આલ્કોહોલી આથવણ (alcoholic fermentation) : ઑક્સિજન કે જારક શ્વસનને લગતા ઉત્સેચકોની ગેરહાજરીમાં ખાંડ, ગોળ, શેરડીનો રસ અને દ્રાક્ષ જેવા શર્કરાયુક્ત પદાર્થોમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન કરીને તેને ઇથાઇલ આલ્કોહૉલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા યીસ્ટ (Saccharomyces cereviseae) જેવા સૂક્ષ્મ જીવો ઊર્જા મેળવે છે. આ પ્રક્રિયાને નીચે પ્રમાણે ટૂંકમાં રજૂ કરી શકાય :

આ પ્રક્રિયા 200-250 સે. તાપમાને, 5-6 pHએ તથા યૂરિયા કે નવસારની હાજરીમાં વધારે સારી થાય છે. બીયર, રમ, શેમ્પેન, વોડકા, સાયડર, બ્રાંડી વગેરે મદ્યો તથા ઔદ્યોગિક આલ્કોહૉલ, સરકા (vinegar) અને બ્રેડના ઉત્પાદનના પાયામાં આ પ્રક્રિયા રહેલી છે.

ગુજરાતમાં વડોદરા, બીલીમોરા તથા કોડીનારમાં આલ્કોહૉલના નિર્માણ માટેની ડિસ્ટિલરીઓ છે. યીસ્ટના સ્થાને વધુ કાર્યક્ષમ બૅક્ટેરિયા (Zymomonas spp.) ભવિષ્યમાં વપરાશમાં આવવાની શક્યતા છે.

નટવરસિંહ કેસરીસિંહ યાદવ