ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ
January, 2002
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IIS) : 1911માં બૅંગાલુરુમાં સ્થાપવામાં આવેલી વિજ્ઞાન અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં ઉચ્ચ શિક્ષણ તથા સંશોધનની સગવડ ધરાવતી ભારતની જૂનામાં જૂની અને ખ્યાતનામ સંસ્થા.
જમશેદજી નસરવાનજી તાતા(1839-1904)ને છેક ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રતીતિ થઈ હતી કે દેશના ભવિષ્યના વિકાસનો નિર્ણાયક આધાર વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાંના સંશોધન ઉપર રહેલો છે. વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે 1898માં કાયમી ભંડોળની વ્યવસ્થા ઊભી કરી. એમની મૂળ યોજનામાં વિજ્ઞાન અને ઇજનેરી ઉપરાંત ફિલસૂફી, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, પુરાતત્વ, તુલનાત્મક ભાષાશાસ્ત્ર વગેરે વિષયોને પણ આવરી લેવાયા હતા. તેમના સમકાલીનો આ યોજનાની અગત્ય બરાબર સમજી શક્યા ન હતા તેથી કેટલાક નિષ્ણાતોની સાથે વિચારવિમર્શ કર્યા પછી યોજના તૈયાર કરવા એક સમિતિ નીમવામાં આવી હતી. 31 ડિસેમ્બર, 1898ના રોજ આ સમિતિએ તૈયાર કરેલો મુસદ્દો લૉર્ડ કર્ઝનને આપવામાં આવ્યો હતો. ભારત માટેના સેક્રેટરી ઑવ્ સ્ટેટે ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીને નિષ્ણાત અભિપ્રાય માટે વિનંતી કરતાં રૉયલ સોસાયટીએ ઉમદા વાયુઓના શોધક અને નોબેલ પારિતોષિક વિજેતા સર વિલિયમ રામ્સેને આ માટે વિનંતી કરી. તેઓ ભારતની ઝડપી મુલાકાતે આવ્યા અને સંસ્થાના સ્થળ તરીકે બૅંગાલુરુની પસંદગી કરી. મેલબૉર્ન યુનિવર્સિટીના ઑર્મ મેસન અને રૂરકી ઇજનેરી કૉલેજના લેફ્ટેનન્ટ કર્નલ કિલબૉર્નનો લૉર્ડ કર્ઝને અભિપ્રાય માગતાં તેમણે રૂરકીની પસંદગી કરી હતી. આ સમયે મૈસૂરના રાજા શ્રીક્રિષ્નરાજ વડેયર ચોથાએ તેમના દીવાન સર કે. શેશાદ્રિ આયરના પ્રયત્નથી 372 એકર જમીન બૅંગાલુરુમાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી અને બીજી સગવડ માટે પણ વચન આપ્યું. આમ તાતાની મૂળ યોજના ભારત સરકાર, મૈસૂર રાજ્ય અને તાતા એમ ત્રિપક્ષી સાહસ બન્યું. આ સંસ્થાનું બંધારણ વાઇસરૉય લૉર્ડ મિન્ટોએ મંજૂર કર્યું અને જરૂરી અધિકારપત્ર ઉપર 27 મે, 1909ના રોજ સહીસિક્કા થયા. સંસ્થાની સર્વોપરી સત્તા કાઉન્સિલ પાસે છે અને શૈક્ષણિક નીતિ નક્કી કરવામાં ‘કૉર્ટ’ તેને મદદ કરે છે. વહીવટી સત્તા નિયામક પાસે છે અને સંસ્થાના વહીવટમાં સેનેટ તથા વિજ્ઞાન અને ઇજનેરી વિદ્યાશાખાઓ નિયામકને મદદ કરે છે.
1911ની શરૂઆતમાં મૈસૂરના મહારાજાએ સંસ્થાની શિલારોપણ-વિધિ કરી અને 24 જુલાઈએ વિદ્યાર્થીઓની પહેલી ટુકડી દાખલ કરાઈ. સામાન્ય અને પ્રયુક્ત રસાયણમાં પ્રો. નોર્મન રૂડોલ્ફ અને ઇલેક્ટ્રૉ-ટૅક્નૉલૉજીમાં આલ્ફ્રેડ હેન્રી પ્રાધ્યાપકો તરીકે હતા. સંસ્થાનું મકાન શિષ્ટ બાંધણીવાળું સુંદર સ્થાપત્ય ધરાવે છે. આ સંસ્થાનું ટાવર બૅંગાલુરુનાં સુપ્રસિદ્ધ સ્થાનોમાંનું એક છે. મકાનની આગળના ભાગમાં પ્રખ્યાત શિલ્પી ગિલ્બર્ટ બેયરે તૈયાર કરેલ વિજ્ઞાન ટૅક્નૉલૉજીના પ્રતીકરૂપ સ્મારક છે. નીચેના ભાગમાં જમશેદજી તાતાએ ભારતના કલ્યાણ માટે જે કાર્ય કર્યું તેમાં પ્રતીત થતી ઉદારતા અને ખંતની આવનાર પેઢીઓને યાદ અપાવતો લેખ છે. 1950માં યુનિવર્સિટી અનુદાન પંચની નિમણૂક થતાં આ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઈ. સ. 2001માં સંસ્થામાં 2,000 વિદ્યાર્થીઓ સંશોધન-કાર્ય કરી રહ્યા હતા.
આ સંસ્થાના નિયામકોની યાદી નીચે દર્શાવી છે :
(1) મોરિસ ડબ્લ્યૂ. ટ્રાવર્સ (1909-1914); (2) એ. જી. બોર્ન (1915-1921); (3) એમ. ઓ. ફોર્સ્ટર (1922-1933); (4) સી. વી. રામન (1933-1937); (5) જે. સી. ઘોષ (1939-1948); (6) એમ. એસ. ઠાકર (1949-1955); (7) એસ. ભગવન્તમ્ (1957-1962); (8) ડી. કે. બેનર્જી (1971-72); (9) એસ. ધવન (1972-1981); (10) એસ. રામસેશન (1981-1984); (11) સી. એન. આર. રાવ (1984-1994); (12) જી. પદ્મનાભન (1994-1998); (13) ડૉ. ગોવર્ધન મહેતા (1998-2005); (14) પી. બાલારામ (2005-) હાલ તેના નિયામક છે.
2011થી BS (બેચલર ઑવ્ સાયન્સ)નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના ડૉક્ટરલ અને સંશોધન અભ્યાસક્રમ સુધી પહોંચી શકાય છે. મુખ્ય વિદ્યાશાખાઓમાં જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાનનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પરીક્ષાઓ દ્વારા તેમાં પ્રવેશ અપાય છે.
આ સંસ્થામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના શિક્ષણ અને સંશોધન માટે 40 જેટલાં વિભાગો તથા કેન્દ્રો છે. લગભગ 1,500 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. તેમાં 450 અધ્યાપકો અને 1,500 મદદનીશો કામ કરે છે. પરંપરાગત શિક્ષણ/સંશોધન ઉપરાંત સતત શિક્ષણકેન્દ્રની મદદથી વૈજ્ઞાનિકો અને પ્રાવૈધિક નિષ્ણાતોને માટે ટૂંકા ગાળાના શૈક્ષણિક અને તાલીમી કાર્યક્રમો યોજવામાં આવે છે. આમ વર્ષ દરમિયાન લગભગ 1,000 વ્યક્તિઓ આનો લાભ લે છે. સંસ્થા ઉદ્યોગ સાથે ગાઢ સંપર્ક રાખે છે, તેમને સલાહ આપે છે અને તેમના પ્રશ્ર્નો અંગે સંશોધન પણ હાથ ધરે છે. આ માટે સેન્ટર ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કન્સલ્ટન્સી (CSIC) કાર્ય કરે છે.
ઉદ્યોગો તથા સંરક્ષણ ખાતું સંસ્થાનાં વિશિષ્ટ સાધનોનો લાભ લે છે. સંસ્થાના સંશોધનકાર્યનો સમાજના વિકાસ માટે ઉપયોગ થાય છે. ચંદન, યુકેલિપ્ટસ અને સાગ માટેનું ટિસ્યૂકલ્ચર, રેશમના કીડાના રોગોનું નિયંત્રણ, ચોખાની વધુ પોષક જાત (strain) વગેરેને લગતાં સંશોધનોનો વ્યાવહારિક ઉપયોગ થયો છે. ટૅક્નૉલૉજીના ક્ષેત્રે નિમ્ન તાપિકી (cryogenic) પાત્રો, તરલતા-પ્રવાહ અને ઠારણ માટે વપરાતા પાણીના કુંડ, ઠારણ માટેના ટાવરની ધાર, પાણી માટેની મોટી ટનલ અને લઘુ જલવિદ્યુતશક્તિની યોજના (hydroelectric power plant) વગેરે અંગેનું સંશોધન પણ નોંધપાત્ર છે. પોતાના બધા જ કાર્યક્રમોમાં આ સંસ્થા દેશના વૈજ્ઞાનિક, શૈક્ષણિક તથા ટૅક્નૉલૉજિકલ ધ્યેયોને નજર સમક્ષ રાખે છે અને પોતાની ઉમદા પ્રણાલી અને ઉચ્ચ ધોરણો જાળવવા માટે સજાગ રહે છે. સી. વી. રામન, એચ. જે. ભાભા, વિક્રમ એ. સારાભાઈ, જે. સી. ઘોષ, એમ. એસ. ઠાકર, એસ. ભગવન્તમ્ અને એસ. ધવન જેવા દેશના વૈજ્ઞાનિક અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર મહાનુભાવો આ સંસ્થા સાથે સંકળાયેલા છે.
સંસ્થાના ગ્રંથાલયમાં 3 લાખ ઉપરાંત પુસ્તકો, સામયિકો, ટૅકનિકલ અહેવાલો અને માનકપત્રો (standards) છે. 2,000થી વધુ સામયિકો મંગાવાય છે, જેના બાંધેલા 60,000 ગ્રંથો છે. સંસ્થા પુસ્તકો બાંધવા માટે પોતાનું અલાયદું ખાતું ચલાવે છે. ગ્રંથાલયમાં કમ્પ્યૂટરનો ઉપયોગ પણ થાય છે.
રમેશ શાહ