આલ્કેમિસ્ટ કેમિસ્ટ,ધ

January, 2002

આલ્કેમિસ્ટ કેમિસ્ટ, ધ (1612 ) : અંગ્રેજી નાટક. અંગ્રેજ લેખક બેન જૉન્સનનું આ નાટક 1610માં ‘કિંગ્ઝ મૅન’ દ્વારા ભજવાયું હતું. કેટલાક આ નાટકને તેમનું શ્રેષ્ઠ નાટક માને છે. ‘આલ્કેમિસ્ટ’ એટલે સોનું બનાવનાર કીમિયાગર.

પ્લેગને કારણે લવવિટ તેનું લંડનનું ઘર નોકર ફેસને સોંપીને ચાલ્યો જાય છે. તે પછી અટલ નામનો એક બનાવટી આલ્કેમિસ્ટ તેમજ જ્યોતિષી અને તેની સાથી ડૉલ કૉમન એ ઘરનો ઉપયોગ અનેક જાતના માણસોને છેતરવા માટે કરે છે. તેઓ વિલાસી સરદાર સર એપિક્યૉર મેમન, અનાનિયસ અને ટ્રિબ્યુલેશન હોલસમને પારસમણિ આપવાનું; વકીલના એક કારકુન ડેપરને જુગારમાં જીતવા એક ચમત્કારિક વસ્તુ આપવાનું; તમાકુના વેપારીને ધંધો ધમધોકાર કરવા તેની દુકાન માટે જાદુઈ યોજના આપવાનું; ઝઘડો કરવાની ભાષા શીખવા માટે આતુર કસ્ટ્રીલને તેની વિધવા બહેન ડેમ પ્લાયન્ટનું ધનવાન સાથે લગ્ન કરાવી આપવાનું – એવાં વચનો અનેકને આપે છે. તેમની ચાલાકી અને ધૂર્તતા વિશે જાણનાર એક જણ સ્પૅનિયાર્ડના છૂપા વેશે જઈ તેમની વાત ખુલ્લી પાડવા મથે છે, પણ તેઓ તેને સાંભળતા નથી અને કાઢી મૂકે છે. એટલામાં ઘરમાલિક લવવિટ એકાએક પાછો ફરતાં બંને નાસી જાય છે. તેનો નોકર ફેસ શેઠને શાંત પાડી ખુશ રાખવા ડેમ પ્લાયન્ટ સાથે તેનું લગ્ન ગોઠવે છે.

કૃષ્ણવદન જેટલી