આર્ષજ્ઞાન : ઋષિઓનું ત્રિકાળજ્ઞાન. વૈશેષિક દર્શન અનુસાર જ્ઞાન(= વિદ્યા)ના ચાર પ્રકાર છે : પ્રત્યક્ષ, લૈંગિક (= અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રશસ્તપાદ કહે છે તેમ સામ્નાય એટલે કે આગમોના પ્રણેતા ઋષિઓનું જે અતીન્દ્રિય પદાર્થોનું ભૂત, ભાવિ અને વર્તમાનકાળનું જ્ઞાન તે આર્ષજ્ઞાન. આ જ્ઞાન લિંગ વગેરેની અપેક્ષા રાખતું નથી, પણ તે આત્મા અને મનના સંયોગથી અને તપ વગેરે ઉત્કૃષ્ટ ધર્મવિશેષથી પ્રાપ્ત થાય છે. આર્ષજ્ઞાન એ ઋષિ કે યોગીને થતું પ્રાતિભ જ્ઞાન છે. એ ઉચ્ચતમ આધ્યાત્મિક કોટિએ પહોંચેલા પુરુષનું ક્રાન્તદર્શન છે.
વસંત પરીખ