવો, ઊતરતી કક્ષાનાં ખનિજો અને ધાતુખનિજોના સજ્જીકરણ વિશેનાં સંશોધનો કરવાં તેમજ વિશિષ્ટ પ્રકારની ખાણ-સમસ્યાઓના ઉકેલ લાવવા વગેરે બાબતોનો આ સંસ્થાના કાર્યક્ષેત્ર હેઠળ સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ખનિજસંપત્તિનું સર્વેક્ષણ અને ભૂસ્તરીય મૂલ્યાંકન તેમજ સજ્જીકરણ પ્લાન્ટ સહિત ખાણકાર્યના પ્રોજેક્ટની શક્યાશક્યતા(feasibility)ના હેવાલો તૈયાર કરવા માટેની ટૅકનિકલ સેવા પૂરી પાડે છે. છેલ્લા 10 વર્ષથી ભારત સરકારની નીતિમાં આવેલ બદલાવથી બે મહત્ત્વપૂર્ણ બાબતોને IBM સંસ્થાએ પોતાના મિશન અને વિઝનમાં સમાવેશ કર્યો છે. પ્રથમ કાર્ય નવી આયોજિત ખાણ અંગેની યોજનાને સંપૂર્ણપણે ચકાસી. તેને IBM સંસ્થા દ્વારા અનુમોદન આપવું અને બીજું અગત્યનું કાર્ય પર્યાવરણને આરક્ષણ આપવાની નીતિ ઘડવી અને તેનું ચુસ્તપણે પાલન કરવું કરાવવું.  ખનિજોના વેચાણમાં ખનિજવેપારને મદદરૂપ બનવા આ સંસ્થા બજાર-સર્વેક્ષણ પણ કરે છે, ખનિજ-સંકેન્દ્રિત વિસ્તારોના તેમજ ખનિજસંપત્તિ ધરાવતા નવા વિસ્તારોના ખનિજ-નકશા પણ તૈયાર કરી આપે છે. આ સંસ્થા ખાણો અને ખનિજો માટેની માહિતી પૂરી પાડે છે; એટલું જ નહિ, ખાણ-ખનિજોના સંબંધમાં અવારનવાર આંકડાકીય માહિતી પણ પ્રકાશિત કરતી રહે છે. જરૂરિયાત મુજબ પ્રત્યેક ખનિજ વિશે મૉનોગ્રાફના રૂપમાં તેમજ સંબંધિત વિષયો પર બુલેટિનના રૂપમાં ટૅકનિકલ પ્રકાશનો પણ બહાર પાડે છે. આ સંસ્થા તરફથી ‘ઇન્ડિયન મિનરલ્સ ઇયરબુક’, ‘બુલેટિન ઑવ્ મિનરલ ઇન્ફર્મેશન’ વગેરે સાતેક સામયિકો પ્રસિદ્ધ થાય છે.

IBMનું વડું મથક નાગપુર ખાતે છે અને તેની પ્રાદેશિક કચેરીઓ અજમેર, બૅંગાલુરુ, કૉલકાતા, દહેરાદૂન, ગોવા, હૈદરાબાદ, હઝારીબાગ, જબલપુર, ચેન્નાઈ, નેલ્લોર અને ઉદેપુર ખાતે આવેલી છે. ધાતુખનિજના શુદ્ધીકરણ-સંશોધન અર્થે તેની સુસજ્જ પ્રયોગશાળા અને પાઇલોટ પ્લાન્ટ નાગપુર ખાતે છે. ધાતુખનિજના શુદ્ધીકરણ માટેની પ્રાદેશિક પ્રયોગશાળાઓ અજમેર અને બૅંગાલુરુ ખાતે સ્થાપવામાં આવી છે.

ગિરીશભાઈ પંડ્યા