આર્બર, અગ્નેસ (જ. 23 ફેબ્રુ. 1879, લંડન : અ. 22 માર્ચ 1960 કેમ્બ્રિજશાયર) : અંગ્રેજ મહિલા વનસ્પતિશાસ્ત્રી. તેમણે એકદળી વનસ્પતિઓની તુલનાત્મક અન્ત:સ્થ સંરચના (anatomy) ઉપર મહત્વના મૌલિક વિચારોનું પ્રદાન કરેલું છે. લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી. (1899) તથા ડી.એસસી. (1905) અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.(1909)ની ઉપાધિ મેળવી હતી. આમ તેમના કાર્યમાં વિજ્ઞાન અને વિનયનનો સમન્વય જોવા મળે છે. વિખ્યાત પુરા-વનસ્પતિવિજ્ઞાની (paleo-botanist) ઍલેક્ઝાંડર ન્યૂવેલ સાથે 1909માં લગ્નસંબંધથી જોડાયાં હતાં. તેઓ 1946માં રૉયલ સોસાયટી ઑવ્ લંડનનાં પ્રથમ મહિલા ફેલો બન્યાં.
વનસ્પતિ વિશેના વર્ણનાત્મક લેખોથી તેમણે શરૂઆત કરેલી. વનસ્પતિશાસ્ત્ર અંગેનાં તેમનાં પ્રસિદ્ધ પુસ્તકો નીચે પ્રમાણે છે :
1. Herbals, Their Origin and Evolution (1912).
2. Water Plants :A Study of Aquatic Angiosperms (1920).
3. Monocotyledons: A Morphological Study (1925).
4. Gramineae : AStudy of Cereal, Bamboo and Grass (1934).
પાછલાં વર્ષોમાં તેઓ તત્ત્વજ્ઞાની બન્યાં અને તેમની વિચારધારા રજૂ કરતાં નીચેનાં પુસ્તકો સારો આવકાર પામ્યાં.
1. The Natural Philosophy of Plant Form (1950).
2. The Mind and the Eye : A Study of the Biologists’ Standpoint (1954).
3. The Manifoldand the One (1957).
સરોજા કોલાપ્પન