આવરણ-ખડક (Cap-rock) : ખડક કે ખનિજ દ્રવ્યથી બનેલું એક પ્રકારનું આચ્છાદન અથવા આવરણ. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે :
(1) જે અર્થમાં શબ્દપ્રયોગ થાય છે તે દુનિયાના જુદા જુદા ભાગોમાં મળી આવતા મીઠાના ઘુંમટો(salt domes)ના લાક્ષણિક આકારોની ઉપરની સપાટી પર ચિરોડી કે ઍનહાઇડ્રાઇટ કે ચૂનાખડક કે ક્વચિત્ ગંધકના બનેલા આવરણ માટે સૂચિત છે. મધ્ય ઍટલાન્ટિકની પશ્ચિમે, મૅક્સિકો અખાતને કિનારે, જર્મનીમાં તેમજ અન્ય દેશોમાં જ્યાં જ્યાં મીઠાની ઘુંમટ આકારની રચનાઓ મળી આવે છે તેની ઉપર આ પ્રકારનાં આચ્છાદન રહેલાં હોય છે, જેની જાડાઈ સરેરાશ 150થી 200 મીટરની તો ક્યારેક 300 મીટર સુધીની પણ હોઈ શકે છે.
(2) તેલધારક કે વાયુધારક ખડકની તરત જ ઉપર રહેલ અપારગમ્ય સ્તર-આચ્છાદન.
(3) જળસંચિત છિદ્રાળુ સ્તરની ઉપર-નીચે બંને બાજુએ અપારગમ્ય આવરણ-ખડકો હોવાથી પાતાળકૂવા માટે જરૂરી જળ સચવાઈ રહે છે, જેથી પાતાળકૂવાઓમાંથી હંમેશાં પાણી મળતું રહે છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
રાજેશ ધીરજલાલ શાહ