ઇકાફે (ECAFE) : સંયુક્ત રાષ્ટ્રસંઘનું પ્રાદેશિક આર્થિક સંગઠન. તેનું મૂળ નામ ઇકૉનૉમિક કમિશન ફૉર એશિયા ઍન્ડ ફાર ઈસ્ટ હતું. હવે તે ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક નામથી ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલ હેઠળ એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરતું આ પ્રાદેશિક સંગઠન છે. પોતાના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે તે ઉપરના વિસ્તારમાં આવેલા દેશોમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક તથા સ્વાસ્થ્ય સંબંધી સુધારા દાખલ કરી આ વિસ્તારની પરિસ્થિતિ અને વાતાવરણ બદલવા પ્રયાસ કરે છે, જેથી તેમનો ઝડપથી આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાય અને તે દ્વારા વિશ્વના વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચેનો તફાવત ઘટાડી શકાય.
તેનું મુખ્ય કાર્યાલય થાઇલૅન્ડના પાટનગર બૅંગકોક ખાતે રાખવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે