આર્મ્સ ઍન્ડ ધ મૅન

January, 2002

આર્મ્સ ઍન્ડ ધ મૅન : જ્યૉર્જ બર્નાર્ડ શૉની નાટ્યકૃતિ. ‘પ્લેઝ પ્લેઝન્ટ ઍન્ડ અન્પ્લેઝન્ટ’ની શ્રેણીમાં તે 1898માં પ્રગટ થઈ હતી.

‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’નો પરિવેશ 1885 ની સાલના બલ્ગેરિયાનો છે. યુદ્ધ અને લગ્ન એ આ નાટકનું કથાવસ્તુ છે. યુદ્ધ અનિષ્ટ અને મૂર્ખતાભર્યું છે, તો લગ્ન ઇચ્છવા જેવું અને સારું છે; પરંતુ રંગદર્શી કલ્પનાઓ યુદ્ધને આફતમાં અને લગ્નને દુ:ખમાં ફેરવી નાખે છે.

આ ભૂમિકાએથી શૉનું આ નાટક ઉડ્ડયન આરંભે છે. નાટકની શરૂઆતમાં રેના પેટ્કૉફ નામની જુવાન કન્યાને યુદ્ધમાં ગયેલા મેજર સર્જિયસ સેરેનૉફની પત્ની બનવા ઝંખતી દર્શાવી છે. એ યુદ્ધમાં સર્જિયસને વિજય મળ્યો છે, એવા સમાચારથી રેના અને તેની માતા કૅથરિન ખુશ થાય છે. પોતે જેની સાથે વિવાહથી જોડાયેલી છે તે પુરુષ દેખાય છે તેવો જ ભવ્ય અને પરાક્રમી છે એના હર્ષમાં સર્જિયસની છબી સમક્ષ ‘માય હીરો !’ ‘માય હીરો !’ કહીને ઓવારણાં લેતી રેના સૂવા માટે જાય છે. એક પ્રણયાસક્ત કન્યાનું આ રંગીન જીવનદર્શન છે.

દરમિયાન હારેલા લશ્કરનો એક અધિકારી કૅપ્ટન બ્લંટ્શ્લી અટારીમાં થઈને રેનાના ખંડમાં ધસી આવે છે. વિજેતા સૈન્યના અફસરો એની પાછળ પડેલા છે. રેના તેને સંતાડી, એને પકડવા આવેલાઓને અહીં કોઈ આવ્યું નથી કહી પાછા કાઢે છે.

પીછો કરનારાના ગયા પછી રેના આગંતુક અફસરની પૂછપરછ કરે છે. તેમાંથી તેને જાણ થાય છે કે તે એક ધંધાદારી સ્વિસ સૈનિક છે. બંદૂકમાં દારૂ ભરવાને બદલે ચૉકલેટ ભરીને એ ફરતો હોય છે.

રેના તેને યુદ્ધનું વર્ણન કરવા કહે છે. એ જે રીતે વર્ણન કરે છે, તેમાં સર્જિયસ કોઈ વીરપુરુષ નહિ, પરંતુ મૂર્ખશિરોમણિ હતો એ વાત સહજ પ્રગટ થઈ જાય છે અને તેની સાથે રેનાનું રંગદર્શી ચિત્ર વિલાઈ જાય છે.

પછીનાં દૃશ્યોમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે. સૈનિકો પણ ઘેર પાછા આવી ગયા છે. સર્જિયસ પોતે પણ રાજીનામું મૂકીને ઘેર આવ્યો છે. રેના હજુ પણ તેને પરાક્રમી પુરુષ તરીકે જુએ છે. એ અરસામાં કૅપ્ટન બ્લંટ્શ્લી પેટ્કૉફ પરિવારની મુલાકાતે આવે છે અને રેના તેને ઓળખી જાય છે. પછીના એક રમૂજી દૃશ્યમાં, રોમૅન્ટિક મહોરાની પાછળ રેનાનું સાચું સ્વરૂપ શું છે તે બ્લંટ્શ્લી ખુલ્લું કરી આપે છે. એ રેનાને કહે છે કે ઉદાત્તતા ધારણ કરીને તું જ્યારે કંપતા સ્વરે બોલે છે ત્યારે હું તારી પ્રશંસા કરું છું, પણ તારો એકે શબ્દ માની શકતો નથી. બ્લંટ્શ્લીની નિખાલસતા રેનાને સ્પર્શી જાય છે અને તે તેની સાથે લગ્ન કરે છે. બીજી બાજુ સર્જિયસના પણ રંગીન ખ્યાલો ઓગળી ચૂક્યા છે. એનું મન પેટ્કૉફ કુટુંબની દાસી લોકા પર જઈને ઠર્યું છે. આમ રંગદર્શિતા અને મિથ્યાડંબરની ધમાચકડીમાંથી શૉ એક પ્રસન્નકર નાટક નિપજાવે છે.

જયન્ત પંડ્યા