આ લા રેશર્શે દુ તાં પેર્દુ (A la recherche du temps perdu) (1913-1927) : ફ્રેન્ચ નવલકથા. માર્સેલ પ્રુસ્ત (1871-1922)ની આ શ્રેષ્ઠ કૃતિનું અંગ્રેજીમાં ‘રિમેબ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ નામે ભાષાંતર (1922-1931) સી. કે. સ્કૉટ મોનક્રીફે કરેલું છે. આ મહાનવલ સાત ખંડોમાં પ્રગટ થઈ હતી. તેનું પૂર્ણ સુધારેલું ભાષાંતર 1981માં પ્રગટ થયેલું. આખી નવલકથા યુરોપની એક મહાન સાહિત્યકૃતિ છે.
આ સમગ્ર નવલકથા લેખક પ્રુસ્તના સમયના પૅરિસના સમાજનું વિસ્તૃત અને વિગતવાર આલેખન કરે છે. આ નવલકથામાં પાત્રોનાં ત્રણ વર્તુળ છે : (1) કોમ્બ્રે વર્તુળ, (2) વર્દુરિન વર્તુળ, (3) સ્વાન વર્તુળ. પૅરિસથી થોડે દૂર આવેલ કોમ્બ્રેમાં લેખક પ્રુસ્તે તેમનું બાળપણ વિતાવ્યું હતું. બાળપણનાં સંસ્મરણોથી નવલકથાનો પ્રારંભ થાય છે. આન્ટ લિઓની અને અંકલ એડોલ્ફેના સ્મરણ સાથે સ્વાન અને તેની પુત્રી ગિલ્બર્તાની સ્મૃતિ પણ વણાયેલી છે.
‘વિધિન અ બડિંગ ગ્રોવ’ લેખકની કિશોરાવસ્થા અને તેની બાળપ્રેમિકા ગિલ્બર્તાના સ્મરણથી શરૂ થાય છે. માર્સેલને સ્વાસ્થ્યને કારણે દરિયાકિનારે બલ્બેકમાંથી જવું પડે છે અને ગિલ્બર્તાનો સાથ છૂટે છે. બલ્બેકમાં ચિત્રકાર એલ્સ્તીર, ધૂની બેરન દ આર્લુ અને તેનો ભત્રીજો તેના પરિચયમાં આવે છે. અહીં બારેક છોકરીઓનો સમૂહ દરિયાકિનારે રમે છે. માર્સેલ તે સમૂહના પ્રેમમાં પડવા સાથે છેવટે આલ્બર્તિના સિમોનેતના પણ પ્રેમમાં પડે છે.
ત્રીજા ખંડ ‘ગુર્માં વે’માં માર્સેલ ડચેસ દ ગુર્માંની પડોશમાં પૅરિસમાં રહે છે. આર્લુસ અને તેના ભત્રીજા મારફત તે ડચેસનો અતિથિ અને મિત્ર બને છે. અહીં માર્સેલને ખ્યાલ આવે છે કે મૂડીવાદી લોકો તેણે કલ્પ્યા હતા તેવા નથી. તેજસ્વી, ચતુર ડચેસ ગણતરીબાજ સ્વકેન્દ્રિત નારી છે.
‘સિટિઝ ઑવ્ ધ પ્લેઇન’-ખંડમાં પુરુષોના તેમજ સ્ત્રીઓના સજાતીય સંબંધોનું નિરૂપણ છે. માર્સેલ તેની પ્રેમિકા આલ્બર્તિના અન્ય યુવતીના પ્રેમમાં છે એ વાત જાણીને દુ:ખી થાય છે. આલ્બર્તિનાને સજાતીય પ્રેમની વિકૃતિમાંથી બચાવવા માર્સેલ તેની સાથે લગ્ન કરે છે અને તેને તેની સાથે પૅરિસમાં રહેવા લઈ જાય છે.
‘ધ કેપ્ટિવ’-ખંડમાં માર્સેલ ઈર્ષ્યાથી આલ્બર્તિનાને કેદીની જેમ રાખે છે, પરંતુ આલ્બર્તિના એકાએક ભાગી જઈ અદૃશ્ય થાય છે.
‘ધ સ્વીટ ચીટ ગૉન’માં માર્સેલ આલ્બર્તિનાને ગમે તે શરતે પાછી ફરવા વીનવે છે. આખરે માર્સેલને તેના તારના જવાબમાં જાણવા મળે છે કે આલ્બર્તિનાનું ઘોડેસવારી કરતાં પડી જતાં મૃત્યુ થયું છે. માર્સેલ હવે પ્રેમ અને મૈત્રીની ભ્રાંતિમાંથી મુક્ત થાય છે. થોડા સમય બાદ તેને આલ્બર્તિનાની સહીવાળો તાર મળે છે અને તેમાં આલ્બર્તિના આર્લુસના ભત્રીજા સેંત-લુપ સાથે પરણ્યાના સમાચાર છે.
છેલ્લો ખંડ ‘ટાઇમ રિગેઇન્ડ’ અથવા ‘પાસ્ટ રિકૅપ્ચર્ડ’ પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયની કથા છે. માર્સેલ બીમાર છે અને પરિચારિકાગૃહમાં રહે છે. આલ્બર્તિનાનો બીજો પતિ યુદ્ધમાં વીર તરીકે મૃત્યુ પામે છે. છેલ્લો પ્રસંગ માદામ વર્દુરિન-હવે પ્રિન્સેસ બનેલ દ ગુર્માંના સ્વાગતસમારંભનો છે. સમારંભમાં જૂના મિત્રો અને તેમનાં બાળકોનું મિલન થાય છે. માર્સેલ એક પથ્થરની ઠોકરથી લથડિયું ખાય છે અને તેની સ્મૃતિના સ્રોતમાં પૂર આવે છે. અદૃશ્ય થયેલ અતીતને કલા દ્વારા પુન: પ્રાપ્ત કરી શકાય છે અને તેને સાચવી શકાય છે તેની પ્રતીતિ લેખકને થાય છે.
માર્સેલ પ્રુસ્તની આ મહાન નવલકથાની રચના એક વર્તુળાકાર જેવી છે. લેખક આ નવલકથા દ્વારા અતીતને સનાતન જીવંત રાખવામાં અજ્ઞાત મન કેવું સહાયરૂપ થાય છે તે દર્શાવે છે. આ કૃતિમાં લેખકે સ્વાન અને માર્સેલનાં પાત્રોમાં પોતાનું દ્વિવિધ રૂપ ઢાળ્યું છે. સર્વનાશ કરનારો કાળ આ નવલકથાનો ખલનાયક છે. પ્રુસ્તને મન જીવન એ ક્ષણો, સ્મૃતિઓ અને ઊર્મિઓનો સ્રોત છે. કેવળ કલા જ અનુભવના પ્રવાહને અટકાવીને સંવેદનને સૌંદર્યમાં પલટી શકે છે.
કૃષ્ણવદન જેટલી