આલોક પર્વ (1972) : હિંદીના સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો નિબંધસંગ્રહ. તેને 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે.
પુરસ્કૃત કૃતિમાં 27 નિબંધો છે. કેટલાક નિબંધો હિંદી સાહિત્યમાં ઉત્તમ લેખાય છે. તેમાં શૈલીની કલાત્મક ગરિમા છે અને સાથોસાથ ભાષા અત્યંત સહજ અને સાદગીપૂર્ણ છે. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાનું તેમાં સુંદર નિરૂપણ છે.
દેશના એક પ્રથમ કોટિના વિદ્વાન તરીકે હજારીપ્રસાદે હિંદી સાહિત્યના પ્રાચીન અને મધ્યકાલીન તબક્કાઓ વિશે પ્રશંસનીય સંશોધન કર્યું છે અને પોતાની અનોખી મૌલિક શૈલીમાં પ્રતિપાદિત કર્યું છે કે ભારતીય સંસ્કૃતિનો ભૂતકાળ ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ હતો. ‘આલોક પર્વ’માંના હિમાલય, કાલિદાસની કલાપૂર્ણ શૈલી અને ભવ્યતા તેમજ લોકશાહી અને ભાષા જેવા વિષયોને લગતા નિબંધો સ્મરણીય છે. તેમની અગાધ ગ્રહણશક્તિ, સમાસરહિત શૈલી જેવી વિશેષતાઓને કારણે આ નિબંધસંગ્રહ સાંપ્રત હિંદી સાહિત્યમાં અનન્ય ઉમેરણ લેખાયો છે. ગુજરાતીમાં આ કૃતિનો અનુવાદ શ્રી ભગવતીકુમાર શર્માએ આપ્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા