ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ
January, 2002
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (IIRS) : ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસની નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સી(NRSA)ના એક વિભાગ તરીકે કાર્ય કરતી સંસ્થા. ઇન્ડિયન ફોટોઇન્ટરપ્રિટેશન ઇન્સ્ટિટ્યૂટ(IPI)ની સર્વે ઑવ્ ઇન્ડિયાની છત્રછાયા નીચે નેધરલૅન્ડ્ઝની સરકારના સહકારથી 1966માં તેની સ્થાપના થઈ હતી. આનું માળખું નેધરલૅન્ડ્ઝની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍરોસ્પેસ સર્વે ઍન્ડ સાયન્સીઝ અનુસાર રચવામાં આવ્યું હતું. 1976માં તેને NRSA સાથે જોડવામાં આવી અને 1984માં તેનું નવું નામાભિધાન (IIRS) થયું હતું. સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા છે. આ સંસ્થા ભારતમાં દેહરાદૂન ખાતે છે. તે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસની તાલીમ અને શિક્ષણની ભૂમિ છે. તે દૂરસંવેદન અને ભૌગોલિક માહિતી તંત્ર(GIS)ના એક અઠવાડિયાથી બે વર્ષ સુધીના અભ્યાસક્રમોમાં શિક્ષણ આપે છે.
IIRS દૂરસંવેદન (remote sensing) અને છબીઅર્થઘટન (photo-interpretation) વડે કુદરતી સંપત્તિ(resources)નાં સર્વેક્ષણ, પરિવીક્ષણ (monitoring) અને મૂલ્યાંકન (assessment) અંગેની તાલીમ આપતી અગ્રેસર સંસ્થા છે. આ સંસ્થાનાં મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે :
(1) દૂરસંવેદન સાથે સંકળાયેલ છબીકલા અંગેનાં વિવિધ પાસાંની જાણકારી તથા વનવિદ્યા, પરિસ્થિતિવિદ્યા (ecology), ભૂસ્તરશાસ્ત્ર, ભૂ-આકૃતિવિદ્યા (geomorphology), જમીન-સર્વેક્ષણ, જમીન-સંરક્ષણ, કૃષિ, નગર અને પ્રાદેશિક આયોજન, જલસંપત્તિ, કિનારાની ખાંચાખૂંચી (coastal processes), સાગરસંપત્તિ વગેરે ક્ષેત્રોમાં દૂરસંવેદન-પદ્ધતિના ઉપયોગ અંગે વૈજ્ઞાનિકો અને ઇજનેરોને તાલીમ આપવી, (2) ભૂમિ અને સાગરસંપત્તિ અંગેના નકશા તૈયાર કરવામાં દૂરસંવેદન-પદ્ધતિના ઉપયોગ અંગેનું સંશોધન, (3) નિષ્ણાત સલાહ સેવાઓ (consultancy) આપવી.
IIRS પોતાની પ્રકૃતિના કારણે આંતરરાષ્ટ્રીય મહત્તા ધરાવે છે. અત્યારે ત્યાં સંશોધકો અને નીતિ ઘડનારાઓ માટે બધી કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. તે ઇલેક્ટ્રૉનિક અભ્યાસક્રમોને ઇન્ટરનેટ દ્વારા અથવા નેટવર્ક વિકસાવીને તેના દ્વારા વિકસાવવા માગે છે. તે દૂરસંવેદનરહિત સંસ્થાઓ અને રાષ્ટ્રનિર્માણ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે. તે પોતાની પહોંચ વધારવા પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. IIRSએ લૅન્ડસાઇડ આફતોના વિસ્તારો, ભૂગર્ભજળના સ્રોતોનાં લક્ષ્યો વગેરે માટે ઉપયોગી ટૅક્નૉલૉજીના પ્રચાલનને મદદ કરે તેવા કેટલાક આર ઍન્ડ ડી પ્રોજેક્ટમાં ફાળો આપ્યો છે. NRSAએ ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસ એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશન (ઇસરો) સાથે ઘનિષ્ટ રીતે કેટલાક કાર્યક્રમો દ્વારા સંકળાયેલ છે. ખાસ કરીને ભૂ-નિરીક્ષણ કાર્યક્રમ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સપોર્ટ (સંકટકાલીન પ્રબંધન) અને બીજા રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમો છે. NRSA પોતાની ફરજો સારી રીતે બજાવી શકે તે માટે સરકારે તેને સરકારી એકમમાં ફેરવી નાખેલ છે. તેને 1લી સપ્ટેમ્બર, 2008થી નૅશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) કહેવામાં આવે છે. તે ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસ અથવા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશન (ઇસરો) નીચે કામ કરતી સંસ્થા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિમોટ સેન્સિંગ (IIRS) દહેરાદૂન દૂરસંવેદન અને ભૌગોલિક માહિતીતંત્ર(GIS)ના વિનિયોગ માટે ક્ષમતા તૈયાર કરવા માટે જવાબદાર એવી મુખ્ય સંસ્થા છે. તેનું ધ્યેય જિયો-ઇન્ફોર્મેટિક્સના ક્ષેત્રે તાલીમ અને શિક્ષણનું છે. દૂરસંવેદન, જીઆઇએસ અને GPSની પ્રૌદ્યોગિકી અને વિનિયોગ તાલીમ અને શિક્ષણના રૂપે શીખવવામાં આવે છે.
જે અભ્યાસક્રમોમાં તાલીમ અને શિક્ષણ આપે છે તે નીચે મુજબ છે :
દૂરસંવેદન (Remote Sensing) અને ભૌગોલિક માહિતી તંત્ર (ભૂમાપન યાન ચિત્રણ અને દેખરેખ) અર્થાત્ GIS(Mapping અને Monitoring)ના M. Techના અભ્યાસક્રમ આંધ્ર યુનિવર્સિટીને સંલગ્ન શીખવે છે. તેના કેટલાક વૈકલ્પિક પ્રવાહો છે.
નેધરલૅન્ડની સંસ્થા ITC દ્વારા Master’s in Scienceની ઉપાધિ જિયોઇન્ફોર્મેટિક્સ અને જિયોહેઝાર્ડ્સના વિષયોમાં એનાયત થાય છે.
આ ઉપરાંત તાલીમી અભ્યાસક્રમો ચલાવે છે.
તેમાં 10 મહિનાનો અનુસ્નાતક ડિપ્લોમા છે. તેમાં કૃષિ અને ભૂમિ, વન અને પારિસ્થિતિકી, ભૂવિજ્ઞાન, સામુદ્રિવિજ્ઞાન, માનવવસાહતોનું પૃથક્કરણ, જળસ્રોતો, ડિજિટલ ફોટોગ્રામેટ્રી, જિયોઇન્ફોર્મેટિક્સ અને જિયોહેઝાર્ડના વિષયોમાં ડિપ્લોમા એનાયત કરે છે.
આ ઉપરાંત ચાર મહિનાના સર્ટિફિકેટ અભ્યાસક્રમ પણ ચલાવે છે.તેમાં બેઝિક ફોટોગામેટ્રી અને દૂરસંવેદન, ભૂવિજ્ઞાનમાં GIS, જમીન માહિતી તંત્ર, માટી અને જમીનના ઉપયોગના આયોજનમાં GIS, જળસ્રોતોના પ્રબંધનમાં GIS, દરિયાકાંઠાના વિસ્તારના પ્રબંધનમાં GIS, વનપ્રબંધનમાં GIS અને જિયોહેઝાર્ડ વિષયોમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમ ચલાવે છે. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ જૂથો માટે તાલીમ આપે છે. તેમાં કુદરતી સંપદાના પ્રબંધનના ક્ષેત્રે અભિમુખતા અભ્યાસક્રમ છે.
આ ઉપરાંત પર્યાવરણ નિર્ધારણ અને સંકટપ્રબંધનના ક્ષેત્રે તાલીમી અભ્યાસક્રમો.
આ ઉપરાંત કેટલાક અભ્યાસક્રમો વિશ્વવિદ્યાલયના અધ્યાપકો માટે ચલાવે છે.
આ સંસ્થાએ અત્યાર સુધીમાં 2,200થી ઘણા વધારે વૈજ્ઞાનિકોને તાલીમ આપી છે, આ પદ્ધતિમાં સુધારણાઓ અંગે સારું સંશોધન કર્યું છે અને વિવિધ યોજનાઓમાં કીમતી માર્ગદર્શન આપ્યું છે. IIRSના નિયામક ડૉ. વાય. વી. એન. કૃષ્ણમૂર્તિ છે. તેમને 2003માં હરિઓમ આશ્રમ પ્રેરિત ડૉ. વિક્રમ સારાભાઈ રિસર્ચ ઍવૉર્ડ મળેલ છે.
રમેશ શાહ