આસિફ, કે. (જ. 14 જૂન 1924 ઇટાવાહ, યુનાઇટેડ પ્રોવિન્સ; અ. 9 માર્ચ 1971 મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક. આખું નામ કરીમુદ્દીન આસિફ. ઐતિહાસિક ચલચિત્રોનાં નિર્માણ અને દિગ્દર્શનમાં તેઓ માહેર હતા. તેમનું પ્રથમ ચલચિત્ર ‘ફૂલ’ (1944), તેમાં તે જમાનાનાં વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઓ(પૃથ્વીરાજ કપુર, દુર્ગા ખોટે, વીણા અને સુરૈયા)ને તેમણે ભેગાં કર્યાં હતાં. ત્યારબાદ તેમણે તેમની કીર્તિદા (magnum opus) ગણાતી ચલચિત્રકૃતિ ‘મુઘલે આઝમ’ના સર્જનની શરૂઆત કરી, જે રાજકુમાર સલીમ અને નર્તકી અનારકલીની પ્રણયકથા પર આધારિત હતી. તેમાં પણ તે જમાનાનાં શ્રેષ્ઠ ગણાતાં અભિનયકારો(નરગિસ, ચંદ્રમોહન અને સપ્રુ)ને સામેલ કરવામાં આવ્યાં હતાં; પરંતુ તેનું નિર્માણકાર્ય અધવચ્ચે પહોંચ્યું ત્યારે જ ચલચિત્રના ફાઇનાન્સર ભારત છોડી પાકિસ્તાન જતા રહ્યા. આમ છતાં આસિફે 1960માં હેમખેમ તેનું નિર્માણ પૂરું કર્યું હતું. દરમિયાન તેમણે તેમની બીજી કૃતિ ‘શીશમહલ’નું નિર્માણ કર્યું. આ ચલચિત્ર પણ તેની ભવ્યતા માટે વખણાયું. તેમાંના યુદ્ધના એક દૃશ્ય માટે તેમણે 4,000 ઘોડા અને 8,000 સૈનિકોના રસાલાનો ઉપયોગ કર્યો હતો. આ ચલચિત્રમાં પણ મધુબાલા જેવી પ્રથમ કક્ષાની અભિનેત્રી નાયિકાના પાત્ર માટે પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે બે અન્ય ચલચિત્રો ‘લવ ઍન્ડ ગૉડ’ અને ‘સસ્તા ખૂન, મેંહગા પાની’ના નિર્માણનું કાર્ય શરૂ કર્યું, પરંતુ તે પૂરાં થાય તે પહેલાં જ તેમનું અવસાન થયું.

ચલચિત્ર-દિગ્દર્શનના કાર્યમાં વ્યસ્ત કે. આસિફ
ચલચિત્ર-દિગ્દર્શનના કાર્યમાં વ્યસ્ત કે. આસિફ
ભારતીય ચલચિત્રના ઇતિહાસમાં આસિફનું નામ તેમની કૃતિઓની ભવ્યતા, હૃદયસ્પર્શી સંવાદો અને યુદ્ધનાં પ્રચંડ દૃશ્યો માટે યાદગાર બની રહેશે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે