આલ્બર્તી, લિયોન બાત્તિસ્તા (Alberti, Leon Battista) (જ. 14 ફેબ્રુઆરી 1404 જિનિવા, ઇટાલી; અ. 25 એપ્રિલ 1472 રોમ, ઇટાલી) : સ્થાપત્યના સિદ્ધાન્તોનો પાયો નાખનાર અને રોમન સ્થાપત્યના નવજાગૃતિકાળનો બહુમુખી પ્રતિભા ધરાવનાર ઇટાલિયન સ્થપતિ. તે નાટકકાર, સંગીતકાર, ચિત્રકાર, ગણિતજ્ઞ, વૈજ્ઞાનિક, તત્વચિંતક અને કવિ પણ હતો. ફ્લૉરેન્સમાં દેશવટો પામેલ પિતાનો તે અનૌરસ પુત્ર હતો. તેણે મૂળ તો કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરેલો,
પરંતુ પછીથી પોપની સેવામાં રહ્યો તે દરમિયાન વિવિધ ક્ષેત્રે શક્તિ-બુદ્ધિ વિકસાવીને છેવટે તેણે સ્થાપત્યના ક્ષેત્રમાં ઝુકાવ્યું. નવજાગૃતિકાળના ‘સંપૂર્ણ માનવ’ના આદર્શની સૌથી વધુ નિકટ તે પહોંચ્યો હતો. સ્વભાવે ઉગ્ર છતાં તે સ્થાપત્યની ડિઝાઇન બનાવવામાં જ મગ્ન રહેતો. તેણે ડિઝાઇન કરેલી અમુક ઇમારતો સ્થાપત્યકલાની બેનમૂન કૃતિઓ છે. આલ્બર્તીનું મુખ્ય પ્રદાન નવજાગૃતિના પ્રથમ આવિષ્કારરૂપ સ્થાપત્યવિષયક ગ્રંથ-શ્રેણી ‘દ રે એડીફિક્ટોરિયા’ (1452) છે, જે તેણે નિકોલસ પાંચમાને અર્પણ કરી હતી. આ ગ્રંથ-શ્રેણીના દસે ગ્રંથો 1485 સુધીમાં પ્રસિદ્ધ થયા હતા. પ્રમાણ, ક્રમ અને આદર્શ નગરરચના વિશેના પ્રચલિત ખ્યાલોની તેમાં વિશદ વિચારણા કરેલી છે. વિત્રુવિયસની પ્રાચીન કૃતિના આધારે રચાયેલો આ ગ્રંથ તેનું આ નવીન સંસ્કરણ છે. તેને કારણે તેને ‘ફ્લૉરેન્ટાઇન વિત્રુવિયસ’ નામનું બિરુદ મળ્યું હતું. આ કૃતિ સ્થપતિઓ અને સ્થાપત્યશાસ્ત્રવિશારદો માટે શ્રદ્ધેય ગ્રંથ બન્યો હતો. આલ્બર્તી તેના પરિચિત સહયોગી સ્થપતિ બુનેલેસ્કીથી પ્રભાવિત થયેલો. આલ્બર્તીએ બીજો ગ્રંથ ‘આર્ટ દ લા પિત્તુરા’ (1436) લખ્યો, જે ચિત્રકલા અંગેનું ભાષ્ય છે. (The Art of Painting). તે તેણે બ્રુનેલેસ્કીને અર્પણ કર્યો છે. બંને કૃતિઓમાં તેણે અલંકરણ, સુશોભન અને સૌંદર્યના વિષયને ખૂબ મહત્વ આપ્યું છે. તેણે સ્થાપત્ય-સૌંદર્યની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે તેમાં બધા ભાગ એકબીજા સાથે એવો સુમેળ અને સંવાદ સાધતા હોય કે એમાંથી કાંઈ ઉમેરાય કે કાંઈ ઓછું થાય તો બગાડો થાય. તેણે સુશોભન, અલંકરણની વ્યાખ્યા ‘સૌંદર્યને વિશેષ સમૃદ્ધ અને તેજસ્વી બનાવનાર’ એમ આપી છે. તેને મન સ્તંભો, દીવાલમાં આવેલ ટેકાઓ, બારસાખો વગેરે વ્યવસ્થિત અને સુસંકલિત હોય તે સુશોભન. તે પોતે તેનો સુયોગ્ય ઉપયોગ કરી જાણતો. તેની સૌથી મોટી સિદ્ધિ નવજાગૃતિકાળની દીવાલના સ્થાપત્યમાં પ્રશિષ્ટ તત્વોનો વિનિયોગ કર્યો તે છે. તેની પ્રથમ અને સૌથી મહત્વની સ્થાપત્યકૃતિ સામાન્ય રીતે ‘ટેમ્પિયો માલાતેસ્તિયાનો’ તરીકે ઓળખાતા હિમિનીમાં બંધાયેલ એસ. ફ્રાંસેસ્કોના દેવળની ઇમારત હતી (પ્રારંભ – 1446). નોવેલ્લા ફ્લોરેન્સમાં સંત મારિયાના ગૉથિક દેવળના આગળના ભાગ(1456-70)ની, માન્તુઆમાં સંત સેબાસ્તીઆનો (1460) અને સંત આન્દ્રિયા(1470)નાં દેવળોના પ્રવેશદ્વારની આગળના ભાગોની અને આ પ્રવેશદ્વારો તથા ઓટલાનાં ભૌમિતિક સંકુલોની આરસપહાણથી જડિત રચનાઓ નવજાગૃતિકાળના સુસંવાદી સપ્રમાણ સ્થાપત્યના પ્રારંભિક નમૂના છે. આમ બંને ચર્ચની બાંધણીમાં પ્રાચીન કેન્દ્રગામી (centrally oriented) ગ્રીક ક્રૉસ-પ્લાન સાથે નવજાગૃતિકાળના ઉત્કૃષ્ટ સ્થાપત્યનો સમન્વય સધાયેલો છે.
સ્નેહલ શાહ