આવક : સમયના નિશ્ચિત ગાળા દરમિયાન વસ્તુ કે નાણાંના રૂપમાં વ્યક્તિ, સમૂહ, પેઢી, ઉદ્યોગ કે સમગ્ર અર્થતંત્રને વળતર કે અન્ય રીતે પ્રાપ્ત થતો વિનિમયપાત્ર ખરીદશક્તિનો પ્રવાહ (flow). તે વિવિધ સ્વરૂપે ઊભો થતો હોય છે; દા.ત., ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલાં ઉત્પાદનનાં વિવિધ સાધનોને ભાડું, વેતન, વ્યાજ કે નફાના રૂપમાં આવક પ્રાપ્ત થતી હોય છે. સ્થાવર મિલકતના ઉપયોગના બદલામાં તે મળતી હોય છે. મિલકતના હસ્તાંતરણ દ્વારા તે મેળવી શકાય છે. ભેટસોગાદ રૂપે કે વસિયતનામામાંથી તે પ્રાપ્ત થઈ શકે છે. મહત્તમ આવકપ્રાપ્તિ એ દરેક આર્થિક ઘટકનો મુખ્ય હેતુ હોય છે. આવકનું કદ જે તે ઘટકની વપરાશની તથા જીવનધોરણની મર્યાદા નિર્ધારિત કરે છે. સમગ્ર અર્થતંત્રની દૃષ્ટિએ વિચારીએ તો રાષ્ટ્રીય આવકનું કદ અને તેની વહેંચણી સામાજિક કલ્યાણની સપાટી નક્કી કરે છે; તેથી અર્થશાસ્ત્રમાં આવકનો ખ્યાલ મહત્વનો ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે