ઇતિહાસવિદ્યા

સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર. વર્તમાન માનવજીવન સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસ ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સંવાદ છે. તેમાં કોઈ ઇતિહાસકારે રાજકીય, કોઈકે સામાજિક, બીજા કોઈકે ધાર્મિક, નૈતિક કે આદર્શવાદી તો માર્ક્સ જેવાએ આર્થિક તથા ટૉયન્બી જેવા ઇતિહાસકારે ઇતિહાસના સાંસ્કૃતિક પાસાને વિશેષ મહત્વ આપેલું છે. વાસ્તવમાં ઇતિહાસ એ આ બધાં પાસાંનો સરવાળો છે.

ઇતિહાસને માનવજીવન સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી માનવજીવનના પરિવર્તનની સાથે ઇતિહાસનું સ્વરૂપ પણ બદલાય છે. પ્રાચીન યુગમાં રાજાશાહી પ્રબળ હોવાથી ઇતિહાસ બહુધા રાજવંશોનાં ઉત્થાન અને પતન તથા યુદ્ધો અને તવારીખોનો વિશેષત: વર્ણનાત્મક અહેવાલ રહ્યો. મધ્ય યુગમાં સામંતશાહી તથા ધર્મસત્તાનું પ્રાબલ્ય વધતાં ઇતિહાસના ગ્રંથોમાં અમીરશાહી અને ધર્મસત્તાનું વર્ણન વિશેષ રહ્યું, જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ બાદ રાષ્ટ્રવાદ અને લોકશાહીનાં પરિબળોનો ઉદય થતાં ઇતિહાસમાં સામાન્ય મનુષ્યને સ્થાન મળ્યું. વૉલ્તેર અને રુસો જેવા ફ્રેન્ચ ચિંતકોએ ઇતિહાસને માનવસમાજના અહેવાલ તરીકે ઘટાવ્યો.

ઇતિહાસ વિશેના આધુનિક ખ્યાલો : જર્મન ઇતિહાસકાર લિયૉપોલ્ડ વૉન રાન્કે ઇતિહાસને મૂળ તથા સમકાલીન પુરાવાને આધારે કાર્યકારણના સંબંધ સાથે માત્ર સત્ય તેમજ વાસ્તવિક ઘટનાઓ રજૂ કરતું શાસ્ત્ર માને છે. તેઓ ઇતિહાસની ઘટનાઓ પાછળ વિચારદર્શન હોવાના મતને સ્વીકારતા નથી. રાન્કેના આ ખ્યાલને તેમના સમકાલીન ફ્રેન્ચ ફિલસૂફ ઑગસ્ટ કાતેએ પ્રચલિત કર્યો અને તે અનુભવમૂલક કે પ્રમાણસિદ્ધ ખ્યાલ (positivism) તરીકે જાણીતો બન્યો. આર. જી. કોલિંગવૂડના મંતવ્ય પ્રમાણે ઇતિહાસની પ્રત્યેક ઘટના પાછળ વિચારદર્શન રહેલું છે. વિચાર વગર બનાવ શક્ય નથી. માટે ઇતિહાસ એ ઘટનાઓની સાથે તેમની પાછળ રહેલા વિચારોનું પૃથક્કરણ તેમજ સંશોધન છે. આમાં ઘટના ગૌણ છે, જ્યારે તેની પાછળનું વિચારદર્શન મુખ્ય પરિબળ છે. અલબત્ત, ઇતિહાસ તત્વજ્ઞાનનો માત્ર એક ભાગ હોવાનું ઇટાલિયન ફિલસૂફ ક્રોચેનું મન્તવ્ય કોલિંગવૂડ સ્વીકારતા નથી. ઇતિહાસકાર ઈ. એચ. કારે રાન્કે તથા કોલિંગવૂડનાં મન્તવ્યોનો સમન્વયકારી ખ્યાલ રજૂ કરેલ છે, એટલે કે તેણે ઘટના તથા તેની પાછળ રહેલા વિચારને સમાન મહત્ત્વ આપેલું છે. જર્મન ઇતિહાસકાર ફ્રેડરિક હેગલે ચૈતન્યમાંથી જડ કે ભૌતિક સૃષ્ટિ સર્જાઈ હોવાનું વિધાન કરીને ઇતિહાસ વિશેનો આદર્શવાદી ખ્યાલ રજૂ કર્યો, જે વાસ્તવિક કરતાં કાલ્પનિક વધારે છે. વળી તે સંપૂર્ણ રાજાશાહીનો પુરસ્કર્તા છે. તેની પછી કાર્લ માકર્સે ભૌતિકમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થયેલી હોવાનું વિધાન કરીને ઇતિહાસ વિશેનો ભૌતિક ખ્યાલ પ્રતિપાદિત કર્યો. આમ, હેગલના ઇતિહાસ વિશેના ખ્યાલમાં આદર્શવાદની સામે રાજકીય દર્શન વિશેષ છે, જ્યારે કાર્લ માકર્સના દર્શનમાં ભૌતિક એટલે આર્થિક પાસું મુખ્ય છે. વીસમી સદીના જાણીતા અંગ્રેજ ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બી ઇતિહાસની ઘટનાઓને પડકાર અને પ્રતિભાવનું વિશ્લેષણ કહે છે.

ઇતિહાસનું કાર્યક્ષેત્ર : ઇતિહાસનું કાર્યક્ષેત્ર વ્યાપક અને સર્વગ્રાહી છે. તે માનવજીવન, સમાજ તથા રાષ્ટ્રના પ્રત્યેક ક્ષેત્રને આવરી લે છે. ઇતિહાસની સાચી સમજ પર માનવ, સમાજ તથા રાષ્ટ્રનું ઘડતર થાય છે. ઇતિહાસ ભૂતકાળના માનવજીવનના આ પાસાનું સત્ય ઘટનાઓને સ્વરૂપે વિશ્લેષણ કે અન્વેષણ કરીને વર્તમાન જીવનની ક્ષતિઓ સુધારવાનું તથા ભવિષ્યના દોષરહિત અને ઉજ્જ્વળ જીવન માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. જે પ્રજાઓએ પોતાના ઇતિહાસમાંથી કોઈ બોધપાઠ લીધેલો નથી. તે કાળના ગર્ભમાં વિલીન થઈ ગયેલી છે અને તેમાંથી યોગ્ય બોધપાઠ લેનાર પ્રજા વિકાસ પામી છે.

ઇતિહાસનું તત્વજ્ઞાન

ઇતિહાસ વિશેનો ભારતીય ર્દષ્ટિકોણ : માનવજીવન તથા ઇતિહાસ વિશે વેદો, ઉપનિષદો, મહાભારત, પુરાણો તથા અન્ય પ્રાચીન ભારતીય સાહિત્યમાં ચક્રાકાર ખ્યાલ (cyclic concept) રજૂ થયેલો છે. તે અનુસાર માનવજીવન તેમજ ઇતિહાસયુગો (1) કૃત (શ્રેષ્ઠ), (2) ત્રેતા (મધ્યમ), (3) દ્વાપર (યાતનાકારી) તથા (4) કલિયુગ-(યાતનાકારી તથા અનિષ્ટકારી)માં ચક્રાકાર ગતિએ પરિવર્તન પામ્યા કરે છે અને તેની ગતિ અનંત સમય સુધી ચાલુ રહે છે. વિશેષમાં ઋગ્વેદમાં ‘ઋત’ એટલે કે શાશ્વત સત્યનો ખ્યાલ રજૂ થયેલો છે, તેને પણ ઇતિહાસનું હાર્દ કહી શકાય. આ ખ્યાલ ચીનમાં ઋગ્વેદની રજૂઆત બાદ આશરે એક હજાર વર્ષ પછી લાઓત્સેએ (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) ‘તાઓ’ (Tao)  સત્ય  તરીકે રજૂ કર્યો. 19મી સદીના મહાન જર્મન ઇતિહાસકાર રાન્કેએ ઇતિહાસને સત્યના સંશોધન તરીકે ઘટાવેલ છે. એ ર્દષ્ટિબિન્દુ ભારતીય ઇતિહાસકારોએ આશરે 3,500 વર્ષ પહેલાં રજૂ કરેલું છે. ઉપનિષદો તેમજ અન્ય ભારતીય દર્શનોમાં રજૂ કરાયેલ ‘જીવ’ તથા ‘બ્રહ્મ’નો ખ્યાલ 19મી તથા 20મી સદીમાં ઇતિહાસકારોએ માનવજીવન તેમજ ઇતિહાસ વિશે રજૂ કરેલ ભૌતિક તેમજ આધ્યાત્મિક ર્દષ્ટિબિન્દુ સાથે સરખાવી શકાય.

માનવજીવન તથા ઇતિહાસ વિશે ભારતીય વિચારકોએ ‘ઋત’ની સાથે સંકળાયેલ કર્મફળનો સિદ્ધાંત પણ રજૂ કરેલો છે. તેનું દર્શન હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મમાં સમાન છે અને તે પણ ચક્રાકાર ખ્યાલનું એક સ્વરૂપ છે. મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે જન્મ, મૃત્યુ તથા પુનર્જન્મની ચક્રાકાર ગતિમાંથી પસાર થયાં કરે છે. મનુષ્યજીવન તેમજ તેનો ઇતિહાસ તેના કર્મ પર આધારિત છે. વિશેષમાં ભારતીય દ્રષ્ટાઓએ કલ્પેલ જીવનના ચાર આશ્રમોમાં બ્રહ્મચર્ય તથા ગૃહસ્થ આશ્રમ પ્રવૃત્તિના, જ્યારે વાનપ્રસ્થ તથા સંન્યાસ આશ્રમ નિવૃત્તિના સૂચક છે. જીવન તેમજ ઇતિહાસમાં બંનેનું સમાન મહત્ત્વ છે. તે જ રીતે ભારતીય દાર્શનિકોએ માનવજીવનના વિકાસ માટે દર્શાવેલા ત્રણ માર્ગો (1) જ્ઞાન, (2) કર્મ અને (3) ભક્તિ તથા ત્રણ ગુણો (1) સત્ત્વ, (2) રજસ અને (3) તમસ જીવન તેમજ ઇતિહાસના ઘડતરમાં મહત્વનાં અંગો છે.

ઇતિહાસનું કાર્ય

રાષ્ટ્ર, સમાજ તથા માનવજીવનનું સ્વરૂપ સમય, સ્થળ તથા સંજોગો પ્રમાણે પરિવર્તન પામે છે. તેથી ઇતિહાસનું સ્વરૂપ તેમજ કાર્ય પણ પરિવર્તનશીલ છે. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો ફેલાવો થતાં રાજ્ય, અર્થ તથા સમાજવ્યવસ્થામાં વિશેષ પરિવર્તનો થયાં અને પરિણામે નવી રાજકીય, આર્થિક તથા સામાજિક સમસ્યાઓ ઊભી થઈ. તેની સામેના પડકાર રૂપે મુક્તિનાં તેમજ સુધારક આંદોલનો થયાં અને ઇતિહાસમાં પણ તેનો પ્રતિભાવ પડ્યો. ઇતિહાસનું ર્દષ્ટિબિંદુ અને તેનું કાર્ય માત્ર રાજકીય કે ધાર્મિક બાબતોનું આલેખન ન રહેતાં આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક બાબતોનું આલેખન પણ બન્યું.

કોઈ પણ શાસ્ત્ર કે વિજ્ઞાનનું અંતિમ ધ્યેય માનવહિત છે. તે જ ધ્યેય ઇતિહાસનું પણ છે. ઇતિહાસનું કાર્ય રાજ્યવંશો, યુદ્ધો, રાજવીઓ, સામંતો, ધર્મગુરુઓ, વંશાવળીઓ વગેરેનું નિરૂપણ કરવાનું છે તેવો ઇતિહાસ વિશેનો જૂનો ખ્યાલ યથાર્થ નથી. કશા જ પૂર્વગ્રહ વગર માત્ર સત્યકથન એ જ ઇતિહાસનું ધ્યેય છે.

ઇતિહાસનું કાર્ય નકારાત્મક તેમજ વિધેયાત્મક સત્યોનું નિરૂપણ કરવાનું છે. આપખુદ તંત્રો, સત્તાલાલસા અને યુદ્ધો, વિષમ આર્થિક અસમાનતા અને શોષણખોરી, રૂઢ સામાજિક માન્યતાઓ, રંગભેદ તેમજ વર્ણભેદ, સંસ્કૃતિ વિશેના નીચા-ઊંચા ખ્યાલો, રૂઢ ધાર્મિક માન્યતાઓ વગેરેએ રાષ્ટ્ર, સમાજ તથા માનવજીવનને કેટલું બધું નુકસાન કરેલું છે તેનું ઇતિહાસ નકારાત્મક તથ્યો દ્વારા પ્રતિપાદન કરે છે; જ્યારે બંધારણીય, ઉદાર કે લોકશાહી તંત્રો, આર્થિક અસમાનતા તેમજ શોષણખોરી સામે લડનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓ, જડ સામાજિક વ્યવસ્થા સામે આંદોલન ચલાવનાર સુધારકો, ભૂતકાળની ભવ્ય સંસ્કૃતિઓનો ઉદ્ધાર કરનાર સંશોધકો તથા સામાજિક-ધાર્મિક રૂઢિઓ અને કુરિવાજો સામે જેહાદ જગાવનાર સંતો તથા સુધારકોએ રાષ્ટ્ર, સમાજ તથા માનવજીવનના કરેલ હિતનું વિવરણ ઇતિહાસ વિધેયાત્મક તથ્યો દ્વારા રજૂ કરે છે.

ઇતિહાસ વિશેનું માર્કસવાદી ર્દષ્ટિબિંદુ

જર્મન ચિંતક કાર્લ માકર્સે (1813-1883) ઇતિહાસ વિશે રજૂ કરેલ ભૌતિક દ્વન્દ્વવાદ(dialectical materialism)ના સિદ્ધાંતનાં મૂળ મુખ્યત: આધુનિક સમયની આર્થિક, સામાજિક તથા રાજકીય પરિસ્થિતિમાં રહેલાં છે. વળી, માર્કસના આ વિચારદર્શન પર હેગલના વિધાન (thesis), પ્રતિવિધાન (antithesis) તથા સમન્વય(synthesis)ને લગતા સિદ્ધાંતની તેમજ હેગલના ચૈતન્યને લગતા ખ્યાલની અને તેના રાજકીય દર્શનની પણ ઘેરી છાપ પડેલી છે. હેગલના ઉપર ઉલ્લેખેલ સિદ્ધાંતમાંથી માર્કસે એ સત્ય તારવ્યું કે સમાજની એક પ્રકારની વ્યવસ્થા એટલે કે વિધાન(દા.ત., આપખુદી-અન્યાય-શોષણખોરી)માંથી તેની વિરોધી વ્યવસ્થા-પ્રતિવિધાન (દા.ત., ક્રાન્તિનાં પરિબળો) ઉદભવે છે. હેગલના મન્તવ્ય પ્રમાણે બંને વચ્ચેના સંઘર્ષમાંથી છેવટે સમન્વય સધાય છે; માર્ક્સના ર્દષ્ટિબિન્દુ પ્રમાણે બન્ને વચ્ચેના સંઘર્ષ(જેને તેણે વર્ગવિગ્રહ-class war-નું નામ આપ્યું)માં પરસ્પરની સદંતર વિરોધી રીતોને લીધે સમન્વય શક્ય નથી, પરંતુ તેનું નિવારણ વર્ગવિહીન સમાજરચનામાં રહેલું છે. વિશેષમાં હેગલે ચૈતન્ય-શક્તિમાંથી ભૌતિક (જડ) સૃષ્ટિ ઉત્પન્ન થઈ હોવાનું કરેલું વિધાન કાર્લ માર્ક્સને કાલ્પનિક લાગ્યું. તેથી તેણે ભૌતિક સૃષ્ટિમાંથી ચેતનાશક્તિ પ્રગટી હોવાનું વિધાન કર્યું. આ વિધાન પ્રમાણે માનવજીવનની પ્રત્યેક બાબત અને તેની પ્રત્યેક પ્રવૃત્તિ આર્થિક પરિસ્થિતિ પર આધારિત છે. માનવજીવનની જરૂરિયાતોનાં સાધનોનું ઉત્પાદન, તેમની વહેંચણી તથા તેમનો વપરાશ કોના હસ્તક છે તેના આધારે સમાજ, માનવજીવન અને ઇતિહાસનું ઘડતર થાય છે.

માર્ક્સના મંતવ્ય મુજબ માનવઇતિહાસ ત્રણથી ચાર એવા ઉત્પાદનના અલગ અલગ પ્રકારના તબક્કામાંથી પસાર થાય છે. ઇતિહાસના પ્રથમ તબક્કાને પ્રાથમિક સામ્યવાદના સુવર્ણયુગ તરીકે ઓળખાવી શકાય. પ્રાચીન કાળના બીજા તબક્કામાં ગુલામો પર આધારિત સમાજ રચાયો. ત્યારપછી સામંતશાહી અને છેલ્લે મૂડીવાદી ઉત્પાદનના સ્વરૂપનો વિકાસ થયો; પરંતુ આ દરેક તબક્કામાંના ઉત્પાદનના સ્વરૂપને આધારે રચાયેલા સંબંધોમાં અંતર્ગત આત્મવિરોધનું તત્વ હોવાથી ઘર્ષણ અનિવાર્ય બન્યું. આ ઘર્ષણને માકર્સ વર્ગવિગ્રહ તરીકે ઘટાવે છે. તેના મંતવ્ય મુજબ મૂડીવાદના વિકાસને અંતે સર્વહારા વર્ગની સરમુખત્યારશાહી ન સ્થપાય ત્યાં સુધી વર્ગવિગ્રહ ચાલુ રહે છે અને તે સાથે પાયાનું આર્થિક-ભૌતિક માળખું બદલાતાં તેના પર આધારિત કાનૂની તેમજ રાજકીય અધિ-માળખું પણ બદલાશે અને રાજ્યનો અંત આવશે.

માર્ક્સે ઇતિહાસને આર્થિક ઉત્પાદનના સંદર્ભમાં પ્રાકૃતિક તત્વો પર આધિપત્ય સ્થાપવાના માનવપ્રયાસના તબક્કા વાર વિકાસ તરીકે જોવા પ્રયાસ કર્યો અને એ રીતે માનવવિકાસ માટે ભૌતિક દ્વન્દ્વવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.

કાર્લ માર્ક્સ અને તેના સાથીદાર એંજલ્સે ભૌતિક દ્વન્દ્વવાદને આધારે રજૂ કરેલ વર્ગવિહીન સમાજરચનાના ખ્યાલ મુજબ માનવસમાજના બે વર્ગો છે : (1) ખૂબ નાનો સંપત્તિવાન અને (2) ખૂબ મોટો સંપત્તિવિહીન. પહેલા વર્ગ પાસે સંપત્તિના ઉત્પાદનનાં બધાં સાધનો છે, જ્યારે બીજા વર્ગ પાસે આવાં કોઈ સાધનો નથી; એટલે પહેલો વર્ગ શોષક છે, અને બીજો વર્ગ શોષિત છે. આથી બંને વર્ગો વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે અને તેમાંથી માનવસમાજ, માનવજીવન તેમજ ઇતિહાસનું માળખું ઘડાય છે તથા તેમાં પરિવર્તન થયાં કરે છે. માર્ક્સે લખેલ વિખ્યાત ગ્રંથ ‘Das Capital’ તથા તેણે અને એંજલ્સે રચેલ પ્રસિદ્ધ પુસ્તક ‘Communist Manifesto’માં માર્ક્સના ઉપર્યુક્ત ર્દષ્ટિબિન્દુનું વિગતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. માર્ક્સના મતે બન્ને વર્ગો વચ્ચેના સંઘર્ષનો ઉકેલ સમન્વયમાં નહિ, પરંતુ વર્ગવિહીન સમાજરચનામાં રહેલો છે અને આવી રચના આમૂલ ક્રાન્તિ વગર શક્ય નથી. માર્ક્સનું દર્શન નિરીશ્વરવાદી છે અને તે સૃષ્ટિનું સર્જન ઈશ્વરથી નહિ, પરંતુ જીવશાસ્ત્રના નિયમ મુજબના વૈજ્ઞાનિક સિદ્ધાંતને આધારે થયેલું હોવાનું માને છે. સંપત્તિશીલ નાનકડી લઘુમતીએ સંપત્તિવિહીન મોટી બહુમતીને પોતાની વાસ્તવિક સમસ્યાઓથી અજ્ઞાત રાખવા ઈશ્વર, ધર્મ, સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય વગેરેના ભ્રામક ખ્યાલો ઊભા કર્યા હોવાનું પણ માર્ક્સ માને છે. માર્ક્સના ચિંતને માનવજીવન તેમજ ઇતિહાસને સમજવા માટેનો એક અગત્યનો ર્દષ્ટિકોણ આપ્યો તે જાણીતી હકીકત છે.

ઇતિહાસ વિશે ટૉયન્બીનું વિચારદર્શન

ઇતિહાસનું સાંસ્કૃતિક તથા ધાર્મિક સ્વરૂપ : પડકાર અને પ્રતિભાવ : અંગ્રેજ ઇતિહાસવિદ્ આર્નોલ્ડ ટૉયન્બી (1889-1975) સંસ્કૃતિઓનાં ઉદભવ, વિકાસ, પરિવર્તન, વિઘટન તથા પતનના વિશ્લેષણને ઇતિહાસ કહે છે. તેમનું આ મન્તવ્ય પડકાર (challenge) અને પ્રતિભાવ(response)ના સિદ્ધાંત પર આધારિત છે. ટૉયન્બીના કથન પ્રમાણે માનવજીવન સમક્ષ ઉપસ્થિત થતા પડકારોમાંથી સંસ્કૃતિઓનો ઊગમ તથા વિકાસ થાય છે. આવા પડકારો માત્ર ભૌતિક પરિબળોને લીધે જ ઉદભવે છે તેવો કાર્લ માર્ક્સનો ખ્યાલ ટૉયન્બીને ભૂલભરેલો લાગે છે. તેમાં આર્થિક પરિબળો ઉપરાંત શિક્ષણ, સાહિત્ય, કલા, ધાર્મિક માન્યતાઓ વગેરેનો પણ મોટો હિસ્સો હોય છે. વિશ્વની ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના તુલનાત્મક અધ્યયન તેમજ અન્વેષણથી આ હકીકત સ્પષ્ટ થાય છે. જે સંસ્કૃતિઓએ આવા પડકારોનો યોગ્ય પ્રતિભાવ આપ્યો તેમનો ઊગમ તથા વિકાસ ઝડપી બન્યો અને જે સંસ્કૃતિઓ આવા પડકારોનો યોગ્ય પ્રતિભાવ આપી શકી નહિ તે કાળના ગર્ભમાં વિલીન થઈ ગઈ. મિસર, મોંહે-જો-દડો, મેસોપોટેમિયા (ઇરાક), ચીન, ક્રીટ વગેરે સંસ્કૃતિઓ આવા પડકારોના પરિપાકરૂપે ઉદભવી અને વિકાસ પામી, પરંતુ પછીથી તેમનામાં પરિવર્તન આવતાં એટલે કે તેઓએ નૈતિક તથા સનાતન મૂલ્યોને બદલે ભૌતિક તથા તત્કાલીન મૂલ્યોને પ્રાધાન્ય આપતાં તેમનો પ્રતિભાવ મંદ બન્યો. એટલે તેમનાં વિલીનીકરણ અને અસ્તની પ્રક્રિયા ઝડપી બની. આથી ઊલટું ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ તથા ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિએ આંતરિક સુધારણા મારફત પોતાની સામેના પડકારોનો યોગ્ય પ્રતિભાવ આપ્યો તેથી તે પરિવર્તિત સ્વરૂપમાં ટકી રહી.

આર્નોલ્ડ ટૉયન્બીના ઇતિહાસદર્શનમાં ધર્મના વિકાસના સંદર્ભમાં સંસ્કૃતિઓને એકમ ગણીને તેમનાં ઉદભવ, વિકાસ, પરિવર્તન, વિઘટન તથા વિલીનીકરણના વિશ્લેષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિશ્લેષણ પડકાર તથા પ્રતિભાવના સિદ્ધાંત પર આધારિત છે. તેમના ઇતિહાસના અભ્યાસનાં મુખ્ય પાસાંમાં દરેક સંસ્કૃતિ પરત્વે સર્જનાત્મક તેમજ પ્રભાવાત્મક લઘુમતીઓ, નિયતિ(nimesis)ની પ્રક્રિયા, આંતરિક તેમજ બાહ્ય સર્વહારાની ભૂમિકા, સંસ્કૃતિઓનું પતન અને તેમનું વિઘટન, વિશ્વવ્યાપી રાજ્યો તથા ધર્મસંઘો અને છેલ્લે ઉચ્ચ ધર્મોનો ફાળો વગેરેનો સમાવેશ થાય છે. એ રીતે ટૉયન્બીનું ઇતિહાસદર્શન એ સમયાતીત વાસ્તવને સમજવા માટેનો પ્રયાસ છે.

માનવજીવન તથા ઇતિહાસ વિશેના સ્પેન્ગલરના જીવશાસ્ત્રને લગતા સિદ્ધાંતમાંથી ટૉયન્બીના માનવજીવનના ઊગમ, વિકાસ અને અસ્ત સંબંધી આધ્યાત્મિકતાના સિદ્ધાંતને ઊલટી રીતે પોષણ મળ્યું. ટૉયન્બી જગતની ઉત્પત્તિ વિશેના ચાર્લ્સ ડાર્વિન તથા સ્પેન્ગલરના ભૌતિકવાદના સિદ્ધાંતને સ્વીકારતા નથી. ટૉયન્બીના કથન પ્રમાણે જગતના ઉદભવ, વિકાસ અને પરિવર્તનમાં વ્યાપક અર્થમાં ધર્મનો મોટો હિસ્સો છે. મનુષ્ય તેમજ સમાજ ભૌતિક શક્તિમાંથી નૈતિક શક્તિ તરફ પ્રયાણ કરે છે ત્યારે ઇતિહાસ તેમજ સંસ્કૃતિનું શ્રેષ્ઠ સ્વરૂપ પ્રગટે છે. ટીકાકારો ટૉયન્બીની આ રજૂઆતને વાસ્તવિક કરતાં આદર્શ વિશેષ માને છે; પણ જે રીતે માર્ક્સે ઇતિહાસ વિશેનો આર્થિક કે ભૌતિક ર્દષ્ટિકોણ આપ્યો તે જ રીતે ટૉયન્બીએ ઇતિહાસ પરત્વેનો સાંસ્કૃતિક તેમજ નૈતિક ર્દષ્ટિકોણ આપ્યો. ઇતિહાસના સ્વરૂપ વિશેનું ટૉયન્બીનું એ નોંધપાત્ર પ્રદાન કહી શકાય.

ઇતિહાસના પ્રકારો

પ્રમાણિત પ્રકારો : ઇતિહાસના પ્રકારોનું મુખ્યત્વે બે રીતે વિભાજન થઈ શકે : (1) પ્રમાણિત અને (2) આધુનિક. પ્રમાણિત પ્રકારોના (1) વર્ણનાત્મક, (2) બોધાત્મક તથા (3) વિકાસાત્મક એવા પેટાવિભાગ પાડી શકાય; જ્યારે આધુનિકના (1) રાજકીય, (2) બંધારણીય, (3) લશ્કરી, (4) રાજનીતિવિષયક, (5) આર્થિક, (6) સામાજિક, (7) સાંસ્કૃતિક, (8) ધાર્મિક તથા (9) ભૌગોલિક એવા પેટાવિભાગ કરી શકાય. આવા વિભાગો એકબીજાથી તદ્દન અલગ નહિ પરંતુ એકમેક સાથે નિકટ રીતે સંકળાયેલા છે.

વર્ણનાત્મક ઇતિહાસ એ ઇતિહાસનો સૌપ્રથમ પ્રકાર કહી શકાય. તેમાં યુદ્ધો, વંશાવળીઓ, મહાપુરુષો, તવારીખો વગેરેનું વર્ણન મુખ્ય હોય છે. તેમાં વિચારો કરતાં શબ્દોનું બાહુલ્ય હોય છે. તેમાં અતિશયોક્તિ તથા અલ્પોક્તિ પણ હોય છે. બનાવોનાં વર્ણનમાં દંતકથાઓ, લોકકથાઓ, રહસ્યકથાઓ, ટુચકા, કહેવતો વગેરેનો પણ સમાવેશ કરાય છે. ગ્રીસમાં ઈ. સ. પૂ. પાંચમી સદીમાં થઈ ગયેલ હિરોડોટસ વર્ણનાત્મક ઇતિહાસના પ્રારંભક ગણાય છે. વર્ણન એ ઇતિહાસનો પાયો છે. પ્રાચીન યુગમાં આ પ્રકાર પ્રચલિત હતો. ગ્રીસમાં ઈ. સ. પૂ. બીજા સૈકામાં થઈ ગયેલ પૉલિવિયસ બોધાત્મક (didactic) ઇતિહાસલેખનનો પ્રણેતા ગણાય છે. તેમાં વર્ણનની સાથે ર્દષ્ટાંતો સહિત ઉપદેશ આપવાનો મુખ્ય હેતુ હોય છે. પ્રાચીન ભારતના પૌરાણિક તથા મધ્ય યુગના સંત-લેખકોએ આ પ્રકારને લોકપ્રિય બનાવ્યો. તેમાં ઇતિહાસમાં રહેલ બોધપાઠને માનવજીવનના ઊર્ધ્વીકરણ માટે સ્પષ્ટ કરવાનો મુખ્ય આશય હોય છે. વિકાસાત્મક (genetic) ઇતિહાસનો પ્રકાર 19મી સદીમાં ઉદભવ્યો. ઇતિહાસ માત્ર કલા નથી, પરંતુ તે વિજ્ઞાન પણ છે. વિજ્ઞાનનો આશય કાર્યકારણના સંબંધ સાથે પુરાવા સહિત બનાવોનું વાસ્તવિક વિવરણ કરવાનો છે. ચોકસાઈ, સમતુલા, વાસ્તવિકતા અને તટસ્થતા તેનાં મુખ્ય લક્ષણો છે. તેમાં ઘટના કરતાં તેની પાછળના વિચારને પ્રાધાન્ય અપાય છે.

ઇતિહાસના આધુનિક પ્રકારોમાં રાજકીય ઇતિહાસને સૌપ્રથમ મૂકી શકાય. રાજકીય ઇતિહાસ એ માત્ર રાજાઓ કે યુદ્ધોનો જ અહેવાલ નથી, પરંતુ રાજકીય સંસ્થાઓ તથા તેમનાં અંગોનો અહેવાલ છે. તેમાં રાજકીય વિચારધારાઓ, રાજકીય પક્ષો, ચૂંટણી, મતાધિકાર વગેરેની વિચારણાનો પણ સમાવેશ થાય છે. બંધારણીય ઇતિહાસ એ રાજકીય ઇતિહાસનો જ એક પ્રકાર છે. તેમાં રાજ્યના કાયદા, મતપત્રો, આજ્ઞાપત્રો, સંસદીય ઠરાવો વગેરેની સમીક્ષા મુખ્ય હોય છે. તેને રાજકીય ઇતિહાસનું કાનૂની સ્વરૂપ કહી શકાય. લશ્કરી ઇતિહાસ પણ રાજકીય ઇતિહાસનું એક અંગ છે, પરંતુ લશ્કરી બાબતો તથા યુદ્ધોએ રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિના પરિવર્તનમાં ભજવેલા ભાગથી તેને રાજકીય ઇતિહાસનો એક અલગ પ્રકાર ગણવામાં આવે છે. તે જ રીતે 15મા સૈકાથી શરૂ થયેલ સંસ્થાનવાદમાંથી સાંસ્થાનિક ઇતિહાસનો ઉદભવ થયો. આ જ રીતે આંતરરાજ્ય સંબંધોના વિકાસ સાથે પરસ્પરના કરારો, ખતપત્રો, આંતરરાષ્ટ્રીય આચારસંહિતા વગેરેનું ઘડતર થતાં રાજનીતિ સંબંધી ઇતિહાસનું સર્જન થયું.

આર્થિક ઇતિહાસ એ ઇતિહાસનું વિશેષત: આધુનિક પાસું છે. ઔદ્યોગિક ક્રાન્તિ બાદ માનવજીવનની આર્થિક સમસ્યાઓમાં વધારો થતાં ઇતિહાસના આ પ્રકારનું મહત્વ વધ્યું. અર્થશાસ્ત્રથી આ પ્રકાર ભિન્ન છે. કાર્લ માકર્સના વિચારદર્શનથી આ પ્રકારની ઉપયોગિતા વધારે સ્પષ્ટ થઈ. જીવનની વાસ્તવિક સમજણ માટે આર્થિક પ્રશ્નોની સમજણ અનિવાર્ય છે. સામાજિક ઇતિહાસ એ બહુધા માનવજીવનનો ઇતિહાસ ગણાય છે. તેનું ફલક ખૂબ વિસ્તૃત છે. તેમાં રાજકીય અને આર્થિક ઇતિહાસ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે પ્રકારનો પણ સમાવેશ થાય છે. આ પ્રકાર લોકસમુદાય, તેની સંસ્થાઓ અને પ્રણાલિકાઓ સાથે સંકળાયેલો હોવાથી સવિશેષ ઉપયોગી છે. સાંસ્કૃતિક તથા ધાર્મિક ઇતિહાસને સામાજિક ઇતિહાસના પેટા-પ્રકાર કહી શકાય. સાંસ્કૃતિક ઇતિહાસમાં લિપિ, ભાષા, સાહિત્ય, કલા, તત્વજ્ઞાન, વિજ્ઞાન વગેરેએ માનવજીવન તથા ઇતિહાસના ઘડતરમાં ભજવેલ ભાગનું વિવરણ આવે છે. ઇતિહાસના મહામૂલા ગ્રંથોની રચનામાં પણ આ બધાંનો વિશિષ્ટ ફાળો છે. સ્થાપત્ય, શિલ્પ, કોતરકામ, ચિત્રકળા, લિપિ, ભાષા વગેરેએ ઇતિહાસને ખૂબ જ ઉપયોગી સાધનો અને દસ્તાવેજો પૂરાં પાડ્યાં છે. ધાર્મિક ઇતિહાસ ધર્મના ઇતિહાસથી અલગ છે. આ પ્રકારે વિશેષત: પ્રાચીન તથા મધ્ય યુગના ઇતિહાસના ઘડતરમાં મહત્વનું પ્રદાન કર્યું છે. હિન્દુ ધર્મની જાણકારી વગર પ્રાચીન હિન્દનો, ખ્રિસ્તી ધર્મના જ્ઞાન વિના મધ્ય યુગના યુરોપનો તથા ઇસ્લામની સમજણ વગર મધ્ય યુગના એશિયાનો ઇતિહાસ સમજવાનું કઠિન છે. આધુનિક યુગમાં માનવજીવનમાં રાજકીય, આર્થિક તથા સામાજિક પાસાંનું મહત્ત્વ વધતાં ઇતિહાસનો ધાર્મિક પ્રકાર ગૌણ બન્યો છે. છતાંયે માનવજીવન માટે ધર્મનું મૂલ્ય સનાતન છે. સમય અને સ્થાન ઇતિહાસનું હાર્દ છે. એ મતે ઇતિહાસ અને ભૂગોળ વાસ્તવમાં અવિભાજ્ય છે.

ઇતિહાસલેખન

પાયાના ચાર સિદ્ધાંતો : ઇતિહાસલેખન મૂળ તથા સમકાલીન સાધનો તેમજ દસ્તાવેજોને આધારે જ થાય છે અને સત્ય તેનું હાર્દ છે. ગ્રીસમાં ઈ. સ. પૂ. પાંચમી સદીમાં થઈ ગયેલ ઇતિહાસકાર થુસિડાઇડિસના કથન પ્રમાણે ઇતિહાસલેખનની સામગ્રી અસલ પુરાવાના આધારે એકઠી કરવી જોઈએ. ત્યારબાદ સત્ય હકીકતોની ક્રમ તથા મુદ્દા પ્રમાણે યોગ્ય ગોઠવણી કરીને તે પછી અનુરૂપ વિચાર તથા ભાષામાં તેની રજૂઆત કરવી જોઈએ.

ઇતિહાસલેખન માટેના પાયાના ચાર સિદ્ધાંતોમાં (1) પસંદ કરાયેલ વિષય માટે મૂળ તથા સમકાલીન સાધનો તેમજ દસ્તાવેજોને આધારે હકીકતનું એકત્રીકરણ કે સંશોધન (heuristics), (2) એકત્ર કરાયેલી માહિતીની વાસ્તવિકતાની પુરાવાના આધારે ચકાસણી તેમજ તેનું પૃથક્કરણ અને વિવેચન (criticism), (3) ચકાસણી બાદ વાસ્તવિક કે વિશ્વાસપાત્ર ઠરેલ હકીકતની ક્રમ તથા મુદ્દા પ્રમાણે ગોઠવણી કે તેનું સંકલન (synthesis) તથા (4) અનુરૂપ વિચાર તથા ભાષામાં તેની રજૂઆત કે તેનું આલેખન (exposition) છે.

હકીકતનું એકત્રીકરણ કે સંશોધન : ઇતિહાસલેખનના પ્રથમ નિયમ પ્રમાણે ઇતિહાસકારે પોતે પસંદ કરેલા વિષય માટે દસ્તાવેજોનું એકત્રીકરણ કે સંશોધન કરવાનું આવશ્યક છે. આ માટે તેણે પુરાતત્વીય સ્થળો, સરકારી દફતર ભંડાર, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ઉચ્ચ શિક્ષણ માટેનાં સંશોધનકેન્દ્રો વગેરેની મુલાકાતો લઈને મૂળ તેમજ સમકાલીન સાધનો જેવાં કે અવશેષો, અભિલેખો, સિક્કા દસ્તાવેજો હસ્તપ્રતો, નોંધો, પત્રવ્યવહાર, સામયિકો, વર્તમાનપત્રો, ગ્રંથો વગેરેનું અધ્યયન કરીને માહિતી એકઠી કરવી જોઈએ. આ માટે બનાવવામાં આવેલી સૂચિ તેને ખાસ મદદરૂપ થાય.

હકીકતનું પૃથક્કરણ કે વિવેચન : સામગ્રીના એકત્રીકરણ કે સંશોધન બાદ, ઇતિહાસલેખનનું બીજું મહત્વનું પગલું તેનું પૃથક્કરણ કે વિવેચન છે. એકત્ર કરાયેલાં સાધનો તથા દસ્તાવેજો અને તેમાંની હકીકતોની વાસ્તવિકતાની ચકાસણી માટે દસ્તાવેજનો સમય, સ્થાન, કર્તા, મૂળ તથા મૂળાધારો નિશ્ચિત કરવાં જોઈએ. આ કાર્યપદ્ધતિને પ્રમાણભૂતતા નક્કી કરવાની રીત કહી શકાય, જ્યારે દસ્તાવેજ તેમજ હકીકતની પ્રત્યેક વિગતનું અન્ય સમકાલીન પુરાવાના આધારે કરવામાં આવેલ પરીક્ષણ કે પૃથક્કરણને આંતરિક વિવેચન કે વિશ્વસનીયતાની પદ્ધતિનું નામ આપી શકાય. આને પરિણામે દસ્તાવેજોમાંની અસત્ય હકીકતોને સત્ય હકીકતોથી અલગ તારવી શકાય છે.

હકીકતની ગોઠવણી કે તેનું સંકલન : દસ્તાવેજો અને તેમાંની હકીકતોનું પૃથક્કરણ કર્યા બાદ ઇતિહાસકાર પસંદ કરાયેલી વિગતોને ક્રમ તેમજ મુદ્દા પ્રમાણે ગોઠવે છે, સંકલન કરે છે. આમાં કાર્યકારણનો સંબંધ ખાસ મહત્વની બાબત છે. ક્રમ અને મુદ્દાની સંયુક્ત ગોઠવણી વૈજ્ઞાનિક લેખન માટે આવશ્યક છે.

હકીકતની રજૂઆત કે તેનું આલેખન : હકીકતનાં સંશોધન, વિવેચન તથા સંકલન બાદ તેનું આલેખન કઠિન રહેતું નથી. તોપણ તેમાં તટસ્થતા, પૂર્વગ્રહરહિતતા, સમતુલા, ચોકસાઈ, એકરૂપતા, સત્યનિષ્ઠા, શબ્દો અને ભાષાનો સંયમિત ઉપયોગ તથા વિચારને અનુરૂપ ભાષા વગેરેની આવશ્યકતા રહે છે. છેવટે કૃતિનું મૂલ્યાંકન તો તેના આલેખન પરથી જ થાય છે. તેમાં વાસ્તવિકતાની સાથે પ્રત્યેક વિધાન માટે અસલ પુરાવાની જરૂરિયાત રહે છે.

મધ્યકાલીન ઇતિહાસકારો

સંત ઑગસ્ટિન (. . 354430) : યુરોપના મધ્ય યુગ દરમિયાન (પાંચમીથી તેરમી સદી સુધી) યુરોપમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ કે ખ્રિસ્તી દેવળ સાથે સંકળાયેલ વૃત્તાન્તકારો હતા. તેઓએ દુન્યવી બાબતોને ખૂબ જ ગૌણ ગણીને પારલૌકિક બાબતોને ભારે મહત્વ આપ્યું. તેથી આ યુગનું મોટા ભાગનું ઇતિહાસલેખન ધાર્મિક કે સાંપ્રદાયિક સ્વરૂપનું રહ્યું. આવા ધાર્મિક સ્વરૂપના ઇતિહાસલેખનના પ્રથમ પ્રતિનિધિ સંત ઑગસ્ટિન છે. તેમણે પોતાના પુસ્તક ‘પ્રભુનું નગર’માં દુન્યવી અને દૈવી એમ બે પ્રકારના વિશ્વની કલ્પના કરેલી છે. દુન્યવી બાબતો કામચલાઉ સુખ આપનારી છે અને દૈવી બાબતો શાશ્વત સુખ આપનારી છે. માટે સંત ઑગસ્ટિન દુન્યવી બાબતોનો મોહ તજીને દૈવી બાબતોમાં તલ્લીન થવા લોકોને અનુરોધ કરે છે.

યુસેબિયસ (. . 260340) : ત્રીજી-ચોથી સદીમાં થઈ ગયેલ સીઝેરાના રહીશ ધર્મગુરુ યુસેબિયસે લખેલ પુસ્તક ‘The Ecclesiastical History’ ખ્રિસ્તી ધર્મ અને દેવળના ઉદભવ તથા ઉદયનો અહેવાલ કહી શકાય. તેમાં ખ્રિસ્તી દેવળ અને ધર્મે બજાવેલી સેવાઓ ઉપરાંત સમકાલીન રાજ્યો તથા ઐતિહાસિક હકીકતોનું વિવરણ પણ છે. ગ્રંથની મોટા ભાગની હકીકત સમકાલીન પુરાવાના આધારે લખાયેલી છે તે તેની ખાસ વિશિષ્ટતા છે.

લૉરેન્ઝોવલ્લા (ઈ. સ. 1407-1457) : ઇટાલિયન ઇતિહાસકાર લૉરેન્ઝોવલ્લાનું ઇતિહાસનાં સાધનોનું અન્વેષણ તથા વિવેચન કરતું પુસ્તક ‘Donation of Constantine’ મધ્યયુગીન ઇતિહાસલેખનમાં નવી ભાત પાડે છે. ખ્રિસ્તી દેવળ સામે પ્રૉટેસ્ટન્ટોએ – સુધારકોએ પોકારેલ બંડના પરિપાક રૂપે ઇતિહાસલેખનમાં વિવેચનર્દષ્ટિનો આવિર્ભાવ થયો અને લૉરેન્ઝોવલ્લાના પુસ્તકથી શાસ્ત્રીય ઇતિહાસલેખનનો પાયો નંખાયો. અહીંથી ઇતિહાસમાં ઈશ્વર અને ધાર્મિક બાબતોને બદલે માનવ અને માનવકાર્યો કેન્દ્રસ્થાને મુકાયાં.

મૅકિયાવેલી (. . 14691527) : મધ્યયુગીન ઇતિહાસલેખનમાં અલૌકિક તથા દૈવી તત્વોનું મહત્વ ઘટાડવામાં તથા દુન્યવી અને સામાજિક બાબતોનું મહત્વ વધારવામાં જે ઇતિહાસકારોએ નોંધપાત્ર પ્રદાન કર્યું તેમાં ઇટાલીના ઇતિહાસકાર નિકોલો મૅકિયાવેલી અગ્રસ્થાને ગણાય છે. તે મુખ્યત્વે રાજકીય વિચારક હતા, તોપણ પુરાણા ગ્રીક સાહિત્ય અને ગ્રીક ઇતિહાસકાર પૉલિવિયસથી પ્રભાવિત થયેલા. ઇતિહાસમાં રાજકીય તથા સામાજિક બાબતોના આલેખનને મહત્વ આપવું જોઈએ તેવી રજૂઆત કરનાર મૅકિયાવેલી સૌપ્રથમ મધ્યયુગીન ઇતિહાસકાર છે, જે તેમના જાણીતા ગ્રંથો ‘The Prince’ તથા ‘The Discourses’માં ર્દષ્ટિગોચર થાય છે.

જીન બોડિન (. . 15301596) : ઐતિહાસિક તથા ભૌગોલિક પરિબળો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ દર્શાવનાર જીન બોડિન મધ્ય યુગનો પ્રથમ ઇતિહાસકાર હતો. તે જગત ઈશ્વરસર્જિત હોવાની રૂઢ માન્યતાનો અસ્વીકાર કરે છે તથા જગતનું સર્જન ઐતિહાસિક તથા ભૌગોલિક પરિબળોને આભારી હોવાનું માને છે. માનવઇતિહાસ ભૌતિક તથા ધાર્મિક એમ મુખ્ય બે પ્રવાહોમાં પરિવર્તિત થયા કરતો હોવાનું જીન બોડિન વાસ્તવિક વિધાન કરે છે. તેણે ઇતિહાસનાં સાધનો અને તેના તત્વજ્ઞાનનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરેલું છે.

અર્વાચીન યુગના ઇતિહાસકારો

મોન્તેસ્ક (. . 16891755) : અઢારમી સદીના ફ્રેન્ચ ચિંતક મોન્તેસ્કે તેના પુસ્તક ‘ધ સ્પિરિટ ઑવ્ લૉઝ’માં માનવજીવન તથા ઇતિહાસને ઘડનાર પરિબળોની શાસ્ત્રીય ઢબે વિવેચના કરેલી છે તથા ઇતિહાસ માનવજીવનના ઘડતરમાં કેવો ભાગ ભજવે છે તેનું વિવરણ કરેલું છે. મોન્તેસ્ક રિવાજો કે પ્રણાલિકાઓ, કાનૂન તથા ધર્મને માનવજીવનને ઘડનાર અગત્યનાં પરિબળો ગણે છે. તે આપખુદ તંત્રને માનવના વિકાસ આડેનું મોટું વિઘ્ન કહે છે, જ્યારે બંધારણીય રાજાશાહી તેમજ લોકશાહીને તે આવકારે છે.

વૉલ્તેર (. . 16941778) : ફ્રેન્ચ વિચારક વૉલ્તેર તર્કશુદ્ધ ઇતિહાસલેખનનો આગ્રહી હતો. તેણે ‘ઇતિહાસનું તત્વજ્ઞાન’ જેવો શબ્દપ્રયોગ સૌપ્રથમ વાર યોજ્યો. ઇતિહાસમાં અલૌકિક, પ્રણાલિકાગત સંકુચિત રાજકીય બાબતો તથા સાલવારીના સમાવેશનો તે વિરોધી હતો. તે લૌકિક તથા પ્રાકૃતિક ઇતિહાસનો પુરસ્કર્તા હતો. ઇતિહાસમાં માનવજીવનનાં કલા, વિજ્ઞાન વગેરે જેવાં વિવિધ પાસાંનો સમાવેશ કરવાના મતનો તે હતો. તે મૂળભૂત સાધનોને આધારે જ ઇતિહાસ લખવાનો આગ્રહી હતો તથા દંતકથાને ઇતિહાસમાં સ્થાન નહિ આપવાનો અભિપ્રાય ધરાવતો હતો. 20 વર્ષના પરિશ્રમથી લખાયેલ તેના પુસ્તક ‘ધ એજ ઑવ્ લૂઈ 14’માં વૉલ્તેરે સમકાલીન પુરાવાના આધારે ફ્રાન્સના રાજકીય, આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક ઇતિહાસની છણાવટ કરેલી છે. વૉલ્તેરનું બીજું મહત્ત્વનું પુસ્તક ‘ધી એસે ઑન ધ મૅનર્સ ઍન્ડ કસ્ટમ્સ ઑવ્ નૅશન્સ’ સાર્વત્રિક કે વિશ્વઇતિહાસનું પ્રથમ પુસ્તક કહી શકાય. આ પુસ્તકમાં પ્રથમ વાર યુરોપીય સંસ્કૃતિમાં પૂર્વીય પ્રજાઓ અને તેમની સંસ્કૃતિઓના પ્રદાનનું આલેખન કરવામાં આવ્યું છે.

જ્યા જૅક રુસો

જ્યા જૅક રુસો

જ્યા જૅક રુસો (. . 17121779) : ફ્રેન્ચ ચિંતક રુસો એક ક્રાંતિકારી વિચારક હતો. તેના ઇતિહાસદર્શનમાં પ્રચલિત રાજકીય અને સામાજિક માળખા સામે તથા ખ્રિસ્તી દેવળના રૂઢિગત ઉપદેશો સામે પડકાર ફેંક્યો છે. રુસોએ માનવની સમાનતા સ્થાપિત કરવા તથા તેની ઉન્નતિ સાધવા ઉપરનાં બંને અનિર્દષ્ટોની નાબૂદીને અનિવાર્ય લેખી છે. રુસોના મંતવ્ય પ્રમાણે રાજકીય, આર્થિક તથા સામાજિક અસમાનતાએ સમાજજીવનનાં ઊભાં કરેલાં અનિર્દષ્ટોની નાબૂદી માટે અસમાનતાની નાબૂદી આવશ્યક છે. પોતાના વિખ્યાત પુસ્તક ‘Social Contract’માં રુસોએ પોતાના આ વિચારોનું વિસ્તૃત વિશ્લેષણ કરેલું છે. તે અનિર્દષ્ટોની નાબૂદી માટે એકહથ્થુ રાજસત્તા અને રૂઢિગત સમાજ-વ્યવસ્થાની નાબૂદી અનિવાર્ય ગણે છે. તે આખરી રાજસત્તા સમસ્ત જનસમુદાયને હસ્તક મૂકવાના તથા રાજ્ય અને સમાજની તમામ સામાજિક અને સાર્વત્રિક બાબતોમાં જનસમુદાયની ઇચ્છાને સર્વોપરી માનવાના મતના છે.

એડવર્ડ ગિબન (. . 17371794) : અંગ્રેજ ઇતિહાસકાર એડવર્ડ ગિબન અઢારમી સદીનો તર્કશુદ્ધ ઇતિહાસનો જાણીતો રચયિતા હતો. તેણે વર્ષોના સતત અધ્યયન તથા પુરાવાની પૂરેપૂરી ચકાસણી બાદ ‘ધ ડિકલાઇન ઍન્ડ ફૉલ ઑવ્ ધ રોમન ઍમ્પાયર’ નામે ગ્રંથ છ ભાગોમાં લખ્યો. આ પુસ્તક માત્ર યુરોપીય જગતની જ નહિ, વિશ્વભરની અમર કૃતિ કહી શકાય. તેમાં નિશ્ચિત પુરાવાના આધારે સામ્રાજ્ય તથા સમાજના પતનનાં વિવિધ પરિબળોનું ઊંડું, વિશદ અને સર્વગ્રાહી પૃથક્કરણ છે. અલબત્ત, આ પુસ્તકના મૂળ પ્રેરણાસ્રોત લીવી, ટેસીરસ તથા પૉલિવિયસના ગ્રંથો છે. એમાંથી ગિબને અનુક્રમે ઉપર્યુક્ત વર્ણન, આવશ્યક બોધ તથા હકીકતોની ચોકસાઈ નજર સમક્ષ રાખી છે.

પ્રશિયન શાખાના ઇતિહાસકારો

સીબેલ (. . 18171895) : સીબેલ પ્રશિયન શાખાનો જાણીતો ઇતિહાસકાર હતો. કાર્લ માર્ક્સના પ્રભાવમાં આવવાથી યુવાન વયમાં તે ઉદ્દામવાદી હતો, પરંતુ પછીથી બર્કના પ્રભાવ હેઠળ ઉદારમતવાદી બન્યો હતો. રાન્કેના વિચારો તથા તેના ઇતિહાસલેખનની સીબેલ પર પ્રબળ છાપ હતી. તેનું ખૂબ જ જાણીતું પુસ્તક ‘History of French Revolution’ પાંચ ભાગમાં લખાયેલ છે. ફ્રાન્સ, પ્રશિયા, ઑસ્ટ્રિયા વગેરેના દફતરભંડારોના અસલ દસ્તાવેજોનો અભ્યાસ કરીને 26 વર્ષ(ઈ. સ. 1853-79)ના પરિશ્રમ બાદ તેણે આ પુસ્તક લખ્યું. તેમાં તેના મધ્યમમાર્ગી ઉદારમતવાદી વિચારો વ્યક્ત થાય છે. તે આપખુદ તંત્રને જુલમી, કૅથલિક દેવળને પ્રત્યાઘાતી તથા ફ્રેન્ચ ક્રાંતિને અરાજકતા લાવનાર પરિબળ તરીકે ઘટાવે છે. તેના મતે ફ્રેન્ચ ક્રાંતિ સામંતશાહી તથા ધર્મગુરુઓનું સમાજ પરનું વર્ચસ નાબૂદ કરી શકી હતી, પરંતુ તે રાષ્ટ્રીય રાજ્યની સ્થાપના કરી શકી નહોતી. સીબેલ ક્રાંતિ દ્વારા નહિ, પરંતુ ક્રમિક ઉત્ક્રાંતિ દ્વારા રાજ્યપલટો કરવાના મતનો હતો. બીજા એક પુસ્તકમાં તેણે બિસ્માર્ક મારફત સધાયેલી જર્મનીની એકતા તથા તેના દ્વારા મહારાજ્ય તરીકે તેની થયેલી સ્થાપનાને બિરદાવી છે.

ટ્રીટ્સ્કે (. . 18341896) : પ્રશિયન શાખાનો અંતિમ ઉગ્ર રાષ્ટ્રવાદી ઇતિહાસકાર. તેણે લખેલાં પુસ્તકોમાં ‘19મા સૈકાના જર્મનીનો ઇતિહાસ’ સૌથી જાણીતો છે. તેમાં તેણે પ્રશિયાની નેતાગીરી નીચે જર્મનીનું એક બળવાન રાજ્ય ઊભું કરવાની હિમાયત કરેલી છે. પાંચ ભાગોમાં લખાયેલા આ પુસ્તકમાં 19મી સદીના જર્મનીને લગતી ખૂબ વિસ્તૃત વિગતો આપવામાં આવી છે; પરંતુ તેમાં વિશ્વનાં અન્ય રાજ્યો પ્રત્યેના રાજકીય પૂર્વગ્રહો, સમાજવાદીઓ અને યહૂદીઓ પ્રત્યેના ધાર્મિક પૂર્વગ્રહો તથા એકહથ્થુ શાસન અને યુદ્ધની તરફદારીથી પુસ્તક ખૂબ ટીકાપાત્ર બનેલું છે. તેમાં સંકુચિત તથા ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન અપાયેલું છે. પ્રશિયન શાખાના ઇતિહાસકારોનો આ એક મોટો દોષ હતો. તેમની ઉગ્ર રાષ્ટ્રવાદની તરફદારીને લીધે જર્મનીના સંકુચિત આક્રમક તથા યુદ્ધખોર રાષ્ટ્રવાદને ઉત્તેજન મળ્યું, જે ખુદ જર્મની માટે પણ વિનાશકારી નીવડ્યું.

ઑક્સફર્ડ શાખાના ઇતિહાસકારો

ફ્રીમેન (. . 18231892) : ઑક્સફર્ડ શાખાનો આ ઇતિહાસકાર પ્રાચીન યુગનો ખાસ અભ્યાસી હતો. તેણે કિશોરવયમાં જ ગ્રીક અને લૅટિન ભાષાનું જ્ઞાન મેળવી લીધેલું. તેને ઇતિહાસનાં રાજકીય પાસાંમાં વિશેષ રસ હતો તથા તે ઇતિહાસને ભૂતકાળનું રાજકારણ માનતો. આથી તેની કૃતિઓમાં સામાજિક-આર્થિક પાસાંના ઉલ્લેખો અપવાદરૂપ જ આવે છે. પ્રાચીન ગ્રીસની લોકશાહી, તેનાં બંધારણ તથા પતનની ચર્ચાને લગતું તેનું પુસ્તક નોંધપાત્ર છે. ફ્રીમેનની સૌથી નોંધપાત્ર રચના તેણે છ ભાગોમાં લખેલ ‘ઇંગ્લૅન્ડમાં નૉર્મન વિજયનો ઇતિહાસ’ કહી શકાય. આ પુસ્તકમાં તેણે ઇંગ્લૅન્ડના લોકશાહી બંધારણનાં મૂળ તત્ત્વોનું ઘડતર નૉર્મનયુગમાં કઈ રીતે થયું તેની વિસ્તૃત માહિતી આપી છે.

ગ્રીન (. . 18371883) : તે ઑક્સફર્ડ શાખાનો અંતિમ અને મૌલિક ઇતિહાસકાર હતો. તેને કિશોરવયથી જ પુરાતત્વખાતાં અને પુસ્તકાલયોમાં રસ હતો. ગ્રીને ઈ. સ. 1874માં લખેલ ‘The Short History of The English People’ તેની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેમાં ઇગ્લૅન્ડના લોકજીવનની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક બાબતોની વાસ્તવિક વિવેચના છે.

આધુનિક યુગના ઇતિહાસકારો

ઍક્ટન (. . 18341902) : એડવર્ડ દલબર્ગ ઍક્ટન ઈ. સ. 1834માં નેપલ્સમાં ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો, જેનો દેવળ તથા રાજ્ય સાથેનો સંબંધ ઘણો ઘનિષ્ઠ હતો. પરિણામે ઍક્ટનમાં બાલ્યવયથી જ કૅથલિક પંથ તથા પ્રચલિત શાસનવ્યવસ્થાના ગાઢ સંસ્કાર પડ્યા અને તેનાં લખાણોમાં તે છેક સુધી જળવાઈ રહ્યા. મ્યૂનિકના વિખ્યાત કૅથલિક ઇતિહાસકાર ડૉલિન્જર પાસે છ વર્ષ શિક્ષણ લીધા બાદ ઍક્ટનના ઉદારમતવાદી ધાર્મિક વિચારો પરિપક્વ થયા અને ખ્રિસ્તી ધર્મ કોઈ વર્ગના હિત માટે નહિ પરંતુ સમસ્ત માનવજાતના હિત માટે છે તેવી તેની માન્યતા ર્દઢ બની. ઇંગ્લૅન્ડના વિદેશમંત્રી અને તેના સાવકા પિતા ગ્રેનવાઇલ સાથે તેને જર્મની, ઇટાલી, રશિયા તથા અમેરિકાની મુલાકાત લેવાની તક મળી અને તેણે આ દેશોના શાસનતંત્ર તથા બંધારણનો પ્રત્યક્ષ પરિચય મેળવ્યો. તેમાંથી આદર્શ રાજ્યવ્યવસ્થા વિશેના તેના વિચારોનો વિકાસ થયો. તેણે સામયિક ‘The Rambler’ અને પછીથી ‘The Home and Foreign Review’ના તંત્રી તરીકે રૂઢ અને જડ માન્યતાઓ વિરુદ્ધ કડક લેખો લખ્યા. આથી તેને ખ્રિસ્તી દેવળ અને પોપની નારાજગી વહોરવી પડી. તે આપખુદ શાસનતંત્ર તેમજ સમાજવાદનો વિરોધી હતો અને ઉદારમતવાદી બંધારણવાદનો તરફદાર હતો. તે વ્યક્તિસ્વાતંત્ર્ય, વર્તમાનપત્રોની સ્વતંત્રતા તથા માનવતાવાદનો પુરસ્કર્તા હતો. તે ઇતિહાસને સત્ય શોધવા માટેનું તથા નૈતિકતાના રક્ષણ માટેનું શસ્ત્ર લેખતો તથા ધર્મ અને વિજ્ઞાન એકમેકનાં વિરોધી નહિ, પરંતુ પૂરક છે તેમ માનતો.

ટ્રેવેલિયન : ઇતિહાસકાર ટ્રેવેલિયન ઇતિહાસને ભૂતકાળની હકીકતોના સત્યકથનનું શાસ્ત્ર કહે છે. તે માનવજીવનના વિકાસ તેમજ નાગરિક જીવનનાં વિવિધ પાસાંને ઉમદા બનાવવા માટે ઇતિહાસનું સહાનુભૂતિપૂર્વકનું શિક્ષણ આવશ્યક હોવાનું અને પુરાવા વગરનું ઇતિહાસદર્શન નિરર્થક હોવાનું માને છે. તેમના મતે ઇતિહાસના સત્ય આલેખન માટે ઘટના અને તેનાં પરિબળોના યોગ્ય સંદર્ભો સાથેની રજૂઆત આવશ્યક છે. આવી રજૂઆત રાજકારણ, અર્થતંત્ર, સમાજજીવન, સંસ્કૃતિ તથા ધર્મને ઉત્કૃષ્ટ બનાવે છે તથા આમાંથી ભાવિ પેઢીના ઘડતર માટેની પ્રેરણા મળે છે. ટ્રેવેલિયને આ વિચારો પોતાના જાણીતા પુસ્તક ‘Present Position of History’માં વ્યક્ત કરેલા છે.

બાર્થોલ્ડ જ્યૉર્જ નીબૂર (. . 17761831) : જર્મન ઇતિહાસકાર બાર્થોલ્ડ જ્યૉર્જ નીબૂર ઇતિહાસમાં આધુનિક વિવેચનપદ્ધતિનો અગ્રેસર ગણાય છે. પ્રથમ બે ભાગો(1811-12)માં અને પછીથી ત્રણ ભાગો(1827-32)માં પ્રસિદ્ધ થયેલ તેના જાણીતા પુસ્તક ‘History of Rome’(શરૂઆતથી ઈ. સ. પૂ. 241 સુધી)માં ઇતિહાસ વિશેના તેના ખ્યાલો વ્યક્ત થયેલા છે. આ પુસ્તક દ્વારા નીબૂરે ઇતિહાસનાં સાધનો અને તેની હકીકત સંબંધે તુલના, પૃથક્કરણ અને પરીક્ષણની નવી વિવેચનાત્મક પદ્ધતિનો પ્રારંભ કર્યો હોવાનું કહેવાય છે. મૂળ દસ્તાવેજોનાં પરીક્ષણ અને પૃથક્કરણ દ્વારા તેણે રોમના ઇતિહાસ માટે આધારભૂત મનાતાં લીવીનાં ઘણાં વિધાનોને અનૈતિહાસિક સિદ્ધ કર્યાં. તેણે ઇતિહાસલેખનમાં દંતકથાઓ, લોકસાહિત્ય વગેરેનું સાધનો તરીકે કેવી રીતે પરીક્ષણ તેમજ ઉપયોગ થઈ શકે તે પણ યોગ્ય રીતે દર્શાવ્યું છે. તે આપખુદ રાજ્યતંત્રનો તેમજ હિંસા દ્વારા થતી ક્રાન્તિનો વિરોધી હતો તથા ઉદારમતવાદમાં માનતો હતો. આમ તે ઇંગ્લૅન્ડના બંધારણનો પુરસ્કર્તા હતો.

લિયૉપોલ્ડ વૉન રાન્કે (. . 17951866) : રાન્કે આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો જનક ગણાય છે. ઇતિહાસકાર તરીકેની તેની પ્રતિષ્ઠા માત્ર તેના 60 ગ્રંથો પર આધારિત નથી, પરંતુ તેણે ઇતિહાસ તેમજ ઇતિહાસલેખન વિશે જે મૌલિક ખ્યાલો રજૂ કર્યા તેના પર આધારિત છે. પોતાના ગ્રંથો માટે સામગ્રી મેળવવા તેણે ગ્રંથોમાં ઉલ્લેખિત ઘણાંખરાં સ્થળોનો પ્રવાસ કર્યો તથા યુરોપના ઘણાખરા દેશોનાં દફતરભંડારો તથા ખત-સંગ્રહાલયોની મુલાકાત લીધી. તે માનતો કે ઇતિહાસ માત્ર આધારભૂત દસ્તાવેજોને આધારે જ લખાવો જોઈએ; તેથી તે કહેતો કે ‘નો ડૉક્યુમેન્ટ નો હિસ્ટ્રી.’ તે ર્દઢપણે માનતો કે ઇતિહાસનાં સાધનોની યથાર્થતાની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ, તેમને આધારે જ કશીયે અતિશયોક્તિ કે અલ્પોક્તિ વગર ઇતિહાસ લખાવો જોઈએ. આમ તે ઇતિહાસને સત્યની શોધ કરનાર શાસ્ત્ર કહેતો. તે હસ્તપ્રતો, પત્રો, પ્રત્યક્ષ સાક્ષીઓનાં સ્મૃતિ-વૃત્તાન્તો, રોજનીશીઓ, રાજદૂતોના અહેવાલો વગેરેનો ઇતિહાસનાં સાધનો તરીકે ઉપયોગ કરવાના મતનો હતો. રાન્કેએ 1820માં આયોજિત કરેલ જર્મનીના ઇતિહાસથી માંડીને 1880માં (83 વર્ષની ઉંમરે) પ્રસિદ્ધ કરેલા વિશ્વ ઇતિહાસ સુધીના 60 વર્ષ દરમિયાનના તેના 60 જેટલા ગ્રંથોમાં રાજવીઓ, લશ્કરી નેતાઓ, રાજપુરુષો, સામંતો તથા ધર્મગુરુઓનો તેમજ સંબંધિત રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓનો અહેવાલ વધારેમાં વધારે છે અને તેમાં સામાન્ય માનવીને ઓછામાં ઓછું સ્થાન છે, છતાં તેનાં લખાણો પ્રથમ કક્ષાનાં સાધનોના આધારે લખાયાં હોવાથી તેમાં પૂરી વાસ્તવિકતા છે. તેના અહેવાલો તટસ્થ અને સમતુલિત છે. રાન્કે જ એક એવો ઇતિહાસકાર છે, જેણે શિષ્યો તથા ટીકાકારોની એક મોટી હારમાળા ઊભી કરી. તેણે આધુનિક ઇતિહાસકારોને ઇતિહાસનાં અધ્યયન તથા અન્વેષણની જે નવી ર્દષ્ટિ આપી તેના આધારે પછીથી ઇતિહાસલેખનની વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ થયો.

આર્નોલ્ડ ટૉયન્બી (. . 18891983) : વીસમી સદીના આ વિખ્યાત ઇતિહાસકાર ઇતિહાસને સંસ્કૃતિઓનાં ઉત્થાન, વિકાસ, પરિવર્તન, વિલીનીકરણ તથા પતનનો અહેવાલ ગણે છે. આ રીતે તે ઇતિહાસની ઘટનાઓને પડકાર તથા પ્રતિભાવનું વિવરણ માને છે; દા.ત., જુલમી રાજ્યતંત્ર, રૂઢિગત સમાજવ્યવસ્થા, મૂડીવાદી અર્થતંત્ર, પુરાણી શિક્ષણપદ્ધતિ, પરંપરાગત સંસ્કૃતિ તથા પ્રચલિત ધાર્મિક માન્યતાઓના પડકારને અનુક્રમે રાજ્યક્રાન્તિ, સમાજસુધારણાનાં આંદોલનો, શ્રમજીવીઓના બળવા, નવી શિક્ષણનીતિ, નૂતન સંસ્કૃતિ તથા ધર્મસુધારણાની ચળવળોએ પ્રતિભાવ આપ્યો. આ પ્રતિભાવ ઝીલવામાં અને તે રીતે પરિવર્તન કરવામાં જે સંસ્કૃતિઓ સફળ થઈ તે ટકી શકી, અન્ય કાળના ગર્ભમાં વિલીન થઈ ગઈ. ઇતિહાસ વિશેના આ ખ્યાલોને ટૉયન્બીએ દસ ભાગોમાં લખાયેલ પોતાના જાણીતા પુસ્તક ‘અ સ્ટડી ઑવ્ હિસ્ટરી’માં વ્યક્ત કરેલ છે. પુસ્તકના પ્રથમ છ ભાગ ઈ. સ. 1934થી 1939ની વચ્ચે, જ્યારે બાકીના ચાર ભાગ 1947થી 1954ની વચ્ચે પ્રકાશિત થયા. ટૉયન્બીના કથન પ્રમાણે મનુષ્યની ઉદાત્ત ભાવનાઓ સંસ્કૃતિનું નિર્માણ કરે છે અને તેની નિમ્ન કોટિની વૃત્તિઓ સંસ્કૃતિનું પતન લાવે છે. ભૌતિકતાનો અતિરેક કરનાર રાષ્ટ્રની સંસ્કૃતિનો નાશ થાય છે, જ્યારે ભૌતિકતાની સાથે નૈતિકતાનું મૂલ્ય જાળવી રાખનાર સંસ્કૃતિ વિકાસ પામે છે. ઇતિહાસને હેગલે રાજકીય ર્દષ્ટિબિંદુ, કાર્લ માર્કસે આર્થિક ર્દષ્ટિબિંદુ, ઑગસ્ટ કૉમ્ટેએ સામાજિક ર્દષ્ટિબિંદુ અને ટૉયન્બીએ સાંસ્કૃતિક ર્દષ્ટિબિંદુ આપ્યું. એ રીતે તેણે માનવજાતની તેમજ વિશ્વની સાંસ્કૃતિક એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરેલો છે. વળી ઉચ્ચાવચ્ચ સંસ્કૃતિનો ખ્યાલ નષ્ટ કરવાનો પણ પ્રયત્ન કરેલો છે.

ભારતમાં ઇતિહાસલેખન

ભારતીય ઇતિહાસલેખનના (1) પ્રાચીન, (2) મધ્યકાલીન તથા (3) અર્વાચીન – એવા ત્રણ તબક્કા પાડી શકાય. પ્રાચીનમાં ઇતિહાસની કોઈ ખાસ કૃતિ લખાઈ ન હતી એવી કેટલાક આધુનિક વિદ્વાનોની માન્યતા અયોગ્ય ઠરે છે. ઉપનિષદો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મહાભારત, પુરાણો, પ્રવાસવર્ણનો, પરંપરાઓ વગેરેમાં ‘ઇતિહાસ’ શબ્દ અવારનવાર વપરાયો છે અને તેનો અર્થ ‘ભૂતકાળનો વૃત્તાન્ત’ એવો કરવામાં આવ્યો છે. ‘પુરાણ’ શબ્દ જ ‘પુરા’ એટલે અગાઉ શું બન્યું હતું તેનું સૂચન કરે છે. ‘ઇતિહાસ’ (ઇતિ + હ + આસ) શબ્દ પણ ‘ભૂતકાળમાં આ પ્રમાણે હતું’ એવું સૂચવે છે. પુરાણોની હસ્તપ્રતોનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કરનાર પાશ્ચાત્ય વિદ્વાન પાર્જિટરે પુરાણોમાંથી પુષ્કળ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થતી હોવાનું વિધાન કરેલું છે. એ રીતે પુરાણોને મહદ્અંશે ઇતિહાસની કૃતિઓ કહી શકાય. બાણલિખિત ‘હર્ષચરિત’ પણ બહુધા ઇતિહાસનું પુસ્તક ગણી શકાય, જ્યારે કલ્હણરચિત ‘રાજતરંગિણી’ નામનો ગ્રંથ તો શુદ્ધ ઇતિહાસની કૃતિ લેખાય. અલબત્ત, પ્રાચીન ભારતમાં વિશેષત: વર્ણનાત્મક તેમજ રાજકીય પ્રકારનું ઇતિહાસલેખન થયેલું એમ કહી શકાય.

મધ્ય યુગ-રાજપૂત-સલ્તનત, મુઘલ તથા મરાઠા સમયનું ભારતીય ઇતિહાસલેખન ઠીક ઠીક સમૃદ્ધ હતું. મહમૂદ ગઝનીના ઇતિહાસકાર અલ્ બિરૂની(અબૂ રૈહાન)કૃત ‘તહકીકે હિન્દ’ (તારીખે હિન્દ) રાજપૂત સમયની ઇતિહાસની મુખ્ય રચના ગણાય અને સલ્તનત સમયના વિખ્યાત કવિ અને ઇતિહાસલેખક અમીર ખુશરોકૃત ‘ખજાઇનૂલ ફુતૂહ’ (અલાઉદ્દીન ખિલજી અને તેના સમયનો વૃત્તાન્ત) તથા જાણીતા ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બરની-રચિત ‘તારીખે ફિરોજશાહી’ (બલ્બનથી માંડીને ફિરોઝશાહ તુગલુકના છઠ્ઠા વર્ષ સુધીનો ઇતિહાસ) ઇતિહાસને લગતી નોંધપાત્ર કૃતિઓ છે. સલ્તનત સમય દરમિયાન હિન્દમાં આવેલ વિદેશી પ્રવાસીઓ – માર્કો પોલો તથા ઇબ્ન બતૂતા અને વિજયનગર મહારાજ્યની મુલાકાત લેનાર વિદેશીઓના વૃત્તાન્તોને પણ ઇતિહાસની રચનાઓ ગણવી જોઈએ. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનું વિસ્તારથી વિવરણ કરનાર તથા બહુધા તેના સાક્ષી રહેલ સિકંદર બિન મોહમ્મદ-લિખિત ‘મિરાતે સિકંદરી’ અને ઇલમોહોમ્મદખાન લિખિત ‘મિરાતે અહમદી’ પણ ઇતિહાસની નોંધપાત્ર કૃતિઓ છે. મુઘલયુગ દરમિયાનની ઇતિહાસને લગતી ખાસ રચનાઓમાં ‘તૂઝુકે બાબરી’ (બાબરનામા), અબુલફઝલકૃત ‘અકબરનામા’ યાને ‘આઇને અકબરી’ અને ખાફીખાનરચિત ‘મુન્તખબુલ લુઆબ’ તેમજ વિદેશીઓના પ્રવાસવૃત્તાન્તો મુખ્ય ગણાય. મરાઠા સમય દરમિયાન ઇતિહાસને લગતી કૃતિઓમાં કૃષ્ણાજી અનન્તલિખિત ‘સભાસદ બકખર’ (1694) તેમજ પેશવાના દસ્તાવેજોને મૂકી શકાય.

સ્વાભાવિક રીતે જ પ્રાચીન તથા મધ્ય યુગના ભારતના ઇતિહાસલેખનમાં રાજા-મહારાજાઓ, સામંતો, વંશાવળીઓ, યુદ્ધો, રાજકીય તેમજ ધાર્મિક બાબતોનો સમાવેશ થતો હતો. તેમાં સામાજિક તથા આર્થિક બાબતોનો ઉલ્લેખ ઓછો હતો.

19મી સદીના પ્રારંભે બ્રિટિશ સત્તા ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ તથા તે સાર્વભૌમ અને ર્દઢ બની. એનાથી 19મી સદી દરમિયાન અને ખાસ કરીને 1857ના વિપ્લવ બાદ બ્રિટિશ સરકારનું સીધું શાસન ભારત પર સ્થપાયું ત્યારે ભારતમાં મહત્વનાં રાજકીય, વહીવટી, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પરિવર્તનો આવ્યાં. પરિણામે ભારતમાં વાસ્તવિક અર્થમાં અર્વાચીન યુગનો પ્રારંભ થયો. 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદી વિસ્તાર અને પરાકાષ્ઠાએ પહોંચેલી તેની આર્થિક શોષણનીતિ, ભારતના ભવ્ય ભૂતકાળની યાદ તાજી કરાવતાં પુરાતત્વવિષયક સંશોધનો, પાશ્ચાત્ય શિક્ષણ, વર્તમાનપત્રો અને સાહિત્યનો ફેલાવો, વાહનવ્યવહારનાં આધુનિક સાધનોનો વિકાસ, સામાજિક-ધાર્મિક સુધારણાનાં આંદોલનો વગેરે કારણોને લીધે રાષ્ટ્રવાદ તથા લોકશાહીના ખ્યાલો ઉદભવ્યા. આનાથી ભારતીય ઇતિહાસલેખનને નવી ર્દષ્ટિ મળી તથા તેમાં મહત્વનું પરિવર્તન આવ્યું. તેમાં રાજકીય અને વહીવટી ઉપરાંત આર્થિક, સામાજિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પાસાં પણ ઉમેરાયાં. આમ, અર્વાચીન યુગનું ભારતીય ઇતિહાસલેખન રાજા-મહારાજાઓ, સામંતો તેમજ ઉપલા વર્ગના વૃત્તાન્તને બદલે સામાન્ય વર્ગ તથા આમજનતા અને તેની સમસ્યાઓનું આલેખન કરતું શાસ્ત્ર બન્યું.

જોકે ભારતમાં બ્રિટિશ શાસનના સમય દરમિયાન એલ્ફિન્સ્ટન, વિન્સેન્ટ સ્મિથ, પી. ઈ. રૉબર્ટ્સ, ગ્રાન્ટ ડફ વગેરે જેવા સામ્રાજ્યવાદી ઇતિહાસકારોએ ભારત પર બ્રિટિશ શાસનને વાજબી ઠરાવતું ઇતિહાસલેખન કર્યું; તેના પ્રતિભાવ રૂપે રાષ્ટ્રીય ઇતિહાસલેખન કે. પી. જયસ્વાલ, જયચંદ્ર વિદ્યાલંકાર, પાણિક્કર વગેરે ઇતિહાસવિદોએ કર્યું. બંનેને સમતુલિત કરતું તથા ભારતીય જીવન અને તેનાં વિવિધ પાસાંનું યથાર્થ રીતે નિરૂપણ કરતું ઇતિહાસલેખન જદુનાથ સરકાર, રમેશચંદ્ર મજુમદાર (ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કરેલા ઇતિહાસના 11 ગ્રંથો), નીલકંઠ શાસ્ત્રી, ઇતિહાસસંશોધનમંડળના સ્થાપક વાસુદેવ કાશીનાથ રાજવાડે, મરાઠા રિયાસતના લેખક સરદેસાઈ, દત્તો વામન પોતદાર, વાસુદેવ મિરાશી, ચિન્તામણિ વૈદ્ય વગેરે ઇતિહાસકારોએ કર્યું.

વિશેષમાં રોમેશચંદ્ર દત્તે પોતાના વિખ્યાત પુસ્તક ‘The Economic History of India’ દ્વારા ભારતીય ઇતિહાસના આર્થિક પાસાને અભ્યાસના એક અલગ ક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું. તેમની આ વિચારર્દષ્ટિનું જાણીતા સામ્યવાદી ઇતિહાસવિદ દામોદર ધર્માનંદ કોસામ્બીએ પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથો (1) ‘ઇન્ટ્રોડકશન ટૂ ધી સ્ટડી ઑવ્ ઇન્ડિયન હિસ્ટરી’, તથા (2) ‘કલ્ચરલ ઍન્ડ સિવિલિઝેશન ઑવ્ એન્શ્યન્ટ ઇન્ડિયા ઇન હિસ્ટોરિકલ આઉટલાઇન’માં સમર્થન કર્યું છે. તેમણે માનવજીવન અને ઇતિહાસના ઘડતરમાં મુખ્યત્વે આર્થિક તેમજ સામાજિક પરિબળો જ ભાગ ભજવતાં હોવાનું વિધાન કરેલું છે. આમ છતાં કોસામ્બીનું ઇતિહાસલેખન સામ્યવાદી સ્વમતાગ્રહી (dogmatic) વલણથી મુક્ત છે. તે વૈજ્ઞાનિક ઢબનું છે તથા પરંપરાગત અભિગમથી જુદું પડે છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતીય ઇતિહાસલેખનના અભિગમો અને વલણો બદલાયાં છે. તેમાં માનવજીવનનાં વિવિધ પાસાંઓના આલેખન સાથે પક્ષીય રાજકારણ, કોમવાદ, પ્રદેશવાદ, સાંપ્રદાયિકતા વગેરે તત્વો પણ દાખલ થયેલાં છે. શુદ્ધ ઇતિહાસલેખન તેમજ રાષ્ટ્રના યોગ્ય ઘડતર માટે આવાં વલણો જોખમકારક છે. ઇતિહાસલેખન ન તો સામ્રાજ્યવાદી, ન તો રાષ્ટ્રીય હોઈ શકે; તે તત્વત: વાસ્તવિક અને વૈજ્ઞાનિક હોવું ઘટે.

ગુજરાતમાં ઇતિહાસનું અધ્યયન અને સંશોધન

પ્રાચીન ગુજરાતમાં ઇતિહાસની કૃતિ ગણી શકાય એવી કોઈ રચના થઈ ન હતી. પરંતુ ઇતિહાસને લગતી માહિતી પ્રબંધોમાંથી પ્રાપ્ત થાય છે. મધ્યયુગીન ગુજરાતમાં થઈ ગયેલ સંસ્કૃત અને પ્રાકૃતના વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્યે લખેલ ‘દ્વયાશ્રય’ નામે મહાકાવ્યમાં મૂળરાજ સોલંકીથી કુમારપાળ સુધીના સોલંકી રાજાઓનો વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના વતની જૈન મુનિ મેરુતુંગે આશરે 14મી સદીમાં લખેલ ગ્રંથ ‘પ્રબંધ-ચિંતામણિ’માં વનરાજ ચાવડાથી સોલંકી-વાઘેલાના સમયના અંત સુધીના ઇતિહાસની રાજકીય માહિતી સહિત સામાજિક, ધાર્મિક તથા આર્થિક વિગતો પણ મળે છે.

પ્રાગ્-ઇતિહાસના પુનર્નિર્માણ માટે પુરાવશેષો એકમાત્ર ઉપલબ્ધ સાધન છે. હસમુખ ધીરજલાલ સાંકળિયાએ ગુજરાતની પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યામાં અન્વેષણો કર્યાં છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનાં – ખાસ કરીને હડપ્પીય સભ્યતાનાં સ્થળો શોધવામાં આવ્યાં છે. અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે થયેલ ઉત્ખનનનો વૃત્તાન્ત એસ. આર. રાવે ‘લોથલ ઍન્ડ ધ ઇન્ડસ સિવિલિઝેશન’ ગ્રંથમાં આપ્યો છે. સુમનબહેન શાહે યાદવો અને તેઓની વંશાવળીઓ વિશેની મહાભારત અને પુરાણોમાંની અનુશ્રુતિઓનું અધ્યયન કર્યું છે. રસેશ જમીનદારે ગુજરાતના ક્ષત્રપકાલ(આશરે ઈ. સ. 38થી 400)ના ઇતિહાસનું વિવેચનાત્મક અધ્યયન કર્યું છે. તેમણે ‘ક્ષત્રપકાલીન ગુજરાત’ નામે ગ્રંથ પ્રગટ કર્યો છે. કૃષ્ણા જે. વીરજીએ સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસમાં મૈત્રકકાલનો ઇતિહાસ અંગ્રેજીમાં લખ્યો છે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીએ પોતાના મૈત્રકકાલ વિશેના મહાનિબંધમાં દક્ષિણ ગુજરાતનાં સમકાલીન રાજ્યોનો ઉમેરો કરી મૈત્રકકાલના સમગ્ર ગુજરાતને બે ભાગમાં આવરી લઈ ‘મૈત્રકકાલીન ગુજરાત’ પ્રગટ કર્યું. એમાં લેખકે વલભી સંવતની ચોક્કસ કાલગણના-પદ્ધતિ નિશ્ચિત કરી છે. માલતીબેન કા. ભટ્ટે સમગ્ર ગુજરાતના અનુમૈત્રકકાલીન ઇતિહાસનું વિવેચનાત્મક અધ્યયન કર્યું છે.

ચાવડા, સોલંકી તથા વાઘેલા ઇતિહાસનું દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ બે ભાગમાં લખેલ ‘‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’’માં લગભગ તમામ પાસાંનું સંશોધનાત્મક વિશ્લેષણ કર્યું છે. ચૌલુક્ય (સોલંકી) સામ્રાજ્યના ઇતિહાસનું આલેખન ક. મા. મુનશીએ ‘ગ્લોરી ધૅટ વૉઝ ગુર્જરદેશ’ ભાગ-3માં કર્યું છે. એ. કે. મજુમદારે ‘ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત’માં ચૌલુક્ય સામ્રાજ્ય તથા વાઘેલા વંશના પતનને લગતી સમસ્યાઓની છણાવટ કરી છે. નવીનચંદ્ર આ. આચાર્યે વાઘેલાકાલના ઇતિહાસ વિશે સંશોધન કરીને ‘ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ’ પ્રગટ કર્યો છે. ‘કાવ્યાનુશાસન’ ગ્રંથના સંપાદનની પ્રસ્તાવનામાં રસિકલાલ છો. પરીખે તેના કર્તા હેમચન્દ્રના જીવન તથા સમયની ભૂમિકા રૂપે પ્રાચીન કાલથી આરંભીને કુમારપાલના રાજ્યકાલ પર્યન્તના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા આપી છે. મંજુલાલ ર. મજમુદારે લખેલ ‘ક્રૉનોલૉજી ઑવ્ ગુજરાત’માં પ્રાચીન સમયથી શરૂ કરીને ઈ. સ. 942 પર્યન્તની સર્વ મહત્વની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ઘટનાઓને કાલાનુક્રમે ગણાવવામાં આવી છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાચીન સમયથી સોલંકીકાલના અંત સુધીના ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનું અદ્યતન સામગ્રીના આધારે ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ’ ગ્રંથમાં નિરૂપણ કર્યું છે.

ગુજરાતની સ્વતંત્ર સલ્તનત દરમિયાન તેના સાક્ષી રહેલ સિકંદર બિન મોહમ્મદે લખેલ ‘મિરાતે સિકંદરી’ ગુજરાતના સ્વતંત્ર સુલતાનોનો ઇતિહાસ આલેખે છે. એ જ રીતે ગુજરાતના મુઘલકાલના છેલ્લા વજીર અલી મહંમદ ખાને (1700-1760) લખેલ ‘મિરાતે અહમદી’ ગુજરાતના સલ્તનત તથા મુઘલ સમયનો ઇતિહાસ જાણવા માટે આધારભૂત ગ્રંથ છે. તેમાં ચાવડા વંશથી ગુજરાતમાં મુઘલ સત્તાના અંત સુધીનો ગુજરાતનો ઇતિહાસ અપાયેલ છે. તેમાં ગુજરાતની રાજકીય, સામાજિક, ધાર્મિક તથા આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવી છે. હાજી ઉદ્ દબીરે અરબીમાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે. તેનો અંગ્રેજી અનુવાદ એમ. એફ. લોખંડવાળાએ બે ભાગમાં કર્યો છે. તેમાં ગુજરાતના સુલતાનોની તથા મુઘલકાલની વિગતો અપાઈ છે. ‘બૉમ્બે ગેઝેટિયર’ વૉલ્યુમ 1, ભાગ 1માં 1860 સુધીનો ગુજરાતનો ઇતિહાસ આપેલ છે. એદલજી ડોસાભાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ તથા અબુ ઝફર નદવીએ પણ ગુજરાતના ઇતિહાસના ગ્રંથો લખ્યા છે.

પ્રસિદ્ધ ઇતિહાસવિદ એમ. એસ. કોમિસેરિયેટે અધિકૃત દસ્તાવેજો તથા સાધનોના આધારે ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત’ ત્રણ ગ્રંથોમાં લખ્યો છે. તેમાં ગુજરાતના સલ્તનત, મુઘલ, મરાઠા તથા બ્રિટિશ યુગના ઇતિહાસનું વિવેચન કર્યું છે. એ કે. ફાર્બસે લખેલ ‘રાસમાળા’ ભાગ 1, 2માં ગુજરાતના ચાવડા વંશથી શરૂ કરીને મધ્યકાલનો ઇતિહાસ મળે છે. રત્નમણિરાવ ભીમરાવ જોટેએ ગુજરાતનો મુસ્લિમકાલનો સાંસ્કૃતિક ઇતિહાસ ચાર ભાગમાં લખ્યો છે. આ ઉપરાંત દુર્ગાશંકર શાસ્ત્રીના ગુજરાતમાં વૈષ્ણવ અને શૈવ ધર્મનો વિકાસ, ગુજરાતનાં ધાર્મિક, ઐતિહાસિક સ્થળો વગેરે પર લખેલા ગ્રંથો ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના છે. તેમનું ઇતિહાસદર્શન તટસ્થ અને વાસ્તવિક છે. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના સતીશચન્દ્ર મિશ્રે ‘ધ રાઇઝ ઑવ્ મુસ્લિમ પાવર ઇન ગુજરાત’ (1963)માં અદ્યતન માહિતી આપીને તેનું વિવરણ કર્યું છે.

અર્વાચીન ગુજરાતની રૂપરેખાત્મક સમીક્ષા હીરાલાલ ત્રિ. પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’માં કરી છે. 1857ના વિપ્લવમાં ગુજરાતે ભજવેલા ભાગ વિશે રમણલાલ ક. ધારૈયાએ સરકારી દસ્તાવેજોના આધારે લખેલા ‘ગુજરાત ઇન 1857’ ગ્રંથમાં આ બનાવનું વિવેચનાત્મક અધ્યયન કર્યું છે. વડોદરાના વિજયસિંહ ચાવડાએ ‘ગાયકવાડ્ઝ ઍન્ડ ધ બ્રિટિશ’ તથા ‘મૉડર્ન ગુજરાત’ ગ્રંથોમાં મૂળ સ્રોતોના આધારે અદ્યતન માહિતી પૂરી પાડી તેનું વિવેચન કર્યું છે. તેમનો ‘એ સિલેક્ટ બિબ્લિયૉગ્રાફી ઑવ્ ગુજરાત, ઇટ્સ હિસ્ટરી ઍન્ડ કલ્ચર 1600-1857’ ગ્રંથ ઇતિહાસના સંશોધકો માટે અનિવાર્ય છે.

ગાંધીયુગ દરમિયાન ગુજરાતમાં થયેલા જુદા જુદા સ્થાનિક સત્યાગ્રહો વિશે ગ્રંથો પ્રગટ થયા છે. સ્વાતંત્ર્યસંગ્રામના પ્રસંગો લઈને મહાનિબંધો તથા પુસ્તકો પણ લખાયાં છે. તેમાંના કેટલાક નીચે મુજબ છે : નરહરિ દ્વા. પરીખલિખિત સરદાર વલ્લભભાઈ પટેલ ભાગ-1, 2માંથી ગુજરાતના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ મળે છે. મહાદેવભાઈ દેસાઈલિખિત ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’, શાંતિલાલ દેસાઈ-લિખિત ‘રાષ્ટ્રનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત’, રામનારાયણ ના. પાઠકલિખિત ‘રાજકોટ સત્યાગ્રહ’, જયકુમાર ર. શુક્લલિખિત ‘બેતાલીસમાં અમદાવાદ’, ‘બેતાલીસમાં ગુજરાત’, ‘ગુજરાતમાં હોમરૂલ આંદોલન’, અને ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતીકોશ) શશિન્ જાનીલિખિત ‘જૂનાગઢની આરઝી હકૂમત’ તથા મહેબૂબ દેસાઈલિખિત ‘ભાવનગર રાજ્ય પરિષદ અને પ્રજાકીય ચળવળો (1920-1947)’, ‘બેતાલીસમાં સૌરાષ્ટ્ર’ અને ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં અમરેલી’ શિરીન મહેતાલિખિત ‘ધ પીઝન્ટ્રી ઍન્ડ નૅશનાલિઝમ, એ સ્ટડી ઑવ્ ધ બારડોલી સત્યાગ્રહ’ વગેરેનો સમાવેશ કરી શકાય.

ઇતિહાસોપયોગી આભિલેખિક સામગ્રીના વારસામાં ગુજરાત સમૃદ્ધ છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ વાઘેલા કાલના અંત સુધીના ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’ (સંપાદક : ગિ. વ. આચાર્ય) ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યા છે. અમૃત વસંત પંડ્યાએ ‘ન્યૂ ડિનેસ્ટિઝ ઑવ્ મિડિવલ ગુજરાત’માં દક્ષિણ ગુજરાતના કેટલાક નવા શોધાયેલા અભિલેખ પ્રગટ કર્યા છે. મુનિ જિનવિજયજીએ ગુજરાતનાં જૈન મંદિરોમાંના કેટલાક અભિલેખો પ્રકાશિત કર્યા છે. ભોગીલાલ જ. સાંડેસરાએ જૈન આગમ સાહિત્યમાંથી ગુજરાતના ઇતિહાસને લગતી કેટલીક સામગ્રી પ્રગટ કરી છે. ઝિયાઉદ્દીન દેસાઈએ ગુજરાતના અનેક અરબી અને ફારસી અભિલેખો સંપાદિત કર્યા છે. ગુજરાત ઇતિહાસ પરિષદે ગુજરાતના જુદા જુદા કાલના તથા પ્રકારના અભિલેખોની સંદર્ભસૂચિઓ પ્રગટ કરી છે.

હસમુખ ધી. સાંકળિયાના નેતૃત્વ હેઠળ પુણેના ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા સુબ્બારાવ અને રમણલાલ ના. મહેતાની આગેવાની નીચે વડોદરાની મ. સ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ-વિભાગ તરફથી અનેક અગત્યનાં ઉત્ખનનો થયાં છે. વડનગર, ટિંબરવા, દેવની મોરી, દ્વારકા, અમરેલી, શામળાજી, નગરા, લાંઘણજ, સોમનાથ વગેરે સ્થળોએ થયેલાં ઉત્ખનનોના હેવાલોએ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના પુનર્નિર્માણ માટેની સાધન-સામગ્રીને સમૃદ્ધ કરી છે. નીરાબેન અક્ષયકુમાર દેસાઈએ ‘ગુજરાતમાં 19મી સદીમાં સામાજિક પરિવર્તન’માં બ્રિટિશ સામ્રાજ્યની અનેકવિધ અસરોને પરિણામે ગુજરાતમાં શરૂ થયેલ સામાજિક પરિવર્તનનું વિવેચનાત્મક અધ્યયન કર્યું છે. રવિકાન્ત એલ. રાવલે ‘સોશિયો-રીલિજિયસ રિફૉર્મ મૂવમેન્ટ ઇન ગુજરાત ડ્યુરિંગ ધ નાઇન્ટિન્થ સેન્ચરી’માં ગુજરાતના સમાજ-સુધારાની ચળવળની તલસ્પર્શી છણાવટ કરી છે. જાણીતા ઇતિહાસકાર મકરંદ જે. મહેતાએ ‘ધ અહમદાબાદ કૉટન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી : જીનેસિસ ઍન્ડ ગ્રોથ’, ‘બિઝનેસ હાઉસિઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા : અ સ્ટડી ઇન એન્ટરપ્રિન્યૉરિયલ રિસ્પૉન્સ – 1850-1956’, ‘ઇન્ડિયન મરચન્ટ્સ ઍન્ડ એન્ટ્રપ્રિનસર્ર્ ઇન હિસ્ટોરિક્લ પરસ્પેક્ટિવ વિથ સ્પેશિયલ રેફરન્સ ટૂ ધ મરચન્ટ્સ ઍન્ડ શરાફ્સ ઑવ્ ગુજરાત’ આ ગ્રંથોમાં મૂળ સ્રોતોનો ઉપયોગ કરીને ગુજરાતના વેપાર-ઉદ્યોગનું તલસ્પર્શી વિવરણ કર્યું છે. કચડાયેલા લોકો(subaltern)નો ઇતિહાસ પ્રમાણમાં વણખેડાયેલો વિષય છે. આ ક્ષેત્રમાં મકરંદ મહેતાનો ગ્રંથ ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો’ નોંધપાત્ર છે. તે જ પ્રમાણે ડેવિડ હાર્ડિમનનો ગ્રંથ ‘ધ કમિંગ ઑવ્ ધ દેવી : આદિવાસી એસર્શન ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ મહત્વનો છે. આ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર ‘દેવી આંદોલન’ સૂરતથી પ્રગટ થયું છે.

ગુજરાત સરકારની આર્થિક સહાયથી અમદાવાદ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવને ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ના નવ ગ્રંથો પ્રકાશિત કર્યા છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગથી શરૂ કરીને ગુજરાત રાજ્યની સ્થાપનાના વર્ષ (1960) પર્યન્તના સમયને આવરી લીધો છે. પ્રત્યેક ગ્રંથનાં પ્રકરણો તે તે વિષયના તજજ્ઞે તૈયાર કર્યાં છે. તેમાં રાજકીય ઇતિહાસ ઉપરાંત સામાજિક તથા આર્થિક સ્થિતિ, ભાષા તથા સાહિત્ય, ધાર્મિક સંપ્રદાયો, સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા ઇત્યાદિ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંનું પણ વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે.

સ્થાપત્યમાં છેલ્લા દાયકાઓમાં જયેન્દ્ર નાણાવટી, મધુસૂદન ઢાંકી તથા કાન્તિલાલ સોમપુરાએ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. શિલ્પમાં મંજુલાલ ર. મજમુદાર, ઉમાકાન્ત પ્રે. શાહ તથા હરિલાલ ગૌદાનીનાં પ્રદાન નોંધપાત્ર છે. કનૈયાલાલ ભા. દવેએ ‘ગુજરાતનું મૂર્તિવિધાન’ નામે મહત્વની કૃતિ આપી છે. હર્ષદરાય મજમુદારે પાટણ, મોઢેરા, તારંગા, કુંભારિયા તથા આબુનાં સોલંકીકાલીન શિલ્પોનું સાંસ્કૃતિક અધ્યયન કરીને અંગ્રેજીમાં પ્રગટ કર્યું છે. મંજુલાલ મજમુદાર તથા સારાભાઈ નવાબે ગુજરાતનાં લઘુચિત્રોનાં વિશિષ્ટ લક્ષણો પ્રગટ કર્યાં છે.

પ્રવીણચંદ્ર ચિ. પરીખે ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિ-વિકાસ, ઈ. સ. 1500 સુધી’માં ભારતની પ્રાચીન લિપિઓનો અભ્યાસ કર્યો છે. એવી રીતે ભારતીબેન શેલતે પોતાના ગ્રંથમાં ગુજરાતમાં ઉત્તરોત્તર કાલમાં પ્રયોજાયેલી જુદી જુદી કાલગણના-પદ્ધતિઓનું તલસ્પર્શી અધ્યયન કર્યું છે.

કેટલાક વિદ્વાનોએ સૌરાષ્ટ્ર, કચ્છ, ખંભાત, સૂરત, જૂનાગઢ વગેરે વિસ્તારો કે નગરોના ઇતિહાસ પ્રગટ કરી ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે; જેમ કે, શંભુપ્રસાદ હ. દેસાઈનાં ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’, ‘પ્રભાસ અને સોમનાથ’ તથા ‘જૂનાગઢ અને ગિરનાર’; રામસિંહ રાઠોડનું ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’, લોકમત પ્રકાશનનું ‘ચરોતર સર્વસંગ્રહ’, નર્મદાશંકર ભટ્ટનું ‘ખંભાતનું સાંસ્કૃતિક દર્શન’, ઈશ્વરલાલ ઈ. દેસાઈનું ‘સૂરત સોનાની મૂરત’, મુગટલાલ પો. બાવીસી-લિખિત ‘લીંબડી રાજ્યનો ઇતિહાસ’ વગેરે ગણાવી શકાય.

રસિકલાલ છો. પરીખે 1954માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘ગુજરાતની રાજધાનીઓ’ વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. તે ગ્રંથ રૂપે પ્રકાશિત થયાં છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં ‘પ્રાચીન ગુજરાતની સાધન-સામગ્રી’ વિશે ત્રણ વ્યાખ્યાન આપેલાં, તે ગુજરાત ઇતિહાસ પરિષદે ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યાં છે.

રમણલાલ ક. ધારૈયા