આસોપાલવ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Polyalthea longifolia Thw. (સં. અશોક, મંદાર; મ., હિં., બં., ક. અશોક; તે. અશોકેમાનું; અં. માસ્ટ અથવા સિમેન્ટરી ટ્રી) છે. તેની ભારતમાં થતી અન્ય જાતિઓમાં P. cerasoides Bedd. (ઉમા), P. fragrans Bedd (ગૌરી), P. simiarum Hook f. & Thoms, P. suberosa Thw., P. coffeoides Thw. અને P. jenkensii Hook. f. & Thoms અને P. pendula L. છે. p. cerasoidesની શોધ જયકૃષ્ણ ઇંદ્રજીએ બરડા ડુંગર ઉપરથી કરી છે. લીલો ચંપો, સીતાફળ, રામફળ, મખફળ અને ઉંભો તેની સહપ્રજાતિઓ છે.
તે ઊંચું, સુંદર અને સદાહરિત વૃક્ષ છે. તેનું પ્રકાંડ સીધું હોય છે. તે શ્રીલંકાના શુષ્ક પ્રદેશોનું મૂળનિવાસી છે અને ભારતમાં ઉદ્યાનો અને વીથિ(avenue)માં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેની છાલ લીસી, ભૂખરી-બદામી અને જાડી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, ચમકદાર-લીલાં, ભાલાકાર (lanceolate) અને ગ્રંથિમય હોય છે. તેની પર્ણકિનારી તરંગિત હોય છે. પુષ્પો લઘુપુષ્પગુચ્છ(fascicle)માં ગોઠવાયેલાં, ત્રિઅવયવી અને પીળાશ પડતાં લીલાં હોય છે. પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી યોજી (connective) પરાગાશયના પાછળના ભાગે સમગ્ર લંબાઈએ વૃદ્ધિ પામી પરાગાશયને આવરે છે, જેને સંલગ્ન (adnate) યોજી કહે છે. તેનું સ્ત્રીકેસરચક્ર બહુમુક્તસ્ત્રીકેસરી (polycarpellary) હોય છે. અનષ્ઠિલ સમૂહફળ (aggregate fruit) પ્રકારનું ફળ અંડાકાર, નાની અને જાંબલી રંગની ફલિકાઓનું બનેલું હોય છે.
તેની શાખાઓ નમિત (drooping) હોય છે. તે ભેજયુક્ત ઉષ્ણ સ્થાનોમાં સારી રીતે ઊગે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. વરસાદ આવ્યા પછી બીજ જુલાઈ-ઑગસ્ટમાં ખરી પડે કે તુરત જ તેના રોપ તૈયાર કરવા જરૂરી હોય છે, કારણ કે બીજની જીવનક્ષમતા (viablility) એક ઋતુ પૂરતી જ હોય છે. તેને ઊંચી વાડોમાં, મંદિરો, શાળાઓ અને ઘરના કમ્પાઉડમાં ઉગાડવામાં આવે છે. Phomopsis ની એક જાતિ દ્વારા પશ્ચક્ષય(die back)નો રોગ લાગુ પડે છે. તેનું અવારનવાર કૃંતન કરી વિવિધ ઘાટ આપી શકાય છે.
તેનું કાષ્ઠ પીળું કે સફેદ (closer), સંકુલિત અને સમ(even) કણિકાયુક્ત, મૃદુ, લચીલું અને હલકું (587 કિગ્રા.થી 641 કિગ્રા./ઘનમી.) છે. તે પેટીઓ, પીપ, ગાડાની ધૂંસરી, પેન્સિલ, દીવાસળીઓ અને ખોખાં બનાવવામાં ઉપયોગી છે.
અછતમાં તેનું ફળ ખાદ્ય ગણાય છે. તેનાં સુંદર અને કેટલેક અંશે સુગંધિત પર્ણોનાં તોરણ બનાવી શોભા માટે ઉપયોગમાં લેવાય છે. છાલ જ્વરઘ્ન (febrifuge) છે અને અશોક(Saraca indica)ની છાલની અવેજીમાં કે અપમિશ્રક (adulterant) તરીકે તેનો ઉપયોગ થાય છે. તેની છાલનો જલીય નિષ્કર્ષ પ્રાયોગિક પ્રાણીઓનાં અલગ કરેલાં આંતરડાં અને ગર્ભાશયને ઉત્તેજિત કરે છે. તે હૃદયની ક્રિયાને અવરોધે છે; રુધિરનું દબાણ ઘટાડે છે અને શ્વસનની પ્રક્રિયાને ઉત્તેજે છે.
આયુર્વેદ અનુસાર અશોક અને આસોપાલવના ગુણો તદ્દન જુદા છે.
મ. ઝ. શાહ
મ. દી. વસાવડા
શોભન વસાણી