આવકની વહેંચણી : ઉત્પાદનનાં જુદાં જુદાં સાધનોને રાષ્ટ્રીય આવકમાંથી મળતો હિસ્સો. અર્થાત્, ઉત્પાદનનાં વિવિધ સાધનોના સક્રિય સહકારથી સમાજમાં કુલ સંપત્તિનું જે સર્જન થાય છે તે સંપત્તિની, તેના સર્જનમાં રોકાયેલાં સાધનો વચ્ચે અથવા તો તે સાધનોના માલિક વચ્ચે થતી ફાળવણીને આવકની વહેંચણીનું અર્થશાસ્ત્ર કહી શકાય. અર્થશાસ્ત્રની આ શાખામાં ઉત્પાદનનાં સાધનોની કિંમતો તથા તે કિંમતોના ધોરણે તે સાધનોને ઉપલબ્ધ થતી આવકનું વિશ્લેષણ થાય છે. અર્થતંત્રમાં ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા દરેક ઘટકની આવક એકસરખી કેમ હોતી નથી ? ફાળવણી કયા ધોરણે થતી હોય છે ? ભૂમિ, શ્રમ અને મૂડી જેવાં ઉત્પાદનનાં સાધનોને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી પ્રાપ્ત થતો ફાળો કયાં આર્થિક પરિબળોને આધીન હોય છે ? અને તે કેવી રીતે નિર્ધારિત થાય છે ? વગેરેની સુવ્યવસ્થિત સૈદ્ધાંતિક છણાવટ આવકની વહેંચણીને લગતા સિદ્ધાંતો દ્વારા થાય છે.
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી વળતર રૂપે ભૂમિને જે હિસ્સો પ્રાપ્ત થાય છે તેને આર્થિક ભાડું, શ્રમને અપાતાં વળતર ને વેતન, મૂડીને ચૂકવાતા હિસ્સાને વ્યાજ તથા નિયોજકને ફાળે અધિશેષ રહે તેને નફો કહે છે. આમ, ભાડું, વેતન, વ્યાજ અને નફો વહેંચણીનાં જુદાં જુદાં પાસાંઓ ગણાય. ભૂમિ, શ્રમ, મૂડી તથા નિયોજક આ ચાર ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડાતા આર્થિક ઘટકો હોવાથી ઉત્પાદનની પ્રક્રિયામાં તેમના ફાળાના પ્રમાણમાં વળતર રૂપી આવક મેળવવાનો તેમનો અધિકાર ગણાયો છે.
અઢારમી તથા ઓગણીસમી સદીના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે મુખ્ય ઘટકો-માંગ અને પુરવઠા-ના પરસ્પર સંબંધોના સંદર્ભમાં આવકની વહેંચણીનું વિશ્લેષણ કર્યું હતું. વસ્તુબજારમાં જેમ અંતિમ વપરાશની ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે તેવી જ રીતે સાધન-બજારમાં ઉત્પાદનનાં સાધનોના ઘટકોનું ખરીદ-વેચાણ થતું હોય છે. ખરીદ-વેચાણની આ પ્રક્રિયા મારફતે ઉત્પાદનનાં સાધનોની માંગ તથા તેના પુરવઠાના પરસ્પર સંબંધો વ્યક્ત થતા હોય છે. શિષ્ટ અર્થશાસ્ત્રીઓની પ્રણાલીગત વિચારસરણી મુજબ પૂર્ણ હરીફાઈની સ્થિતિમાં જે બિંદુએ સાધન-માંગ તથા સાધન-પુરવઠો સરખાં થાય છે તે બિંદુએ સાધનબજાર સમતુલા પ્રાપ્ત કરે છે. સાધનબજારમાં આ રીતે પ્રસ્થાપિત થયેલ સમતુલા એક બાજુ સાધનોની કિંમતો, એટલે કે સાધનોને અપાતા વળતરના દરો વ્યક્ત કરે છે તો બીજી બાજુ આ રીતે નિર્ધારિત થયેલ કિંમતોના ધોરણે સમયના જે તે ગાળામાં ઉત્પાદનની પ્રક્રિયામાં દરેક સાધનના કેટલા એકમો-જથ્થો કામે લગાડવામાં આવશે તે દર્શાવે છે. આ અંગેની પ્રણાલીગત વિચારસરણી મુજબ સાધનબજાર પર સાધનની માંગની અસર કરતાં સાધનના પુરવઠાના પરિબળની અસર સવિશેષ હોય છે.
આવકની વહેંચણી અંગેની આધુનિક વિચારસરણી મુજબ ઉત્પાદનનાં સાધનોનાં મૂલ્ય કે વળતરના નિર્ધારણના સિદ્ધાંતો બહોળા અર્થમાં મૂલ્યનિર્ધારણના સામાન્ય સિદ્ધાંતોનું એક વિશિષ્ટ સ્વરૂપ છે અને તેથી જ આધુનિક અર્થશાસ્ત્રીઓ મૂલ્યના સિદ્ધાંતોના માળખામાં વસ્તુના મૂલ્યનિર્ધારણના સિદ્ધાંતો તથા સાધનોના મૂલ્યનિર્ધારણના સિદ્ધાંતોનો સમન્વય સાધવાનો પ્રયાસ કરે છે. વસ્તુના મૂલ્યના નિર્ધારણના સિદ્ધાંતોમાં વસ્તુબજારમાં જે તે વસ્તુનું મૂલ્ય (કિંમત) કેવી રીતે નક્કી થાય છે અને કોઈ એક વસ્તુની માંગ અને તેનો પુરવઠો વસ્તુની કિંમત પર કેવી અસર કરે છે તેનું સૈદ્ધાંતિક વિશ્લેષણ કરવામાં આવે છે. તેમજ સાધનમૂલ્યના, અર્થાત્ વહેંચણીના સિદ્ધાંતોમાં પણ સાધનબજારમાં ઉત્પાદનનાં સાધનોનું મૂલ્ય (વળતર) કેવી રીતે નક્કી થાય છે અને સાધનની માંગ અને તેનો પુરવઠો પારસ્પરિક અસર દ્વારા સાધનમૂલ્ય પર કેવી અસર ઉપજાવે છે તેનું સૈદ્ધાંતિક વિશ્લેષણ પણ કરવામાં આવે છે. આ રીતે વિચારીએ તો વહેંચણીના સિદ્ધાંતો-સાધન-મૂલ્યના સિદ્ધાંતો-હકીકતમાં મૂલ્યના સામાન્ય સિદ્ધાંતોનું એક વિશિષ્ટ છતાં વિસ્તરિત સ્વરૂપ ગણાય. તેમ છતાં વસ્તુમૂલ્ય અને સાધનમૂલ્ય વચ્ચે જે પાયાનો તફાવત છે તેનો નિર્દેશ જરૂરી છે. કોઈ પણ વસ્તુની માંગ, જો તે વપરાશની ચીજવસ્તુઓ હોય તો તે પ્રત્યક્ષ માંગ હોય છે, કારણ કે આવી વસ્તુઓ ગ્રાહકની સીધી જરૂરિયાત પૂરી કરે છે, ગ્રાહકને તે પ્રત્યક્ષ સંતોષ આપે છે. પરંતુ ઉત્પાદનના સાધનની માંગ એ પરોક્ષ માંગ હોય છે. સાધનબજારમાં સાધન ખરીદનારાઓ, એટલે કે ઉત્પાદકો સાધન ખરીદવાને બદલે મહદ્ અંશે સાધનની સેવા કે ઉત્પાદનશક્તિ ખરીદતા હોય છે. દા.ત., ઉત્પાદકો જમીન ખરીદવાને બદલે હકીકતમાં જમીનની ફળદ્રૂપતા ખરીદતા હોય છે અને તેથી જ ભાડું એ જમીનનો બદલો નહીં પરંતુ જમીનની ફળદ્રૂપતાનો ઉપયોગ કરવાનો બદલો ગણાય. તેવી જ રીતે શ્રમબજારમાં શ્રમિકનું ખરીદવેચાણ થતું નથી, પરંતુ શ્રમિકની ઉત્પાદકતા એટલે શ્રમ કરવાની શક્તિનું ખરીદવેચાણ થતું હોય છે અને તેના બદલામાં તેને વેતન ચૂકવવામાં આવે છે. ભૂમિ અને શ્રમને લાગુ પડે છે તે જ મૂડીને પણ લાગુ પડે. આમ વસ્તુની માંગ પ્રત્યક્ષ હોય છે, જ્યારે સાધન-એકમોની માંગ પરોક્ષ હોય છે. વસ્તુના પુરવઠાનો આધાર અન્ય પરિબળો ઉપરાંત જે તે વસ્તુના ઉત્પાદનખર્ચને આભારી હોય છે પરંતુ સાધનપુરવઠો ઉત્પાદનખર્ચને આભારી હોય છે તેમ કહી શકાય નહીં. દા.ત., ભૂમિ એ મૂળભૂત રીતે કુદરતી બક્ષિસ હોવાથી તેનો ઉત્પાદનખર્ચ શૂન્ય છે. તેવી જ રીતે શ્રમનો ઉત્પાદનખર્ચ નક્કી કરી શકાય તેમ નથી. આ હકીકતો સાબિત કરે છે કે વહેંચણીના સિદ્ધાંતો મૂળભૂત રીતે મૂલ્યના સામાન્ય સિદ્ધાંતોનું વિશિષ્ટ અને વિસ્તરિત સ્વરૂપ હોવા છતાં આર્થિક વિશ્લેષણની દૃષ્ટિએ તેમાં જે તફાવત રહેલો છે તે અવગણી શકાય તેમ નથી.
ઓગણીસમી સદીમાં વિશ્વના અર્થતંત્રમાં સ્વરૂપગત અને ઝડપી ફેરફારો થયા છે જેના અનુસંધાનમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ વહેંચણી અંગે નવો દૃષ્ટિકોણ મૂક્યો છે. આ દૃષ્ટિકોણ મુજબ ઉત્પાદનનાં સાધનોને અપાતું વળતર તેની ઉત્પાદકતાને આભારી હોતું નથી, પરંતુ જે તે સાધનના સીમાવર્તી એકમની ક્ષમતા દ્વારા નિર્ધારિત થતું હોય છે. આવકની વહેંચણી અંગેની આ વિચારસરણીને વહેંચણીનો સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત કહી શકાય. આ સિદ્ધાંત મુજબ ઘટના સીમાવર્તી ઉત્પાદનનો નિયમ ઉત્પાદનનાં સાધનોની સીમાવર્તી ઉત્પાદકતાને પણ લાગુ પડે છે અને તે સાધનોના અવેજીકરણને સ્પર્શે છે.
આવકની વ્યક્તિદીઠ અને કાર્યદીઠ વહેંચણી : કોઈ એક સમયના ગાળા દરમિયાન સમાજમાં વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન થાય છે તેની વહેંચણીનો ખ્યાલ બે રીતે રજૂ કરી શકાય-વ્યક્તિદીઠ વહેંચણી અને કાર્યદીઠ વહેંચણી. કોઈ એક વ્યક્તિ ઉત્પાદનના સાધન પરની તેની માલિકીને આધારે જે આવક પ્રાપ્ત કરી શકે છે તે વ્યક્તિદીઠ વહેંચણી. ઉત્પાદનના સાધનને ઉત્પાદનની પ્રક્રિયામાં તેની પોતાની સેવાઓના બદલામાં જે વળતર ચૂકવાતું હોય તે કાર્યદીઠ વહેંચણી છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ રાષ્ટ્રીય આવકની વહેંચણીને વ્યક્તિદીઠ વહેંચણીના અભિગમથી તપાસવાનું વધુ પસંદ કરે છે.
કોઈ પણ સમાજમાં આવકની વ્યક્તિદીઠ વહેંચણી ઘણી બાબતો પર આધાર રાખે છે. દા.ત., વ્યક્તિની માલિકી હેઠળનાં સાધનોની ગુણવત્તા, સામાજિક માળખાનું સ્વરૂપ, વ્યક્તિને પ્રદાન કરવામાં આવતા મિલકતના અધિકારોનો વ્યાપ અને તેનું સ્વરૂપ, રાજકીય સત્તાની વહેંચણી, રાજ્યની આર્થિક નીતિના હેતુઓ વગેરે.
સમાજમાં થતા કુલ ઉત્પાદનની, ઉત્પાદનનાં સાધનો વચ્ચે થતી ફાળવણીને કાર્યદીઠ વહેંચણી કહે છે. તે ઉત્પાદનની પ્રક્રિયામાં જે તે સાધનના ફાળા પર અવલંબે છે. આમ જમીનને ચૂકવાતું ભાડું, શ્રમને અપાતું વેતન, મૂડીને ફાળે જતું વ્યાજ અને નિયોજકને અધિશેષ આવકના રૂપમાં પ્રાપ્ત થતો નફો-આ કાર્યદીઠ આવકની વહેંચણીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો ગણાય.
આવકની અસમાનતા : સમાજના વિભિન્ન આર્થિક વર્ગો અને જૂથો વચ્ચે આવક અને સંપત્તિની ન્યાયી વહેંચણીનો અભાવ. એક બાજુ ગણ્યા-ગાંઠ્યા લોકોના હાથમાં રાષ્ટ્રીય સંપત્તિનો મોટો ભાગ કેન્દ્રિત થયેલો હોય છે અને બીજી બાજુએ સમાજના બહુમતી લોકો જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત રહેતા હોય છે. એવી આર્થિક વિષમતાને આવક અને સંપત્તિની અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક અસમાનતા જેમ વધતી જાય તેમ સમગ્ર સમાજવ્યવસ્થા વિકૃત બનતી જાય. કારણ કે જેમના હાથમાં સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, તેવા લોકો તેનો મોજશોખમાં ઉપયોગ કરી સંપત્તિનો દુર્વ્યય કરતા હોય છે. ને પ્રજાનો એક મોટો શોષિત વર્ગ દરિદ્રતા, ભૂખમરો, બેકારી અને બીમારીના ખપ્પરમાં સપડાતો હોય છે. વિકસિત દેશોમાં પણ આવક અને સંપત્તિની અમુક અંશે અસમાનતા હોય છે; પરંતુ અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોમાં તે વધુ તીવ્ર હોય છે.
આર્થિક અસમાનતા કાર્યસાધક (functional) અને બિનકાર્યસાધક (non-functional) બંને પ્રકારની હોઈ શકે. કાર્યસાધક અસમાનતા વ્યવસાયોના સ્વરૂપની ભિન્નતા તથા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કાર્યની ગુણવત્તાના તફાવતમાંથી ઉદભવતી હોય છે. દા.ત., વધુ જોખમો ધરાવતા વ્યવસાયો વધુ સાહસિકતા માગી લે તેવા હોય છે, તેવી જ રીતે કેટલાક વ્યવસાયોના સંચાલન માટે વિશિષ્ટ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને અનુભવની જરૂર પડે છે. સ્વાભાવિક રીતે આવા વ્યવસાયોમાં જોડાયેલા ઘટકોની આવકની સપાટી અન્ય વ્યવસાયોમાં જોડાયેલા ઘટકોની આવક કરતાં ઘણી ઊંચી રહેવાની. આવકપ્રાપ્તિના આ પ્રકારના તફાવતને લીધે લાંબા ગાળે સંપત્તિ કે મિલકતની અસમાનતાને પ્રોત્સાહન મળે છે. કોઈ એક વૈજ્ઞાનિકને, ઉચ્ચ કક્ષાનું તકનીકી જ્ઞાન ધરાવતી વ્યક્તિને, વિમાનચાલકને, નિષ્ણાત ડૉક્ટર કે બુદ્ધિપ્રખર વકીલને જે આવક મળે છે તેમાં અને સામાન્ય શ્રમિક, કારકુન કે શિક્ષકને મળતી આવકમાં ઘણો તફાવત રહેવાનો. જન્મજાત ગુણો કે કાર્યનિપુણતા ધરાવતા સંગીતકાર, ચિત્રકાર કે શિલ્પકારને જે આવક મળી શકે છે તેટલી ઊંચી આવક આવા ગુણો ન ધરાવતા અને સાધારણ વ્યવસાયોમાંથી ઉપાર્જન કરનારા લોકોને ન જ મળી શકે. આવી અસમાનતાને કાર્યસાધક અસમાનતા કહેવામાં આવે છે.
જે અસમાનતા વ્યવસાયના સ્વરૂપની ભિન્નતા, કે વિશિષ્ટ પ્રકારની કામગીરીની ગુણવત્તામાં રહેલા તફાવતમાંથી નહિ પરંતુ તે સિવાયનાં અન્ય કારણોને લીધે પેદા થાય છે તેને બિનકાર્યસાધક અસમાનતા કહેવામાં આવે છે; દા.ત., વારસાગત સંપત્તિની પ્રાપ્તિ, આકસ્મિક રીતે પ્રાપ્ત થતો અસાધારણ નફો, ઇજારાનો નફો, ન કમાયેલી આવક, લૉટરી વગેરે બિનકાર્યસાધક અસમાનતાને ઉત્તેજન આપે છે.
કાર્યસાધક અસમાનતા મુખ્યત્વે પ્રોત્સાહનયુક્ત વેતન-ભિન્નતામાંથી સર્જાતી હોય છે. આ પ્રકારની વેતનનીતિ શ્રમદળની કામ કરવાની વૃત્તિ તથા શક્તિ ઉપર વિધેયાત્મક અસર કરે છે એટલે તેમાંથી ઉદભવતી અસમાનતા દૂર કરવી ઇષ્ટ ગણાય નહિ. શ્રમિકની કામગીરીની ગુણવત્તાનો વિચાર કર્યા વિના વેતનદરો નિર્ધારિત કરવામાં કે ચૂકવવામાં આવે તો કામ કરવાની વૃત્તિ તથા કાર્યદક્ષતા માટે કોઈ પ્રલોભન રહેશે નહિ. વધુ સાહસ કે જવાબદારીવાળા વ્યવસાયોમાં વળતરના ઊંચા દરો ન મળે તો તેવાં ક્ષેત્રોમાં દાખલ થવા માટે આકર્ષણ રહેશે નહિ. તેની રાષ્ટ્રીય ઉત્પાદનના કદ અને આર્થિક વિકાસ ઉપર વિપરીત અસર થશે. નિરપેક્ષ રીતે વિચારીએ તો બિનકાર્યસાધક અસમાનતા દૂર કરવા પગલાં લેવામાં આવે તે સામાજિક દૃષ્ટિએ ઇષ્ટ ગણાય. આર્થિક અસમાનતા કાર્યસાધક છે કે બિનકાર્યસાધક તેનો આધાર બીજાં અનેક પરિબળો પર અવલંબે છે; દા.ત. કામગીરી કે વ્યવસાયનું સ્વરૂપ અને પ્રકાર, આર્થિક અને સામાજિક માળખાનું સ્વરૂપ અને તેની લાક્ષણિકતા, સમાજમાં રહેતા લોકોના મનોભાવ તથા વૃત્તિઓ વગેરે. આવાં પરિબળોમાં ફેરફાર થતાં આર્થિક અસમાનતાના સ્વરૂપમાં પણ ફેરફાર થવાનો. આ ઉપરથી આર્થિક અસમાનતાનું સ્વરૂપ સાપેક્ષ છે એમ કહી શકાય.
આવકની અસમાનતાનાં કારણો : (1) ખાનગી મિલકતને લગતા અધિકારો : આવક કમાવાનો, તેનો વિનિયોગ કરવાનો, તેમાંથી બચત કરવાનો, બચતોને મૂડીમાં પરિવર્તિત કરી તેના રોકાણ દ્વારા નફો મેળવવાનો, ખાનગી અસ્કામત ઊભી કરવાનોતે બધા મિલકતના મૂળ અધિકારને આનુષંગિક અધિકારો ગણાય. ખાનગી મિલકતનો અધિકાર જ્યારે અબાધિત બને છે ત્યારે સંપત્તિના કેન્દ્રીકરણની પ્રક્રિયાને ઉત્તેજન મળે છે.
(2) વારસાપ્રથા : ખાનગી મિલકતનો અધિકાર અને વારસાપ્રથા આ બંને હકીકતમાં એક જ સિક્કાની બે બાજુઓ છે. આવકમાંથી મિલકત ઊભી કરવામાં વ્યક્તિની પોતાના કુટુંબ પ્રત્યેની લાગણી તથા સામાજિક દરજ્જો મેળવવાની તમન્ના મુખ્ય ભાગ ભજવે છે. પોતાની જેમ પોતાના કુટુંબનાં અન્ય સભ્યો પણ આર્થિક સમૃદ્ધિ, સુખાકારી અને સ્થિરતા ભોગવે તેવી સર્વસામાન્ય ભાવના વ્યક્તિમાં રહેલી હોય છે અને તેમાંથી વારસાપ્રથાને પોષણ મળે છે, જે આવકની અસમાનતાને ટકાવી રાખે છે.
(3) સનંદી અધિકારો (patent rights) : આ અધિકારોના આધારે ઘણી ઊંચી આવક મેળવી શકાય છે. વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો તથા ઉત્પાદનની અવનવી પદ્ધતિ શોધી કાઢનારાઓને આ વર્ગમાં મૂકી શકાય.
(4) સમાજમાં વ્યક્તિનાં ગુણો, ચારિત્ર્ય અને કાર્યદક્ષતા જેવાં લક્ષણો કરતાં સંપત્તિને જ્યારે વધુ મહત્વ મળે છે ત્યારે સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે વિકાસની અસમાન તકો ઊભી થતી હોય છે. પરિણામે જેમની પાસે ધન હોય તે વધુ સારું શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત કરીને તેના આધારે વધુ ધન પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતા હોય છે. ધનને જોરે સામાજિક મોભો પ્રાપ્ત કરનારા ઘટકો પોતાની સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી વધુ સારી નોકરીઓ મેળવી શકતા હોય છે અને અમુક વ્યવસાયો ઉપર પોતાનું વર્ચસ્ જમાવતા હોય છે.
(5) કેટલીક વાર વ્યક્તિના વિશિષ્ટ ગુણો, તેની નિસર્ગદત્ત શક્તિઓ, તેનું જન્મજાત કૌશલ્ય જેવાં પરિબળોને લીધે પણ વ્યક્તિની આવક કમાવાની શક્તિમાં વધારો થતો હોય છે, જે આવકની અસમાનતાને પ્રોત્સાહન આપે છે.
(6) ભૌગોલિક તથા વ્યવસાયગત ગતિશીલતાના અભાવમાંથી પણ આવકની અસમાનતા ઊભી થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે