ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન
January, 2002
ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન (1916) : ભારતના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતો આયોગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મૂળ હેતુ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તૈયાર માલના વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો અને તેથી નિકાસ વ્યાપારની ર્દષ્ટિએ મહત્વ ધરાવતા ભારતીય ઉદ્યોગોને ઉત્તેજન આપવાની નીતિ કંપનીએ સ્વીકારી હતી. પરંતુ તેને લીધે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોનાં હિતો જોખમાશે તેવા ભયથી ઇંગ્લૅન્ડના ઉત્પાદકોએ પોતાની વગનો ઉપયોગ કરી ભારતીય ઉદ્યોગોને ઉત્તેજન આપવાની કંપનીની નીતિને બદલે ઇંગ્લૅન્ડના ઉદ્યોગો માટે જરૂરી કાચા માલની નિકાસ ભારતમાંથી થાય તેવી નીતિ અમલમાં મૂકવાની કંપનીને ફરજ પાડી હતી. 1858માં ભારતનું પ્રશાસન પોતાના હસ્તક લીધા પછી છેક પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ભારતના ઔદ્યોગિક વિકાસ પ્રત્યે બ્રિટિશ સરકારનું વલણ ‘અલિપ્ત પ્રેક્ષક’ (disinterested spectator) જેવું રહ્યું. ભારતનું અર્થતંત્ર કૃષિપ્રધાન રહે તો જ ઇંગ્લૅન્ડનાં આર્થિક હિતોનું સંવર્ધન થશે એવી વૈચારિક ભૂમિકા તે વખતની સરકારે સ્વીકારી હતી અને તેથી ઇંગ્લૅન્ડના ઉદ્યોગો સાથે હરીફાઈ કરી શકે તેવા ભારતીય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન ન આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી હતી. પરિણામે ભારતના પ્રાચીન ઉદ્યોગની પડતી થઈ. એક જમાનામાં તૈયાર માલની નિકાસ કરતો દેશ ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતમાં પરાવલંબી થયો.
પ્રથમ વિશ્વયુદ્ધને સમયે સમૃદ્ધ સાધનસંપત્તિ ધરાવતો ભારત દેશ પોતાની પ્રાથમિક ઔદ્યોગિક જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા પણ ધરાવતો ન હતો. 1915માં તે વખતની ભારત સરકારે આ પરિસ્થિતિ પ્રત્યે અત્યંત કડક શબ્દોમાં ઇન્ડિયા ઑફિસનું ધ્યાન દોર્યું. 1916માં સર ઇબ્રાહિમ રહીમતુલ્લાએ ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ઔદ્યોગિક નીતિ અંગેનો ઠરાવ રજૂ કર્યો. આ બધાંને પરિણામે 1916માં સરકારે પ્રથમ ઔદ્યોગિક પંચની નિમણૂક કરી.
પંચને મુખ્યત્વે બે બાબતો અંગે પોતાનો અહેવાલ રજૂ કરવાનો હતો : (1) ભારતના ભાવિ ઔદ્યોગિક વિકાસ માટેની કાયમી નીતિ અંગે સલાહસૂચન કરવાં. (2) દેશના ઔદ્યોગિક વિકાસમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે તેનો નિર્દેશ કરવો. આ સિવાય જકાત નીતિ, ટૅકનિકલ તથા ઔદ્યોગિક પ્રશિક્ષણ જેવી બાબતો આ પંચના કાર્યક્ષેત્રમાંથી બાકાત રખાઈ હતી.
ઔદ્યોગિક પંચે 1918માં પોતાનો અહેવાલ રજૂ કર્યો. તેમાં બે બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો : (1) માનવશક્તિ તથા ભૌતિક સાધનોની બાબતમાં ભવિષ્યમાં દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી બની શકે તે ઉદ્દેશને અનુલક્ષીને હવે પછીના સમયમાં દેશના ઔદ્યોગિક વિકાસમાં સરકારે પ્રત્યક્ષ તથા સક્રિય ફાળો આપવો જોઈએ. (2) આ ઉદ્દેશનો અસરકારક અમલ કરવા માટે વહીવટી માળખાના સ્તરે તથા વિશ્વસનીય વૈજ્ઞાનિક અને તકનીકી જાણકારી અંગે સરકાર સક્ષમ હોવી જોઈએ, અન્યથા ભાવિ ઔદ્યોગિક વિકાસમાં સક્રિય પ્રદાન કરવું સરકાર માટે અશક્ય બનશે. પંચે ભલામણ કરી કે ઔદ્યોગિક સંશોધન હાથ ધરવા માટે તથા વિશ્વનીય આર્થિક માહિતી અને વિગતો પૂરી પાડવા માટે મોટા સંગઠિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ મુખ્ય ભલામણોને અનુલક્ષીને પંચે કેટલાંક સૂચનો કર્યાં : (1) કેન્દ્ર તથા પ્રાંતીય સ્તરે ઔદ્યોગિક તથા વાણિજ્યિક સેવાઓ (Imperial and Provincial Industrial and Commercial Services) ઊભી કરવી તથા સરકારની જરૂરિયાતોને અનુલક્ષીને માલની ખરીદી કરવા તથા સરકાર વતી ધંધાદારી કરારો કરવાની પ્રક્રિયા નિયંત્રિત કરવા કોલકાતા ખાતે ઇમ્પીરિયલ ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્ટોર્સની રચના કરવી અને દરેક પ્રાંતમાં તેની શાખાઓ શરૂ કરવી, (2) કેન્દ્ર તથા પ્રાંતીય સરકારોમાં ઔદ્યોગિક વિભાગ શરૂ કરવા, (3) ઔદ્યોગિક એકમોમાં કામની સ્થિતિ તથા તે અંગેની સગવડોમાં સુધારા કરવા, (4) વાહનવ્યવહાર તથા માલની હેરફેરના નૂરના માળખામાં વધારાની સગવડો તથા રાહત આપવી, (5) દેશમાં આધુનિક ઢબનો ઔદ્યોગિક વિકાસ થાય તે માટે ભારતીય ઉદ્યોગોને રક્ષણ આપવું.
ઔદ્યોગિક પંચની ભલામણો તથા સૂચનોને અનુલક્ષીને ભારત સરકારે કેટલાંક પગલાં લીધાં : (1) 1919માં ઉદ્યોગ વિભાગ પ્રાંતીય વિષય ગણવામાં આવ્યો તથા પ્રાંતીય ધારાસભાને જવાબદાર એવા મંત્રીને તે સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. (2) કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ વિભાગ શરૂ કરવામાં આવ્યો અને પ્રાંતીય સરકારોએ હાથ ધરેલ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું કાર્ય તેને સોંપવામાં આવ્યું. (3) કેન્દ્ર સરકારની જરૂરિયાતની વસ્તુઓની ખરીદીના કાર્યનું સંયોજન કરવા માટે 1919માં સ્ટોર્સ પર્ચેઝ કમિટી નીમવામાં આવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે