આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ : સંકુચિત અર્થ પ્રમાણે કોઈ એક ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી જેવી બાબતોમાં જૂજ પેઢીઓનો હિસ્સો મોટો હોય તેવી સ્થિતિ. દા.ત., કોઈ ઉદ્યોગમાં થતા ઉત્પાદનમાં જો ટોચની ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોય તો એ ઉદ્યોગમાં કેન્દ્રીકરણ પ્રવર્તે છે એમ કહી શકાય. આવા કેન્દ્રીકરણને રોજગારીની રીતે પણ માપી શકાય, પરંતુ સામાન્ય શિરસ્તો ઉત્પાદન કે વેચાણના સંદર્ભમાં કેન્દ્રીકરણનું માપ કાઢવાનો છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જેને ઇજારો કે અલ્પહસ્તક ઇજારો (oligopoly) કહેવામાં આવે છે તેવા ઉદ્યોગો કે વ્યવસાયોમાં કેન્દ્રીકરણની સ્થિતિ જોવા મળે છે. જે ઉદ્યોગોમાં પેઢીઓની સંખ્યા અલ્પ (10-15) હોય તેને અલ્પહસ્તક ઇજારાની સ્થિતિ કહેવામાં આવે છે. અલબત્ત, મોટી સંખ્યામાં પેઢીઓ ધરાવતા ઉદ્યોગોમાં પણ કેન્દ્રીકરણ હોઈ શકે. ઉદ્યોગમાં 50-60 કે તેનાથી વધારે સંખ્યામાં પેઢીઓ હોય, પરંતુ ટોચની ત્રણ કે ચાર પેઢીઓ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં 50 ટકા કે તેનાથી વધારે મોટો હિસ્સો ધરાવતી હોય એવું કેટલાક કિસ્સાઓમાં જોવા મળે છે. એવા ઉદ્યોગમાં કેન્દ્રીકરણ થયેલું છે એમ કહી શકાય. જે ઉદ્યોગમાં એક જ પેઢી હોય, એટલે કે ઇજારો હોય તેમાં તો દેખીતી રીતે જ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે.
ઉદ્યોગમાં પ્રવર્તતા કેન્દ્રીકરણને એક ગુણોત્તર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ માટે વિભિન્ન ખ્યાલો રજૂ થયેલા છે; દા.ત., એક પદ્ધતિમાં ઉદ્યોગના કુલ ઉત્પાદન(વેચાણ)માં ત્રણ, ચાર કે પાંચ ટોચની પેઢીઓના હિસ્સાને ટકામાં દર્શાવવામાં આવે છે. આ ટકાવારી જેમ મોટી તેમ ઉદ્યોગમાં કેન્દ્રીકરણની માત્રા વધારે. બીજી પદ્ધતિમાં ઉદ્યોગના કુલ ઉત્પાદન(વેચાણ)ના 60, 75 કે 80 ટકા જેટલું ઉત્પાદન ટોચની કેટલી પેઢીઓ દ્વારા કરવામાં આવે છે તે સંખ્યાને ગુણોત્તર ગણવામાં આવે છે. જેમ એ સંખ્યા નાની તેમ કેન્દ્રીકરણની માત્રા વધુ.
ઉદ્યોગોના ક્ષેત્રે પ્રવર્તતા કેન્દ્રીકરણને ગ્રાહકોના દૃષ્ટિબિંદુથી વાંધાજનક ગણવામાં આવે છે. આવી આર્થિક સત્તા ધરાવતી પેઢીઓ એવી કેટલીક પ્રયુક્તિઓ અજમાવતી હોય છે, જે ગ્રાહકોના હિતમાં નથી હોતી. તેઓ પોતાના ઉત્પાદનમાં ઘટાડો કરીને વસ્તુની કિંમતને ઊંચી સપાટી પર રાખી શકે છે, પરસ્પર સમજૂતી સાધીને સ્પર્ધા કરવાનું ટાળી શકે છે. (આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેનું એક સારું ઉદાહરણ ‘ઓપેક’ છે.) તેઓ નવા હરીફોને પ્રવેશતા રોકવા માટે વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ અજમાવી શકે છે. આ પ્રકારની નીતિરીતિઓને પરિણામે ગ્રાહકોને, મુક્ત સ્પર્ધાની સ્થિતિમાં વસ્તુ માટે જે કિંમત ચૂકવવી પડે તેની તુલનામાં, વધારે કિંમત ચૂકવવી પડે છે. સરકાર વસ્તુ પર કર નાખે એને પરિણામે ગ્રાહકોને જેમ વસ્તુની વધારે કિંમત ચૂકવવી પડે છે તેમ ઉપર્યુક્ત આર્થિક સત્તાને કારણે પણ ગ્રાહકોને જે તે વસ્તુની ઊંચી કિંમત ચૂકવવી પડે છે; પરંતુ એક પાયાનો તફાવત છે : સરકારને કર નાખવાની સત્તા દેશના કાયદાએ આપી હોય છે; જ્યારે ઇજારદાર કે અલ્પહસ્તક ઇજારદારો એવી કોઈ સત્તા વિના જ ઊંચી કિંમતના રૂપમાં કર વસૂલ કરી લેતા હોય છે.
ઉદ્યોગોના વિકાસના દૃષ્ટિબિંદુથી પણ ઇજારાશાહીની રીતરસમો અમુક અંશે હાનિકારક નીવડે છે. પેઢીઓનો કિંમત ઉપર કાબૂ હોવાથી તેઓ ઊંચી કિંમત રાખીને અપેક્ષિત નફો રળી શકે છે. નફો કમાવા માટે ખર્ચ ઘટાડવાની કે વસ્તુની ગુણવત્તા સુધારવાની તેમને ફરજ પડતી નથી. (ભારતમાં 1980 પહેલાંનો મોટરકારનો ઉદ્યોગ તેનું એક જાણીતું ઉદાહરણ છે.) ઉદ્યોગમાં રહેલી જૂજ કે એક જ પેઢી વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લઈને જો નવી પેઢીઓના પ્રવેશને રોકવામાં સફળ નીવડે તો તેઓ દેખીતી રીતે જ ઉદ્યોગોના વિકાસને રૂંધે છે.
ઉદ્યોગોના ક્ષેત્રે આ પ્રકારનું કેન્દ્રીકરણ થવા માટે વિવિધ કારણો હોય છે. કેટલીક વસ્તુઓનું ઉત્પાદન મોટા પાયા પર (એટલે કે મોટા કદની પેઢીઓ દ્વારા) થાય તો ઉત્પાદનના સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. એવી વસ્તુઓ માટેની માંગ પ્રમાણમાં ઓછી હોય તો ઉદ્યોગમાં ત્રણ-ચારથી વધુ પેઢીઓને અવકાશ જ રહેતો નથી. કોઈ એક પ્રસ્થાપિત પેઢી દ્વારા વેચવામાં આવતી ‘વસ્તુ’ ખૂબ લોકપ્રિય બની ગઈ હોય છે. (ભારતમાં વેચાતી ટૂથપેસ્ટમાં એકલા કૉલગેટનો જ હિસ્સો 50 ટકા જેટલો છે.) આવા ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં પ્રથમ ત્રણ-ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકાથી વધી જતાં કેન્દ્રીકરણની સ્થિતિ સર્જાય છે. ઉદ્યોગમાં પ્રસ્થાપિત થયેલ જૂની પેઢીઓ વિવિધ પ્રયુક્તિઓ કરીને નવી પેઢીઓને ઉદ્યોગમાં પ્રવેશતી અટકાવે છે.
ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે કેન્દ્રીકરણ : ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે પ્રવર્તતા કેન્દ્રીકરણનો અભ્યાસ કરવાની કામગીરી ‘ઇજારાશાહી તપાસપંચે’ 1964-65માં બજાવી હતી. તે એક પ્રારંભિક અભ્યાસ હતો. પંચે ઉદ્યોગોના ક્ષેત્રે કેન્દ્રીકરણની વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી : કોઈ એક વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ત્રણ પેઢીઓનો હિસ્સો જો 50 ટકા કે તેનાથી વધુ હોય તો એ ઉદ્યોગમાં કેન્દ્રીકરણ થયું છે એમ કહી શકાય. કેન્દ્રીકરણની માત્રાના આધારે તેને નીચે પ્રમાણે ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યું હતું :
તીવ્ર કેન્દ્રીકરણ : જે તે વસ્તુના ઉત્પાદનમાં ત્રણ પેઢીઓનો હિસ્સો જો 75 ટકાથી વધારે હોય તો તેને તીવ્ર કેન્દ્રીકરણ ગણવામાં આવ્યું હતું. પંચને ભારતમાં જે ઉદ્યોગોમાં તીવ્ર કેન્દ્રીકરણ માલૂમ પડ્યું હતું તે આ પ્રમાણે હતું : બાળકો માટેનો દૂધ-આહાર, કેરોસીન, પેટ્રોલ, સૂકી બૅટરી, સીવવાના સંચા, ઘરવપરાશ માટેનાં રેફ્રિજરેટર, ઘડિયાળો, દીવાસળી, સાબુ, ટૂથપેસ્ટ, સ્કૂટર, સિગારેટ વગેરે.
મધ્યમ કેન્દ્રીકરણ : જે વસ્તુઓના ઉત્પાદનમાં ત્રણ પેઢીઓનો હિસ્સો 60 ટકાથી વધારે, પરંતુ 75 ટકાથી ઓછો હોય એ દાખલાઓમાં કેન્દ્રીકરણ મધ્યમ કક્ષાનું છે એમ માનવામાં આવ્યું હતું. બિસ્કિટ, વીજળી-પંખા, વીજળી-ગોળા, રેડિયો વગેરેના ઉત્પાદનમાં મધ્યમ સ્તરનું કેન્દ્રીકરણ પ્રવર્તતું હતું.
ઓછું કેન્દ્રીકરણ : જે ઉદ્યોગના ઉત્પાદનમાં ત્રણ પેઢીઓનો હિસ્સો 50 ટકાથી વધારે અને 60 ટકાથી ઓછો હોય એ ઉદ્યોગોમાં કેન્દ્રીકરણ ઓછું છે એમ માનવામાં આવ્યું હતું. ગરમ કાપડ, લખવા અને છાપવા માટેના કાગળ, પેન્સિલ વગેરેમાં ઓછું કેન્દ્રીકરણ માલૂમ પડ્યું હતું.
દેશમાં જે ઉદ્યોગોમાં ઉપરની વ્યાખ્યા પ્રમાણે કેન્દ્રીકરણનો અભાવ માલૂમ પડ્યો હતો તે આ પ્રમાણે હતો : ચા, કૉફી, ખાંડ, વનસ્પતિ ઘી, ધોતી, સાડી, ધાબળા વગેરે. (ધોતી અને સાડીનાં ઉદાહરણોથી એ સમજાશે કે ‘વસ્તુ’ની વ્યાખ્યાનો પાયો ઘણો નાનો રાખવામાં આવે છે. આ પ્રકારના વિશ્લેષણમાં ધોતી અને સાડીને ‘કાપડ’ના વિશાળ વર્ગમાં સમાવી લેવામાં આવતાં નથી.)
ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે જે કેન્દ્રીકરણ જોવા મળે છે તે કોઈ અસામાન્ય ઘટના નથી. મુક્ત સ્પર્ધા પર આધારિત અર્થવ્યવસ્થાનો ખૂબ જ પુરસ્કાર કરતા અમેરિકામાં ઉદ્યોગોના ક્ષેત્રે થતા ઉત્પાદનમાં 44 ટકા જેટલો ફાળો આપનાર 192 ઉદ્યોગમાં 1972માં કેન્દ્રીકરણ માલૂમ પડ્યું હતું. જે ઉદ્યોગોમાં ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકાથી વધુ માલૂમ પડ્યો હતો, તેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે : મોટરવાહનો (93 ટકા), સિગારેટ (84 ટકા), ઍલ્યુમિનિયમ (79 ટકા), વિમાનોનાં યંત્રોના છૂટા ભાગો (77 ટકા), ટાયર-ટ્યૂબ (73 ટકા), ઍરક્રાફ્ટ (66 ટકા), સાબુ અને ડિટર્જન્ટ (62 ટકા).
આર્થિક સત્તાના કેન્દ્રીકરણને દેશના સમગ્ર ઔદ્યોગિક માળખાના સંદર્ભમાં પણ તપાસવામાં આવે છે. આ ચર્ચા થોડી જટિલ બને છે. ભારતના સંદર્ભમાં એની સમજ બે રીતે આપી શકાય : (1) દેશમાં ઉદ્યોગોના ક્ષેત્રે કેટલાંક કુટુંબો ખૂબ જાણીતાં છે; દા.ત; તાતા, બિરલા, બજાજ, અંબાણી વગેરે. આ કુટુંબો વિવિધ ઉદ્યોગોમાં આવેલી અનેક પેઢીઓ પર અંકુશ ધરાવતાં હોય છે. (2) કેટલીક ઔદ્યોગિક પેઢીઓનું કદ એમની પાસે રહેલી અસ્કામતોના દૃષ્ટિબિંદુથી વિશાળ હોય છે. કાયદાના દૃષ્ટિબિંદુથી સંયુક્ત મૂડીકંપનીઓ કે કૉર્પોરેશનો એક ‘કાનૂની વ્યક્તિ’ છે. તેમને મિલકતો ખરીદવા-વેચવાનો અધિકાર છે. તેથી વિશાળ કદની પેઢીઓ પોતાના ઉદ્યોગમાં રહેલી કે અન્ય ઉદ્યોગોમાં રહેલી પેઢીઓને ખરીદી શકે, એમની સાથે જોડાણ કરી શકે અથવા નવી પેઢીઓ સ્થાપી શકે. આમ જે કાર્ય ઉદ્યોગોના ક્ષેત્રે કેટલાંક જાણીતાં કુટુંબો કરી શકે છે તે ઔદ્યોગિક પેઢીઓ પણ કરી શકે છે. અન્ય પેઢીઓ પર અંકુશ મેળવતી આવી વિશાળ કદની પેઢી પર કોઈ કુટુંબનો અંકુશ હોઈ શકે અને તે કુટુંબ પેઢીની અસ્કામતોનો ઉપયોગ કરીને પોતાની આર્થિક સત્તા વિસ્તારી શકે. આમ આર્થિક સત્તાનાં ઉક્ત બે સ્વરૂપો એકબીજાંથી સાવ અલિપ્ત નથી.
ભારતમાં ઇજારાશાહી તપાસ પંચે મોટાં ઔદ્યોગિક ગૃહો કે પેઢીઓની બાબતમાં એક માપદંડ અપનાવ્યો હતો. પંચે જેમની અસ્કામતો રૂ. પાંચ કરોડથી વધારે હોય તેમને મોટાં ઔદ્યોગિક ગૃહો ગણ્યાં હતાં. (પંચની પરિભાષામાં તેને દેશગત કેન્દ્રીકરણ-country concentration-કહેવામાં આવ્યું હતું.) એ ધોરણે પંચને ખાનગી ક્ષેત્રમાં 75 ઔદ્યોગિક ગૃહો મોટાં માલૂમ પડ્યાં હતાં. ખાનગી કૉર્પોરેટ વિભાગની કુલ અસ્કામતોમાં એ 75 ગૃહોનો હિસ્સો 47 ટકા હતો અને ભરપાઈ થયેલી મૂડીમાં તેમનો હિસ્સો 44 ટકા હતો.
ઉપર્યુક્ત 75 ઔદ્યોગિક ગૃહોમાં ટોચનાં 20 ઔદ્યોગિક ગૃહોનો વિચાર કરીએ તો કેન્દ્રીકરણનો વધુ સારી રીતે ખ્યાલ આવી શકે. ટોચનાં 20 ગૃહોમાં સમાવિષ્ટ પ્રત્યેક ગૃહ રૂ. 35 કરોડ કે તેનાથી વધુ અસ્કામતો પર અંકુશ ધરાવતું હતું. 75 મોટાં ઔદ્યોગિક ગૃહોની કુલ અસ્કામતોમાં તેમનો હિસ્સો 69 ટકા હતો; જ્યારે ભરપાઈ થયેલી મૂડીમાં તેમનો હિસ્સો 67 ટકા હતો. આમ ખરેખર જોઈએ તો ખાનગી કૉર્પોરેટ વિભાગમાં ટોચનાં 20 ઔદ્યોગિક ગૃહોમાં ગણનાપાત્ર કહી શકાય એવું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું : ખાનગી કૉર્પોરેટ વિભાગની લગભગ ત્રીજા ભાગની અસ્કામતો એ 20 ઔદ્યોગિક ગૃહોના અંકુશ નીચે હતી.
દેશમાં ટોચનાં 20 ઔદ્યોગિક ગૃહોમાં સમયાન્તરે બે ફેરફારો જોવા મળે છે : એક, 19-64માં જે ઔદ્યોગિક ગૃહોનો પ્રથમ 20માં સમાવેશ થતો હતો તે પૈકી કેટલાંક પોતાનું સ્થાન ટકાવી શક્યાં નથી; દા.ત., 1963-64માં સૂરજમલ નાગરમલનું ગૃહ ચોથા સ્થાને હતું, પરંતુ 1987-88માં તે પ્રથમ 20માં ન હતું. બીજી બાજુ, 1963-64માં રિલાયન્સનો સમાવેશ પ્રથમ 20માં થવાનો પ્રશ્ન જ ન હતો (એ ગૃહ એ સમયે અસ્તિત્વમાં જ ન હતું.), પરંતુ 1987-88માં તે ત્રીજા સ્થાને આવી ગયું હતું. બીજું, પ્રથમ 20માં સમાવિષ્ટ ગૃહોનો ક્રમ બદલાતો રહે છે. ઘણાં વર્ષો દરમિયાન તાતા અને બિરલા પહેલા સ્થાન પર બદલાતાં રહ્યાં હતાં.
દેશમાં ઉદ્યોગોના ક્ષેત્રે આર્થિક સત્તાના કેન્દ્રીકરણને સીમિત રાખવા માટે તેમજ ખાનગી ઇજારાશાહીનાં દૂષણોને નિવારવા માટે સરકાર દ્વારા બેત્રણ પગલાં ભરવામાં આવ્યાં છે : (1) જાહેર ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવ્યો, જેથી વિપુલ મૂડીરોકાણ માગી લેતા ઔદ્યોગિક એકમો પરનો અંકુશ ખાનગી હાથોમાં ન રહે, (2) આઠ-સોથી અધિક ઔદ્યોગિક ચીજોનું ઉત્પાદન નાના પાયાના ઔદ્યોગિક એકમો માટે અનામત રાખવામાં આવ્યું. આ બે પગલાં દ્વારા ખાનગી ક્ષેત્રની મોટી પેઢીઓ માટેના કાર્યક્ષેત્રને સીમિત કરવામાં આવ્યું. (3) ઇજારાશાહી અને પ્રતિબંધક પ્રયુક્તિઓને અટકાવવા માટે MRTP તરીકે જાણીતા થયેલા કાયદાનો જૂન 1970થી અમલ કરવામાં આવ્યો. (અંગ્રેજીમાં આ કાયદાનું આખું શીર્ષક આ પ્રમાણે છે : Monopolies and Restrictive Trade Practices Act). આ કાયદાને વખતોવખત સુધારવામાં આવ્યો છે.
ઉપર્યુક્ત કાયદાના બે પાયાના ઉદ્દેશો હતા : (1) સર્વસામાન્ય હિતને માટે હાનિકારક નીવડે એવા આર્થિક સત્તાના કેન્દ્રીકરણને અટકાવવું; (2) પેઢીઓ દ્વારા આચરવામાં આવતી ઇજારાત્મક, ગેરવાજબી અને સ્પર્ધાને અવરોધક પ્રયુક્તિઓ પર પ્રતિબંધ મૂકવો.
1991થી અમલમાં મૂકવામાં આવેલી નવી આર્થિક નીતિમાં જાહેર ક્ષેત્રના વિસ્તારને પડતો મૂકવામાં આવ્યો છે; એટલું જ નહિ, જાહેર એકમોના ખાનગીકરણની નીતિનો અમલ કરવામાં આવ્યો છે. આમ ઉદ્યોગોના ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના કાર્યપ્રદેશને વિસ્તારવામાં આવ્યો છે. એ જ રીતે ઇજારાશાહી અને પ્રતિબંધક પ્રયુક્તિઓને સ્પર્શતા (MRTP) કાયદાને પ્રતિબંધક પ્રયુક્તિઓ પૂરતો સીમિત બનાવી દેવામાં આવ્યો છે. આમ નવી આર્થિક નીતિમાં આર્થિક સત્તાના કેન્દ્રીકરણને રોકવાના પ્રયાસો પડતા મૂકવામાં આવ્યા છે. હવે સરકારની ઔદ્યોગિક નીતિનો એ ઉદ્દેશ જ રહ્યો નથી.
ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાલા