આસામેર લોકસંસ્કૃતિ (1961) : જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા બિરંચિકુમાર બરુઆની 1964નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી અસમિયા કૃતિ. તેમાં લેખકે અસમિયા લોકસંસ્કૃતિનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એમાં એના પ્રથમ પ્રકરણમાં લોકોની માન્યતાઓ, પશુપક્ષી, વૃક્ષો, કૃષિ, લોકોના ઉત્સવો અને વિભિન્ન સંસ્કારોનું વિહંગાવલોકન છે. બીજા પ્રકરણમાં એમણે જે ભૌગોલિક તત્વોને લીધે લોકોએ પોતાના વસવાટ માટે નદીકિનારા પસંદ કર્યા, ઘર બાંધવા માટે વાંસનો ઉપયોગ કર્યો, ખોરાકમાં માછલીને મહત્વ આપ્યું અને નાગપૂજા શરૂ કરી, એ બધાંનું વિસ્તારથી વિવરણ કર્યું છે. ત્રીજા પ્રકરણમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનો પરિચય આપ્યો છે. લોકસાહિત્યની લાક્ષણિકતા સાહિત્યિક કરતાં સામાજિક વિશેષ છે એમ દર્શાવીને લોકોની વિવિધ સામાજિક ને ધાર્મિક માન્યતાઓ વિશે વિસ્તારથી લખ્યું છે. ગાળોના અને સોગંદ ખાવાના વિવિધ પ્રકારોની પણ માહિતી આપી છે અને તેનો સંબંધ વિવિધ સામાજિક વર્ગો અને વ્યવસાયો સાથે જોડ્યો છે. એક પ્રકરણમાં આદિવાસીઓના એક ગામમાં સાર્વજનિક પ્રાર્થનાઘરની વાત કરી છે, જ્યાં ખાસ પ્રસંગોએ બધાં ભેગાં મળીને પ્રાર્થના કરતાં. આદિવાસીઓની વેશભૂષા અને અલંકારો વિશે પણ વિસ્તારથી લખ્યું છે. બે પ્રકરણો ઉત્સવો અને ધાર્મિક નૃત્યો વિશે છે. અમુક હિંદુ ઉત્સવો છે ને અમુક સ્થાનિક છે. બે પ્રકરણો વાદ્યો (સંગીત) વિશે છે. એમાં કુટિરશિલ્પની વાત આવે છે. એમાં ભરતકામ, ગૂંથણકામ, મઠોનું સ્થાપત્ય વગેરેનો ઉલ્લેખ કર્યો છે અને એક આખું પ્રકરણ ગ્રામીણ લોકોના દૈનિક જીવન વિશે છે. છેલ્લા પ્રકરણમાં લગભગ એક સો જેટલાં રેખાચિત્રો અને છબીઓ આપ્યાં છે. એમાં મૃત્તિકાશિલ્પ, વાંસની ભિન્ન ભિન્ન બનાવટો, કાષ્ઠશિલ્પ, હથિયારો, અલંકારો, વેશભૂષા, કપડાંની ભાતો, ગૃહનિર્માણ, ગ્રામજીવનનાં દૃશ્યો, વન્ય-જીવન વગેરેનો સમાવેશ થયો છે.
પ્રીતિ બરુઆ