‘આ’ લાવા-(‘aa’ lava) અથવા ખંડ લાવા (block lava) : ‘આ’ લાવા-એક પ્રકારના લાવા સ્વરૂપનું હવાઇયન ભાષાનું નામ. તાજો પ્રસ્ફુટિત થયેલો, ઠરી રહેલો બેઝિક લાવા પ્રવાહ, ઘનસ્વરૂપે સ્થૂળ ફીણમાં ફેરવાય છે કે નહિ, તે સ્થિતિ પર આધારિત, એકબીજાથી વિરોધાભાસી લક્ષણોવાળાં બે પ્રકારનાં સ્વરૂપો ધારણ કરે છે : (1) ખંડ લાવા અને (2) રજ્જુ લાવા (જુઓ રજ્જુ લાવા). જ્યારે ઠરેલા લાવાપ્રવાહની સપાટી અનિયમિત રીતે ખરબચડી, ખાંચાખૂંચીવાળી, ભિન્ન ભિન્ન પરિમાણવાળા ખૂણાયુક્ત ગઠ્ઠાઓથી બનેલાં નાનાં-મોટાં ગચ્ચાંના દેખાવવાળી હોય ત્યારે તેને સરળ ભાષામાં ખંડ લાવા તરીકે ઓળખાવાય છે. હવાઈ ટાપુઓની મુલકી ભાષા મુજબનું અને વિશેષત: જ્વાળામુખી-નિષ્ણાતો દ્વારા ઉપયોગમાં લેવાતું નામ ‘આ’ લાવા છે. (હવાઈ ટાપુઓમાં તેનો ઉચ્ચાર ‘આહ્-આહ્’ ah-ah થાય છે. તેનો અર્થ ‘ખરબચડો’ અથવા ‘કાંટાળો’ થાય છે). આઇસલૅન્ડ ટાપુમાં તેનું નામ એપાલ્હ્રૉન (apal = રાખોડી શેવાળ, hraun = લાવા. લાવા પરનું આ પ્રકારનું આચ્છાદન રાખોડી શેવાળ જેવો અછડતો ઉલ્લેખ કરતું હોવાથી એપાલ્હ્રૉન નામ પડેલું છે. જાગરે આ માટે એફ્રોલિથ (=ફીણ-પાષાણ) જેવું પદ્ધતિસરનું નામ આપ્યું છે. ‘આ’ લાવા અંશત: સ્ફટિકીકરણ પામેલા પ્રવાહસ્વરૂપનું સ્વાભાવિક વલણ દાખવે છે, જેમાંથી વાયુઓ ઝડપી પ્રસ્ફોટક્રિયા દ્વારા ઊડી જતા હોય છે. લાવાપ્રવાહનું ઉપલું પડ વહેલું ઠરે છે. (ખંડ લાવા રજ્જુ લાવા કરતાં વહેલો ઠરે છે.) નીચેના જથ્થાનું વાયુદ્રવ્ય ઉપરની ઠરેલ પાતળી પોપડીને ઉપસાવે છે. છેવટે ફાટી જઈને ચપ્પાની ધારદાર કિનારીઓ જેવી ખરબચડી, દાંતાઓવાળી, કાંટાળી, ગઠ્ઠાવાળી સપાટીઓમાં તે ફેરવાઈ જાય છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ