આર્થિક સ્વાતંત્ર્ય

January, 2002

આર્થિક સ્વાતંત્ર્ય : પ્રાપ્ત સંજોગોમાં ઉપલબ્ધ આર્થિક વિકલ્પોમાંથી વ્યક્તિની દૃષ્ટિએ ઇષ્ટ વિકલ્પની મુક્ત પસંદગી કરવાની સ્વતંત્રતા. તેમાં આર્થિક નિર્ણયો લેવાનો તથા તેનો અમલ કરવાનો-એમ બંને અધિકારો અભિપ્રેત છે. આર્થિક સ્વાતંત્ર્યનું એક મહત્વનું લક્ષણ તે આવક કઈ રીતે વાપરવી તે અંગેનું સ્વાતંત્ર્ય એટલે કે પોતાના માટે કઈ રીતે આવક ખર્ચવી, કઈ ચીજો પાછળ ખર્ચવી, કેટલી અને કયા સ્વરૂપમાં બચતો કરવી, કોને કેટલી આવક આપી દેવી વગેરેનું સ્વાતંત્ર્ય. આર્થિક સ્વાતંત્ર્યનું બીજું મહત્વનું લક્ષણ તે વ્યક્તિને તેના ખ્યાલો મુજબ તેનાં આર્થિક સાધનો વાપરવાનું સ્વાતંત્ર્ય. જેમ કે, નોકરી કરવી કે વ્યવસાય કરવો, કઈ નોકરી કે કયો વ્યવસાય કરવો, કોની પાસેથી શું ખરીદવું કે શું કોને વેચવું વગેરેનું સ્વાતંત્ર્ય. અલબત્ત, સરકારના નિયમોની મર્યાદામાં સ્વાતંત્ર્ય હોય છે; જેમ કે, ગમે તે વ્યક્તિ દાક્તર તરીકે કાર્ય ન કરી શકે. આર્થિક સ્વાતંત્ર્યનું ત્રીજું મહત્વનું લક્ષણ તે મિલકતને વ્યક્તિગત માલિકીમાં રાખવાનું, ઇચ્છા મુજબ વાપરવાનું અને વારસામાં આપવાનું સ્વાતંત્ર્ય. મિલકતના અધિકારો વ્યાપક આર્થિક સ્વાતંત્ર્યને શક્ય અને અસરકારક બનાવે છે. ખાનગી મિલકતના અધિકારોના અભાવમાં આર્થિક સ્વાતંત્ર્ય નિરર્થક બને છે અને તેથી મુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થામાં મિલકતના અધિકારો પાયાના ગણવામાં આવે છે.

ઍડમ સ્મિથ, જે. એસ. મિલ અને અન્ય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ મહત્તમ આર્થિક કલ્યાણની તેમની વિભાવનાના સંદર્ભમાં આર્થિક સ્વાતંત્ર્યના તત્વજ્ઞાન પર રચાયેલી સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણીની જોરદાર હિમાયત કરી હતી. આ વિચારસરણી મુજબ વ્યક્તિની સ્વહિત-પ્રેરિત આર્થિક પ્રવૃત્તિ દ્વારા માત્ર વ્યક્તિનું જ નહિ, પરંતુ સમાજનું પણ મહત્તમ કલ્યાણ થાય છે, કારણ કે સામાજિક કલ્યાણ એ વ્યક્તિગત કલ્યાણનો ગાણિતિક સરવાળો જ છે એમ તેમનું મંતવ્ય છે. આમ, સ્વૈરવિહારની સૈદ્ધાંતિક વિભાવનામાં વ્યવહારલક્ષી આર્થિક સ્વાતંત્ર્યનો ખ્યાલ અંતર્નિહિત છે. આર્થિક પ્રવૃત્તિ દરમિયાન રાજ્યના ‘આદેશ’ કે હસ્તક્ષેપ વિના, હૃદયના ઉલ્લાસથી પરસ્પર સહકાર સધાય તો જ સમાજનું કલ્યાણ સાધી શકાય અને તે માટે આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે એવી તેમની દૃઢ માન્યતા છે. 19મી સદીમાં અમેરિકા તથા ઇંગ્લૅન્ડમાં આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યના સંયોજને સુવર્ણયુગ સર્જ્યો હતો.

આર્થિક સ્વાતંત્ર્ય નિર્બંધ ન હોઈ શકે. આપણે પરસ્પર આધારિત સમાજમાં રહેતા હોવાથી હિતસંઘર્ષ, આર્થિક અસ્થિરતા, બિનસલામતી, અસમાનતા, ઇજારાશાહી વગેરે ભયસ્થાનો નિરકુંશ સ્વાતંત્ર્યને લીધે પરિણમે છે. આ પરિસ્થિતિ અટકાવવા માટે સ્વાતંત્ર્યને નિયંત્રિત કરવું પડે અને રાજ્યની બુદ્ધિસંગત હસ્તક્ષેપની ભૂમિકા સ્વીકારવી પડે. દા.ત., જાહેર સેવાઓનું નિયમન, તર્કસંગત કરમાળખાનું સંયોજન, સ્થિર નાણાપ્રબંધ, મુક્ત બજારનું રક્ષણ અને પોષણ વગેરે. મૂળભૂત રીતે તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો આર્થિક સ્વાતંત્ર્યનો ખ્યાલ વ્યક્તિ અને સમાજનાં પરસ્પર હિતોનો સમન્વય સધાય તેવા મહત્તમ સામાજિક કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં અર્થપૂર્ણ બને છે. કેટલાક સમાજોમાં વધુ પડતું સ્વાતંત્ર્ય ધરાવતા તેમજ વધુ પડતાં નિયંત્રણો મૂકતા સમાજે બંને અંતિમોના પરિણામરૂપ અનિષ્ટનો અનુભવ કરેલો છે, તેથી બંનેના ઇષ્ટ સમન્વયની દિશામાં વિશ્વમાં હવે પ્રયાસો થઈ રહ્યા છે. કેટલાક મૂડીવાદી દેશોમાં ઇજારાશાહી નાબૂદ કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી બન્યો છે, તો 1980 પછી ચીન, રશિયા તથા અન્ય સામ્યવાદી દેશોમાં આર્થિક સ્વાતંત્ર્ય તરફ ગતિ થતી જોઈ શકાય છે (જુઓ ઉદારમતવાદ).

બબાભાઈ સો. પટેલ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે