આવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિઑઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia auriculata, Linn. (સં. અર્બૂર, શરત્પુષ્પ, આવર્તકી; હિં. તરવલ, ખખસા, રગ; મ. તરવડ; ક. હોન્નવરી, હોન્નરિકે; ત. નાંધેડૂ; તા. અવારાઈ; અં. ટેનર્સ કેશિયા) છે. ગુજરાતમાં Cassia પ્રજાતિની વીસ જેટલી જુદી જુદી જાતિઓ જોવા મળે છે. તેમાં ગરમાળો, કાસુંદરો, કુંવાડિયો, કસદ, ચીમેડ અને સોનામુખી અગત્યની જાતિઓ છે.
તે ઝડપી વૃદ્ધિ સાધતી, બહુશાખિત, 1.2 મી.થી 3.0 મી. ઊંચી (કેટલીક વાર 6.0 મી. સુધી ઊંચી વધતી), સદાહરિત અને ક્ષુપ (shrub) સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે. તે દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતના રાજસ્થાન સુધીના શુષ્ક પ્રદેશોમાં થાય છે. ગુજરાતમાં કચ્છ, દ્વારકા અને ઓખા પાસે પુષ્કળ પ્રમાણમાં મળે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તેનું વાવેતર કરવામાં આવે છે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે અને વાડ તરીકે ઉગાડવામાં આવે છે. તેની છાલ રતાશ પડતી બદામી અને લીસી હોય છે. યુગ્મ એક પિચ્છાકાર (paripinnate) સંયુક્ત પર્ણો 8થી 12 જોડ પર્ણિકાઓ ધરાવે છે અને 7.0 સેમી.થી 10 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ થોડીક સુરભિત (aromatic), લંબચોરસ-પ્રતિઅંડાકાર (oblong-obovate), કુંઠાગ્ર (obtuse) અથવા નતાગ્ર (emarginate), 1.5-2.5 સેમી. લાંબી અને 0.9-1.2 સેમી. પહોળી હોય છે. પ્રત્યેક પર્ણિકા-યુગ્મની મધ્યમાં એક ઊભી ગ્રંથિના સ્રાવને લીધે વિશિષ્ટ સુગંધ આવે છે. ઉપપર્ણો કર્ણાકાર (auriculate) અથવા ગોલ-વૃક્કાકાર (rotundo-reniform) અને પર્ણાભ (foliaceous) હોય છે. પુષ્પો મોટાં, પીળાં, સુંદર, નિપત્રી (bracteate) અને સંયુક્ત, અગ્રસ્થ, સમશિખમંજરીય (corymbose) કલગી(raceme)સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્રપત્રો, 5, સદંડી અને દલપત્રો 5 અને નારંગી રંગની શિરાઓવાળાં હોય છે. પુંકેસરો 10, સૌથી નાનાં ત્રણ વંધ્ય, ચાર મધ્યમ કદનાં અને ત્રણ સૌથી મોટાં હોય છે. ફળ શિંબી (legume), આછા બદામી રંગનું, લંબચોરસ (oblong), 5-15 સેમી. લાંબું અને 1.2-1.8 સેમી. પહોળું, ચપટું, કાગળ જેવું, વચમાં ખાડાવાળું અને લચીલું (flexible) હોય છે. બીજ સંકોચિત (compressed) અને નીચેની તરફ જતાં શુંડાકાર (tapering) હોય છે.
તે શુષ્ક પથરાળ ટેકરીઓ ઉપર ખુલ્લી જગાઓમાં અપતૃણ તરીકે, રસ્તાની બંને બાજુએ, ઊસર ભૂમિ (waste land) અને રેલવેના પાળા ઉપર અને કાંટાળાં જંગલોમાં થાય છે. તે લાલ, કાંકરેટ (gravel), સારા જલનિકાસવાળી અને પુષ્કળ પ્રમાણમાં ચૂનાના ક્ષારો ધરાવતી ભૂમિમાં થાય છે. તે કાળીકપાસ (black cotton) કે દરિયાકિનારે કંકરિત (laterite) ભૂમિમાં પણ થાય છે. તે તીવ્ર પ્રકાશાપેક્ષી (light-demander), છાયા-અસહિષ્ણુ (shade-intolerant) અને હિમ-સંવેદી (frost-sensitive) છે. તેને ઢોર અને બકરીઓ ચરતી નથી. તે ઝાડી-વન(coppice)માં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે રેતીની બંધક છે અને તેની વનીકરણમાં અને આશ્રય પટ્ટી (shelter belt) બનાવવા માટે ભલામણ કરવામાં આવે છે.
કુદરતી રીતે તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તેની છાલ માટે ભારતના વિવિધ પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે. વાવતાં પહેલાં ભૂમિની ખેડ લાભદાયી છે. રોપણી કરવા કરતાં સીધેસીધું વાવેતર સારું પરિણામ આપે છે. 0.9 મી.થી 1.2 મી.ના અંતરે તેને વાવતાં અનુકૂલ ગીચતા (density) પ્રાપ્ત કરી શકાય છે. જ્યાં જરૂરી હોય ત્યાં તરુણ છોડનું કર્તન કરવામાં આવે છે. સિંચાઈની જરૂરિયાત હોતી નથી, પરંતુ શુષ્ક ઋતુ દરમિયાન મહિને એક વાર પાણી આપવામાં આવે છે.
શક્તિશાળી છોડનો વૃદ્ધિનો દર એક માસમાં 40 સેમી.થી 53 સેમી. જેટલો અને સમગ્ર ઋતુ દરમિયાન 1.4 મી.થી 2.0 મી. જેટલો હોય છે અને 5 વર્ષમાં 4.4 મી.ની ઊંચાઈ અને 19.0 સેમી. જેટલો ઘેરાવો પ્રાપ્ત કરે છે.
વૃદ્ધિનો દર અને સ્થાનિક પરિબળો ઉપર આધાર રાખીને લણણી માટે છોડ 2થી 3 વર્ષમાં તૈયાર થાય છે. ઑક્ટોબરથી જૂન સુધી સામાન્ય રીતે છાલને એકત્રિત કરવામાં આવે છે. યોગ્ય ચિકિત્સા આપેલી છાલ આછી બદામી હોય છે કે તજ જેવો રંગ ધરાવે છે. છાલમાં રહેલા ટેનિનને કારણે આ છોડનું મૂલ્ય છે. તે વ્યાપારિક રીતે ‘આવરામ’ કે ‘ટેંગીડુ’ છાલ તરીકે જાણીતી છે અને ભારતમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી છાલ પૈકીની એક છે. તે મુખ્ય સ્થાનિક છાલ છે અને દક્ષિણ ભારતીય ચર્મસંસ્કરણી(tannery)માં વપરાય છે.
ઉંમર વધતાં છાલમાં ટેનિનનું પ્રમાણ વધે છે, છતાં ત્રણ વર્ષ પછી વધારે વધારો થતો નથી. વ્યાપારિક છાલમાં લગભગ 18.0 % જેટલું ટેનિન હોય છે; જોકે 20 %થી 25 % જેટલું ટેનિન પણ છાલમાં હોય છે. છાલમાં કૅટેચોલ પ્રકારનું ટેનિન 20 % જેટલું હોય છે. ઉપરાંત તે ઓરિક્યુલેકેસિડિન, રુટિન, પૉલિફીનૉલ ઑક્સિડેઝ અને ઍસ્કોર્બિક ઍસિડ ઑક્સિડેઝ ધરાવે છે. છાલ ચર્મશોધન દરમિયાન ચામડાના રંગને જાળવે છે. તેનું ટેનિન ચામડામાં ઝડપથી પ્રસરે છે અને સ્થિતિસ્થાપક કણિકામય અને સારું તનન-સામર્થ્ય (tensile strength) ધરાવે છે. આવરામ છાલમાં કમાવાયેલું ચામડું સૂર્યપ્રકાશમાં અણગમતો લાલ ઈંટ જેવો રંગ ઉત્પન્ન કરે છે. તેને ટાળવા માટે હરડે(Terminalia chebula, Retz.)ના નિષ્કર્ષમાં પલાળવામાં આવે છે. છાલ રંગકામમાં પણ ઉપયોગી છે. ટેનિનને કારણે તેનું દાતણ અવાળુને સંકોચી દાંત મજબૂત કરે છે.
આયુર્વેદ અનુસાર, તે કડવી, શીતળ અને આંખોને હિતકારક ગણાય છે. તે પિત્ત, દાહ, મુખરોગ, કોઢ, કૃમિ, અતિસાર, સોજો, શૂળ, વ્રણ અને તાવનો નાશ કરે છે. તે ગર્ભિણીની ઊલટી, ઢીંચણની મોચ, ઘૂંટણનો સોજો, ઉપદંશ, ગાંઠ, મૂઢમાર, આંખોમાં ફૂલ કે છારી, મૂત્રાઘાત અને પ્રમેહમાં ઉપયોગી છે. પર્ણો કૃમિઘ્ન (anthelmintic) છે અને ચાંદાં, ત્વચાના રોગો અને કુષ્ઠ (leprosy) રોગમાં સારાં પરિણામ આપે છે. તેનો સોનામુખીનાં પર્ણો સાથે અપમિશ્રણ કરવામાં પણ ઉપયોગ થાય છે.
અન્નવાહિની-તંતુઓમાંથી દોરડાં બનાવાય છે. અછતના સમયમાં તેનાં પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ‘માતારા’ અથવા ‘સિલોન ચા’ તરીકે જાણીતી ચા એનાં સુગંધિત પર્ણોમાંથી બનાવવામાં આવે છે. શુષ્ક દલપત્રો શીતક (refringent) ગણાય છે.
પર્ણોમાં ત્રણ કીટો-આલ્કોહૉલ ઉપરાંત, ઇમોડિન, β-સિટોસ્ટેરૉલ અને રુટિન હોય છે. પર્ણોમાં નાઇટ્રોજન અને પોટૅશિયમનું પ્રમાણ વધારે હોવાથી તેનો ઉપયોગ લીલા ખાતર તરીકે ડાંગરનાં ખેતરોમાં થાય છે. એલ્કલીય ભૂમિ અને ભૂમિ ઉદ્ધાર (reclamation of soil) માટે પર્ણોનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેના કાષ્ઠનો બળતણ તરીકે ઉપયોગ થાય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
શોભન વસાણી
મ. દી. વસાવડા