ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર (IGY) : 1 જુલાઈ, 1957થી 31 ડિસેમ્બર, 1959 સુધીનો 30 મહિનાનો ભૂભૌતિક સંશોધનોનો સમયગાળો. જગતભરમાં આ કાર્યક્રમ તે સમયે હાથ ધરવામાં આવ્યો હતો. તેના અધ્યક્ષ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા નિર્દેશક ડૉ. કે. આર. રામનાથન હતા.

IGYમાં વિશ્વભરના 70 દેશોના 30,000થી વધુ વૈજ્ઞાનિકોનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહકારનું આ એક અજોડ ઉદાહરણ છે. તેમાં ભારતનું પ્રદાન પણ નોંધપાત્ર હતું. ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરીના ડૉ. વિક્રમ સારાભાઈ અને પ્રો. કે. આર. રામનાથને કૉસ્મિક કિરણો, સૌરજ્વાલા (flares) અને ઉત્સર્જન આયનમંડળ, વાતાવરણ તથા પૃથ્વીના ભૂચુંબકત્વના ઝીણવટભર્યા અન્વેષણમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ સાથે આયનમંડળની માહિતી એકત્રિત કરવા અને આપ-લે કરવા માટે વિશ્વ માહિતી કેન્દ્ર-(World Data Centre)ની સ્થાપના કરવામાં આવી. આ કેન્દ્ર આજ સુધી કાર્યરત છે. IGYના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ક્વાયેટ સન યર (1964-65) અને ઍક્ટિવ સન યર(1968-69)નું આયોજન કરવામાં આવ્યું.

4 ઑક્ટોબર, 1957ના દિવસે રશિયાએ સફળતાપૂર્વક તરતો મૂકેલો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ સ્પુટનિક-I, IGY કાર્યક્રમનો એક ભાગ હતો. તે ઉપગ્રહ પૃથ્વીથી સેંકડો કિલોમીટર ઊંચે, બાહ્ય અવકાશના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મોના અભ્યાસ માટે હતો. 13 સપ્ટેમ્બર, 1959ના રોજ રશિયાના લ્યુનિક-IIએ ચન્દ્ર પર ઉતરાણ કર્યું. ખરેખર તો IGY દ્વારા આધુનિક અંતરીક્ષ ટૅક્નૉલૉજીનો જન્મ થયો ગણાય.

IGYના વૈજ્ઞાનિક કાર્યક્રમમાં સાંપડેલાં પરિણામો ‘ઍનાલ્ઝ ઑવ્ ધી આઈ. જી. વાય.’ના કેટલાક ગ્રંથોમાં અને હજારો સંશોધનનિબંધોમાં પ્રસિદ્ધ થયાં. ભૂમંડલીય અભ્યાસ માટે કેટલીક નવી વૈજ્ઞાનિક સંસ્થાઓનો ઉદભવ આઈ. જી. વાય.ને આભારી છે. રાજકીય રીતે આઈ. જી. વાય. ઍન્ટાર્કટિક સંધિના મૂલાધાર તરીકે ગણાય. સંધિકરારમાં સહી કરનાર ભારત સહિતના 12 દેશોએ ધ્રુવપ્રદેશોને ફક્ત શાંતિમય વૈજ્ઞાનિક ઉપયોગ માટે સમર્પિત કરેલ છે.

પી. આર. પીશારોટી

અનુ. રમેશ શાહ