આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa Lam. (સં. અશ્મન્તક, શ્વેતકંચન; બં. બનરાજ; હિં. ઝિંજેરી, કચનાલ; મલ. કોટાપુલી; મ. આપ્ટા) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ છે. તે નાનું, વાંકુંચૂકું ઝાંખરા જેવું વૃક્ષ છે. તેની શાખાઓ નમિત (drooping) હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે. પશ્ચિમ હિમાલયમાં તે 1,650 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનું પ્રકાંડ ઊભી તિરાડો ધરાવે છે. છાલ વાદળી-કાળી, ખરબચડી, અંદરની તરફ ગુલાબી-લાલ અને ખુલ્લી થતાં બદામી રંગમાં ફેરવાય છે. પર્ણો સાદાં, તેમની લંબાઈ કરતાં પહોળાઈ વધારે, લીલાં, ચર્મિલ, દ્વિખંડી, થોડાંક હૃદયાકાર અને નીચેના ભાગે ભૂખરા રોમ વડે આવરિત હોય છે. પુષ્પો પીળાં હોય છે અને પીળાશ પડતા સફેદ પર્ણદંડની સામે કે પ્રકાંડના અગ્ર ભાગે ટૂંકા દંડ ઉપર કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુંકેસરો, 10; અને બધાં જ ફળદ્રુપ હોય છે. તેના તંતુઓ રોમિલ હોય છે. ફળ શિંબી, સદંડી, 12થી 20 બીજવાળું, અરોમિલ, દાતરડા આકારનું અને ફૂલેલું હોય છે. બીજ ઘેરાં રાતાં-બદામી હોય છે.

Jhinjheri (Bauhinia racemosa) trunk in Hyderabad, AP W IMG 7058

આશોતરો, થડ અને છાલ

સૌ. "Jhinjheri (Bauhinia racemosa) trunk in Hyderabad, AP W IMG 7058" | CC BY-SA 3.0

જંગલમાં વૃક્ષારોપણ દરમિયાન ખાલી પડતી જગાઓમાં તેને ઉગાડવામાં આવે છે. તે ભૂક્ષરણ (soil erosion) અટકાવે છે. તેને હિમની થોડીક અસર થતી હોવા છતાં તે મૂળ સ્થિતિ ઝડપથી પુન:પ્રાપ્ત (recover) કરી શકે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તે મૂલીય અંત:ભૂસ્તારી (root sucker) ઉત્પન્ન કરે છે અને ઝડપથી ઝાડીઓના વન(coppice)નું નિર્માણ કરે છે. તે પ્રકાશાપેક્ષી (light demander) છે. બીજ ઊંચી અંકુરણક્ષમતા ધરાવે છે અને એક વર્ષ સુધી જીવંત રહે છે.

આ વનસ્પતિનાં પર્ણો ઉપર વાંદો (Dendrophthoe falcata) અને Xanthomonas bauhinae પરોપજીવન ગુજારે છે, જેથી બીડી બનાવવા માટેનું તેનું વ્યાપારિક મૂલ્ય ઘટે છે.

Bauhinia racemosa (6214015850)

આશોતરો, પર્ણો

સૌ. "Bauhinia racemosa (6214015850)" | CC BY-SA 2.0

છાલ દ્વારા દોરડાનો મજબૂત રેસો પ્રાપ્ત થાય છે. તે અતિસંકોચક (astringent) છે અને મરડામાં વપરાય છે. તે પિત્તસ્રાવપ્રેરક (cholagogue) અને પ્રતિશોથજ (antiinflammatory) સક્રિયતા દર્શાવે છે. છાલમાંથી ઑક્ટેકોસન, β-ઍમાયરિન અને β-સિટોસ્ટૅરોલનું અલગીકરણ કરવામાં આવ્યું છે. અતિસાર-(diarrhoea)માં તેનાં પર્ણો ડુંગળી સાથે આપવામાં આવે છે. પર્ણો કૃમિઘ્ન (anthelmintic) ગણાય છે. તેનો ક્વાથ મલેરિયામાં આપવામાં આવે છે. પર્ણોનો ઉપયોગ ચારા તરીકે અને બીડી બનાવવામાં થાય છે. તેનાં બીજમાં પાણી 12.5 %; પ્રોટીન 10.0 %, પેન્ટોસન 7.2 % અને જલદ્રાવ્ય શ્લેષ્મ 4.0 % જેટલું હોય છે. પેટ્રૉલિયમ ઈથરમાં બીજનું નિષ્કર્ષણ કરતાં સ્થાયી તેલ ઉત્પન્ન થાય છે. બીજનો નિષ્કર્ષ Pseudomonas aeruginosa નામના બૅક્ટેરિયમનું સમૂહન (agglutination) કરે છે. આ વનસ્પતિ દ્વારા ઔષધીય ગુંદર ઉત્પન્ન થાય છે.

કાષ્ઠ બદામી રંગનું હોય છે અને ઘેરાં ધાબાં ધરાવે છે. તે વજનમાં ભારે (736 કિગ્રા./મી.3) અને મજબૂત હોય છે અને હળ તથા ધૂંસરી બનાવવામાં ઉપયોગી છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

દશેરાના દિવસોમાં હિંદુઓ તેને પવિત્ર વૃક્ષ ગણી પૂજે છે.

આયુર્વેદ અનુસાર, તે તૂરું, ખાટું, શીતળ અને ગ્રાહક છે અને વાત, પિત્ત, કફ, મેહ, દાહ, તૃષા, ઊલટી, ગંડમાળ, વ્રણ, વિષમજ્વર, કંઠરોગ, રક્તવિકાર, ગલગંડ અને અતિસારનો નાશ કરે છે. તેની શિંગો તૂરી, શીતળ, ગ્રાહક, સ્વાદુ, રુક્ષ, ગુરુ, દોષદ્રાવક, મલરોધક, આધ્માનકર્તા અને કફ તથા વાયુનો નાશ કરે છે. તે વાતગુલ્મ અને શૂળ, પરમિયો કષ્ટ-પ્રસૂતિ, શોફોદર, તાવમાં માથાનો દુખાવો, ગર્ભસ્રાવ અને સોજા ઉપર ઉપયોગી છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ