આવેગ નિયમન વિકારો (impulse-control disorders) : પોતાના આવેગો પર કાબૂના અભાવરૂપ વિકારો. આવી વ્યક્તિ સ્પષ્ટ, તાર્કિક હેતુઓ વિના પોતાને તથા બીજાઓના હિતને નુકસાન થાય એવાં કૃત્યો કરે છે. સામાન્ય રીતે, ટેવવશ કરાતાં દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો અને જાતીય વર્તનનો આ વિકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી. આવેગ નિયમનના વિકારોનું નિદાન મુશ્કેલ છે. એમાં નીચેનાંનો સમાવેશ થાય છે :

(1) મનોવિકારી જુગાર (pathological gambling) : વારંવાર જુગાર રમવાની પ્રવૃત્તિ દર્દીના જીવન પર છવાઈ જાય છે અને તેથી તેનું સામાજિક, વ્યાવસાયિક, આર્થિક ને નૈતિક પતન થાય છે. જુગાર રમવાની અદમ્ય ઇચ્છાને કારણે વ્યક્તિ સતત જુગાર અને તેની આસપાસના વાતાવરણના વિચારમાં જ મગ્ન રહે છે. જુગારની પ્રવૃત્તિને લીધે વ્યક્તિ પૈસા ગુમાવે છે, દેવાદાર થઈ જાય છે; પૈસા મેળવવા જૂઠું બોલે છે કે કાયદાનો ભંગ કરે છે, દેવાં ભરપાઈ કરતો નથી; તેને દીવાની ગુનાસર કેદની સજા પણ થઈ શકે છે. સ્વવ્યવસાય પ્રત્યે દુર્લક્ષ સેવે છે, મોટા ભાગનો સમય જુગાર પાછળ વ્યતીત થતાં તે કામ ઉપર ગેરહાજર રહે છે તેથી વ્યવસાયમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.

આ વિકાર ધરાવતી વ્યક્તિઓ ઉત્સાહી હોઈ વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવે છે; છૂટે હાથે ખર્ચ કરે છે, બીજી તરફ તનાવ, ખિન્નતા (depression) અને ઉદ્વેગ પણ અનુભવે છે. તે પૈસાને જીવનની તમામ તકલીફોનું મૂળ અને એકમાત્ર ઉકેલ ગણે છે. કિશોરાવસ્થામાં શરૂ થતી આ ટેવનો ભોગ બનતી વ્યક્તિ પરિવારથી દૂર થઈ જાય છે. હાર્યો જુગારી બમણું રમે, એવા હાલ થતાં પાયમાલ થઈ જાય છે અને આર્થિક સંકડામણ વખતે વ્યક્તિ આપઘાત પણ કરી નાખે એવી વિષમ સ્થિતિ સર્જાય છે.

આ પ્રકારના વિકારની પશ્ચાદભૂમિકામાં ઘરનું વાતાવરણ મુખ્યત્વે કારણરૂપ હોય છે. ઘરમાં શિસ્તનો અભાવ હોય કે વધારે પડતી સખ્તાઈ હોય; નાનપણમાં વ્યક્તિએ માતા કે પિતા ગુમાવ્યાં હોય; અને જુગારપ્રવૃત્તિનું પ્રલોભન જગાડે તેવી સોબત થઈ હોય; વળી ઘરમાં આર્થિક બાબતો પરત્વે બેદરકારી કે અવ્યવસ્થા પ્રવર્તતી હોય વગેરે કારણોને લીધે વ્યક્તિ આ વિકારનો ભોગ બનવાનો સંભવ છે.

(2) દહનોત્તેજના (pyromania) : દેખીતા હેતુ વિના આ વિકારવાળી વ્યક્તિમાં ઘણી વાર મિલકત કે બીજી ચીજવસ્તુઓને વારંવાર આગ લગાડવાની ઉત્તેજના જાગે છે. આગ લગાડવા પૂર્વે વ્યક્તિમાં ઉત્તેજના (excitement) જન્મે છે, જે આગ લગાડ્યા પછી અતિતીવ્ર બને છે. આગ લાગેલી જોવામાં એ રોમાંચ અનુભવે છે. આગ અને આગ સાથે સંકળાયેલી ચીજો દા.ત., આગથી ચાલતાં એન્જિન, આગ હોલવવાનાં સાધન, અગ્નિશામક બ્રિગેડ વગેરેમાં તેને ખૂબ જ રસ પડે છે.

(3) ચૌર્યોત્તેજના (kleptomania) : દર્દી વ્યક્તિગત જરૂરિયાત કે આર્થિક કારણોસર નહિ, પરંતુ ચોરી કરવાના આવેગને રોકી ન શકવાને કારણે (આવી વ્યક્તિ) વારંવાર ચોરી કરે છે. તેની પાસે ચોરવા ઇચ્છેલી ચીજ ખરીદવા જેટલા પૈસા હોય, પણ ચોરી કર્યા વિના તે રહી શકે નહિ એવો વિકાર હોય છે. ચોરી પૂર્વેના ગાળામાં ઉત્તેજના જન્મે છે, જે ચોરીના કૃત્ય પછીના તરતના ગાળામાં વધારે તીવ્ર બને છે. ચોરેલી વસ્તુ ઉપયોગમાં લેવાને બદલે કોઈને આપી દેવામાં આવે, નાખી દેવામાં આવે, સંતાડી દેવામાં આવે કે ગુપ્ત રીતે માલિકને પાછી મોકલવામાં આવે એવું પણ બને. ચોરી કોઈ સાથી કે ભાગીદાર વિના કરવામાં આવે છે. પૂર્વયોજના વિના, પરંતુ બહુ સહેલાઈથી પકડાઈ ન જવાય તે રીતે ચોરી કરવાનું વલણ હોય છે. ચોરીના બનાવો વચ્ચેના ગાળામાં વ્યક્તિ ઉદ્વેગ, ખિન્નતા કે ગુનાની લાગણી અનુભવે છે, પરંતુ તેથી ચોરીનું પુનરાવર્તન અટકતું નથી.

(4) સમયાંતરિત હિંસક વર્તનવિકાર (intermittent explosive disorder) : દર્દી આવેગો પર કાબૂ ન રાખી શકવાને કારણે દેખીતા કારણ વગર કે ઉશ્કેરણી વગર તે અજાણ્યા લોકો ઉપર પણ ગંભીર હુમલાઓ કરે છે કે માલમિલકતનો નાશ કરે છે. આવું હિંસક વર્તન તનાવજનક પરિસ્થિતિના પ્રમાણમાં વધારે પડતું હોય છે. મિનિટો કે કલાકો સુધી ચાલતા આ ‘હુમલા’ જેટલા ઓચિંતા આવે છે તેટલા જ ઝડપથી શમી પણ જાય છે. હિંસાના બનાવ પછી પોતાના વર્તનથી થયેલ નુકસાન અંગે વ્યક્તિ પસ્તાવાની લાગણી વ્યક્ત કરે છે. આવા હિંસક વિસ્ફોટો વચ્ચેના ગાળામાં હિંસા કે આવેગશીલતાનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. વિવિધ મનશ્ચિકિત્સી ઉપચારો ઇલાજ માટે પ્રયોજી શકાય. હિંસક વર્તનવિકાર માટે લિથિયમ અને કાર્બામેઝેપિન ઔષધ તરીકે વપરાય છે.

શિલીન નં. શુક્લ

જી. કે. વણકર