આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો (aldehydes and ketones) : કાર્બોનિલ સમૂહ > C = O ધરાવતાં કાર્બનિક સંયોજનો. આલ્ડિહાઇડમાં આ સમૂહ હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય છે અને આ રૂપમાં તે ફૉર્માઇલ સમૂહ -HC = O તરીકે ઓળખાય છે. કીટોનમાંનો કાર્બોનિલ સમૂહ બે કાર્બન સાથે જ જોડાયેલ હોય છે. આ સમૂહો આલ્કાઇલ અથવા એરાઇલ હોઈ શકે અથવા કાર્બોનિલ સમૂહ વલયના ભાગ રૂપે પણ હોઈ શકે છે; દા.ત.,
આ વર્ગનાં સંયોજનો કુદરતમાં વ્યાપક રીતે મળી આવે છે. કાર્બોનિલ સમૂહ અત્યંત ક્રિયાશીલ હોઈ વિવિધ પ્રકારના સમૂહોમાં તેનું રૂપાંતર શક્ય બને છે. આ કારણથી સંશ્લેષિત રસાયણમાં આ વર્ગનાં સંયોજનો ઘણાં ઉપયોગી છે. સામાન્ય રીતે કીટોનની સરખામણીમાં આલ્ડિહાઇડ વધુ ક્રિયાશીલ ગણાય. આનું કારણ આલ્ડિહાઇડમાંનો કાર્બોનિલ સમૂહ પ્રક્રિયકો માટે વધુ ખુલ્લો છે. મિથેન(C–4 H4)માંનો કાર્બન પૂર્ણ રીતે અપચયિત (reduced) ગણાય, જ્યારે કાર્બન-ડાયૉક્સાઇડ(C+4O2)માંનો કાર્બન પૂર્ણ રીતે ઉપચયિત (oxidised) ગણાય. આથી કાર્બોનિલ સમૂહ અપૂર્ણ રીતે ઉપચયિત સ્થિતિમાં ગણાય. આ કારણે આલ્ડિહાઇડ તથા કીટોનનું અપચયન અને ઉપચયન શક્ય છે. કાર્બોનિલ સમૂહની ઊંચી ક્રિયાશીલતાના પાયામાં આ બાબત રહેલી છે.
કાર્બોનિલ સમૂહનું બંધારણ તથા તેની ક્રિયાશીલતા : કાર્બોનિલ સમૂહનો દ્વિબંધ બીજા દ્વિ-બંધોની જેમσ-બંધ અને π-બંધનો બનેલો છે. તેની બંધન-ઊર્જા 75 O કિ.જૂ./મોલ (179 કિ.કે./મોલ) અને બંધલંબાઈ 1.22 Å છે. કાર્બનની સરખામણીમાં ઑક્સિજન વધુ વિદ્યુતઋણીય (electro-negative) છે તેથી ઇલેક્ટ્રૉન યુગ્મને પોતાની વધુ નજીક રાખે છે. કાર્બોનિલ સમૂહને નીચેનાં બે સંસ્પંદન (resonance) સૂત્રોના સંકર (hybrid) તરીકે રજૂ કરી શકાય :
આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કાર્બોનિલ સમૂહ પ્રબળ રીતે ધ્રુવીય (polar) છે, જેમાં ઑક્સિજન ઉપર આંશિક (partial) ઋણભાર હોય છે અને કાર્બન ઉપર આંશિક ધનભાર હોય છે. આ ધ્રુવીકરણને કારણે ધનભારવાહી કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી (nucleophilic) પ્રક્રિયકો જોડાશે અને ઇલેક્ટ્રૉન-અનુરાગી (electrophilic) પ્રક્રિયકો ઑક્સિજન સાથે જોડાશે. કાર્બોનિલ સમૂહ તથા કાર્બન સાથે જોડાયેલ બે સમૂહો એક જ તલમાં હોઈ પ્રક્રિયક્ધો અવકાશીય અડચણ પણ નડતી નથી. આલ્ડિહાઇડમાં આ અડચણ ઓછી હોઈ કીટોનની સરખામણીમાં તે વધુ ક્રિયાશીલતા દર્શાવે છે.
ધ્રુવીય કાર્બોનિલ સમૂહની અસર α (આલ્ફા)-કાર્બન ઉપર પણ થાય છે જે નીચે દર્શાવી છે :
ઈનૉલ
આ રીતે α-સ્થાન ઉપરનો હાઇડ્રોજન ઍસિડ ગુણો દર્શાવી શકે છે. ઈનૉલેટ આયન સંસ્પંદનને કારણે સ્થાયી બને છે. ઈનૉલેટનો α-કાર્બન ઇલેક્ટ્રૉન વૈપુલ્યવાળો હોઈ ઇલેક્ટ્રૉન-અનુરાગી પ્રક્રિયકો ત્યાં જોડાય છે. ઈનૉલ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે તેમ પણ કહી શકાય.
નામકરણ : (1) રૂઢ નામો : (a) આલ્ડિહાઇડનાં નામ અનુરૂપ ઍસિડનાં નામ ઉપરથી પાડવામાં આવ્યાં છે; દા.ત. HCHO ફૉર્માલ્ડિહાઇડ, ફૉર્મિક ઍસિડ (HCOOH) ઉપરથી; CH3CHO ઍસેટાલ્ડિહાઇડ, ઍસેટિક ઍસિડ (CH3COOH) ઉપરથી. (b) કીટોનમાંના કાર્બોનિલ સમૂહની સાથે જોડાયેલ સમૂહનાં નામો મૂકીને પછી કીટોન શબ્દ મૂકવામાં આવે છે; દા.ત., CH3COC2H5 મિથાઇલ (CH3) ઇથાઇલ (C2H5) કીટોન.
(2) આઇ.યુ.પી.એ.સી. પદ્ધતિ : આ પદ્ધતિમાં આલ્ડિહાઇડ માટેનો પ્રત્યય al અને કીટોન માટેના પ્રત્યય one છે. નામ યોજતી વખતે કાર્બોનિલ સમૂહયુક્ત લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીને અનુરૂપ હાઇડ્રોકાર્બનના નામના પ્રત્યય aneને બદલે al કે one લખાય છે. આલ્ડિહાઇડનો ફૉર્માઇલ સમૂહ શૃંખલાને છેડે જ આવી શકે તેથી તેનો ક્રમ (1) લેવાય છે. કીટોનના કાર્બોનિલ સમૂહનું સ્થાન આંકડા વડે દર્શાવવામાં આવે છે અને કાર્બન શૃંખલાનું સંખ્યાંકન એવી રીતે કરાય છે કે જેથી આ આંકડો નાનામાં નાનો આવે; દા.ત., HCHO મિથેનાલ (methanal), CH3CHO ઇથેનાલ (ethanal), CH3COCH3
ઍરોમેટિક સંયોજનોમાં ફૉર્માઇલ સમૂહયુક્ત એકમને પાયા તરીકે લેવામાં આવે છે. દા.ત.,
આલ્ડિહાઇડ અને કીટોનના સંશ્લેષણની કેટલીક પદ્ધતિઓ સામાન્ય છે, જ્યારે કેટલીક વિશિષ્ટ પ્રકારની છે. આ પદ્ધતિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય :
1. કાર્બન-કાર્બન બંધના વિખંડન સાથેની ઉપચયન(oxidation)-પદ્ધતિઓ. 2. વિખંડન વગરની ઉપચયન-પદ્ધતિઓ. 3. અપચયન(reduction)પદ્ધતિઓ. 4. નવા કાર્બન-કાર્બન બંધરચનાવાળી પદ્ધતિઓ.
1. કાર્બન-કાર્બન બંધના વિખંડન સાથેની ઉપચયન-પદ્ધતિઓ : કાર્બન-કાર્બન દ્વિબંધની ઓઝોન સાથે પ્રક્રિયા થતાં ઓઝોનાઇડ મળે છે, જેનું જલવિઘટન કરતાં કાર્બોનિલ સંયોજનો મળે છે. આ પદ્ધતિ કાર્બન-શૃંખલામાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં ઉપયોગી છે. રબરના અણુનાં બંધારણ નક્કી કરવા માટે આ પદ્ધતિ વપરાઈ હતી.
જે કાર્બન હાઇડ્રોજન ધરાવતો હોય તે આલ્ડિહાઇડ આપે છે, જ્યારે હાઇડ્રોજન વગરનો કાર્બન કીટોન આપે છે.
લવિંગના તેલમાં યૂજેનોલ હોય છે. તેમાંથી આઇસોયૂજેનોલ મેળવી તેની ઓઝોન સાથે પ્રક્રિયા કરતાં વેનિલીન મળે છે :
- વિખંડન વગરની ઉપચયન-પદ્ધતિઓ : પ્રાથમિક આલ્કોહૉલના ઉપચયનથી આલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહૉલના ઉપચયનથી કીટોન મળે છે. આ જ પરિણામો વિહાઇડ્રોજનીકરણથી પણ પ્રાપ્ય છે. આ પદ્ધતિઓ ઉદ્યોગમાં ઉપયોગી છે.
ટૉલ્યૂઇનનું ઉદ્દીપકીય ઉપચયન કરીને ઉદ્યોગમાં બેન્ઝાલ્ડિહાઇડ મેળવાય છે.
સાથે સાથે પ્રક્રિયા આગળ શક્ય હોઈ બેન્ઝોઇક ઍસિડ પણ મળે છે. નાઇટ્રિક ઍસિડ વડે ઉપચયન કરીને ઍસેટાલ્ડિહાઇડમાંથી ગ્લાયૉક્સલ બનાવાય છે :
CH3CHO → CHO-CHO
- અપચયન પ્રક્રિયા : રોઝેન્મુડ પ્રક્રિયામાં ઍસિડ ક્લોરાઇડનું ઉદ્દીપકીય અપચયન કરતાં આલ્ડિહાઇડ મળે છે.
- નવા કાર્બન-કાર્બન બંધની રચનાવાળી પ્રક્રિયાઓ : આ પ્રક્રિયાઓમાં -HCO તથા RCO- સમૂહ સામાન્ય રીતે ઍરોમેટિક સંયોજનોમાં દાખલ કરવામાં આવે છે.
ઍસિડના કૅલ્શિયમ લવણની સાથે કૅલ્શિયમ ફૉર્મૅટ લેવાથી આલ્ડિહાઇડ મળે છે.
(CH3COO)2Ca + (HCOO)2Ca → 2CaCO3 + 2CH3CHO
દ્વિબેઝિક ઍસિડને બેરિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે ગરમ કરવાથી ચક્રીય કીટોન મળે છે. પાંચ અને છ કાર્બનયુક્ત વલયો સરળતાથી બને છે.
આ પદ્ધતિ ફેરફાર સહિત વધુ કાર્બન ધરાવતા ચક્રીય કીટોન(કસ્તૂરીમાંના મસ્કોન જેવા)ની બનાવટમાં વપરાય છે.
CO+HCl વચ્ચે શરૂઆતમાં પ્રક્રિયા થતાં અસ્થિર HCOCl ફૉર્માઇલ ક્લોરાઇડ બને છે, જે પ્રક્રિયામાં ભાગ લે છે તેમ માનવામાં આવે છે. હાઇડ્રૉક્સિલ સમૂહની હાજરીથી આલ્ડિહાઇડ સમૂહ દાખલ કરવાનું સરળ બને છે.
આ પ્રક્રિયા ફ્રીડેલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બેન્ઝાલ ક્લોરાઇડનું જલવિઘટન બેન્ઝાલ્ડિહાઇડ માટેની અગત્યની ઔદ્યોગિક પદ્ધતિ ગણાય.
આવા જેમ (gem) દ્વિહેલાઇડ સરળતાથી મળતા ન હોઈ આ પદ્ધતિ ફક્ત બેન્ઝાલ્ડિહાઇડ પૂરતી જ મર્યાદિત છે.
પ્રક્રિયાઓ : આલ્ડિહાઇડ અને કીટોનની આ પ્રક્રિયાઓ અગત્યની છે : (i) કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, (ii) ઉપચયન-પ્રક્રિયાઓ, (iii) અપચયન-પ્રક્રિયાઓ, (iv) અન્ય પ્રક્રિયા અને α-હાઇડ્રોજનની પ્રક્રિયાઓ.
કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ : પ્રક્રિયકોની પ્રકૃતિ અનુસાર આ પ્રક્રિયાઓના બે વિભાગ પાડી શકાય : (1) અકાર્બનિક કેન્દ્રાનુરાગીઓ, (2) કાર્બનિક કેન્દ્રાનુરાગીઓ.
1. અકાર્બનિક કેન્દ્રાનુરાગી : આમાં સોડિયમ એમોનિયા હાઇડ્રૉક્સિલ એમાઇન (NH2OH), હાઇડ્રેઝીન(NH2-NH2)નાં વ્યુત્પન્નો (જેવાં કે ફિનાઇલ હાઇડ્રેઝીન C6H5NHNH2, સેમિકાર્બેઝાઇડ H2NHCONH2) અને લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડLiAlH4નો અગત્યનાં કેન્દ્રાનુરાગી છે.
આ યોગશીલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય :
HZ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. પ્રક્રિયકનો કેન્દ્રાનુરાગી Z– કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે પ્રથમ જોડાય છે અને પછી H+ ઑક્સિજન સાથે જોડાય છે અને યોગ રચાય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય છે.
(i) પાણી સાથે : પાણી અતિ નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોઈ ફૉર્માલ્ડિહાઇડ અને ક્લોરલ જેવા જ ક્રિયાશીલ આલ્ડિહાઇડ હાઇડ્રેટ બનાવે છે. બાકીના આલ્ડિહાઇડ તથા કીટોન દ્રાવણમાં મુક્ત કાર્બોનિલ સંયોજન-સ્વરૂપે જ હોય છે.
HCHO + H2O → HCH(OH)2 (દ્રાવણમાં જ)
Cl3CHO + H2O → (Cl3 CH(OH)2
ક્લોરલ ક્લોરલ હાઇડ્રેટ
ત્રણ વિદ્યુતઋણીય ક્લોરિન-પરમાણુઓ કાર્બોનિલ સમૂહની ક્રિયાશીલતામાં વધારો કરતાં સ્થાયી ઘન ક્લોરલ હાઇડ્રેટ બનાવે છે.
(ii) આલ્કોહૉલ સાથે : નિર્જલ હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં આલ્કોહૉલની કાર્બોનિલ સમૂહ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે અને આલ્ડિહાઇડ હેમિઍસેટલ કે ઍસેટલ આપે છે :
કીટોન આવી રીતે કીટલ આપે છે, પણ આલ્ડિહાઇડના મુકાબલે પ્રક્રિયા ઓછી ઝડપી છે. આ પ્રક્રિયા શર્કરાના અભ્યાસમાં ઘણી ઉપયોગી છે.
(iii) સોડિયમ બાઇસલ્ફાઇટ સાથે : સોડિયમ બાઇસલ્ફાઇટ સાથે બાઇસલ્ફાઇટ સંયોજન મળે છે. આમાં કેન્દ્રાનુરાગી SO–3Na છે.
આ સંયોજનની ઍસિડ કે બેઇઝ સાથે પ્રક્રિયા કરતાં મૂળ કાર્બોનિલ સંયોજન પાછું મળે છે, તેથી આ પ્રક્રિયા કાર્બોનિલ સંયોજનોના અલગીકરણ, શુદ્ધીકરણ અને પરીક્ષણમાં ઉપયોગી છે.
(iv) એમોનિયાના વ્યુત્પન્નો સાથે : એમોનિયા સાથે ફૉર્માલ્ડિહાઇડ હેક્ઝામીના-હેક્ઝામિથિલીન ટેટ્રામાઇન-આપે છે.
એમોનિયાના વ્યુત્પન્નોની કાર્બોનિલ સંયોજનો સાથેની પ્રક્રિયા અગત્યની છે. શરૂઆતમાં બનતાં યૌગિકો (addition compounds) પાણીનો અણુ ગુમાવીને સ્થાયી, સ્ફટિકમય સંયોજનો બનાવે છે. આ કારણથી આ પ્રક્રિયકો કાર્બોનિલ સંયોજનોનાં અલગીકરણ, શુદ્ધીકરણ તથા પરીક્ષણમાં અતિ અગત્યનાં છે.
>C = O + NH2OH → >C=NOH ઑક્ઝાઇમ
” + NH2NH2 → >C=NNH2 હાઇડ્રેઝોન
” + PhNHNH2 → >C=NNHPh ફિનાઇલ હાઇડ્રેઝોન
” + H2NNHCONH2 → >C=NNHCONH2 સેમિકાર્બેઝોન
2. કાર્બનિક કેન્દ્રાનુરાગીઓ : સાયનાઇડ (CN–), લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો H– આયન, કાર્બ-ધાત્વિક સંયોજનનો આલ્કાઇલ કે એરાઇલ સમૂહ (R–.Mg+X) વગેરે કેન્દ્રાનુરાગીઓ છે. પ્રક્રિયકનો કેન્દ્રાનુરાગી ભાગ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાય છે અને બાકીનો ભાગ (જલવિભાજન પછી H+) ઑક્સિજન સાથે જોડાય છે. સંશ્લેષણની દૃષ્ટિએ આ પ્રક્રિયાઓ અગત્યની છે.
3. ઉપચયન-પ્રક્રિયાઓ : આલ્ડિહાઇડનું ઉપચયન કીટોનના મુકાબલે વધુ સરળ છે. આલ્ડિહાઇડનું ઉપચયન કરતાં મૂળ જેટલા જ કાર્બન પરમાણુઓ ધરાવતા ઍસિડ મળે છે.
RCHO + O → RCOOH
આ માટે ફેહલિંગનું દ્રાવણ તેમજ બેનેડિકટનું દ્રાવણ વાપરી શકાય. આલ્ડિહાઇડનું ઉપચયન થતાં ફેહલિંગ પ્રક્રિયકનો વાદળી રંગ લાલ અવક્ષેપમાં ફેરવાઈ જાય છે. જ્યારે બેનેડિક્ટ પ્રક્રિયક વાદળીમાંથી લીલો અને પછી લાલાશ પડતો તપખીરી અવક્ષેપવાળો થઈ જાય છે. આ બંને પ્રક્રિયકો પેશાબમાં ગ્લુકોઝની હાજરી ચકાસવા માટે વપરાય છે. એમોનિએકલ સિલ્વર નાઇટ્રેટ આલ્ડિહાઇડ સાથે સિલ્વર દર્પણ આપે છે. કીટોન તેમજ ઍરોમેટિક આલ્ડિહાઇડ આ કસોટીઓ આપતા નથી.
કીટોનનું ઉપચયન ઉગ્ર પ્રક્રિયક વડે કરતાં મૂળ કરતાં ઓછી કાર્બન-સંખ્યાવાળા ઍસિડ મળે છે.
4. અપચયન પ્રક્રિયાઓ : આલ્ડિહાઇડ અને કીટોન અપચયન પામતાં અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલ આપે છે :
RCHO + H2 → RCH2OH પ્રાથમિક આલ્કોહૉલ
RCOR’ + H2 → RCHOHR’ દ્વિતીયક આલ્કોહૉલ
5. α-હાઇડ્રોજનની પ્રક્રિયાઓ : ધ્રુવીય કાર્બોનિલ સમૂહની હાજરીને લીધે α-કાર્બન હાઇડ્રોજનનું સરળતાથી વિસ્થાપન થતું હોઈ તે પ્રક્રિયામાં ભાગ લે છે.
(i) હેલોફૉર્મ પ્રક્રિયા -COCH3 સમૂહ ધરાવતા પદાર્થો આયોડિન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં આયોડોફૉર્મ આપે છે.
RCOCH3 + 30[OI] → RCOO + CHI3 + H2O–
CH3CHOH-R પણ આ પ્રક્રિયા આપે છે.
(ii) આલ્ડોલ પ્રક્રિયા : આલ્કલીની હાજરીમાં ઍૅસેટાલ્ડિહાઇડ આલ્ડોલ આપે છે. ઍસેટાલ્ડિહાઇડના એક અણુમાંથી કાર્બ-ઍનાયન ઉત્પન્ન થઈને કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે એટલે તેને કેન્દ્રાનુરાગી યૌગિક પ્રક્રિયા ગણી શકાય :
ઍરોમેટિક આલ્ડિહાઇડમાં α-હાઇડ્રોજન ન હોઈ તે આ પ્રકારની પ્રક્રિયા આપતા નથી.
ફૉર્માલ્ડિહાઇડ અને ઍસેટાલ્ડિહાઇડનું બહુલીકરણ થાય છે. કીટોન તથા ઍરોમેટિક આલ્ડિહાઇડનું બહુલીકરણ થતું નથી.
અન્ય પ્રક્રિયાઓ : આ વર્ગમાં કેનિઝારો પ્રક્રિયા, પર્કીનની પ્રક્રિયા, બેન્ઝોઇન સંઘનન જેવી વિશિષ્ટ પ્રક્રિયાઓ આવે છે. વળી એક કરતાં વધુ કાર્બાનિલ સમૂહ ધરાવતાં સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે. વિવિધ ક્રિયાશીલ સમૂહ ધરાવતાં સંયોજનોમાં આંતરઅણુક પ્રક્રિયા શક્ય બને છે; દા.ત., શર્કરાઓમાં હાઇડ્રૉક્સિલ તેમજ કાર્બોનિલ સમૂહ એક જ અણુમાં હાજર હોઈ તેમની વચ્ચે પરસ્પર પ્રક્રિયા થતાં વલયનિર્માણ શક્ય બને છે. એક જ અણુમાં કાર્બોનિલ સમૂહ તથા દ્વિબંધ એવી રીતે આવેલ હોય જેથી α-β-અસંતૃપ્ત પ્રણાલી રચાય તો કાર્બોનિલ સમૂહની ક્રિયાશીલતાનું β-કાર્બન ઉપર સંચારણ (transmission) થાય છે.
આલ્ડિહાઇડ કીટોનનું પરીક્ષણ : આલ્ડિહાઇડ અને કીટોન ઑક્ઝાઇમ, ફિનાઇલ હાઇડ્રેઝોન અને સેમિકાર્બેઝોન વ્યુત્પન્નો સરળતાથી આપે છે. આ વ્યુત્પન્નો સ્ફટિકમય અને નિશ્ચિત (sharp) ગલનબિન્દુવાળા હોઈ ઓળખ(indentification)માં ઉપયોગી છે. ઓગણીસમી સદીમાં ફિનાઇલ હાઇડ્રેઝીન શર્કરાઓના અભ્યાસમાં ખૂબ ઉપયોગી નીવડ્યું હતું. ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયક આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે કીટોન આ પ્રક્રિયા આપતા નથી. આધુનિક સમયમાં સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી પરીક્ષણ ઘણું ઝડપી બની શક્યું છે; દા.ત., કાર્બોનિલ સમૂહ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રામાં 1,720 સેમી.–1ના અરસામાં અવશોષણ કરે છે. કાર્બોનિલ સમૂહની નજદીકના સમૂહોને કારણે આ અવશોષણમાં સ્થાનાંતર (shift) માલૂમ પડે છે; દા.ત., ઍરોમેટિક સમૂહ કે અસંતૃપ્ત સમૂહની હાજરીને કારણે આ અવશોષણ 1,680 સેમી.–1ની નજદીકમાં થાય છે.
ઉપયોગો : કેટલાક આલ્ડિહાઇડ અને કીટોન વિશિષ્ટ ગુણો ધરાવતા હોવાથી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. આલ્ડિહાઇડ/કીટોન કાર્બનિક સંશ્લેષણમાં અગત્યના મધ્યસ્થીઓ છે.
આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો
સામાન્ય નામ | અણુસૂત્ર | ગ.બિ. 00સે. | ઉ.બિ. 00સે. | ઔદ્યોગિક ઉપયોગ | |
ઍલેફિટિક આલ્ડિહાઇડ | |||||
(1) | ફૉર્માલ્ડિહાઇડ | HCHO | -92 | -21 | પ્લાસ્ટિક, વિસ્ફોટકો બનાવવામાં, જંતુનાશક |
(2) | ઍસેટાલ્ડિહાઇડ | CH3CHO | -121 | 21 | ઍસેટિક ઍસિડ અને ઍનહાઇડ્રાઇડ તથા
અન્ય રસાયણોની બનાવટમાં |
(3) | ફ્લોરલ | CCl3CHO | -58 | 98 | ડી.ડી.ટી.ની બનાવટમાં |
ઍરોમૅટિક આલ્ડિહાઇડ | |||||
(1) | બેન્ઝાલ્ડિહાઇડ | C6H5CHO | -26 | 178 | રંગકોની બનાવટમાં તથા સુગંધિત પદાર્થમાં |
(2) | ઍનિસાલ્ડિહાઇડ | CH3OC6H4CHO(4) | 0 | 250 | સુગંધિત પદાર્થની બનાવટમાં |
(3) | વેનિલીન | (4) OH
>C6H4CHO (3) CH3O |
80-81 | 285 | સુગંધિત પદાર્થ તરીકે ખાદ્યોમાં |
ઍલિફેટિક કીટોન | |||||
(1) | ઍસીટોન | CH3COCH3 | -95 | 56 | દ્રાવક અને મિથાઇલ મિથાક્રિલેટ પ્લાસ્ટિકની બનાવટમાં |
(2) | મિથાઇલ આઇસોબ્યુટાઇલ કીટોન | CH3COCH2CH(CH3)2 | -85 | 117 | દ્રાવક |
(3) | સાઇક્લોહેક્ઝેનોન | C6H10O | -45 | 155 | નાઇલૉન-6ની બનાવટમાં |
(4) | મસ્કોન (કસ્તૂરીમાંથી) | 330 | સુગંધિત પદાર્થ | ||
(5) | સિવેટોન (ઍરોમેટિક કીટોન) | 31-32 | 342
(742 મિ.મી.) |
સુગંધિત પદાર્થ | |
(1) | ઍસીટોફિનોન | C6H5COCH3 | 21 | 202 | રાસાયણિક મધ્યસ્થી, સુગંધિત પદાર્થની
બનાવટમાં |
(2) | બેન્ઝોફિનોન | C6H5COC6H5 | 48.5 | 305.4 | દવાઓ, જંતુનાશકની બનાવટમાં અને
સુગંધિત પદાર્થના સ્થાયી કારક તરીકે |
પ્રવીણસાગર સત્યપંથી