આર્નલ્ડસન, કે. પી. (જ. 27 ઑક્ટોબર 1844, ગોટબર્ગ, સ્વીડન; અ. 20 ફેબ્રુઆરી 1916 સ્ટૉકહૉમ, સ્વીડન) : 1908 ના શાંતિના નોબેલ પુરસ્કારના વિજેતા રાજપુરુષ.
વ્યાવસાયિક કારકિર્દી રેલવેના સામાન્ય કારકુન તરીકે શરૂ કરી સ્ટેશનમાસ્તરના પદ સુધી બઢતી મેળવી હતી. પરંતુ શાંતિ માટેની તીવ્ર ઝંખનાને લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને પોતાની સમગ્ર શક્તિ રાજદ્વારી ક્ષેત્રને અર્પણ કરી હતી. 1881માં તેઓ સ્વીડનની સંસદમાં ચૂંટાયા હતા. નિષ્ઠાવાન શાંતિચાહક તરીકે નૉર્વે અને સ્વીડન વચ્ચેની રાજદ્વારી સમસ્યાઓનું નિરાકરણ શાંતિપૂર્ણ તથા એખલાસભર્યા વાતાવરણમાં થાય તે દિશામાં તેમણે આગવી ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પણ નૉર્વે તથા સ્વીડને તટસ્થતાનું ધોરણ સ્વીકારવું જોઈએ તેની તેમણે હિમાયત કરી હતી. તેમની સક્રિય સહાયથી 1883માં સ્વીડનમાં ‘સ્વીડિશ એસોસિયેશન ફૉર પીસ ઍન્ડ રિકન્સિલિયેશન’ નામના સંગઠનની સ્થાપના થઈ હતી. 1890માં નૉર્વે અને સ્વીડન વચ્ચેનો સંઘર્ષ ચરમ સીમા પર પહોંચ્યો ત્યારે તેના શાંતિપૂર્ણ સમાધાન માટે તેમણે બંને દેશોમાં જોરદાર પ્રજામત કેળવ્યો હતો. આ શાંતિચાહકના પ્રયાસોને પરિણામે 1905માં નૉર્વે તથા સ્વીડનના સંયુક્ત સંઘરાજ્યનું વિસર્જન બંને દેશોની સંમતિથી થયું હતું.
દેવવ્રત પાઠક