આર્થિક સમસ્યા

January, 2002

આર્થિક સમસ્યા : વૈકલ્પિક ઉપયોગ ધરાવતાં મર્યાદિત સાધનોના સંદર્ભમાં અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાના માનવીના પ્રયાસોમાંથી ઊભો થતો પસંદગીનો પ્રશ્ન. માનવીની જરૂરિયાતો અનંત છે. તે માટે તેનું શરીર અને વિશેષત: કદીય તૃપ્ત ન થતું તેનું મન જવાબદાર છે. વળી જરૂરિયાતો વારંવાર સર્જાય છે, જેમ કે જમ્યા બાદ અમુક સમયાંતરે ફરીથી જમવાની ઇચ્છા થાય છે. આવી જરૂરિયાતો તૃપ્ત કરવામાં ઉપયોગી ચીજો-સેવાઓ અને તેને પ્રાપ્ત કરવામાં મદદકર્તા નાણાં, શ્રમ, જમીન, મૂડી-નિયોજનશક્તિ સીમિત છે તથા તેમના વૈકલ્પિક ઉપયોગો થઈ શકે છે. આથી અછતની સમસ્યા સર્જાય છે. આવી અછત ભૂતકાળમાં હતી, આજે છે અને ભવિષ્યમાં પણ હશે જ. વ્યક્તિ અને સમષ્ટિની મોટામાં મોટી સમસ્યા અછતની છે. બધી જ ચીજોની છત હોય તેવું તો ભાગ્યે બને.

અછતને લીધે પસંદગી કરવી પડે છે; જેમ કે, આવક મર્યાદિત હોવાથી ગ્રાહકે કઈ ચીજ ખરીદવી તે નક્કી કરવું પડે છે. અછતને લીધે પસંદગીની જે સમસ્યાઓ આવક, ખર્ચ, વિનિમય કે શ્રમવિભાજન સાથે સંકળાયેલી હોય છે તેમને આર્થિક ગણવામાં આવે છે.

અછતની કે પસંદગીની બધી સમસ્યાઓ આર્થિક નથી હોતી; જેમ કે, કયું પુસ્તક ખરીદવું તે આર્થિક સમસ્યા છે, કેમ કે તે ગ્રાહકના ખર્ચ અને વેપારીની આવક સાથે નિસબત ધરાવે છે, પણ ખરીદેલાં બે પુસ્તકોમાંથી કયા સમયે કયું વાંચવું તે સમસ્યા આર્થિક નથી, કેમ કે તેને કોઈની આવક, કોઈના ખર્ચ, વિનિમય વગેરે સાથે કોઈ સંબંધ નથી.

આર્થિક સમસ્યાને લીધે લોકો પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. આ સમસ્યા બે રીતે ઉકેલી શકાય : (1) જરૂરિયાતોનું પ્રમાણ નિયંત્રિત કરીને અને (2) જરૂરિયાતોને તૃપ્ત કરતી ચીજ-સેવાઓનું પ્રમાણ વધારીને તથા તેમની ગુણવત્તા સુધારીને.

બબાભાઈ સો. પટેલ