આવશ્યક ખનિજો (essential minerals) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. ખડકોનાં વર્ગીકરણ, પ્રકાર તેમજ નામાભિધાન માટે ખૂબ જ જરૂરી ખનિજઘટકો. આવશ્યક ખનિજ એ ખડકમાંનું મુખ્ય ખનિજ જ હોવું જોઈએ તેમજ વધુ પ્રમાણમાં જ હોવું જોઈએ એ જરૂરી નથી, કારણ કે ગૌણ પ્રમાણ ધરાવતાં હોય એવાં કેટલાંક ખનિજો જેવાં કે નેફેલિન, ઓલિવિન કે ક્વાર્ટ્ઝની હાજરી, ગેરહાજરી કે ઓછાવત્તાપણું, ખડકનું વર્ગીકરણમાં સ્થાન તેમજ તેના પ્રકાર માટે અત્યંત સૂચક બની રહે છે. દા.ત., સાયનાઇટમાં નેફેલિન કે ક્વાર્ટ્ઝની થોડી પણ હાજરી તેને અનુક્રમે અસંતૃપ્ત કે અતિસંતૃપ્ત પ્રકારમાં મૂકી દેવા પર્યાપ્ત થઈ પડે છે. એ જ રીતે ખડકનો પિક્રાઇટ કહેવો કે પેરિડોટાઇટ કહેવો તે માટે તેમાંના પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની હાજરી કે ગેરહાજરી નિર્ણાયક બની રહે છે. આ ખનિજોને નિર્દેશક ખનિજો તરીકે પણ ઘટાવી શકાય.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા