આલ્બાઇટ (Albite) : ફેલ્સ્પાર વર્ગની પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણી (isomorphous series)નું ખનિજ. (જુઓ પ્લેજિયોક્લેઝ). રાસાયણિક બંધારણ : Na2O Al2O3. 6SiO2. સોડા 11.8 %, ઍલ્યુમિના 19.5 %, સિલિકા 68.7 %. તે આલ્બાઇટથી ઍનોર્થાઇટ સુધીની સમરૂપ શ્રેણીનું સભ્ય હોવાથી તેમાં 10 % સુધીનું ઍનોર્થાઇટ (CaO.Al2O3.2SiO2) પ્રમાણ હોઈ શકે છે. ક્યારેક પોટૅશિયમ પણ હોય. જો હોય તો ઍનૉથોક્લેઝ અને માઇક્રોક્લાઇન સાથે સંકલિત ગણાય. તે મહત્વનું ખડકનિર્માણ (rock-forming) ખનિજ ગણાય છે. સ્ફટકિ વર્ગ : ટ્રાયક્લિનિક, સ્ફટિકો લાંબા, તકતીઆકાર. ક્યારેક અસ્ફટિકમય જથ્થાસ્વરૂપે કે દાણાદાર પણ હોય. પારદર્શક કે પારભાસક. રંગ : રંગવિહીન, શ્વેત. ક્યારેક ભૂરી, લીલી, લાલ કે રાખોડી ઝાંય સહિતનો શ્વેત. ક્વચિત્ આસમાની, અનેકરંગિતા દર્શાવે. ચૂર્ણરંગ : રંગવિહીન, શ્વેત. સંભેદ (cleavage) : પૂર્ણ, આછો પૂર્ણ કે અપૂર્ણ. ચળકાટ : સામાન્યપણે કાચમય, સંભેદતલ પર મૌક્તિક. ભંગસપાટી : વલયાકાર, ખરબચડી. કઠિનતા : 6થી 6.5 વિ.ઘ. 2.60થી 2.62. ખનિજ છેદ : 1.525થી 1.54 સુધીનો આછો વક્રીભવનાંક. યુગ્મતા : આલ્બાઇટ નિયમ આધારિત, મહદ્અંશે સંસર્ગયુગ્મ રૂપે કે બહુયુગ્મતાધારક (multiple twinning). વિલોપ : સમવિલોપ, મહત્તમ વિલોપકોણ 120-160. પ્રકાશીય સંજ્ઞા +. વિવિધ જાતો → ચંદ્રમણિ, પેરિક્લિન, પેરિસ્ટેરાઇટ, એવેન્ચ્યુરાઇન, ક્લીવલેન્ડાઇટ.

પ્રાપ્તિ : ગ્રૅનાઇટ, સાયનાઇટ, ડાયોરાઇટ અને તે બધાનું પ્રતિનિધિત્વ ધરાવતા ઍસિડિક-સબઍસિડિક-ભૂમધ્યકૃત કે બહિર્ભૂત ખડકોમાં મળે છે.

ઉપયોગ : પૉર્સલિન, માટીનાં વાસણો, ઈંટો વગેરે પર ચમકથી ભરપૂર ઓપ લાવવા માટેનું દ્રવ્ય.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ