ઇજારો : કોઈ વસ્તુ કે સેવાના બજાર-પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો એકાધિકાર. ગ્રીક ભાષામાં ‘monopoly’ શબ્દનો અર્થ ‘single seller’ અર્થાત ‘એકમાત્ર વિક્રેતા’ થાય છે. પૂર્ણ ઇજારો એ પૂર્ણ હરીફાઈની તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે. આમ વસ્તુ કે સેવાની વેચાણ-પ્રક્રિયા દરમિયાન હરીફાઈનો સદંતર અભાવ ત્યારે જ શક્ય બને, જ્યારે તેનું સમગ્ર ઉત્પાદન એક જ ઉત્પાદકને હસ્તક હોય. બજાર-પુરવઠાની આ આત્યંતિક પરિસ્થિતિ સચોટ રૂપે રજૂ કરવા માટે અને તેને ગ્રાહકના ઇજારા(monopoly)થી તથા અલ્પહસ્તક ઇજારા(oligopoly)થી અલગ પાડવા માટે અર્થશાસ્ત્રમાં તેના માટે ‘શુદ્ધ ઇજારો’ (pure monopoly) શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો છે. સમગ્ર બજાર-પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનું વર્ચસ્ હોવાથી મહત્તમ નફો કમાવા માટે ઇજારદાર હરીફાઈવાળાં બજારોની સરખામણીમાં ઊંચી કિંમત આકારી શકે છે. આમ ઇજારદાર માત્ર કિંમત સ્વીકારનાર ‘નિષ્ક્રિય’ વિક્રેતા નહિ, પરંતુ સક્રિયપણે કિંમત નિર્ધારિત કરનાર ઉત્પાદક હોય છે. આ રજૂઆત સાથે બે અનુમાનો અંતર્નિહિત છે : એક તો ગ્રાહકોની સંખ્યા એટલી મોટી છે કે વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા માટે તેઓ અંદરોઅંદર હરીફાઈ કરતા હોય છે. બીજું, ઇજારદારની વસ્તુની અવેજી ગણાય તેવી અન્ય કોઈ વસ્તુ ગ્રાહકોને ઉપલબ્ધ થતી નથી. વસ્તુ કે સેવાના પુરવઠાના વૈકલ્પિક સ્રોતના અભાવે ગ્રાહકોને કાં તો ઊંચી કિંમત ચૂકવવી પડે છે અથવા વસ્તુ કે સેવાની ખરીદી સદંતર જતી કરવી પડે છે.
કોઈ પણ બજારમાં પૂર્ણ ઇજારાની ઉપસ્થિતિ માટે ત્રણ શરતો અનિવાર્ય છે : (1) સંબંધિત વસ્તુ કે સેવાનું સમગ્ર ઉત્પાદન એક જ ઉત્પાદક-હસ્તક હોય, (2) તે ક્ષેત્રમાં કાં તો કાયદાને લીધે અથવા અન્ય કોઈ પરિબળની હાજરીને લીધે નવા ઉત્પાદકનો પ્રવેશ પ્રતિબંધિત હોય, (3) ઇજારદારની વસ્તુ કે સેવાની અવેજી ગણાય તેવી કોઈ વસ્તુ ગ્રાહકોને ઉપલબ્ધ થતી ન હોય.
ઇજારાના બજારમાં નવા ઉત્પાદકના પ્રવેશને અટકાવી શકે તેવાં કેટલાંક સંભવિત પરિબળો : (1) ઇજારદારની વસ્તુ પ્રત્યે ગ્રાહકોની પ્રબળ પસંદગી (strong preference), (2) એકાધિકાર (patent), (3) કાયદા દ્વારા પ્રતિબંધ, (4) વિશિષ્ટ પ્રકારના સાધન-પુરવઠા પર એકાધિકાર, (5) ઉત્પાદકની ઊંચી શાખ, (6) મોટા પાયા પર ઉત્પાદન કરતી પેઢીને મળતા આર્થિક લાભ (economics of scale), (7) સંરક્ષણની નીતિના અમલને કારણે રક્ષિત બજાર(protected market)ની ઉપલભ્યતા, (8) ભૌગોલિક અંતરાય, (9) અત્યંત અલ્પ માંગને લીધે આર્થિક ધોરણે એક જ ઉત્પાદકના પોષણની શક્યતા, (10) સળંગ ખરીદીનું દબાણ, મુલતવી રાખવામાં આવેલ વટાવની પશ્ચાદવર્તી ચુકવણીની યોજના તથા પેઢીઓનું એકીકરણ જેવી યુક્તિઓનો પ્રયોગ.
ઇજારાનાં દૂષણો : કેટલાક વિચારકો વિશિષ્ટ સંજોગોના ઇજારાને ઇષ્ટ ગણે છે. તેમના મંતવ્ય મુજબ અર્થતંત્રના જે ક્ષેત્રમાં મોટા પાયા પર જોખમો અને અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે, જે ક્ષેત્રમાં ઘણા લાંબા સમય સુધી વિશાળ પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે અને જેમાં પરિપક્વતાનો ગાળો (gestation period) ઘણો લાંબો હોય છે તે ક્ષેત્રમાં ઉત્પાદક કે નિયોજકને અસાધારણ નફો કમાવાની તક ન મળે તો તેમાં દાખલ થવાનું સાહસ નિયોજક ભાગ્યે જ કરે. તેમ બને તો અર્થતંત્રનાં તેવાં ક્ષેત્રોનો વિકાસ અટકી જાય અને સમાજ કેટલીક વસ્તુઓ અને સેવાઓથી વંચિત રહી જવા પામે. ઉપરાંત પાણીપુરવઠો, વીજળીનો પુરવઠો, જાહેર સ્વાસ્થ્ય, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર જેવાં જાહેર ઉપયોગિતાનાં ક્ષેત્રોમાં હરીફાઈનું તત્વ દાખલ થાય તો સાધનોનો દુર્વ્યય થવા પામે. તે અટકાવવા માટે ઇજારો ઇષ્ટ ગણાયો છે. જાહેર ઉપયોગિતા ઇજારા હેઠળ મૂકવામાં આવે તો ઓછી આવક ધરાવતા, આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તે સેવાઓ કિંમત-ભેદભાવની નીતિ વડે ઓછી કિંમતે પૂરી પાડી શકાય છે. એક મત એવો પણ પ્રવર્તે છે કે ઇજારામાં ઉત્પાદક અસાધારણ નફો કમાતો હોવાથી તે ઔદ્યોગિક સંશોધનો માટે નાણાં ફાળવી શકે છે, અને તે દ્વારા સંશોધનપ્રવૃત્તિને પ્રોત્સાહન આપી શકે છે.
ઇજારાની તરફેણની આ દલીલો તેનાં દૂષણોની સરખામણીમાં પાંગળી છે. જ્યાં ઇજારદાર એકમાત્ર ઉત્પાદક હોય છે, ત્યાં અવેજી વસ્તુઓનો અભાવ હોવાથી ઊંચી કિંમત, ઓછી ગુણવત્તા અને ઉત્પાદન પર કૃત્રિમ અંકુશ આવતાં ગ્રાહકોનું શોષણ થવા પામે છે, જે હરીફાઈવાળા બજારમાં શક્ય બનતું નથી. ઇજારદાર અસાધારણ નફો કમાઈ શકતો હોવાથી તેને લીધે સંપત્તિ અને આવકની અસમાનતાને પ્રોત્સાહન મળે છે. ઉપરાંત, બજારમાં ઊંચી કિંમત ટકાવી રાખવા માટે ઇજારદાર ઇષ્ટ કદનું ઉત્પાદન કરવાને બદલે ઇરાદાપૂર્વક ઇષ્ટ કદ કરતાં ઓછું ઉત્પાદન કરે છે; તેની વિપરીત અસરો મૂડીરોકાણ, રોજગારી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન પર થાય છે.
ઇજારાયુક્ત હરીફાઈ કે અપૂર્ણ હરીફાઈમાં ઉત્પાદક વસ્તુવિકલન કે વસ્તુભિન્નતા(product differentiation)નો આશ્રય લે છે અને પોતાની વસ્તુની માગ વધારવા માટે વેચાણખર્ચ કરે છે, જેનું ભારણ ઊંચી કિંમત મારફત ગ્રાહકો પર પડે છે. વેચાણખર્ચ એ ઉત્પાદનખર્ચ ઉપરાંતનો ખર્ચ હોવાથી, એટલે કે ઉત્પાદન વધારવા માટે નહીં, પરંતુ વસ્તુની માગ વધારવા માટે જ કરવામાં આવતો હોવાથી વસ્તુના ઉત્પાદનના કદમાં કે વસ્તુની ગુણવત્તામાં તે વધારો કરી શકે તેમ હોતું નથી, અને તેટલે અંશે તે સાધનોના વ્યયમાં પરિણમે છે. ઇજારામાં સંપત્તિ અને આવકના આત્યંતિક કેન્દ્રીકરણને લીધે અર્થતંત્રમાં વ્યાપારચક્રીય ઊથલપાથલ અને આર્થિક અસ્થિરતાને ઉત્તેજન મળે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે