આર્થી ભાવના : પૂર્વમીમાંસાનો મૂળભૂત અને મહત્વનો સિદ્ધાંત. ભાવના એટલે જે અસ્તિત્વમાં આવવાનું હોય (ભવિતૃ) તે(કાર્ય)ના અસ્તિત્વમાં આવવા (ભવન) માટે અનુકૂળ એવો ઉત્પન્ન કરનાર(ભાવયિતૃ)નો વિશિષ્ટ વ્યાપાર (પ્રવૃત્તિ). અર્થાત્ વસ્તુ કે ઘટનાના અસ્તિત્વ માટે કર્તાનો અનુકૂળ વિશિષ્ટ વ્યાપાર.
વિધિવાક્ય દ્વારા સૂચિત થતી અને સાધ્યને સિદ્ધ કરવાની સાધનસહિતની સમગ્ર પ્રક્રિયાનો ભાવનામાં સમાવેશ થાય છે. સામાન્યત: વિધ્યર્થના પ્રત્યયથી યુક્ત એવું ક્રિયાપદ કર્તાને અમુક વિશિષ્ટ ધ્યેય(ફલ)ને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે. વિશાળ અર્થમાં આને ભાવના કહે છે.
ભાવનાના બે પ્રકાર છે : શાબ્દી ભાવના કે શબ્દભાવના અને આર્થી ભાવના કે અર્થભાવના. ‘સ્વર્ગની કામનાવાળાએ યજ્ઞ કરવો જોઈએ’ (स्वर्गकामः यजेत ।) એ વૈદિક ઉદાહરણ દ્વારા આને સમજવાનું સરળ થશે.
શાબ્દી ભાવના : પ્રસ્તુત વૈદિક વાક્ય અપૌરુષેય અને નિત્ય હોવાથી સ્વત: પ્રમાણ છે. તેના દ્વારા વ્યક્ત થતી પ્રેરણારૂપ ભાવના તેમાંના વિધ્યર્થરૂપ(यजेत)માં જ રહેલી હોવાથી તે ‘શાબ્દી ભાવના’ કહેવાય છે. તે માનસિક ક્રિયારૂપ વક્તાનો અભિપ્રાયવિશેષ છે. તેના દ્વારા શ્રોતામાં અમુક પ્રવૃત્તિ કરવાની તત્પરતા જાગે છે. આથી અન્ય પુરુષની પ્રવૃત્તિને અનુકૂળ એવો પ્રેરણા આપનાર(ભાવયિતૃ)નો ખાસ (પ્રેરક) વ્યાપાર (માનસિક ઇરાદો) એ શાબ્દી ભાવના બને છે. વેદનો કોઈ વક્તા નહિ હોવાથી વૈદિક વાક્યમાંના શબ્દ દ્વારા જ વ્યક્ત થતી આ ભાવના યથાર્થ રીતે શાબ્દી કહેવાય છે.
તેના ત્રણ અંશો હોય છે : (1) સાધ્ય (જેને અસ્તિત્વમાં લાવવાનું હોય તે), (2) સાધન (જેના દ્વારા અસ્તિત્વમાં લાવવાનું હોય તે) અને (3) ઇતિકર્તવ્યતા (જે રીતે અસ્તિત્વમાં લાવવાનું હોય તે).
પ્રસ્તુત ઉદાહરણમાં આ ત્રણ અંશો નીચે મુજબ છે : (1) ત્રણ અંશોવાળી આર્થી ભાવના સાધ્ય છે. (2) લિઙ્ (વિધ્યર્થ) વગેરેનું જ્ઞાન એ સાધન છે. (3) સાધનને વધુ અસરકારક બનાવી શકે તેવી યાગરૂપી કર્મની પ્રશંસા (અર્થવાદ) એ ઇતિકર્તવ્યતા (પદ્ધતિ) છે.
આર્થી ભાવના : શાબ્દી ભાવનાનું સાધ્ય બનતી આર્થી ભાવના એ ખરેખરી વાસ્તવિક ભાવના છે. તે પણ માનસિક ક્રિયા છે, તેનો સંબંધ પ્રવૃત્તિ કરવા માટે તત્પર થનાર બીજી વ્યક્તિ સાથે છે. શાબ્દી ભાવના એ કારણ છે અને આર્થી ભાવના એ કાર્ય છે. સ્વર્ગની ઇચ્છાવાળી વ્યક્તિ એ અહીં ભાવયિતૃ (ઉત્પન્ન કરનાર) છે. અને સ્વર્ગની પ્રાપ્તિ એ ભવિતૃ (ઉત્પન્ન થનાર) છે. તેથી સ્વર્ગપ્રાપ્તિમાં પરિણમતી સ્વર્ગકામની પ્રવૃત્તિ એટલે કે યજ્ઞ કરવા માટેની તત્પરતા (પ્રવણતા) એ અહીં આર્થી ભાવના છે. સ્વર્ગપ્રાપ્તિરૂપી અર્થ(= પ્રયોજન)ને લગતી સ્વર્ગકામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાથી તેને ‘આર્થી ભાવના’ કહે છે તે યથાર્થ છે.
તેના ત્રણ અંશો હોય છે : (1) સાધ્ય, (2) સાધન અને (3) ઇતિકર્તવ્યતા.
પ્રસ્તુત ઉદાહરણ અનુસાર આ ત્રણ અંશો નીચે મુજબ છે : (1) સ્વર્ગાદિ ફલ એ અંતિમ પ્રયોજન હોવાથી યાગની અપેક્ષાએ ઈપ્સિતતમ બને છે. તેથી તે આર્થી ભાવનાનું સાધ્ય છે. (2) યાગ વગેરે એનું સાધન છે, કારણ કે તેના દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ શક્ય બને છે. તે બંનેને જોડતી કડી ‘અપૂર્વ’ છે (જુઓ ‘અપૂર્વ’). લિઙ્ વગેરેનું જ્ઞાન વ્યક્તિમાં યજ્ઞ કરવાની તત્પરતા ઉત્પન્ન કરે છે તેથી તે આર્થી ભાવના માટે કારક બને છે. (3) પ્રયાજ વગેરે અંગભૂત (ગૌણ) ક્રિયાઓનો સમૂહ એ આર્થી ભાવનાની ઇતિકર્તવ્યતા (પદ્ધતિ) છે.
મનસુખ જોશી