ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન
January, 2002
ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન (ITU) : દૂરસંચાર(telecommunication)નાં વિવિધ સ્વરૂપો અંગે આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવા 15 નવેમ્બર, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશિષ્ટ સંસ્થા. આઈ.ટી.યુ.નો ઉદગમ 1865માં પૅરિસમાં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન ગણી શકાય. માર્કોનીની શોધથી રેડિયોતરંગ મારફત સંદેશાવહન શક્ય બનતાં ઇન્ટરનેશનલ રેડિયો ટેલિગ્રાફ કન્વેન્શનની સ્થાપના 1903માં બર્લિનમાં થઈ હતી. આ સંઘના નિયમોને 1912માં લંડન મુકામે આખરી સ્વરૂપ અપાયું ત્યારે સભ્યસંખ્યા 27ની હતી. સમયાંતરે આ સંઘો એકબીજામાં ભળી જતાં ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન 1934માં અસ્તિત્વમાં આવ્યું, જેને 1947માં સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાની સંસ્થા તરીકે સત્તાવાર માન્યતા આપી. આઈ. ટી. યુ.એ ઘડેલા નિયમોની સંજોગો તથા તકનીકીના વિકાસ અનુસાર અવારનવાર સમીક્ષા કરવામાં આવે છે. 1960માં આઈ. ટી. યુ.ની સભ્ય-સંખ્યા 100 જેટલી થઈ હતી. 1963માં અંતરીક્ષયાનો (ઉપગ્રહો) દ્વારા દૂરસંચાર શક્ય બનતાં અંતરીક્ષ સંદેશાવ્યવહાર તેમજ ખગોળશાસ્ત્ર તથા અંતરીક્ષ-સંશોધન માટે વિસ્તરિત સૂક્ષ્મ તરંગ (micro-wave) પટમાં આવૃત્તિની ફાળવણીને લગતા નિર્ણયો લેવામાં આવ્યા હતા. 1967માં વહાણવટી જળમાર્ગો પર ફરતી (mobile) સંદેશાવ્યવહાર સેવાઓ અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. આઈ. ટી. યુ.નું વડું મથક 1948થી બર્લિનથી ખસેડીને જિનીવા રાખવામાં આવેલ છે. વહીવટી, આર્થિક અને ટૅક્નિકલ પાસાંને આવરી લેતા આઠ ઘટકો મારફત આઈ. ટી. યુ. તેનું કામકાજ કરે છે. ITU ઉપગ્રહ પ્રસારિત સમાચારો એકઠા કરે છે.
30 kHથી 10,000 kH2 જેટલી પહોળાઈના રેડિયો-વર્ણપટમાં અમુક પ્રકારની સેવા માટે યોગ્ય આવૃત્તિ(frequency)ની ફાળવણી, રેડિયો-ટ્રાન્સમીટરની શક્તિ, રેડિયો-તરંગની ઊર્જાનું વિકિરણ કરતી ઍન્ટેના-પદ્ધતિ, નજીકની બીજી આવૃત્તિએ થતા વ્યતીકરણમુક્ત (interference free) સંચાર, વાહક (carrier), રેડિયો-આવૃત્તિની સ્થિરતા (0.1 %થી ઓછી વિકૃતિ), ફાળવેલ આવૃત્તિએ પ્રસારણ કરવાનું સમયપત્રક, સંચારસામગ્રીના પ્રચાલક અને ટૅક્નિશિયનની શૈક્ષણિક લાયકાત તથા અનુભવ વગેરેને લગતા નિયમોનું પાલન થાય એવી આઈ. ટી. યુ.ની ભલામણ છે. જાહેર (જનતા માટેનું) વાયુપ્રસારણ, રેડિયો-દૂરસંચાર, ટેલિવિઝન, રડાર, અંતરીક્ષ-સંચાર અને સંશોધન વગેરેનું અને તેને લગતી યંત્રસામગ્રીના વિકાસ માટેનું તંત્ર ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ રેડિયો-સાયન્સ (URSI) સંભાળે છે, જેનું વડું મથક બ્રસેલ્સમાં છે. આ સંસ્થા દૂરસંચારને લગતી સંશોધન તથા વિકાસની બાબતોમાં આઈ. ટી. યુ.ને મદદરૂપ બને છે. 1 માર્ચ, 1993થી ITUના એક ભાગ તરીકે ITU – ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન સેક્ટર(ITU-T)નો ઉમેરો કરવામાં આવ્યો છે. જે અગાઉના ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ અને ટેલિફોન કન્સલ્ટેટિવ કમિટીનું સ્થાન લે છે.
કાંતિલાલ મોતીલાલ કોટડિયા