આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)
(Integumentary System)
પર્યાવરણ પરત્વે શરીરનું સમાયોજન કરતું ત્વચા અને/અથવા અન્ય આવરણરૂપ તંત્ર. શરીરની બાહ્ય દીવાલ રૂપે આ તંત્ર શરીરની આસપાસ એક સુરક્ષિત આવરણ બનાવે છે. આ આવરણ શરીરને થતી ભૌતિક ઈજા અટકાવવા ઉપરાંત, ઢાલ બનીને શરીરને ભક્ષક પ્રાણીઓથી રક્ષણ આપે છે. વળી બૅક્ટેરિયા તેમજ તેના જેવાં અન્ય હાનિકારક સજીવોને શરીરમાં પ્રવેશ પામતાં અટકાવે છે. આવરણતંત્ર હોવાથી શરીરમાંથી પાણી બહાર જતું નથી અથવા બહારનું પાણી શરીરમાં પ્રવેશતું નથી. પર્યાવરણમાં આવેલી વસ્તુઓને સ્વીકારવામાં અથવા તો શરીરની અંદર આવેલી વસ્તુઓને બહાર લઈ જવામાં તે દેહધાર્મિક (physiological) આવરણ બનીને યોગ્ય વસ્તુઓની આપલે માટે નિયમન કરે છે. વળી કેટલાંક પ્રાણીઓની શ્વસનક્રિયામાં પણ તે સક્રિય ભાગ ભજવે છે.
શરીર આ તંત્ર દ્વારા પર્યાવરણ સાથે સંપર્ક સાધતું હોવાને કારણે ઘણાં પ્રાણીઓમાં સંવેદી તેમજ ચેતાતંત્રનું ઉદગમસ્થાન બને છે. કેટલાંક પ્રાણીઓમાં આવાં સંવેદી અંગો સપાટી પરથી અંદર ફેલાઈને સ્વતંત્ર અંત:સ્થ ચેતાતંત્રનું નિર્માણ થાય છે. જોકે અહીં પણ સંવેદનાંગો (sensory organs) આવરણ સાથે ગાઢ સંપર્કમાં હોય છે. નીચલી કક્ષાનાં પ્રાણીઓમાં આવરણતંત્ર ઘણી વાર અકોષીય દ્રવ્યોનું બનેલું હોય છે. કેટલાંકમાં અકોષીય તત્ત્વો ઉપરાંત કોષો પણ જોવા મળે છે. પૃષ્ઠવંશીઓમાંનું સ્તરીય અધિચર્મ, પ્રમેરુદંડી (protochordata) તેમજ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતું નથી.
અપૃષ્ઠવંશીઓમાં આવરણતંત્ર : કૃમિઓમાં મોટે ભાગે આવરણ એકકોષીય હોય છે અને તે મુખ્યત્વે ક્યૂટિકલનું બનેલું હોય છે. દા.ત., પૃથુકૃમિ સમુદાયના યકૃતકૃમિના ક્યૂટિકલનું આવરણ નત્રલ પદાર્થોનું બનેલું હોય છે. તે જાડું હોય છે અને તેથી યજમાનના શરીરમાંથી થતા સ્રાવની અસર યકૃતકૃમિ પર થતી નથી. ક્યૂટિકલના થરમાં કંટકો આવેલા હોય છે, તેમની મદદથી તે યજમાનના યકૃત સાથે ચોંટી રહે છે.
કરમિયાં જેવા પરોપજીવી સૂત્રકૃમિઓમાં ક્યૂટિકલનો સ્તર ગડીવાળો અને જાડો હોય છે. તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય. તેનો સૌથી ઉપરનો ભાગ કિરાટિનનો બનેલો હોય છે. યજમાનનાં પચનાંગોમાંથી સ્રવતા પાચકસ્રાવની અસર તેમના શરીર પર થતી નથી. વચલો ભાગ સલ્ફરયુક્ત મેટ્રિસિનનો બનેલો હોય છે. તેની નીચે શ્વેતતંતુઓ આવેલા હોય છે. અંદરના ભાગમાં શરીર-દીવાલના અંગ રૂપે કોષોના સંયોજનથી બનેલ સંયુક્ત અધિચર્મ હોય છે. કોષરસપડના અભાવમાં આ સંયુક્ત અધિચર્મમાં ઘણાં કોષકેન્દ્રો દેખાય છે, તેઓ ક્યૂટિકલનો સ્રાવ કરે છે. મુક્તજીવી સૂત્રકૃમિઓમાં પણ ક્યૂટિકલનું આવરણ હોય છે. પરંતુ તેની નીચે આવેલ અધિચર્મમાં ક્યૂટિકલનો સ્રાવ કરતી અનેક એકકોષીય સ્રાવગ્રંથિઓ આવેલી હોય છે.
દેહકોષ્ઠી (coelomic) અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પણ ક્યૂટિકલનું આવરણ હોય છે અને તેની નીચે અન્ય કોષીય સ્તરો પણ હોઈ શકે છે. અધિચર્મનો બનેલો સ્તર સારી રીતે વિકાસ પામેલો હોય છે. દાખલા તરીકે અળસિયાં જેવાં પ્રાણીઓમાં આવરણતંત્રના ભાગ રૂપે કાઇટિનયુક્ત ક્યૂટિકલનો સ્તર, ઉપરાંત સ્તરીય કોષોનું બનેલું અધિચર્મ પણ આવેલું છે. તેના મોટા ભાગના કોષો બંધારણકોષો તરીકે આવેલા હોય છે. ઉપરાંત ગ્રંથિ તરીકે આવેલા સ્રાવકોષો શ્લેષ્મ તેમજ આલ્બ્યુમિનનો સ્રાવ કરે છે. તદુપરાંત અન્ય કોષો તરીકે તલસ્થ કોષો અને સંવેદી કોષો પણ આવેલા હોય છે.
સંધિપાદ સમુદાયના કીટકોમાં ક્યૂટિકલનો સ્તર જાડો હોય છે અને તે મુખ્યત્વે કાઇટિનનું બનેલું હોય છે. ક્યૂટિકલ દ્વિસ્તરીય છે. તે પૈકી ઉપલો સ્તર પાતળો હોય છે તેને અધિક્યૂટિકલ (epicuticle) કહે છે. અધિક્યૂટિકલ પાણી માટે અભેદ્ય છે, પરંતુ હવાની આપલે થઈ શકે છે. તેની બાહ્ય સપાટીએ મીણ જેવા તત્વનું આવરણ, જ્યારે અંદરના ભાગમાં નત્રલ પદાર્થનો સ્તર હોય છે. અધિક્યૂટિકલમાં ચલિત તેમજ અચલિત એવા દૃઢકો આવેલા હોય છે. અધિક્યૂટિકલના નીચેના સ્તરને પ્રક્યૂટિકલ (procuticle) કહે છે. પ્રક્યૂટિકલમાં કાઇટિન આવેલું હોય છે. આ સ્તર બાહ્ય ક્યૂટિકલ કહેવાતા એકસ્તરીય પાતળા તેમજ તેની નીચે આવેલા અંત:ક્યૂટિકલ આમ બે ભાગનો બનેલો હોય છે. બાહ્ય ક્યૂટિકલ સ્થિતિસ્થાપક હોય છે અને તેમાં રંજકકણો આવેલા હોય છે. અંત:ક્યૂટિકલ પ્રમાણમાં જાડું હોય છે. અધિચર્મ એકસ્તરીય હોય છે. તેના મોટા ભાગના કોષો સ્તંભાકાર હોય છે, જે ક્યૂટિકલનો સ્રાવ કરે છે. અન્ય કોષો તરીકે કેશજન્ય (trichogen) કોષો આવેલા છે, તે ક્યૂટિકલના બનેલા અને પોલા હોય છે. વળી અધિચર્મના ભાગ રૂપે ત્વચા-ગ્રંથીય કોષો પણ આવેલા હોય છે, જે નલિકા વાટે આવરણની બાહ્ય સપાટીએ ખૂલે છે.
સ્તરકવચીઓમાં આવરણતંત્ર કીટકોના તંત્રને મળતું હોય છે. પરંતુ અહીં પ્રક્યૂટિકલના અંત:ક્યૂટિકલના સ્તર બે ભાગમાં વિભાજિત થયેલા હોય છે, જેનો ઉપલો ભાગ કૅલ્શિયમથી છવાયેલા જાડા સ્તરસ્વરૂપે આવેલો છે. કૅલ્શિયમને લીધે આવરણ સખત અને બરડ બને છે.
પૃષ્ઠવંશીઓનાં આવરણ : પૃષ્ઠવંશીઓના આવરણતંત્રને ચામડી કહે છે. તે અનુક્રમે અધિચર્મ (epidermis) અને ચર્મ (dermis) આમ બે ભાગોમાં વહેંચાયેલું હોય છે. અધિચર્મ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભની ઉપરની બાજુએ આવેલા બાહ્ય ગર્ભસ્તરના વિકાસથી બનેલું હોય છે, જ્યારે અધિચર્મ મુખ્યત્વે પાર્શ્વદૈહિક (somatic) મધ્યગર્ભસ્તર(mesoderm)ના વિકાસથી બને છે. અધિચર્મ સામાન્યપણે પાતળું હોય છે, જ્યારે ચર્મનો સ્તર જાડો હોય છે. અધિચર્મના વિકાસથી વિવિધ પ્રકારની સ્રાવગ્રંથિઓના નિર્માણ ઉપરાંત સરીસૃપોનાં ભીંગડાં, પક્ષીઓનાં પીંછાં તેમજ સસ્તનોના વાળ પણ નિર્માણ થાય છે. ઉપરાંત અધિચર્મના વિકાસથી સસ્તનોમાં આવેલાં શિંગડાં અને ખરી જેવાં અંગો પણ બને છે. માછલીઓનાં ભીંગડાં તેમજ પૃષ્ઠવંશીઓના દાંત બાદ કરતાં ઉપર જણાવેલ અંગોની રચના લગભગ સરખી હોય છે. તે બધાં શૃંગી તત્વ(horny layer)નાં વ્યુત્પન્નો તરીકે આવેલાં હોય છે.
અધિચર્મ : પ્રમેરુદંડી વર્ગના એમ્ફીઑક્સસ પ્રાણીમાં અધિચર્મ માત્ર એકસ્તરયુક્ત હોય છે, જે સ્તંભાકાર કોષોનું બનેલું હોય છે. તેમાં ગ્રંથીય કે રંજકકોષો હોતા નથી. બાલ્યાવસ્થામાં આ કોષો કેશતંતુયુક્ત હોય છે, જ્યારે પુખ્તાવસ્થામાં તેના પર ક્યૂટિકલનો પાતળો થર જામેલો હોય છે. પુખ્તાવસ્થામાં પૃષ્ઠવંશીઓમાં ક્યારેય ક્યૂટિકલ જોવા મળતું નથી. બધાં પૃષ્ઠવંશીઓમાં તે સ્તરીય અધિચ્છદનું બનેલું હોય છે.
માછલીઓ તેમજ જળચર ઉભયજીવી પ્રાણીઓનું અધિચર્મ સાદું અને ગ્રંથિયુક્ત હોય છે. તેમાં સામાન્યપણે રુધિરવાહિનીઓ હોતી નથી, પરંતુ મેલાનિન રંજકદ્રવ્યયુક્ત કોષો આવેલા હોય છે, નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં રંજકકણયુક્ત કોષો ચર્મમાં પ્રસરેલા હોય છે.
માછલીઓમાં તેમજ ઉભયજીવીઓમાં અધિચર્મ મુખ્યત્વે જીવંત કોષોનું બનેલું હોય છે. અધિચર્મનો નીચલો સ્તર અંકુરણી (germintins) કોષોનો બનેલો હોય છે. ઉપલી સપાટીએ આવેલા કોષોમાં અલ્પ પ્રમાણમાં નિર્જીવ દ્રવ્ય કિરાટિન (શૃંગી તત્વ) હોય છે. આ કોષો જખમ કે ઘસારાને કારણે નીકળી જતા હોય છે અને અંકુરણી સ્તરના વિભાજનથી નિર્માણ થયેલા નવા કોષો તેમનું સ્થાન લે છે. માછલીઓમાં તેમજ જળચર ઉભયજીવીઓમાં અધિચર્મ દ્વારા પર્યાવરણ સાથે દ્રવ્યોની આપલે થઈ શકે છે. આ પ્રાણીઓમાં અધિચર્મની તરત નીચે રુધિરવાહિનીઓ વિપુલ સંખ્યામાં પ્રસરેલી હોય છે.
જમીન પર વસતા પૃષ્ઠવંશીઓના અધિચર્મમાં કેટલાંક અનુકૂલનો જોવા મળે છે. સ્થળવાસીઓમાં પાણીને શરીરમાં સાચવી રાખવું તે અગત્યની બાબત છે. આ પ્રાણીઓના ઉપલા સ્તરના કોષો ક્રમશ: વધુ ને વધુ ચપટા બનતા જાય છે અને સૌથી ઉપરના સ્તરના કોષો લાદીસમ(squamous)માં રૂપાંતર પામે છે. આ ઉપલા સ્તરના કોષોની સપાટીમાં કિરાટિન હોય છે. સપાટી પર આવેલી ચામડી સૂકી અને નિર્જીવ કોષોથી ભરેલી હોવાથી ઘસતાં ખરી પડે છે. ઉભયજીવીઓમાં તેમજ સરીસૃપોમાં નિયમિતપણે નિર્મોચન (moulting) થયા કરે છે અને તેના સ્થાને નવી ચામડી નિર્માણ પામે છે.
ઉપલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં અધિચર્મના કોષો શૃંગી સ્તર તેમજ અંકુરણી સ્તર (germinal layer) આમ બે ભાગમાં વહેંચાયેલા હોય છે. અંકુરણી સ્તરના છેક નીચેના કોષો નવા કોષોનું નિર્માણ કરે છે. આ કોષો ધીમે ધીમે ઉપર તરફ ખસીને સૌથી ઉપલા સ્તર સુધી પહોંચે છે. દરમિયાન તે વધુ ને વધુ ચપટા બને છે અને સૌથી ઉપલા સ્તર સુધી પહોંચતાં નિર્જીવ બને છે. તેમાં ગ્રંથિકોષો આવેલા હોય છે. તેમાંના કેટલાક જળસ જેવા પદાર્થનો સ્રાવ કરે છે, જ્યારે બીજા પ્રકારના કોષો નત્રલ પદાર્થોનો સ્રાવ કરે છે. જૂજ માછલીઓમાં કેટલાક કોષો પ્રકાશકોષો (photo cells) તરીકે વિકાસ પામેલા હોય છે. પરિણામે શરીરમાંથી પ્રકાશ ઝળકે છે. નત્રલસ્રાવી કોષો શૃંગી તત્વોનો સ્રાવ કરે છે.
સામાન્યપણે ચર્મીય સ્તર અધિચર્મ કરતાં જાડો હોય છે. એની તંતુમય જાળ સારી રીતે વિકાસ પામેલી હોય છે. મોટા ભાગના તંતુઓ શ્વેત હોય છે અને તે મજબૂત, સરળ તંતુઓના બનેલા હોય છે. તંતુઓની જાળ ત્રણેય દિશામાં પ્રસરેલી હોય છે. તે તલસ્થ ભાગ સાથે સંકળાયેલી હોય છે. આ તલસ્થ ભાગ શ્ર્લેષ્મ-બહુશર્કરીય (muco-polysaccharide) નત્રલ પદાર્થોનો બનેલો હોય છે. સ્થિતિસ્થાપક કોષો પ્રમાણમાં ઓછા હોય છે અને તે તરંગી, તંતુવિહીન અને શાખા-પ્રબંધિત હોય છે.
ચર્મસ્તરને પણ બે ભાગમાં વહેંચી શકાય. ઉપલા સ્તરને શિથિલ સ્તર (stratum spongiosum) કહે છે, જ્યારે તેની નીચે આવેલ સ્તરને ઘટ્ટ સ્તર (stratum compactum) કહે છે. શિથિલ સ્તર સ્થિતિસ્થાપક હોઈને તેમાં રુધિરવાહિનીઓ પ્રસરેલી હોય છે. ઘટ્ટ સ્તર જાડો હોય છે અને શરીરના સ્નાયુઓ સાથે સંયોજક-પેશી સાથે સંકળાયેલો હોય છે.
ચામડીનો રંગ મેલાનિન નામે ઓળખાતા પ્રોટીનને આભારી છે અને તે ટાયરોઝિન ઍમિનોઍસિડનું વ્યુત્પન્ન છે. મેલાનિનના નિર્માણમાં ટાયરોઝિન ઉત્સેચક અગત્યનો ભાગ ભજવે છે. મેલાનિન દ્રવ્ય વર્ણકોષ (melanophone) નામે ઓળખાતા કોષોમાં આવેલા છે. તે ગર્ભવિકાસ દરમિયાન વિશિષ્ટ પ્રકારના શ્યામાંગક (melano-some) નામના અંગનું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા સંપૂર્ણ જીવન દરમિયાન ચાલુ રહે છે. શ્યામાંગકો રંગકણના સ્વરૂપમાં આવેલા હોય છે. તે ચેતાતંત્રની અસર હેઠળ વર્ણકોષમાં આગળપાછળ ફરે છે. તેની અસર હેઠળ ચર્મીય કોષોની પરાવર્તનક્ષમતામાં ફેરફારો થયા કરે છે. આના પરિણામે પરાવર્તિત પ્રકાશ અને ત્વચીય વર્ણકોષો વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા થતાં, નીચલી કક્ષામાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શીઘ્રગતિએ ત્વચાના રંગમાં ફેરફારો થયા કરે છે.
પ્રારૂપિક (typical) ચામડીની રચના દેડકા તેમજ સસ્તનની ચામડીના છેદના નિરીક્ષણ પરથી જાણી શકાય. આ બંનેમાં અધિચર્મીય તેમજ ચર્મીય સ્તરોને સહેલાઈથી જુદા પાડી શકાય.
દેડકામાં અધિચર્મ પાતળું હોય છે અને તે સાત-આઠ હારમાં આવેલા સ્તરીય કોષોનું બનેલું (stratified epithelium) હોય છે. તે મુખ્યત્વે સ્તરીય અધિચ્છદ રૂપે આવેલું હોય છે. ચામડી પર જળસ પ્રસરેલું હોય છે. પૉલિસૅકેરાઇડયુક્ત નત્રલ પદાર્થના બનેલા આ જળસને લીધે દેડકો જ્યારે પાણીની બહાર આવે ત્યારે તેની ચામડી સુકાતી નથી. સૌથી ઉપરનો સ્તર લાદીસમ અધિચ્છદનો બનેલો છે. લાદીસમ અધિચ્છદીય સ્તર પર પાતળો શૃંગી સ્તર આવેલો હોય છે. સૌથી નીચલા સ્તરના કોષો અંકુરણી સ્તર તરીકે આવેલા છે. આમ અહીં શૃંગી સ્તર તેમજ અંકુરણી સ્તર ઘણા પાતળા હોય છે અને આ બેની વચ્ચે સારી રીતે વિકાસ પામેલો સ્તરીય અધિચ્છદ આવેલ છે. અધિચર્મમાંથી બનેલી બે પ્રકારની સ્રાવગ્રંથિઓ ચર્મના શિથિલ સ્તરમાં આવેલી હોય છે. આ ગ્રંથિઓ શ્લેષ્મ-ગ્રંથિ તેમજ વિષગ્રંથિઓની બનેલી હોય છે. નલિકા વાટે તે પોતાનો સ્રાવ ચામડીના ઉપલા સ્તર પર રેડે છે. શ્લેષ્મને લીધે ત્વચા સ્વચ્છ અને ભીની રહે છે, ત્વચા સુકાતી નથી. વળી ત્વચીય શ્વસન દરમિયાન હવામાં રહેલો પ્રાણવાયુ ચામડીમાંથી પ્રસરવાથી ચર્મસ્તરમાં આવેલી રુધિરવાહિનીઓના રુધિર સાથે હવાની આપલે થાય છે. વિષગ્રંથિઓ કણયુક્ત હોય છે અને તેઓ ચેતાકીય તેમજ અંત:સ્રાવના નિયમનને આધીન શ્વેત પ્રવાહીનો સ્રાવ કરે છે. આ સ્રાવ ભક્ષ્ય પ્રાણીઓ માટે અણગમતો હોવા ઉપરાંત વિષકારી નીવડે છે.
જમીન પર રહેનાર પૃષ્ઠવંશીઓની ચામડી પર સામાન્યપણે વિપરીત પરિબળોની અસર થતી નથી અને શુષ્ક બનતી નથી, કારણ કે શૃંગમય સ્તર અને/અથવા અંગો ચામડી પર હોવાને કારણે વિપરીત પાર્યાવરણિક પરિબળોથી ચામડી સુરક્ષિત રહે છે.
સ્થળચર માનવી જેવાં સસ્તનોમાં શૃંગી સ્તર જાડો હોય છે. તે મુખ્યત્વે લાદીસમ અધિચ્છદનો બનેલો હોય છે. ઉપલી સપાટીએ આવેલો આ સ્તર મોટે ભાગે નિર્જીવ હોય છે. ઘસારાની અસરથી તે ખરી પડે છે અને તરત જ નીચે આવેલા કોષો તેમનું સ્થાન લે છે. શૃંગી સ્તર તેમજ અંકુરણી સ્તર વચ્ચે સ્તરીય અધિચ્છદ ઉપરાંત એક વધારાનો સ્તર સામાન્યપણે જોવા મળે છે. તેને કણસ્થ સ્તર (stratum granulatum) કહે છે. વળી માનવીમાં એક વધારાનો પારદર્શક સ્તર (stratum lucidum) પણ આવેલો છે.
સ્વેદગ્રંથિઓ (sudoriporous glands) માત્ર સસ્તનોમાં જોવા મળે છે; જોકે ઉંદર, સસલાં જેવાં પ્રાણીઓમાં આ ગ્રંથિઓ હોતી નથી. આ ગ્રંથિઓ સાદી નળાકાર રચનાવાળી હોય છે અને તેનો મુખ્ય ભાગ ચર્મમાં ગૂંચળા રૂપે આવેલો હોય છે. તે નલિકા વાટે અધિચર્મની બાહ્ય સપાટીએ ખૂલે છે. સસ્તનોમાં સામાન્યપણે બે પ્રકારની સ્વેદગ્રંથિઓ આવેલી છે, જે ઍપોક્રાઇન (apocrine) તેમજ ઍક્રાઇન(accrine)ના નામે ઓળખાય છે. ઍપોક્રાઇન ગ્રંથિઓ બગલમાં, જનનાંગોની આસપાસ તેમજ સ્તનોની ડીંટડીની આસપાસ હોય છે. બાહ્ય કર્ણમાં આવેલી ગ્રંથિઓ મીણનો સ્રાવ કરે છે; જ્યારે અશ્રુગ્રંથિઓ અશ્રુનો સ્રાવ કરે છે. ઍક્રાઇન ગ્રંથિઓ સામાન્ય ગ્રંથિઓ તરીકે શરીર પર સારી રીતે પ્રસરેલી હોય છે અને તે પાણી જેવા પાતળા દ્રવ્યનો સ્રાવ કરે છે. ખાસ કરીને હાથ તેમજ પગના તળિયે આ ગ્રંથિઓ વિપુલ પ્રમાણમાં આવેલી છે. તૈલગ્રંથિઓ (sebaceous glands) માત્ર સસ્તનોમાં જોવા મળે છે; જોકે ઉંદર, સસલાં જેવાં પ્રાણીઓમાં આ ગ્રંથિઓ હોતી નથી. પરંતુ તેને સ્થાને ફીણગ્રંથિઓ તરીકે આવેલી હોય છે. તે કેશોની પુટિકાઓમાં ખૂલે છે. જોકે સ્તનોની ડીંટડી પર ખૂલતી તૈલગ્રંથિઓ કેશ સાથે સંકળાયેલી હોતી નથી. તૈલગ્રંથિઓ વાળને સુડોળ રાખવા ઉપરાંત ચામડીને શુષ્ક થતી અટકાવે છે.
કેટલાંક સસ્તનોમાં ગંધગ્રંથિઓ (scent glands) આવેલી હોય છે. પણ આ ગ્રંથિઓ રક્ષણ, ઓળખ અને લૈંગિક આકર્ષણની ગરજ સારે છે. તેઓ ગુદાદ્વાર પાસે (વીઝલ-weasel), મુખમુદ્રા પર (ચામાચીડિયું, સાબર), પીઠ પર (કાંગારું, ઉંદર), પગ પર (કેટલાંક ખરીવાળાં પ્રાણીઓ) અથવા તો કોઈ પણ અન્ય ભાગમાં હોઈ શકે છે. કેટલીક ગંધગ્રંથિઓ તૈલગ્રંથિઓમાંથી, જ્યારે અન્ય કેટલીક સ્વેદગ્રંથિઓના રૂપાંતરણથી ઉત્પન્ન થયેલી હોય છે.
માત્ર સસ્તનો ક્ષીર(સ્તન)ગ્રંથિ ધરાવે છે, જેમાંથી શિશુઓના પોષણ માટે દૂધનો સ્રાવ થાય છે. આ ગ્રંથિ નરમાં નિષ્ક્રિય રહે છે, જ્યારે માદામાં બાળક જન્મે ત્યારે ક્રિયાશીલ બને છે. દૂધમાં મુખ્યત્વે કેસીન, લૅક્ટોઝ, ચરબી તેમજ લવણો આવેલાં હોય છે. આ ગ્રંથિઓ પણ સ્વેદ-ગ્રંથિઓના રૂપાંતરણથી બનેલી છે તેમ માનવામાં આવે છે. મૉનોટ્રેમ (monotremes) પ્રાણીઓમાં ક્ષીરગ્રંથિઓ બે સમૂહમાં ગોઠવાયેલી હોય છે અને તે પેટમાં આવેલા ખાડામાં ખૂલે છે. સ્રાવ ચીકણો હોય છે જે બચ્ચાં ચાટે છે. મૉનોટ્રેમોમાં આ ગ્રંથિઓ માદા અને નર આમ બંનેમાં ક્રિયાશીલ હોય છે. ઉચ્ચ કક્ષાનાં મોટા ભાગનાં સસ્તનોમાં ક્ષીરગ્રંથિઓ એકત્ર થઈને આંચળ કે સ્તન જેવાં અંગો બનાવે છે. આ અંગો જોડમાં આવેલાં હોય છે. માનવી જેવાં પ્રાણીઓમાં ક્ષીરગ્રંથિઓને ફરતે ચરબીનો સંગ્રહ થયેલો હોય છે અને ડીંટડી વાટે ક્રિયાશીલ સ્તનમાંથી દૂધ બહાર આવે છે. માનવીનાં સ્તન ઉરસ્ પ્રદેશમાં આવેલાં હોય છે, જ્યારે ખરીવાળાં પ્રાણીઓમાં તે ઉદરપ્રદેશમાં હોય છે. કાંગારું જેવાં માર્સુપિયલોમાં આંચળ એક કોથળીમાં ખૂલે છે અને ત્યાં દૂધનો સ્રાવ થાય છે. જન્મેલ બાળક અલ્પવિકસિત હોય છે અને તેનો સંપૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી આ કોથળીમાં રહે છે.
અધિચર્મની તરત જ નીચે આવેલા ચર્મના સ્તર સહેજ શિથિલ હોય છે અને તેમાં રુધિરકેશિકા તેમજ ચેતાંગો પ્રસરેલાં હોય છે. તેની બાહ્ય સપાટીનો આકાર તરંગમય હોય છે. તેના ઉન્નત પ્રદેશોને પિટિકા કહે છે. તેથી ચર્મનો આ સ્તર પિટિકાસ્તર (reticular layer) તરીકે જાણીતો છે. પિટિકા સ્વેદગ્રંથિ અને વાળ પિટિકામાંથી પસાર થાય છે. મોટે ભાગે પિટિકાનો સ્તર સંયોજક પેશીના શ્વેત-તંતુઓનો બનેલો હોય છે. જોકે તેમાં જૂજ પીળા તંતુઓ પણ આવેલા હોય છે. ઢોર જેવાં પ્રાણીઓના ચર્મસ્તર ચામડી તરીકે ઉપયોગી નીવડે છે.
અધિચર્મમાં કોષો પણ આવેલા છે. મોટા ભાગના તંતુઘટક (fibrous) પેશીના ભાગ રૂપે આવેલા હોય છે. ચર્મના નીચલા સ્તરે કેશપુટિકા (hair follicle) ઉપરાંત, અધિ-ચર્મમાંથી ખસીને નીચે ગયેલી ગ્રંથિઓ પણ જોવા મળે છે. ચામડીની સંવેદી ગ્રાહકતા (sensory reception) ચર્મસ્તરમાં આવેલા ચેતાતંતુઓને આભારી છે. સસ્તનોમાં તેઓ સંવેદી પુટિકા(sensory follicles)ના રૂપે આવેલા છે.
ચર્મસ્તરમાં રુધિરવાહિની સારા પ્રમાણમાં પ્રસરેલી હોય છે. આ વાહિનીઓ લસિકાવાહિની, નાની ધમનિકા તેમજ શિરાઓ અને રુધિરકેશિકાઓમાં વહેંચાયેલી હોય છે. ચર્મસ્તરમાં આવેલી પીટિકાઓને લીધે તે અધિચર્મ સ્તરની નજીક આવે છે. રુધિરવાહિનીઓ ચર્મસ્તરને રુધિર પહોંચાડવા ઉપરાંત પ્રસરણ દ્વારા ઉપલા અધિચર્મના સ્તરમાં આવેલા કોષોને ખોરાક જેવાં અગત્યનાં પોષક તત્વો પહોંચાડે છે. ચામડી જો શુષ્ક ન હોય તો ચામડી વાટે ઓછાવત્તા પ્રમાણમાં હવા ઉપરાંત પર્યાવરણમાં આવેલી અન્ય અગત્યની વસ્તુઓની આપલે પણ થઈ શકે છે. ઉભયજીવી સૅલામૅન્ડર માત્ર ત્વચા વાટે શ્વાસોચ્છવાસપ્રક્રિયા કરે છે.
સામાન્યપણે આવરણતંત્ર મુખ્યત્વે રક્ષક અંગ તરીકે કાર્ય કરે છે. પક્ષી અને સસ્તન જેવાં પ્રાણીઓમાં તે ઉષ્ણતાનું નિયમન પણ કરે છે. સામાન્ય રીતે ગ્રીષ્મઋતુમાં સસ્તનોમાં પ્રસ્વેદગ્રંથિઓ ક્રિયાશીલ બનીને ત્વચા પર પ્રસ્વેદનો સ્રાવ કરે છે. તેનું બાષ્પીભવન થતાં ત્વચા શીતલ બને છે. સ્વયંવર્તી (autonomic) ચેતાતંત્રની પ્રતિપોષી પ્રક્રિયાની અસર હેઠળ ચામડીની ધમનિકાઓ પહોળી બને છે, જેથી ત્વચા પર પ્રવાહી પ્રસરે છે. પરિણામે તાપમાન ઘટે છે. આથી ઊલટું ધમનિકાઓ સંકોચ પામવાથી તાપમાન જળવાય છે.
આવરણતંત્રનાં કેટલાંક વ્યુત્પન્નો (derivatives) : આવરણસ્તરમાંથી બનેલાં અગત્યનાં અંગો તરીકે ભીંગડાંનો નિર્દેશ કરી શકાય. માછલીઓમાં તે ચર્મસ્તરમાંથી બનેલાં હોય છે, જ્યારે સરીસૃપો, પક્ષીઓ તેમજ સસ્તનોમાં ભીંગડાં અધિચર્મનાં વ્યુત્પન્નો તરીકે આવેલાં હોય છે. માછલીનાં ભીંગડાં અસ્થિતત્ત્વમાંથી જ્યારે ઉચ્ચ પૃષ્ઠવંશીઓમાં શૃંગતત્વમાંથી બનેલાં હોય છે.
કાસ્થિમત્સ્યોમાં આવેલાં દંતાભ (placoid) ભીંગડાંને દાંતના પૂર્વગામી તરીકે વર્ણવવામાં આવે છે. આ દંતાભ ભીંગડાંની રચના માનવીના દાંતની રચનાને મળતી આવે છે. તે પોલું હોય છે અને તેનું પોલાણ મજ્જાદ્રવ્યથી ભરેલું હોય છે. પોલાણની ફરતે ડેન્ટાઇન(dentine)ના જાડા થર ઉપરાંત તેની ઉપર ઇનૅમલનું આવરણ આવેલું હોય છે. દંતાભના તલસ્થ ભાગ તરીકે હાડકાંની તકતી આવેલી હોય છે જે ચર્મમાં બંધ બેસે છે.
ઇનૅમલ : બાહ્ય ગર્ભના વિકાસ દરમિયાન ઉદભવતો આ ઘટક અંશત: કાર્બનિક તત્વનો બનેલો હોય છે. જોકે જુદાં જુદાં ભીંગડાંની બાહ્ય સપાટી પર દેખાતો સાદો કાચ જેવો પદાર્થ ઇનૅમલ હોય કે ન પણ હોય. તેને કાર્યસદૃશતાની દૃષ્ટિએ માનવીના દાંતના ઇનૅમલ સાથે સરખાવવામાં આવે છે.
કેટલીક માછલીઓનાં ભીંગડાંના ઉપલા સ્તરે આવેલ ગૅનોઇનને ઇનૅમલ સાથે સરખાવવામાં આવે છે. પરંતુ ગૅનોઇન મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. ગૅનોઇન ભીંગડા પર લવણોના કણો ચોંટતા હોય છે. પરિણામે ગૅનોઇન પર લવણના નવા સ્તરો નિર્માણ થાય છે.
ડેન્ટાઇન હાડકાં કરતાં વધારે અને ઇનૅમલ કરતાં ઓછું સખત હોય છે. તેનાં અકાર્બનિક લવણો ઇનૅમલનાં લવણો જેવાં હોય છે, જ્યારે તેનો 30 % જેટલો ભાગ કાર્બનિક તંતુઓનો બનેલો હોય છે. તેના અંકુરણી કોષો સામાન્યપણે સખત પેશીની બાહ્ય સપાટીએ આવેલા હોય છે. ડેન્ટાઇન નલિકાયુક્ત હોય છે, જેમાં પેશીના પ્રવર્ધો પ્રવેશે છે. ડેન્ટાઇનને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : ઑસ્ટિયોડેન્ટાઇન, ઑર્થોડેન્ટાઇન અને કૉસ્માઇન. ઑસ્ટિયોડેન્ટાઇનમાં નળાકારમાં ગોઠવાયેલા ઑસ્ટિયોન (દ્રવ્યનળાકાર) હોય છે. વચ્ચેની જગ્યા હાડકાના આંતરકોષીય દ્રવ્યથી વ્યાપેલી હોય છે. ઑર્થોડેન્ટાઇનમાં ઑસ્ટિયોન દ્રવ્ય હોતું નથી, જ્યારે ડેન્ટિનલ નલિકાઓ મજ્જાગુહાને કેન્દ્ર બનાવીને કિરણાકારે પ્રસરેલી હોય છે. કૉસ્માઇન ડેન્ટાઇનમાં ડેન્ટાઇનની નીચલી સપાટી પરથી સપાટીને સમાંતર કેન્દ્રો બનેલાં ગુચ્છાદાર કિરણ સ્વરૂપે નીકળતી નલિકાઓના સમૂહો આવેલા હોય છે.
હાડકાંનો સ્તર : કોષસ્થાનોમાં અસ્થિકોષો આવેલા હોય છે અને તે નલિકાતંત્ર વડે એકબીજાની સાથેના સંપર્કમાં હોય છે. જોકે મોટાભાગનાં અસ્થિમત્સ્યોમાં અસ્થિકોષો હોતા નથી. તેના નલિકાતંત્રને હૅવર્સિયન નલિકાતંત્ર સાથે સરખાવી શકાય. અસ્થિ સખત, વાહિનીમય અને/અથવા છિદ્રિત હોય છે.
કાસ્થિમત્સ્યોમાં આવેલાં દંતાભ ભીંગડાં દાંત જેવાં અને પાછલા ભાગ તરફ વળેલાં હોય છે. અસ્થિમત્સ્યોનાં ભીંગડાં ચપટાં હોય છે.
કૉસ્માઇડ ભીંગડાં માંસલ મીનપક્ષો(crossopterygii)માં તેમજ આદિ ડિપ્નૉઇ(early dipnoi)માં જોવા મળે છે. ઇનૅમલનો સ્તર ઘણો પાતળો હોય છે, જ્યારે કૉસ્માઇન ડેન્ટાઇનનો બનેલો સ્તર જાડો હોય છે. મજ્જાગુહામાંથી નીકળતી નલિકાઓ શાખાપ્રબંધિત હોય છે. અસ્થિનો થર પાતળા સમાંતર સ્તરોનો બનેલો હોય છે. સીલકથ (coelacanth) તેમજ ડિપ્નૉઇમાં પ્રારૂપિક કૉસ્માઇન ભીંગડાં જોવા મળતાં નથી.
ગૅનૉઇડ ભીંગડાંમાં ગૅનૉઇન ઇનૅમલનો થર જાડો હોય છે. પોલિપ્ટેરસ જેવી માછલીઓમાં ગૅનૉઇડ ભીંગડાં પ્રાથમિક સ્વરૂપનાં હોય છે. તેમાં ઇનૅમલનો થર પાતળો હોય છે, જ્યારે કૉસ્માઇનનો સ્તર હોતો નથી. હાડકાંનો ઉપલો સ્તર છિદ્રિત હોય છે જ્યારે તેની નીચે સમાંતર ગોઠવાયેલા અસ્થિના પાતળા સ્તરો હોય છે.
ઇલૅસ્મોઇડ ભીંગડાં ગૅનૉઇડ ભીંગડાંના પરિવર્તનથી બનેલાં હોય છે. આ ભીંગડાં માત્ર ટીલિયૉસ્ટી માછલીઓમાં જોવા મળે છે. અહીં તલસ્થ સ્તર જાડા અસ્થિનો બનેલો હોય છે અને તે અકોષીય હોય છે અને તેમાં શ્વેત તંતુઓ વિવિધ દિશાએ પ્રસરેલા હોય છે. આવા અસ્થિને આઇસોપેડિન કહે છે. તે કોમલ અને સ્થિતિસ્થાપક હોય છે. અહીં ગૅનૉઇનનો થર હોતો નથી, પણ તેની જગ્યાએ ઇનૅમલ તત્ત્વનો બનેલો ચળકાટવાળો એક સ્તર હોય છે. કાર્પ જેવી માછલીઓનાં ભીંગડાં આકારે ગોળ હોય છે, અને તેને ચક્રીય (cycloid) કહે છે. તે પાતળા સમાંતર થરોનાં બનેલાં હોય છે. કેટલીક માછલીઓમાં ભીંગડાંની કિનારી એક બાજુ કાંસકી જેવી દેખાય છે. આવાં ભીંગડાંને દંતાભ (dentoid) કહે છે.
દાંતની રચના : માનવી જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓના દાંતનો વિકાસ બાહ્ય તેમજ મધ્ય ગર્ભસ્તરમાંથી થયેલો હોય છે. અગાઉ જણાવ્યા પ્રમાણે તેની રચના કાસ્થિમત્સ્યોનાં દંતાભ ભીંગડાં સાથે સરખાવી શકાય. વિકાસ દરમિયાન ગર્ભાવસ્થામાં સૌપ્રથમ મુખપ્રદેશની સીમા પર બાહ્ય ગર્ભસ્તર એક ગડીનું નિર્માણ કરે છે. ત્યાંથી તે ધીમે ધીમે નીચે ખસીને મધ્ય ગર્ભસ્તરમાં પ્રવેશીને ઊંધા પ્યાલાનું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્યાલાની દીવાલ બેવડી ગડીવાળી હોય છે. તેમાંની બહારની ગડીનો વિકાસ થતાં તેનું પરિવર્તન ઇનૅમલમાં થાય છે. પ્યાલાના પોલાણમાં મધ્ય ગર્ભસ્તરના કોષો આવેલા હોય છે. તેને મજ્જા કહે છે. આ પોલાણ વિકાસથી મજ્જાપોલાણમાં પરિવર્તન પામે છે. રૂપાંતર દરમિયાન ગુહાની આસપાસ આવેલી ગડીમાંથી ડેન્ટાઇન ઉત્પન્ન થાય છે. દાંતના આ એકમને દંતકલિકા કહે છે. આ દંતકલિકા ધીમે ધીમે જડબામાં આવેલા હાડકાના ખાડામાં પ્રવેશે છે. મજ્જાપોલાણને ફરતે ક્રમશ: ડેન્ટાઇન સારી રીતે વિકાસ પામે છે. જ્યારે મજ્જાગુહામાં ચેતાતંતુઓ તેમજ રુધિરવાહિનીઓ પ્રસરે છે. રુધિર વાટે દાંતની પેશી પોષક તત્વો મેળવે છે. દાંતની આસપાસ સિમેન્ટ ઉત્પન્ન થવાથી જડબાના ખાડામાં દાંતનું મૂળ બિલકુલ ન હાલે તેવી રીતે બંધ બેસે છે.
સરીસૃપો તેમજ ઉચ્ચતર પૃષ્ઠવંશીઓનાં ભીંગડાંને શલ્કો કહે છે, અને તે અધિચર્મમાંથી બનેલ છે. કાચિંડા, સાપ જેવાં પ્રાણીઓ અધિચર્મ કાંચળી સ્વરૂપે વખતોવખત શરીર પરથી ઉતારે છે. તે અધિચર્મને બે મુખ્ય સ્તરોમાં વહેંચી શકાય. અંદરનો સ્તર અંકુરણીસ્તર તરીકે આવેલો હોય છે. જ્યારે બાહ્ય સ્તરને બાહ્ય અધિચર્મીય સર્જનસ્તર કહે છે. સર્જનસ્તર પાંચ થરોમાં વહેંચાયેલો હોય છે. સૌથી ઉપલો સ્તર β-કિરાટીનમાંથી બનેલા જાડા મૃત કોષીય તત્વોનો બનેલો હોય છે. તેની બાહ્યસપાટીએ સૂક્ષ્મ કંટકો આવેલા હોય છે. ઉપલા સ્તરની નીચે એક પાતળો મધ્યસ્તર હોય છે. જ્યારે મધ્યસ્તરની નીચે શિથિલ, મૃત અને કેન્દ્રવિહીન α-કિરાટીનમાંથી બનેલું તત્વ હોય છે. તેની નીચે જીવંત કોષોના બે સ્તરો આવેલા હોય છે. સ્થાયી સ્થિતિમાં કાંચળીનું નિર્મોચન થતું નથી. પરંતુ તે ક્રિયાશીલ અવસ્થામાં ફેરવાઈ જતાં બાહ્ય અધિચર્મીય સર્જનસ્તરની નીચે તેના જ જેવો એક નવો વધારાનો થર અંદરની બાજુએથી નિર્માણ થાય છે. આ નિર્માણ અંકુરણીસ્તરના કોષોને આભારી છે.
અધિચર્મીય સર્જનસ્તરના કોષોના એકમોને શલ્કો કહે છે. આ એકમો નળિયાની માફક ગોઠવાયેલા હોય છે. બે શલ્કો વચ્ચેની જગ્યા પાતળા સ્તરની બનેલી હોય છે અને તે મિજાગરાની જેમ ઉપયોગી નીવડે છે. મગરમાં અને કાચબામાં શલ્કોનું નિર્મોચન થતું નથી. તે જાડા અને મોટા હોય છે. તેમને પ્રશલ્કો (scutes) કહે છે. અંદરની બાજુએથી સર્જનસ્તરની નીચેની સપાટીએથી કેરાટીનનો નવો સ્તર રચાય છે. કાચબાના કવચના પ્રશલ્કો પર દેખાતા વલાયાકાર સંકેન્દ્રિત સ્તરો આ નવા સ્તરોને આભારી છે.
પક્ષીઓનાં પીંછાં, ચાંચ અને શલ્કો અધિચર્મીય નીપજો તરીકે આવેલાં હોય છે. પક્ષીઓનાં પગ અને આંગળાં પર શલ્કો હોય છે, પરંતુ તેમનું નિર્મોચન થતું નથી. પક્ષીઓની ચાંચ પર શૃંગી તત્ત્વનો જાડો સ્તર હોય છે, જે ખોરાક ફાડવામાં, ફોડવામાં કે પકડવામાં મદદરૂપ નીવડે છે.
ગર્ભવિકાસ તેમજ શારીરિકી (anatomy) નિરીક્ષણ પરથી પક્ષીઓનાં પીંછાં તેનાં સરીસૃપ પૂર્વજોનાં અધિચર્મીય શલ્કોમાંથી બનેલાં હોય છે તેમ માનવામાં આવે છે. સરીસૃપ પૂર્વજોનાં શલ્કોના બાહ્ય સ્તરના ભાગ રૂપે આવેલ β-કિરાટીન પીંછાંમાં પણ હોય છે. તે જ પ્રમાણે સરીસૃપ પૂર્વજોની જેમ પક્ષીઓમાં પણ α-કિરાટીન હોય છે. કદાચ શરૂઆતમાં પીંછાંનું આવરણ શરીરને વાતાવરણનાં વિપરીત પરિબળોની સામે રક્ષણ આપવા માટે નિર્માણ થયું હશે. આજે પીંછાંમાં દેખાતું સમથળ કે સુવાહી સ્વરૂપ પક્ષીઓના ઉડ્ડયન માટે અનુકૂલન પામેલું છે.
પીંછાંની રચના મધ્યગર્ભસ્તરની કલિકા રૂપે આવેલી ચર્મ-પુટિકાના નિર્માણથી થાય છે. તેના પર બાહ્ય ગર્ભસ્તરનું આવરણ હોય છે. આ કલિકા ક્રમશ: ચામડીમાં પ્રવેશે છે, તેના તલસ્થ ભાગની આસપાસ એક પિચ્છખાંચ નિર્માણ થાય છે. આમ તો પીંછું માત્ર બાહ્ય ગર્ભસ્તરના વિકાસથી બને છે. મધ્ય ગર્ભસ્તર તેને ખોરાક પૂરો પાડે છે. વિકાસની શરૂઆતમાં પિચ્છાવરણ નિર્માણ થાય છે. તેની અંદર પીંછું વિકસે છે. વિકાસ સંપૂર્ણ થતાં પિચ્છાવરણ ખરી જાય છે અને અંદરથી વિકસેલ પીંછું નીકળે છે.
પક્ષીમાં આવેલાં પીંછાં વિવિધ પ્રકારનાં હોય છે. સામાન્ય પીંછાને બાહ્યરેખીય (counter) પીંછું કહે છે. તેના અક્ષ રૂપે એક મધ્ય પિચ્છદંડ હોય છે. તેનો શરીર તરફનો ભાગ પોલો હોય છે, જેને પક્ષદંડ (quill) કહે છે. ત્યારપછીના લાંબા નક્કર સ્વરૂપના ભાગને પિચ્છાસ (rachis અથવા shaft) કહે છે. દંડના આ ભાગ પર પત્રફલક (vane) હોય છે. તે પિચ્છકેશો(barbs)નું બનેલું હોય છે. પિચ્છકેશો દંડની બંને બાજુએથી એકબીજાને સમાંતર બનીને નીકળે છે. પ્રત્યેક પિચ્છકેશની બંને બાજુએ સમાંતર એવી પિચ્છકેશિકા (barbules) આવેલી હોય છે. પિચ્છકેશના છેડા તરફ આંકડીઓ (hooklets) હોય છે. તેને લીધે પાસપાસેના પિચ્છકેશો એકબીજામાં વણાયેલા રહે છે. તેથી પત્રફલક સબળ, હલકું તેમજ સ્થિતિસ્થાપક બને છે.
કોમળ પીંછાં(down feathers)ની રચના સામાન્ય પીંછાંના જેવી હોય છે, પરંતુ તેમાં પિચ્છદંડના નક્કર ભાગનો લગભગ અભાવ હોય છે. પિચ્છકેશો પિચ્છદંડના નીચલા ભાગ પરથી નીકળે છે અને તે સહેજ લાંબા હોય છે. આંકડીઓ હોતી નથી તેથી પીંછું નાનું અને કોમળ દેખાય છે. કોમળ પીંછાં સામાન્ય પીંછાંની નીચે ઢંકાયેલાં રહે છે. તે ચામડીની આસપાસ આવરણ બનાવે છે અને શરીરનું તાપમાન જાળવવા માટે ઉપયોગી નીવડે છે.
દંડપિચ્છિકા (filoplumules) ઘણી નાની હોય છે. તેનો પિચ્છદંડ પોલો હોય છે, દંડ પરથી વાળના ગુચ્છની જેમ પિચ્છકેશિકા નીકળે છે.
વખતોવખત પીંછાં ખરી પડે છે અને તેનું સ્થાન નવાં પીંછાં લે છે. પ્રત્યેક પિચ્છખાંચ પાસે આવેલ પિચ્છપુટિકા અને તેનું અધિચર્માવરણ હંમેશાં પીંછાંના આંતરકોષીય દ્રવ્યના સ્વરૂપમાં હોય છે. તેના વિકાસથી નવાં પીંછાં ઉત્પન્ન થાય છે. સમશીતોષ્ણ તેમજ શીતપ્રદેશનાં પંખીઓમાં ઋતુવાર થતા નિર્મોચનથી જૂનાં પીંછાં નીકળી જતાં તેનું સ્થાન નવાં પીંછાં લે છે. કેટલાંકમાં નિર્મોચનપ્રક્રિયા તેમજ પીંછાંની નવરચના એકાંતરે થયા કરે છે. પીંછાંના તલસ્થ ભાગ પાસે ચેતાંતો (nerve endings) આવેલા હોય છે, જેથી પીંછાંના સ્પર્શનો ખ્યાલ તરત જ પક્ષીને આવે છે.
વાળ : પક્ષીઓમાં શૃંગમય પીંછાં આવેલાં હોય છે, જ્યારે સસ્તનોમાં તેનું સ્થાન શૃંગસ્તરના બનેલા વાળ લે છે. વાળ અધિચર્મમાંથી બનેલા હોય છે. પીંછાંની જેમ તે ભીંગડાંના પરિવર્તનથી બનેલા હોતા નથી. વાળ ચામડીમાંથી નવાં વ્યુત્પન્નો તરીકે આવેલા હોય છે. સસ્તનોનાં સરીસૃપ પૂર્વજોએ ભીંગડાં કે શલ્કો ગુમાવ્યાં તે પહેલાં વાળનો વિકાસ થયો છે તેમ માનવામાં આવે છે. કેટલાંક સસ્તનોમાં આજે પણ વાળ અને/અથવા ભીંગડાં જોવા મળે છે.
વાળ બે ભાગમાં વહેંચાયેલા હોય છે, જેમાં ચામડીની સપાટીએથી ઉપર આવેલા વાળના ભાગને કેશદંડ (shaft) કહે છે, જ્યારે ચામડીની અંદર આવેલો ભાગ કેશમૂળ (hair-root) કહેવાય છે. ચર્મમાંથી બનેલી કેશપુટિકા (hair-papilla) પર કેશમૂળ આવેલું હોય છે. મૂળ અને દંડ બંને મૃતશૃંગી તત્વોની બનાવટ હોય છે. તલસ્થ ભાગ તરફ મૂળ પોલાણવાળા કંદ જેવું દેખાય છે. પોલાણમાં મધ્ય ગર્ભસ્તરમાંથી બનેલી સંયોજક પેશી તેમજ રુધિરવાહિની આવેલી છે. આ ભાગને કેશ-અંકુર કહે છે. તે જીવંત કોષોનો બનેલો હોય છે અને આ અંકુર દ્વારા પોષણ મેળવી વાળ વૃદ્ધિ પામે છે. કેશદંડના નીચલા ભાગમાં કેશપુટિકા હોય છે. પુટિકામાં તૈલગ્રંથિઓ ખૂલે છે.
કેશદંડના બાહ્ય સ્તર તરીકે ક્યૂટિકલનો પાતળો થર આવેલો હોય છે. તે પારદર્શક હોય છે. તેની અંદરની બાજુએ એક જાડો થર હોય છે, તેને બાહ્યક (cortex) કહે છે. આ કેશબાહ્યક વાળનો મુખ્ય ભાગ બને છે. તેમાં રંગકણો આવેલા હોય છે. વાળનો વચલો ભાગ મધ્યક(medulla)ના નામે ઓળખાય છે. આ મધ્ય ભાગમાં આકુંચન પામેલા મૃતકોષો તેમજ વાયુકોષો આવેલા હોય છે.
શિંગડાં : અનેક પ્રકારનાં શિંગડાં સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. રહાનોસરસ(ગેંડા)ને એક કે બે શિંગડાં હોય છે અને તે જાડા તંતુઓનું બનેલું હોય છે. તે એટલું બધું મજબૂત હોય છે કે તે જાડા પતરામાં કાણું પાડી શકે. ઘસારાને પહોંચી વળવા ચર્મપીટિકાની આસપાસ આવેલા અધિચર્મના કોષોમાંથી તેની વૃદ્ધિ થયા કરે છે.
જિરાફનાં શિંગડાં હાડકાના દટ્ટા જેવાં હોય છે, ચર્મમાંથી ઊપસી આવેલાં દેખાય છે અને ચામડી વડે ઢંકાયેલાં હોય છે. હરણનાં શિંગડાં હાડકાંના પ્રવર્ધો તરીકે આવેલાં હોય છે, પરંતુ દર વર્ષે તેનું નિર્મોચન થઈ તેની જગ્યાએ નવાં શિંગડાં ઊગે છે. વૃદ્ધિકાળ દરમિયાન તે ચામડીથી ઢંકાયેલાં રહે છે, પરંતુ વૃદ્ધિ થતાં ચામડી જુદી પડે છે અને કાંચળીની જેમ તે નીકળી જાય છે. શિંગડાંના નિર્મોચન પહેલાં તેનો તલસ્થ ભાગ નિર્બળ બની છેવટે શરીરમાંથી જુદો પડે છે.
ઢોરનાં શિંગડાંનો મુખ્ય ભાગ કપાળના હાડકાની બાહ્ય વૃદ્ધિ રૂપે આવેલો હોય છે. તેની આસપાસ શૃંગી સ્તરનું આવરણ હોય છે, જ્યારે તેના તલસ્થ ભાગમાં શૃંગી સ્તરનાં વલયો જોવા મળે છે. શૂળ કે આવરણનું નિર્મોચન થતું નથી. શિંગડાં વાંકાંચૂકાં હોઈ શકે છે, પરંતુ ક્યારેય તેઓ શાખાપ્રબંધિત નથી હોતાં. શૂળ વાહિનીમય હોય છે અને તેમાં રુધિરકોટકો હોઈ શકે છે.
નહોર : કેટલાંક સરીસૃપો, પક્ષીઓ તેમજ સસ્તનોમાં આંગળીના છેલ્લે વેઢે તેનાં રક્ષણાત્મક અંગો તરીકે નહોર આવેલા હોય છે. વેઢાની ઉપર, પાર્શ્વ બાજુએ તેમજ ટોચ પર તે આંગળીને ઢાંકે છે, આડા છેદમાં તે ઊંધા ‘V’ આકારના હોય છે. દૂરસ્થ છેડા તરફ વેઢાની બહાર તે સાંકડા થતા જાય છે અને આંગળીની ટોચની આગળ વાંકી આંકડીના જેવો આકાર ધારણ કરે છે. વેઢાના ભાગમાં નહોરની નીચે અંકુરણીસ્તર આવેલો હોય છે. આ સ્તર તેની તરત જ નીચે આવેલી ચામડીની ગડીમાં સુરક્ષિત હોય છે. શૃંગી સ્તરના ઘસારાને પહોંચી વળવા નવા શૃંગી તત્વનું ઉત્પાદન કરી તે સ્થિતિ પૂર્વવત્ રાખે છે. આંગળી તેમજ નહોરની વચ્ચે અધ:નહોરસ્તર (subunguis) જોવા મળે છે. તે અધિચર્મ તેમજ નહોર વચ્ચે આંતરસ્તર તરીકે આવેલો હોય છે.
નખ : માનવી સહિત વૃક્ષારોહી સસ્તનોમાં વસ્તુને પકડી તેને ચલાવવામાં સહાયક અંગ તરીકે નહોરના રૂપાંતરથી નખનું નિર્માણ થયેલું હોય છે. તે આંગળીના છેલ્લા વેઢાની ઉપરની સપાટીએ જોવા મળે છે. નહોરનો અંકુરણી સ્તર માત્ર નખના સમીપસ્થ ભાગ પૂરતો મર્યાદિત હોય છે. તેને નખતલ (nail bed) કહે છે. વૃદ્ધિ થતાં નખ વેઢાના મુક્ત છેડા તરફની બાજુએથી આગળ શરીરમાંથી બહાર નીકળે છે.
ખરી : કેટલાંક સસ્તનોમાં ખરી જોવા મળે છે. આ પ્રાણીઓમાં આંગળીઓની સંખ્યા પાંચ કરતાં ઓછી હોય છે અને આંગળીના છેડા પરથી ચાલવા તે અનુકૂલન પામેલાં હોય છે. દાખલા તરીકે ઘોડાને માત્ર વચલી આંગળી ચાલવામાં મદદરૂપ બને છે, જ્યારે બે આંગળીઓની મદદથી અન્ય પશુઓ ચાલે છે. નહોરના પરિવર્તનથી ખરી નિર્માણ થાય છે. અહીં નહોર ટૂંકો બને છે, જ્યારે તેનો આંકડીવાળો ભાગ હોતો નથી. માત્ર આંગળીની ટોચે તેમાંથી અર્ધનળાકાર આવરણ બને છે. ખરીનો દૂરસ્થ છેડો ‘V’ આકારનો હોય છે અને જમીનને સ્પર્શ કરતા આંગળીના છેલ્લા વેઢાને સંપૂર્ણપણે ઢાંકે છે. પ્રાણી મોટે ભાગે માત્ર ખરીને જમીન પર ટેકવીને ચાલે છે. ટોચ તેમજ પાર્શ્વ બાજુએથી ખરી જાડી હોય છે. ખરીને અંદરની સપાટીએ ટોચ તરફ નીચલીખરી (subunguis) હોય છે. ખરી શૃંગી તત્ત્વોની બનેલી હોય છે.
આર્માડિલોમાં જાડા શૃંગી સ્તરના બનેલા કવચ ઉપરાંત ચર્મીય અસ્થિફલકો આવેલાં છે. પેંગોલિનમાં માત્ર પૃષ્ઠ બાજુએથી નળીના આકારે ગોઠવાયેલાં જાડાં ભીંગડાં હોય છે. પ્રાણીના વૃદ્ધિકાળ દરમિયાન નિર્મોચનથી જૂનાં ભીંગડાં ખરી પડતાં તેની જગ્યાએ આવેલાં નવાં ભીંગડાં સહેજ મોટાં હોય છે. વહેલમાં મુખગુહાની અંદરની સપાટીએથી પ્રવર્ધ રૂપે બલીન તકતીઓ (balean plates) આવેલી હોય છે. તે સમૂહમાં ગળણીનું કામ કરે છે અને પાણીને મુખ-ગુહામાંથી બહાર કાઢે છે.
મ. શિ. દૂબળે