ઇથાઇલ ક્લોરાઇડ : રંગવિહીન, બાષ્પશીલ, ઈથર જેવી વાસ ધરાવતું લીલી કિનારીવાળી જ્યોતથી સળગતું, દાહક સ્વાદવાળું, જ્વલનશીલ કાર્બનિક પ્રવાહી. સૂત્ર, C2H5Cl ઉ. બિં. 12.5o સે., વિ. ઘ. 0.33. મોટા ભાગે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પાણીમાં નહિવત્ પ્રમાણમાં દ્રાવ્ય. ઇથિલિન અને હાઇડ્રોજન ક્લોરાઇડ વચ્ચે AlCl3ની હાજરીમાં પ્રક્રિયા થતાં બને છે :

ઇથેનોલ અને ZnCl2ના દ્રાવણમાં હાઇડ્રોજન ક્લોરાઇડ પસાર કરવાથી પણ બને છે :

ઇથેનના ક્લોરિનેશનથી (પ્રકાશ અથવા ઉદ્દીપકની હાજરીમાં) તે બહોળા પ્રમાણમાં મેળવાય છે.

પેટ્રોલમાં વપરાતા ટેટ્રાઇથાઇલ લેડની બનાવટમાં વપરાય છે. આ ઉપરાંત શીતક (refrigerant) અને દ્રાવક તરીકે પણ વપરાય છે. શરીરના કોઈ પણ ભાગને ઠંડો પાડી (-35o સે.) તેના નિશ્ચેતન માટે તે શીકર (spray) રૂપે છાંટવામાં આવે છે.

પ્રવીણસાગર સત્યપંથી