ઇક્વેટોરિયલ ગિની

January, 2002

ઇક્વેટોરિયલ ગિની : મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે ગિનીના અખાતમાં આવેલા કેટલાક ટાપુઓનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 20 00´ ઉ. અ. અને 90 00´ પૂ. રે.. દેશની મુખ્ય નદીના નામ પરથી મુખ્ય પ્રદેશ રિઓ મુની અથવા મ્બિની(mbini)નામે ઓળખાય છે. ઇક્વેટોરિયલ ગિનીનો વિસ્તાર 28,051 ચોકિમી. છે. તેમાંથી 2,034 ચોકિમી.માં બિયોકો અને અન્નોબોન ટાપુઓ છે. દેશની વસ્તી છે 14,54,789 (2020). વસ્તીની ગીચતા પ્રતિ કિમી. 16 છે. કુલ વસ્તીના 54.1 ટકા ગ્રામવિસ્તારમાં રહે છે (1998). તેનું પાટનગર મલાબો (અગાઉનું નામ સાંતા ઇઝાબેલ) બિયોકો ટાપુ પર છે. રિઓ મુનીનું સૌથી મહત્વનું નગર બાટા છે. બિયોકો અને અન્નોબોન જ્વાળામુખીરચિત પર્વતીય ટાપુઓ છે. બિયોકોમાં દરિયાની સપાટીથી સૌથી ઊંચે 3,008 મી. ઉપર પિકો સાંતા ઇઝાબેલનું સ્થળ આવેલું છે. દેશની ઉત્તરે કેમેરૂન અને અગ્નિખૂણે ગેબોન દેશો આવેલા છે.

બિયોકો પર 1827થી 1858 સુધી બ્રિટિશ શાસન હતું. તે પછી 1959 સુધી ઇક્વેટોરિયલ ગિની સ્પૅનિશ ગિની તરીકે ઓળખાતું. સ્પેન-શાસિત સંસ્થાન હતું. 12 ઑક્ટોબર, 1968ના રોજ આ દેશ સ્વતંત્ર થયો. તેનો પ્રથમ પ્રમુખ ફ્રાન્સિસ્કો માસિયસ ન્ગુમા (Nguema) બન્યો. તેણે સ્પૅનિશ લોકો પ્રત્યે જુલ્મી વર્તાવ કર્યો તેથી 85 ટકા સ્પૅનિશ લોકો દેશ છોડી જતા રહ્યા. પ્રમુખે બધા રાજકીય પક્ષોને સંગઠિત કરીને યુનાઇટેડ નૅશનલ પાર્ટી સ્થાપી અને 4 જુલાઈ, 1973થી તે આજીવન પ્રમુખ બન્યો. 3 ઑગસ્ટ, 1979ના રોજ તેના ભત્રીજા કર્નલ થિયૉડોરો ઓબિયાંગ ન્ગુમા મ્બાસોગોની નેતાગીરી નીચે બળવો થયો અને લશ્કરી શાસન સ્થપાયું. સપ્ટેમ્બર માસમાં માજી પ્રમુખ માસિયસને ફાંસી અપાઈ.

Dans les rues de Malabo

મલાબો નગરનું એક દ્રશ્ય

સૌ. "Dans les rues de Malabo" | CC BY-SA 4.0

દેશનો વહીવટ 16 સભ્યોની સર્વોચ્ચ લશ્કરી સમિતિ કરે છે. 1982માં રાષ્ટ્રસંઘની સહાયથી નવું બંધારણ ઘડાયું છે. ચૂંટાયેલી રાષ્ટ્રીય સભા કાયદા ઘડે છે. કાઉન્સિલ ઑવ્ સ્ટેટ અને નૅશનલ કાઉન્સિલ ફૉર ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ ડેવલપમેન્ટ વહીવટ ચલાવે છે.

દેશના મુખ્ય પ્રદેશમાં મેહોગની અને ઓકુમેનાં કીમતી વૃક્ષોવાળાં જંગલો છે. આ પ્રદેશમાંનાં ગોરીલા, વાનરો, દીપડા, હાથી અને મગર વગેરે પ્રાણીઓની સંખ્યા વધુ પડતા શિકારને કારણે ખૂબ ઓછી થઈ છે. કિનારાના ભાગોમાં વરસાદનું પ્રમાણ 2,500થી 4,200 મિમી. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે. છે. મુખ્ય પ્રદેશમાં મુખ્યત્વે ફેંગ લોકો વસે છે. વસ્તીના 4/5 ભાગના લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. બુબી લોકો પરંપરાગત પૂજાવિધિ કરે છે. હાઉસા લોકો મુસ્લિમ છે.

ખેતપેદાશોમાંથી કોકો, કૉફી, લાકડું વગેરેની નિકાસ થાય છે; તેમાં કોકોનું પ્રમાણ 95 ટકા છે. ફર્નાન્ડો પો (બિયોકો) ટાપુ પર યુરોપિયનોએ અને નાઇજિરિયનોએ કોકોનું પ્રથમ વાવેતર કરેલું. 1979 પછી કોકો અને ઇમારતી લાકડાની પેદાશ સરકારી પ્રયાસોને કારણે બમણી થઈ છે. ફર્નાન્ડો પો (બિયોકો) ટાપુ પર કેળાંનો પાક પણ થાય છે.

મત્સ્ય-ઉદ્યોગ અગાઉ સોવિયેતના કાબૂમાં હતો; પણ 1980ના કરાર મુજબ સ્પેન તેને વિકસાવી રહ્યું છે. 1981માં બિયોકો ટાપુની ઉત્તરે પેટ્રોલિયમ મળી આવ્યું હતું. 1992 પછી તેલ-ઉત્પાદન લેવાતું રહ્યું છે.

સ્વાસ્થ્યક્ષેત્રે દેશની સ્થિતિ દયાજનક છે. 1990માં દેશમાં 99 ડૉક્ટર્સ, 154 પરિચારિકાઓ અને 55 મિડવાઈઝ હતા. સરેરાશ આયુષ્ય 45 વર્ષનું અને બાળમરણનું પ્રમાણ 1,000 જન્મે 150નું છે. 1980માં પ્રાથમિક શાળાઓમાં અને નગરોમાં સ્વાસ્થ્યરક્ષક પ્રયાસો થયા હતા. શિક્ષણપ્રથામાં 5 વર્ષનું શિક્ષણ ફરજિયાત છે. વીસમી સદીના આઠમા દાયકામાં 70 ટકા બાળકો પ્રાથમિક શાળાઓમાં જતાં હતાં. આ ઉપરાંત 1993માં શિક્ષણ-તાલીમની બે કૉલેજો અને એક કૃષિવિદ્યાલય હતાં. 1998માં પ્રૌઢસાક્ષરતાનું પ્રમાણ 81.1 % હતું, જેમાં પુરુષ સાક્ષરતા 91.4 % અને મહિલા સાક્ષરતા 71.5 % હતું. સમાચાર-માધ્યમો પર સરકારી અંકુશ છે. 2 દૈનિકો સ્પૅનિશ ભાષામાં પ્રગટ થાય છે. આ દેશમાં 2 રેડિયોમથકો અને 1 ટેલિવિઝનકેન્દ્ર છે.

કૃષ્ણવદન જેટલી