ઇતિમાદખાન (જ. – અ. 1587) : ગુજરાતની સલ્તનતનો એક શક્તિશાળી અમીર તથા સૂબો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ 3જા(1537-1554)ના વિશ્વાસુ હિંદુ ચાકરે ઇસ્લામ ધર્મ સ્વીકારી અબ્દુલકરીમ નામ ધારણ કર્યું હતું. સુલતાનની સેવામાં ઉત્તરોત્તર બઢતી મેળવી મુખ્ય વજીરપદે પહોંચીને ઇતિમાદખાનનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. પછીનાં વીસ વર્ષ સુધી ગુજરાતના રાજકારણમાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઉક્ત સુલતાનના ખૂની બુરહાને ખોટા બહાના હેઠળ ઇતિમાદખાન સહિત બાર મુખ્ય અમીરોને રાજમહેલમાં બોલાવ્યા ત્યારે કાવતરાની ગંધ આવવાથી તે ગયો નહિ તેથી કતલમાંથી બચી ગયો. વારસહીન સુલતાનના અનુગામી અહમદશાહ 3જા(1554–61)ને ગાદીએ બેસાડવામાં તે કારણભૂત બન્યો. તે પછી તેણે લગભગ સર્વોપરી સત્તા ધારણ કરી હતી. નવા સુલતાન તથા બીજા અમીરો સાથે સત્તા તથા જાગીર બાબત મતભેદ થતાં પરસ્પર લડાઈ ચાલી. છેવટે લાચાર થઈને તેણે ઈ. સ. 1572માં અકબર બાદશાહને મદદ કરવા વિનંતી કરી. એ રીતે ગુજરાતને મુઘલ સત્તા હેઠળ લાવવામાં ઇતિમાદખાન નિમિત્ત બન્યો.
એ વખતે ગુજરાતનું સૂબાપદ મેળવવાની તેની ઇચ્છા ફળીભૂત થઈ નહોતી. તેની સંદિગ્ધ વર્તણૂકને કારણે અકબરને તેની વફાદારી શંકાસ્પદ લાગતાં તેને થોડા સમય માટે નજરકેદ કર્યો હતો. પણ 1575માં ફરીથી તેને દરજ્જો આપીને શાહી ઝવેરાત અને કીમતી વાસણોના ભંડારના અધીક્ષક તરીકે નીમ્યો હતો. બે વર્ષ પછી તેણે હજ કરી. 1583માં તે ગુજરાતનો સૂબો નિમાયો, પણ પદભ્રષ્ટ સુલતાન મુઝફ્ફરશાહ 3જાની ફરીથી ગાદી મેળવવાની ઝુંબેશનો યોગ્ય પ્રતિકાર ન કરી શકવાથી તેની સૂબેદારી પડાવી લેવામાં આવી.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ