આવરણતંત્ર (વનસ્પતિશાસ્ત્ર)
(Epidermal Tissue System)
વનસ્પતિનાં તમામ અંગોની સૌથી બહારની બાજુએ આવેલી ત્વચા કે અધિસ્તર (epidermis) દ્વારા બનતું તંત્ર. અધિસ્તર વનસ્પતિના ભૂમિગત મૂળથી શરૂ થઈ પ્રકાંડ, પર્ણ, પુષ્પના વિવિધ અવયવો, ફળ અને બીજની ફરતે આવેલું હોય છે. આ સ્તર વનસ્પતિ અને બાહ્ય પર્યાવરણ વચ્ચેનું સંપર્ક-સ્થાન છે અને રચનામાં ઘણું વૈવિધ્ય દર્શાવે છે. તે પ્રાથમિકપણે રક્ષણાત્મક પેશી છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વધારે પડતા વ્યય અને યાંત્રિક ઈજા સામે અંત:સ્થ પેશીઓનું રક્ષણ કરે છે. તેનાં ગૌણ કાર્યોમાં શ્લેષ્મ અને પાણીનો સંગ્રહ, સ્રાવ અને ક્વચિત્ પ્રકાશસંશ્લેષણનો સમાવેશ થાય છે. રંધ્ર (stomata) અને હવાછિદ્ર (lenticel) સિવાય તે સળંગ સાતત્યયુક્ત (continuous) હોય છે અને સામાન્યત: એકસ્તરીય હોય છે. તેની ઉત્પત્તિ વર્ધનશીલ (meristematic) પ્રદેશમાં આવેલા આદ્ય અધિસ્તર(protoderm)માંથી થાય છે.
આદ્ય અધિસ્તરના કોષોના પ્રતિકાપ (anticlinal) પ્રકારનાં વિભાજનોથી એકસ્તરીય અધિસ્તરનું નિર્માણ થાય છે. ઑર્કિડનાં ભેજશોષક મૂળ : વડ, કરેણ અને તીવારનાં પર્ણોમાં બહુસ્તરીય (multilayred) અધિસ્તર હોય છે. બહુસ્તરીય અધિસ્તરનું નિર્માણ આદ્ય અધિસ્તરના કોષોના પરિકાપ (periclinal) પ્રકારનાં વિભાજનોથી થાય છે. જોકે વ્યક્તિવિકાસ(ontogeny)ની દૃષ્ટિએ બહુસ્તરીય અધિસ્તરના અંદરના સ્તરોની ઉત્પત્તિ વિશે શંકા રહે છે. તેઓ બાહ્યક(cortex)ના બહારના સ્તરો પણ હોઈ શકે છે અને રચના અને કાર્યની દૃષ્ટિએ અધિસ્તર સાથે સામ્ય દર્શાવે છે.
અધિસ્તરીય કોષો જીવંત હોય છે અને મોટી મધ્યસ્થ કોષરસધાનીની ફરતે જીવરસનું પાતળું સ્તર ધરાવે છે. રંજકદ્રવ્યકણો (plastids) સામાન્યત: નાના અને રંગહીન હોય છે. વનસ્પતિનાં હવાઈ (aerial) અંગો ઉપર આવેલા રંધ્રના રક્ષક-કોષો(guard cells)માં માત્ર હરિતકણો આવેલા હોય છે. જોકે જલજ વનસ્પતિઓ અને છાયાવાળી ભેજયુક્ત પરિસ્થિતિમાં થતી વનસ્પતિઓના અધિસ્તરીય કોષોમાં હરિતકણો હોય છે. તેના કોષોમાં કેટલીક વાર શ્લેષ્મ (mucilage), ટૅનિન અને સ્ફટિકો જોવા મળે છે. રસધાનીઓના કોષ-દ્રવ(cellsap)માં ઍન્થોસાયનિન પણ હોઈ શકે છે. અધિસ્તરીય કોષો કોષવિભાજનની ક્ષમતા ધરાવે છે.
અધિસ્તરીય કોષો કદ, આકાર અને ગોઠવણી પરત્વે પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય ધરાવે છે; પરંતુ સામાન્યત: તે આકારમાં સપાટ (tabular) હોય છે અને ખીચોખીચ રીતે ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશો(intercellular spaces) વિનાના હોય છે. તેના પૃષ્ઠ-દૃશ્ય(surface view)માં તે વધતે ઓછે અંશે સમવ્યાસી (isodiametric) હોય છે. પર્ણો અને પુષ્પનાં દલપત્રોમાં તે અનિયમિત આકારના હોય છે અને દંત અને ઓષ્ઠ (flanges) ધરાવે છે; જેથી તે પરસ્પર વિશિષ્ટ રીતે અંતર્ગ્રથિત (interlocked) થયેલા હોય છે. એકદળી વનસ્પતિઓના પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરીય કોષો લંબ-અક્ષની દિશામાં લંબાયેલા હોય છે, જેથી તે ચરમ કિસ્સાઓમાં રેસા જેવો દેખાવ ધારણ કરે છે.
અધિસ્તરીય કોષોની કોષદીવાલો એકસરખી જાડી હોતી નથી. બાહ્ય અને અરીય દીવાલો અંદરની દીવાલો કરતાં વધારે જાડી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તે એટલી બધી જાડી હોય છે કે મધ્યસ્થ પોલાણ લગભગ વિલુપ્ત થઈ જાય છે. તેની બાહ્ય દીવાલમાં ક્યૂટિનીભવન (cutinisation) થાય છે અને મીણી (waxy) પદાર્થનું નિર્માણ થાય છે. બાહ્ય દીવાલ ઉપર બનતા ક્યૂટિનના આ આવરણને બાહ્યત્વચા (cuticle) કહે છે. તે યાંત્રિક ઈજાઓ અને પાણીના વ્યયની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેટલીક વાર બાહ્યત્વચા અરીય દીવાલોમાં ખીલાની જેમ લંબાયેલી હોય છે. મૂળના અધિસ્તર અને કેટલીક નિમજ્જિત (submerged) જલીય વનસ્પતિઓમાં બાહ્યત્વચા હોતી નથી. અધિસ્તરીય કોષોની બહારની દીવાલોની જાડાઈનો આધાર પર્યાવરણીય સ્થિતિ ઉપર રહેલો છે. જ્યાં પાણીનો પુરવઠો પૂરતો હોય તેવી સ્થિતિમાં થતી વનસ્પતિઓમાં તે પાતળી હોય છે અને શુષ્ક આબોહવામાં થતી વનસ્પતિઓની દીવાલ અત્યંત જાડી હોય છે. બાહ્યત્વચાની સપાટી લીસી અથવા કડક કે તિરાડવાળી હોય છે. બાહ્યત્વચાની નીચેના ક્યૂટિનીભવન પામેલા ભાગમાં ક્યૂટિન અને પૅક્ટિક દ્રવ્યના એકાંતરિક સ્તરો આવેલા હોય છે. બાહ્યત્વચા ઉપર દંડ કે કણિકા-સ્વરૂપે મીણી દ્રવ્યોનું સ્થાપન થાય છે. કેટલાંક ફળોની લાલિમા (bloom) કે ઘણા પ્રકાંડનું નીલાભ (glaucous) લક્ષણ આ નિક્ષેપ(deposit)ને આભારી છે. અધિસ્તરીય કોષમાં કાષ્ઠીભવન (lignification) ભાગ્યે જ થાય છે. પાઇનસનાં સોયાકાર પર્ણો અને સાયકસની પર્ણિકાના અધિસ્તરીય કોષો કાષ્ઠીભવન (lignified) પામેલા હોય છે. અશ્વપુચ્છ (Equisetum) અને ઘણાં તૃણોના અધિસ્તરીય કોષોમાં સિલિકાનું સ્થાપન થાય છે. શેરડીમાં લાંબા અધિસ્તરીય કોષોની સાથે નાના સિલિકા-કોષો અને ત્વક્ષીય (corky) કોષો સંકળાયેલા હોય છે. સિલિકા-કોષોમાં સિલિકોન ડાયૉક્સાઇડ અને ત્વક્ષીય કોષોમાં સ્યુબેરિનવાળી કોષદીવાલ હોય છે. માલ્વેસી અને રુટેસી જેવાં દ્વિદળીનાં કુળોની વનસ્પતિઓનાં બીજમાં અધિસ્તરીય કોષ કે તેના સમૂહોમાં શ્લેષ્મી ફેરફારો થાય છે. બ્રેસિકેસી કુળની કેટલીક જાતિઓમાં અધિસ્તરમાં પુટાકાર (sac-shaped) વિશિષ્ટ કોષો આવેલા હોય છે. આ કોષો ક્ષીરધર (laticiferous) કોષો સાથે સામ્ય ધરાવે છે, પરંતુ આ કોષોમાં ‘માયરોસિન’ નામનો ઉત્સેચક હોય છે, તેથી તેમને માયરોસિન-કોષો કહે છે. અર્ટિકેસી, મોરેસી, કુકરબિટેસી અને ઍૅકેન્થેસી જેવા કુળનાં પર્ણોમાં અધિસ્તરમાં કોષિકાશ્મ (cystolith) આવેલા હોય છે. તે કૅલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. કોષિકાશ્મ ધરાવતા કોષોને અશ્મ-કોષો (lithocytes) કહે છે. ફેબેસી કુળમાં આવેલી વટાણા (Pisum) અને મગ (Phaseolus) જેવી વનસ્પતિઓના બીજાવરણમાં અને લિલિયેસી કુળના લસણ(Allium sativum)નાં શલ્ક પર્ણોમાં આવેલો અધિસ્તર કઠકો(sclereids)નો બનેલો હોય છે. અધિસ્તરીય કોષની અરીય અને અંદરની દીવાલોમાં ગર્ત-ક્ષેત્રો (pit-fields) આવેલાં હોય છે. જીવરસતંતુઓ(plasmodesmata)ની હાજરી પણ આ કોષોમાં માલૂમ પડી છે.
દ્વિતીય વૃદ્ધિ ન થતી હોય તેવાં અંગોમાં અધિસ્તર હંમેશાં એકસ્તરીય રહે છે. કેટલીક એકદળી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ ન થતી હોવા છતાં બાહ્યવલ્ક(periderm)નું નિર્માણ થાય છે અને અધિસ્તર તૂટી જાય છે. જ્યાં સુધી ત્વક્ષાના કોષો ન બને ત્યાં સુધી દ્વિતીય વૃદ્ધિ કરતાં અંગોમાં અધિસ્તર સળંગ રહે છે. પર્ણો, પુષ્પો અને ફળોમાં તે ચિરસ્થાયી રહે છે. મૂળના શોષક-પ્રદેશમાં આવેલા અધિસ્તરને બાહ્યત્વચા હોતી નથી અને તેમનું મુખ્ય કાર્ય અભિશોષણનું હોવાથી તેના અધિસ્તરને મૂલાધિસ્તર (epiblema) કે રોમસ્તર (piliferous layer) કહે છે. મૂળ રોમોનો નાશ થતાં મૂળનો અધિસ્તર મૃત, કાષ્ઠીભૂત કે સ્યુબેરિનયુક્ત બને છે.
આર્દ્રતાગ્રાહી (hygroscopic) કે ચાલક (motor) કોષો : કેટલાંક કુળ બાદ કરતાં એકદળી વનસ્પતિઓનાં પર્ણોના અધિસ્તરમાં અમુક અમુક અંતરે આવેલા કોષસમૂહોના કોષો બાકીના અધિસ્તરીય કોષો કરતાં ઘણા મોટા, પુષ્કળ પ્રમાણમાં રસધાનીયુક્ત (vacuolate) અને પાતળી દીવાલવાળા હોય છે. આ કોષોને ચાલક કે આર્દ્રતાગ્રાહી કોષો કહે છે. આડા છેદમાં તેઓ પંખા જેવો પટ (pand) બનાવે છે; કેમ કે, મધ્યસ્થ કોષ સૌથી મોટો હોય છે. તે પર્ણોની બંને બાજુએ હોઈ શકે છે, પરંતુ સામાન્યત: ઉપરિઅધિસ્તરમાં શિરાઓને સમાંતરે ગોઠવાયેલા હોય છે. તેઓ કાં તો મોટો વિસ્તાર રોકે છે અથવા ખાંચમાં ગોઠવાયેલા હોય છે અને ક્લૉરોફિલરહિત હોય છે અને મુખ્યત્વે પાણી ધરાવે છે.
તેમનાં કાર્યો વિશે ત્રણ પ્રકારના મત પ્રવર્તે છે. પ્રથમ મત પ્રમાણે, વિકાસ પામતાં પર્ણોના ખૂલવા સાથે તે સંકળાયેલા હોય છે. વિકાસના નિશ્ચિત તબક્કે તેમનું એકાએક ઝડપથી વિસ્તરણ થતાં પર્ણો ખુલ્લાં થઈ પ્રસરે છે. બીજા મત પ્રમાણે, પરિપક્વ પર્ણોના આ કોષસમૂહો પાતળી દીવાલવાળા હોઈ સ્ફીતિ(turgor)માં ફેરફાર થતાં ઝડપથી પાણી ગુમાવે છે અને સંકોચાય છે. આ ક્રિયા ઊંચા તાપમાને અને શુષ્ક આબોહવામાં થતાં પર્ણ તેની એક સપાટીએથી બીજી સપાટી તરફ ભૂંગળીની જેમ વીંટળાય છે; જેથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયાનું નિયંત્રણ થાય છે. આ પ્રકારની સ્થિતિ Psamma, Ammophila, Poa pratensis, Agropyron અને Enpetrum નામનાં શુષ્કોદભિ તૃણોમાં જોવા મળે છે. ત્રીજા મત પ્રમાણે, આ કોષો પાણીના સંગ્રહ સાથે જ માત્ર સંકળાયેલા હોય છે.
રંધ્ર (stomata) : વનસ્પતિનાં હવાઈ અંગોના અધિસ્તરની સળંગતા સૂક્ષ્મ છિદ્રોની હાજરી દ્વારા તૂટે છે. આ છિદ્રોને રંધ્ર કહે છે. તેના દ્વારા બાહ્ય વાતાવરણ અને અંત:સ્થ પેશીઓ વચ્ચે વાતવિનિમય થાય છે. આ રંધ્ર બે વિશિષ્ટ અધિસ્તરીય કોષો દ્વારા ઘેરાયેલું હોય છે, જેમને રક્ષકકોષો (guard cells) કહે છે. કેટલીક વાર રંધ્રની આસપાસના કોષો રૂપાંતર પામે છે અને અન્ય અધિસ્તરીય કોષો કરતાં જુદા પડે છે. તેમને સહાયક કોષો (subsidiary કે accessory cells) કહે છે. પૃષ્ઠ-દૃશ્યમાં આ રક્ષકકોષો મૂત્રપિંડ આકારના હોય છે. આ કોષોમાં ઘટ્ટ કોષરસ, મોટું કોષકેન્દ્ર, હરિતકણો અને મંડકણો (starch grains) જોવા મળે છે. રંધ્રની નીચે રહેલા કોટરને અધોરંધ્રીય કોટર (substomatal chamber) કહે છે. આ કોટર અંત:સ્થ પેશીઓના આંતરકોષીય (intercellular) તંત્ર સાથે સંપર્કમાં હોય છે.
રક્ષકકોષોની દીવાલો એકસરખી જાડી હોતી નથી. રંધ્ર તરફની દીવાલ જાડી અને મજબૂત હોય છે અને તેના વિરુદ્ધની દીવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હોય છે. તેમની બાહ્ય દીવાલો બાહ્યત્વચાનું આવરણ ધરાવે છે, જેમાં ક્યૂટિનનું સ્થૂલન થયેલું હોય છે. આ બાહ્ય ત્વચા રંધ્રમાંથી પસાર થઈ અંદરની દીવાલ સાથે જોડાય છે. અંદરની અરીય દીવાલની ઉપરની અને નીચેની બાજુએ ક્યૂટિનનું વધારે પડતું સ્થૂલન થયેલું હોવાથી છાજલી (ledge) જેવી રચના ઉત્પન્ન થાય છે અને છેદમાં તે ચાંચ અથવા શિંગડા આકારની દેખાય છે. આ છાજલીઓ ઉપરની અને નીચેની તરફ પ્રક્ષેપિત થયેલી હોય છે અને અગ્ર કોટર (front cavity) અને પશ્ચકોટર (back cavity) તરીકે ઓળખાતાં બંને કોટરોને કમાનાકારે આચ્છાદિત થાય છે. બંને કોટરો પરસ્પર એક છિદ્ર દ્વારા સંપર્કમાં રહે છે.
દિવસ દરમિયાન રક્ષકકોષો પ્રકાશસંશ્લેષણ કરે છે; તેથી ઉદભવતા ગ્લુકોઝને પરિણામે અને સ્ટાર્ચનું ફૉસ્ફોરાયલેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ ફૉસ્ફેટ બનતાં તેમનો આસૃતિદાબ વધતાં સ્ફીતિમાં વધારો થાય છે અને રક્ષક-કોષોની બહારની પાતળી દીવાલો ખેંચાતાં બહારની તરફ અંદરની જાડી દીવાલ વધારે અંતર્ગોળ બને છે અને રંધ્ર ખૂલે છે. રાત્રી દરમિયાન ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બનતાં રક્ષક-કોષોનો આસૃતિ-દાબ ઘટતાં સ્ફીતિમાં ઘટાડો થાય છે અને તેઓ શિથિલ બનતાં રંધ્ર બંધ થાય છે.
પોએસી અને સાયપરેસી કુળની વનસ્પતિઓમાં રંધ્ર બનાવતા રક્ષક-કોષો દ્વિમુંડાકાર (dumbbell-shaped) હોય છે. તેમની બંને બાજુએ ત્રિકોણાકાર સહાયક કોષો આવેલા હોય છે.
રંધ્ર વનસ્પતિનાં તમામ હવાઈ અંગોમાં થાય છે; છતાં પર્ણોમાં તેઓ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. પુષ્પીય અંગો અને જલજ વનસ્પતિઓમાં તેઓ સામાન્યત: કોઈ કાર્ય કરતાં નથી. તેઓ પર્ણના ઉપરિ અને અધ:અધિસ્તર – એમ બંને સપાટીએ હોય છે; છતાં દ્વિદળી શાકીય વનસ્પતિઓમાં ઉપરની સપાટી કરતાં નીચેની સપાટી વધારે પ્રમાણમાં હોય છે. સૂર્યમુખીના ઉપરિ-અધિસ્તરમાં પ્રતિ ચોસેમી.માં 8,500 જેટલાં અને અધ:અધિસ્તરમાં 15,600 જેટલાં રંધ્ર હોય છે. પોયણા જેવી તરતાં પર્ણો ધરાવતી જલજ વનસ્પતિઓમાં માત્ર ઉપરિ-અધિસ્તરમાં જ રંધ્રો હોય છે; જ્યારે સાયકસ અને કરેણ જેવી શુષ્કોદભિ વનસ્પતિઓમાં ઉપરિ-અધિસ્તરમાં રંધ્રનો અભાવ હોય છે.
રક્ષકકોષો તેના પડોશી અધિસ્તરીય કોષના સમતલમાં અથવા તેનાથી ઊંચે અથવા અધિસ્તરની સપાટીની નીચે ખૂંપેલા હોય છે. નિમગ્નમુખ (sunken) રંધ્ર શુષ્કોદભિ વનસ્પતિની લાક્ષણિકતા છે; જ્યાં તેઓ પ્યાલા-આકારના ખાડાને તળિયે આવેલાં હોય છે. આ પ્યાલા-આકાર કોટરને બાહ્યકોટર (outer chamber) કહે છે. સહાયક કોષોની દીવાલો પણ સ્થૂલન પામેલી હોય છે. બાષ્પોત્સર્જન ઘટાડવાની આ એક અત્યંત અસરકારક ક્રિયાવિધિ છે. કરેણના પર્ણના અધ:અધિસ્તરમાં ખાંચ કે ખાડાઓ આવેલા હોય છે; જેને રંધ્રીય ગર્ત (stomatal pit) કહે છે. આ ગર્તના અધિસ્તર દ્વારા શ્લેષ્મી રોમો ઉત્પન્ન થાય છે અને તેમની વચ્ચે રંધ્ર આવેલાં હોય છે. કોળા(Cucurbita)ના પર્ણદંડમાં રંધ્ર અધિસ્તરની સપાટીથી ઊંચે શંકુ-આકારની પિટિકા ઉપર આવેલાં હોય છે. તેમને ઉત્થિત (raised) રંધ્ર કહે છે. ઍન્થોસિરોસ અને શેવાળ જેવી દ્વિઅંગી વનસ્પતિઓના બીજાણુજનક (sporophyte) ઉપર પણ રંધ્રો આવેલાં હોય છે.
જલોત્સર્ગી (hydathode) : તે હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિઓ અને ટ્રોપિયોલમ, પ્રિમ્યુલા અને ટમેટા જેવી આવૃતબીજધારી વનસ્પતિઓનાં પર્ણોના અધિસ્તરમાં આવેલી વિશિષ્ટ રચનાઓ છે. તેમના દ્વારા રસસ્રાવ (exudation) કે બિંદુસ્રાવ(guttation)ની પ્રક્રિયા થાય છે; તેથી તેમને જલરંધ્ર (water stomata) પણ કહે છે. આ પ્રક્રિયામાં પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ થાય છે. ભેજવાળા વાતાવરણમાં મૂળ દ્વારા થતા પાણીના અભિશોષણનો દર જ્યારે બાષ્પોત્સર્જનના દર કરતાં ઝડપી હોય છે ત્યારે આ પ્રક્રિયા થાય છે. શીતળ રાત્રી અને ભેજવાળા દિવસે વહેલી સવારે કેટલીક વનસ્પતિઓની પર્ણકિનારીઓ ઉપર અને ટોચ ઉપર ઝાકળબિંદુની જેમ પાણી જોવા મળે છે. ટ્રોપિયોલમમાં વાહક તત્વોના અંતભાગે, જલવાહિનિકીઓ (tracheids) શિથિલ રીતે ગોઠવાયેલા કેટલાક કોષોના સંપર્કમાં હોય છે. તેને શિરાંતિકા (epithem) કહે છે. આ કોષોમાં અતિઅલ્પ ક્લોરોફિલ હોય છે. શિરાંતિકાની બહારની તરફ રંધ્રીય કોટર હોય છે, જે રંધ્ર સાથે સંપર્કમાં હોય છે. આ સમગ્ર રચનાને જલોત્સર્ગી કહે છે. આ જલોત્સર્ગી હંમેશાં ખુલ્લી રહે છે. કેટલીક વનસ્પતિઓમાં શિરાંતિકા હોતી નથી. આવી સ્થિતિમાં મધ્યપર્ણ (mesophyll) કોષો રંધ્રના સંપર્કમાં હોય છે.
અધિસ્તરીય ઉદવર્ધો (outgrowths) : અધિસ્તરમાંથી વિભિન્ન સ્વરૂપ, રચના અને કાર્ય દર્શાવતા ઉદવર્ધોનો વિકાસ થાય છે. અધિસ્તરમાંથી ઉદભવતાં આ બધાં ઉપાંગો(appendages)ને ત્વચારોમો (trichomes) કહે છે. તે ગુલાબની છાલશૂળ (prickle) જેવા બાહ્યોદભેદ (emergences) કરતાં અલગ પડે છે; કેમ કે, બાહ્યોદભેદની ઉત્પત્તિ અધિસ્તર અને બાહ્યકના ભાગમાંથી થાય છે. ત્વચારોમને તેનાં બાહ્યાકારકીય લક્ષણોને આધારે વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
(અ) રોમ (hairs) : ત્વચારોમનો અત્યંત સામાન્ય પ્રકાર છે. તે એકકોષી કે બહુકોષી હોય છે. એકકોષીય રોમ ઘણુંખરું સાદાં અશાખિત અને લાંબાં હોય છે અથવા તે શાખિત હોય છે. કેટલાંક અત્યંત લાંબાં અને અમળાયેલાં હોય છે અને દેખાવે ઊની (wooly) લાગે છે. બહુકોષીય રોમ એકપંક્તિક (uniseriate) કે બહુસ્તરીય (multilayeral) હોય છે. ઘણી વાર આ રોમ વિશિષ્ટ રીતે વિભાજિત થાય છે. કેટલાક વૃક્ષાકાર (dendroid) કે તારાકાર (stellate) સ્વરૂપ ધારણ કરે છે. બહુકોષીય રોમ સામાન્ય રીતે બે ભાગ ધરાવે છે. અધિસ્તરમાં ખૂંપેલા તલસ્થ ભાગને પાદ (foot) કહે છે અને તેમાંથી બહારની તરફ પ્રક્ષેપિત થતા ભાગને કાય (body) કહે છે.
(આ) શલ્ક (scale) કે છત્રાકાર રોમ : આ રોમ કોષની બિંબ જેવી તકતી (disc) ધરાવે છે; જે ટૂંકા દંડ ઉપર કે પાદ (foot) ઉપર આવેલી હોય છે.
(ઇ) ગ્રંથિમય (glandular) ત્વચારોમ : કેટલાક ત્વચારોમ બહુકોષીય દંડ અને શીર્ષ ધરાવે છે. શીર્ષ ગ્રંથિમય કોષોનું બનેલું હોય છે.
(ઈ) જલ-પુટિકાઓ (water-vescicles) અથવા આશય (bladder) : તે વિશિષ્ટ પ્રકારના ત્વચારોમ છે. કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ ફૂલે છે અને જલાશય (water-reservoir) તરીકે વર્તે છે. આઇઝોએસી કુળની હિમ-વનસ્પતિ (ice-plant, Mesembryanthemum crystrallinum)નાં પર્ણો અને તરુણ પ્રકાંડ હિમ-મણિકાઓ (ice-beads) વડે આચ્છાદિત હોય છે.
(ઉ) દંશી રોમ (stinging hairs) : કેટલીક વનસ્પતિઓના અધિસ્તરીય રોમની ટોચ સિલિકાની બનેલી અને એકકોષી હોય છે. પ્રાણીની ત્વચાના સંપર્કમાં આવતા આ સોય જેવા રોમ ત્વચાને ભેદીને તૂટી જાય છે અને વિષાક્ત પદાર્થોનો સ્રાવ કરે છે; જેને પરિણામે પુષ્કળ ખંજવાળ આવે છે અને બળતરા બળે છે. આ સ્રાવમાં ફૉર્મિ ઍસિડ અને ઍસિટોકોલાઇન જેવા પદાર્થો હોય છે. આ રોમને દંશી રોમ કહે છે. અર્ટિકેસી કુળની પ્રજાતિઓ Urtica, Fleurya, Laportea અને Gerardiniaનાં પ્રકાંડ અને પર્ણો ઉપર અને પેપિલિયોનેસી કુળની કૌવચ(Mucuna pruriens)ના ફળ ઉપર આવા દંશી રોમ આવેલા હોય છે. દંશી રોમને કારણે તૃણાહારી પ્રાણીઓ આ વનસ્પતિઓને ખાતાં નથી.
(ઊ) મૂળરોમ (root hair) : તે મૂળના શોષક પ્રદેશના અધિસ્તરમાં આવેલા હોય છે. તે અધિસ્તર ઉપરથી ઉદભવતા ઉદવર્ધ કે ઉપાંગો નથી, પરંતુ અધિસ્તરીય કોષનું દીર્ઘણ (prolongation) છે. મૂલાધિસ્તરમાં લાંબા અને ટૂંકા એમ બે પ્રકારના કોષો પૈકી ટૂંકા કોષોમાંથી મૂળ રોમ ઉદભવે છે. તે લાંબો, નલિકાકાર, બાહ્યત્વચારહિત જીવંત કોષ હોય છે. તેની કોષદીવાલ પાતળી હોય છે અને સેલ્યુલૉસ અને પૅક્ટિક દ્રવ્યોની બનેલી હોય છે. તે અલ્પાયુ હોય છે અને ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું અભિશોષણ કરે છે.
સામાન્યત: ત્વચારોમની સેલ્યુલોસની દીવાલ બાહ્યત્વચા-આવરિત હોય છે. કેટલીક વાર તેની દીવાલમાં સિલિકા અને કૅલ્શિયમ કાર્બોનેટનું સ્થાપન થાય છે. ગ્રંથિમય રોમ સિવાયના ત્વચારોમનો જીવરસ પુષ્કળ પ્રમાણમાં રસધાનીઓ ધરાવે છે. કપાસના બીજ ઉપર આવેલા રોમની દ્વિતીયક દીવાલ માત્ર સેલ્યુલોસની બનેલી હોય છે.
નરેન્દ્ર ઇ. દાણી
બળદેવભાઈ પટેલ