આવકનીતિ : ભાવસ્થિરતા જાળવી રાખવા માટે કિંમતો તથા આવકોને નિયંત્રણમાં રાખવા માટેની રાજકોષીય નીતિ. સામાન્યતયા ભાવો તથા વેતનદરોમાં થતા વધારાને સરકારી પ્રયાસો દ્વારા નિયંત્રિત કરીને શ્રમ તથા મૂડીની આવક પર અંકુશ મૂકવાનાં પગલાં આવકનીતિનો અંતર્ગત ભાગ બને છે. આમ, અર્થકારણની ભાવનીતિ તથા વેતનનીતિ આપોઆપ જ આવકનીતિનાં બે પાસાં ગણાય. પ્રચલિત માન્યતા મુજબ ફુગાવાવિરોધી નીતિને આવકનીતિ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુત: આવક-નીતિનો વ્યાપ તેનાથી વધુ હોય છે. આવકનું કદ, આવકનું બંધારણ તથા આવકની વહેંચણી – આ ત્રણેનું નિયમન આવકનીતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. માત્ર આવકનું કદ તથા ભાવસપાટીનું નિયમન કરવાથી આવકનીતિ અમલમાં આવી તેમ કહી શકાય નહિ, કારણ કે તે ઉપરાંત કામદારો, ઉદ્યોગો, વિસ્તારો તથા ભિન્ન ભિન્ન વ્યવસાયજૂથો વચ્ચે આવકની ઇષ્ટ વહેંચણી થાય તેવા પ્રયાસો કે પગલાંને પણ આવકનીતિના અનિવાર્ય ઘટકો ગણવા જોઈએ.

ભાવનિયમન કરવાથી નાણાંનું મૂલ્ય સચવાય છે, પણ તેનાથી બહુજનસમાજનું કલ્યાણ થશે જ તેમ કહી શકાય નહિ. આધુનિક રાજ્યો કલ્યાણલક્ષી રાજ્યો હોવાથી વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ કલ્યાણ થાય તે હેતુથી આવક-નીતિ હેઠળ રાજ્ય અમુક પગલાં લે છે, જેને રાજકોષીય નીતિ (fiscal policy) તરીકે ઓળખવામાં આવે છે. આવકનું કદ અને તેનું બંધારણ બંને ગરીબી કે સમૃદ્ધિનાં નિર્ણાયક પરિબળો હોવાથી નિરપેક્ષ તથા સાપેક્ષ ગરીબી નિવારવાની દિશામાં આવકનીતિ અસરકારક સાધન નીવડી શકે તેમ છે.

આવકનીતિ અંગેનો અત્યાર સુધીનો અનુભવ બતાવે છે કે જ્યારે તે માત્ર શ્રમિક વર્ગના વેતનદરો પર નિયંત્રણ મૂકે છે ત્યારે તેના મજૂરસંઘોમાં વ્યાપક અસંતોષ ફેલાવે છે, કારણ કે મજૂરો આવકનાં અન્ય સ્વરૂપો કરતાં વેતન ઉપર જ સૌથી વધુ આધાર રાખતા હોય છે. આમ ન બને તે હેતુથી શાસકો વેતનદરોને શ્રમિકોની ઉત્પાદકતા સાથે જોડવાની નીતિ અપનાવતા હોય છે; દા.ત., ઇંગ્લૅન્ડમાં આવકને નિયંત્રિત કરવાના ભાગ રૂપે આવકને ઉત્પાદકતા સાથે જોડતા કાયદાઓ કરવામાં આવ્યા છે. ભારતમાં પણ આવા પ્રયાસો થયા છે, છતાં તેમાં ઝાઝી સફળતા મળી નથી. નફાને નિયંત્રિત કરવા માટેના પ્રયાસોને પણ ભારતમાં સફળતા મળી નથી. ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઑસ્ટ્રિયા તથા અમેરિકા જેવા કેટલાક દેશોએ ભાવસપાટી તથા વેતનદરોનું નિયમન કરવા માટે કાયદાનો આશ્રય લેવાને બદલે શ્રમિક વર્ગ તથા નિયોજકોના સ્વૈચ્છિક સહકાર દ્વારા આવકનીતિ અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. ભારત સહિત અનેક દેશોમાં જાહેર વિતરણ-વ્યવસ્થા (public distribution system) દ્વારા કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રાખવાની નીતિ અપનાવવામાં આવી છે. છતાં આવા વિકાસશીલ દેશોમાં ઝડપી આર્થિક વિકાસનું ધ્યેય હાંસલ કરવા માટે જરૂરી નાણાકીય સાધનો પરંપરાગત સાધનો દ્વારા ઊભાં કરી શકાય તેમ ન હોવાથી નાછૂટકે ખાધપૂરક નાણાનીતિનો આશ્રય લેવામાં આવે છે અને તેને પરિણામે ભાવસપાટી અંકુશમાં રહેવાને બદલે ફુગાવાને પ્રોત્સાહન મળતું રહ્યું છે. ફુગાવાની સૌથી વધુ તીવ્ર અસર બાંધી આવક ધરાવતા વર્ગ પર પડતી હોય છે અને તેથી બાંધી આવકવાળા વર્ગો વધુ આવક એટલે કે ઊંચા વેતનદરોની માગણી કરતા હોય છે. પરિણામે ઊંચી ભાવસપાટી અને ઊંચા વેતનદરો એ જાણે કે એકબીજાનો પીછો કરતા લાગે. આ વિષચક્રમાંથી અર્થતંત્રને ઉગારવા માટે બુદ્ધિ-પ્રમાણિત (rational) ભાવનીતિ ને વેતનનીતિ વચ્ચે ઇષ્ટ સમન્યવ અનિવાર્ય છે, જે સમુચિત આવકનીતિ દ્વારા જ શક્ય બને.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે