ઇક્વેડૉર (Republic of Ecuador) : દક્ષિણ અમેરિકાના નાના દેશોમાં ચોથા ક્રમે આવતો દેશ. ભૌ. સ્થા. : 20 00´ દ. અ. અને 770 30´ પ. રે. વિસ્તાર આશરે 2,83,561 ચોકિમી. ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશો આવેલા છે. વિષુવવૃત્તીય આબોહવા, ક્વિટોનું જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને જુલાઈનું 140. વાર્ષિક સરેરાશ વરસાદ 1,115 મિમી. પડે છે. આ શહેર સમુદ્નની સપાટીથી 2850 મી. ની ઉંચાઇએ આવેલું છે. જેનો વિસ્તાર 372.4 ચોકિની. છે યાક્વિલમાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 260 સે. અને 250 સે. રહે છે. સરેરાશ વરસાદ 996 મિમી. પડે છે. કુલ વસ્તી 20,10,000 (2020). એમાં રોમન કૅથલિક ધર્મના લોકોનું પ્રમાણ 92.1% હતું. 20મી સદીના 9મા દાયકામાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિમી. 42 છે. 61 ટકા લોકો શહેરી વિસ્તારમાં રહે છે. પાટનગર ક્વિટો, દેશનાં પાંચ મોટાં શહેરોમાંનું એક. રાષ્ટ્રભાષા સ્પૅનિશ. દેશની કુલ વસ્તીના 93% લોકો સ્પૅનિશ ભાષા જાણે છે. જન્મદર હજારે 36.8 તથા મૃત્યુદર હજારે 8.1. જન્મસમયે 20મી સદીના 9મા દાયકામાં. સરેરાશ આયુષ્યમર્યાદા પુરુષોની 59.8 વર્ષ અને સ્ત્રીઓની 63.6 વર્ષ. 20મી સદીના 9મા દાયકામાં. સાક્ષરતાનું પ્રમાણ કુલ વસ્તીના 69.1%. દેશની કુલ જમીનમાં કૃષિલાયક જમીનનું પ્રમાણ 9 %. કેળાં, કોકો, કૉફી તથા શેરડી – આ ચાર દેશની મુખ્ય પેદાશો છે. કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો 12.9 ટકા, ઉદ્યોગનો ફાળો 35.2 ટકા અને સેવાઓનો ફાળો 50.2 ટકા રહે છે. 1992માં ખાનગીકરણ સહિત આર્થિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે. માર્ચ, 2000માં શ્રમબજારમાં લવચીકતા (flexibility) દાખલ કરવામાં આવી અને ખાનગીકરણની ઝુંબેશ આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.
દેશમાં એકતંત્રી તથા પ્રમુખીય રાજ્યવ્યવસ્થા છે અને સમગ્ર દેશ માટે કાયદા ઘડનાર સંસદનું એક ગૃહ છે. એમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ચૂંટાય છે. 1979માં દેશમાં નવું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે.
સરહદના વિવાદને લઈને 1941માં આ દેશ પર પડોશી દેશ પેરૂએ આક્રમણ કર્યું હતું. તે વિવાદનો સંતોષકારક ઉકેલ શોધવામાં નિષ્ફળતા સાંપડી હોવાથી 1981થી આ બાબતને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો તંગદિલીભર્યા રહ્યા છે.
1532માં સ્પેનના કેટલાક લોકો સ્થળાંતર કરીને હાલના ઇક્વેડૉરના સ્થળે ગયા જ્યાં તેમણે ક્વીટો નામની વસાહત ઊભી કરી. 1821માં સ્થાનિક લોકોના બળવાને કારણે તે સ્પેનના વર્ચસમાંથી મુક્ત થયું. 1830માં તે પ્રજાસત્તાક બન્યું. 1963-66 અને 1976-79 દરમિયાન ત્યાં લશ્કરનું શાસન હતું. લશ્કરના બીજા શાસકોએ નવા બંધારણની રચના કરી, જે ઑગસ્ટ, 1979માં અમલમાં મૂકવામાં આવ્યું અને ત્યારથી ઇક્વેડૉર પ્રજાસત્તાક બન્યું છે. જાન્યુઆરી, 2000માં લશ્કરે પૂર્વ ઉપપ્રમુખ ગુસ્તાવ નોબોઆને સત્તાની સોંપણી કરી હતી.
જાન્યુઆરી, 2000માં આર્થિક કટોકટીને કારણે પ્રજાએ પ્રમુખ મહૌદેનું રાજીનામું માંગ્યું ત્યારે પ્રમુખે કટોકટીની જાહેરાત કરી હતી. 21મી જાન્યુઆરી 2001ના રોજ લશ્કરે સત્તા હાથમાં લઈ લીધી; પરંતુ પાંચ કલાક પછી તરત જ લશ્કરે પૂર્વ ઉપપ્રમુખ ગુસ્તાવો નોબોઆને સત્તાની ધુરા સોંપી દીધી. એપ્રિલ, 2005માં પ્રમુખ લુસિઓ ગુટેર્રેઝની સામે તેની આર્થિક યોજનાને લીધે પ્રજામાં વિરોધ વંટોળ થતાં ઇક્વેડૉર કૉંગ્રેસે તેમને સત્તા પરથી દૂર કર્યા. કોર્ટે પણ બે પૂર્વપ્રમુખો સામે ભ્રષ્ટાચાર વિશેના આરોપો મૂક્યા. તેથી ગુટેર્રેઝને બ્રાઝિલ નાસી જવું પડ્યું. તેમના સ્થાને આલ્ફ્રેડો પાલાસિયોને મૂકવામાં આવ્યા. આવતાની સાથે તેમણે ગુટેર્રેઝની ધરપકડના વૉરંટ કાઢ્યા. ઑક્ટોબર, 2005માં ગુટેર્રેઝની ધરપકડ થઈ; પરંતુ માર્ચ, 2006માં તે મુક્ત થયા. નવેમ્બર, 2006માં રાફાયેલ કોરિઆ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. એપ્રિલ, 2009માં તેઓ ફરીથી 52% મત જીતીને પ્રમુખ બન્યા. નવો ખાણધારો અસ્તિત્વમાં આવ્યો. વિદેશી કંપનીઓએ તેનું સ્વાગત કર્યું, પરંતુ ઘણા ભારતીય સમૂહોએ તેનો વિરોધ કર્યો.
2017થી લેનીન મોરેનો પ્રમુખપદે કાયરત છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
થૉમસ પરમાર