ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ (IPKF) : ભારતીય લશ્કરનું શાંતિદળ. શ્રીલંકામાં વસતી તમિળભાષી પ્રજાની સ્વાયત્ત પ્રદેશની માગણીને લીધે ઊભા થયેલ આંતરિક સશસ્ત્ર સંઘર્ષને ખાળવા શ્રીલંકાની સરકાર સાથે જુલાઈ, 1987માં થયેલ કરાર મુજબ મોકલવામાં આવેલું ભારતીય લશ્કરી દળ. તે વખતના શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ જે. આર. જયવર્દને તથા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલ કરાર મુજબ શ્રીલંકામાં શાંતિ પ્રસ્થાપિત કરવાના હેતુથી મોકલવામાં આવેલ ભારતીય લશ્કરી દળોની પહેલી ટુકડી 29 જુલાઈ, 1987ના રોજ શ્રીલંકાની ભૂમિ પર ઉતારવામાં આવી હતી. ભૂતકાળમાં પણ ભારતીય લશ્કરે રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કાગો (ઝાઇરે) તથા કોરિયામાં શાંતિ અભિયાન હાથ ધર્યું હતું; પરંતુ શ્રીલંકા ખાતેનું તેનું અભિયાન દ્વિપક્ષી કરારનું પરિણામ હતું; એટલું જ નહિ, પરંતુ ભારતીય લશ્કરના ઇતિહાસમાં તે સશસ્ત્ર કામગીરીવાળું સૌથી લાંબું ચાલેલું અભિયાન બનેલું છે. વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે શ્રીલંકાની સરકાર તથા ત્યાંની તમિળ પ્રજાના ઉદ્દામવાદી જૂથ ‘લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ’ (LTTE) વચ્ચે 1983થી ચાલતા સશસ્ત્ર સંઘર્ષને ખાળવા અને શાંતિ પ્રસ્થાપિત કરવાના હેતુથી મોકલવામાં આવેલા ભારતીય લશ્કરી દળને શ્રીલંકાના ઉત્તર અને પૂર્વીય પ્રાંતોનાં ગીચ જંગલોમાં એલ. ટી. ટી. ઈ.ના ગેરીલાઓ સાથે સતત અઢી વર્ષ સુધી સશસ્ત્ર સંઘર્ષ કરવો પડ્યો, જેમાં ભારતીય લશ્કરના 5 કર્નલ સહિત 1155 સૈનિકો માર્યા ગયા હતા અને 300 ઉપરાંત સૈનિકો ઘવાયા હતા. ભારતીય લશ્કરનું આ શાંતિ અભિયાન જ્યારે ટોચ કક્ષાએ હતું ત્યારે શ્રીલંકાની ભૂમિ પર ભારતીય લશ્કરના 70,000 સૈનિકો તેમાં જોડાયેલા હતા.
1989માં શ્રીલંકામાં પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થયેલા રણસિંઘે પ્રેમદાસાના નેતૃત્વ હેઠળની નવી સરકારે શ્રીલંકામાં કામગીરી કરતા ભારતીય લશ્કરી દળને પાછું ખેંચી લેવાની માગણી કરી હતી અને તે અંગે ભારતની સરકાર સાથેની લાંબી મંત્રણાઓ દરમિયાન થયેલી સમજૂતી મુજબ ભારત-શ્રીલંકાના કરારની બીજી વર્ષગાંઠના દિવસે (19 જુલાઈ, 1989ના રોજ) ભારતીય લશ્કરની પ્રથમ ટુકડી સ્વદેશ રવાના થઈ હતી અને 25 માર્ચ, 1990ના રોજ તેની અંતિમ ટુકડી શ્રીલંકાને અલવિદા કરી ચેન્નાઈના બંદર પર નિર્ધારિત તારીખના એક અઠવાડિયા પહેલાં આવી પહોંચી હતી.
ભારતીય શાંતિસેનાએ શ્રીલંકામાં તેની અઢી વર્ષની કપરી કામગીરી દરમિયાન જ્વલંત સિદ્ધિઓ મેળવી છે, જેની નોંધ ઇતિહાસ અવશ્ય લેશે : (1) શ્રીલંકાની સરકાર તથા એલ. ટી. ટી. ઈ. વચ્ચે 1983થી સતત તીવ્ર સશસ્ત્ર સંઘર્ષ હોવા છતાં શ્રીલંકા એ બહુજાતીય રાષ્ટ્ર હોવાથી તમિળ ઉગ્રવાદીઓ સાથે મંત્રણાઓ દ્વારા જ ત્યાંની જાતીય સમસ્યાનું નિરાકરણ થઈ શકશે, સશસ્ત્ર સંઘર્ષ દ્વારા નહિ, તે અંગે બંને પક્ષોને સભાન કરવામાં ભારતીય શાંતિસેનાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. (2) શ્રીલંકામાં સદીઓથી વસતા ભારતીય તમિળભાષી લોકોની કેટલીક વાજબી માગણીઓ શ્રીલંકાની સરકારે સ્વીકારી તેમાં ભારતીય શાંતિસેનાની શ્રીલંકામાં ઉપસ્થિતિનો ફાળો આનુષંગિક રહ્યો છે; દા.ત., ઉત્તર અને પૂર્વીય પ્રાંતોનું તમિળભાષી પ્રાંત તરીકે વિલીનીકરણ, તમિળ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે અપાયેલો દરજ્જો, તમિળભાષી પ્રાંતોમાં તમિળ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી પ્રાંતીય સરકારની સ્થાપના વગેરે. (3) શ્રીલંકામાં લોકશાહી પ્રક્રિયાના ભાગ રૂપે યોજાયેલી જાહેર ચૂંટણીઓ. (4) સિંહાલી ઉગ્રવાદી પક્ષ ‘જનતા વિમુક્તિ પેરામુના’(JVP)ના ટોચના નેતાઓનું ઉન્મૂલન તથા તેમાંના મોટા ભાગના સશસ્ત્ર આતંકવાદીઓની ધરપકડ. (5) સશસ્ત્ર હિંસક બનાવોને પ્રોત્સાહિત કરતી હડતાળો જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ. (6) ત્રણ વર્ષના ગાળા બાદ વિશ્વવિદ્યાલયોમાં ફરી શિક્ષણકાર્યનો પ્રારંભ (7) બંધ પડેલી પર્યટનપ્રવૃત્તિનો પુન:પ્રારંભ. (8) સૌથી અગત્યની સિદ્ધિ શ્રીલંકાની એકતા અને અખંડિતતાનું જતન.
શ્રીલંકામાં ભારતીય શાંતિસેનાની ઉપસ્થિતિ તથા તેની અઢી વર્ષની કાર્યવહી (1987-1990) ઘણી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની છે. (1) શ્રીલંકામાં શાંતિ પ્રસ્થાપિત કરવાના અભિયાન દરમિયાન ભારતીય સેનાને ભારતીય મૂળના પણ સદીઓથી શ્રીલંકામાં વસેલા તમિળભાષી લોકોના એક જૂથ (એલ. ટી. ટી. ઈ.) સાથે સશસ્ત્ર સંઘર્ષમાં ઊતરવું પડ્યું, જેને લીધે ભારતીય સેનાને અપ્રિયતા વહોરવી પડી છે. (2) શ્રીલંકાના ભૌગોલિક પ્રદેશો તથા તેની ખૂબીઓ વિશે ભારતીય સેના પાસે પૂરતી જાણકારી ન હોવાથી લશ્કરની વ્યૂહરચના ગોઠવવામાં સેનાને ઘણી મુશ્કેલીઓ નડી. ઉપરાંત એલ. ટી. ટી. ઈ.ની લશ્કરી તૈયારી તથા શક્તિ વિશે ભારતીય સેના પાસે નહિવત્ માહિતી હોવાથી તમિળ ઉગ્રવાદીઓના આ જૂથ સાથેની અથડામણોમાં ભારતીય સેનાને મોટા પાયા પર ખાનાખરાબી વહોરવી પડી છે. (3) રણસિંઘે પ્રેમદાસા શ્રીલંકાના પ્રમુખ ચૂંટાયા (1989) પછી ત્યાંની નવી સરકારે ભારતીય શાંતિસેના પ્રત્યેના અગાઉના વલણમાં ફેરફાર કર્યો અને સેનાને ત્વરિત પાછી બોલાવી લેવાની માગણી કરી, જેને શ્રીલંકાના મોટા ભાગના સ્થાનિક રાજકીય પક્ષો તથા સંગઠનોનો ટેકો સાંપડ્યો. શ્રીલંકાની આ માગણી સંતોષવા માટે ભારત સરકાર તત્કાળ પગલાં લઈ શકે તેમ નહોતી. પરિણામે ભારતીય શાંતિસેનાની અપ્રિયતામાં વધારો થયો; એટલું જ નહિ, પરંતુ ભારત સરકારના રાજકીય ઇરાદાઓ વિશે શંકાની લાગણી પ્રસરી. ખુદ ભારતમાં પણ આ અભિયાનની રાજકીય તથા લશ્કરી ઉચિતતા તથા તેની કાર્યવહીનું સ્વરૂપ અને પરિણામો અંગે વિવાદ રહ્યો છે.
લેફ્ટ જનરલ એ. એસ. કલકતે શ્રીલંકામાં ભારતીય સેનાનું નેતૃત્વ (G.O.C., IPKF) કર્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે